Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

નવજાત વાછરડાંનો કૃત્રિમ ઉછેર અને તેમાં ખીરાંનું મહત્વ

ભારત દેશ વિશ્વમાં સૌથી વધુ પશુધન ધરાવતો દેશ છે. વિશ્વની અડધાથી વધુ પ્રમાણમાં ભેંસો ભારતમાં આવેલી છે, તેમજ ગાયોની વસ્તી પણ ભારતમાં ઘણીજ છે. આ ઉપરાંત ઘેટાં-બકરાં જેવા નાનાં પ્રાણીઓની વસ્તી પણ નોંધપાત્ર પ્રમાણમાં છે. આ પાલતું પ્રાણીઓની વસ્તી ઉત્તરોત્તર ઝડપથી વધી રહી છે. ભારતે શ્વેતક્રાંતિ દ્વારા સમગ્ર વિશ્વમાં એક મોભાદાર સ્થાન હાંસલ કર્યું છે.

KJ Staff
KJ Staff
New Born Calf
New Born Calf

ભારત દેશ વિશ્વમાં સૌથી વધુ પશુધન ધરાવતો દેશ છે. વિશ્વની અડધાથી વધુ પ્રમાણમાં ભેંસો ભારતમાં આવેલી છે, તેમજ ગાયોની વસ્તી પણ ભારતમાં ઘણીજ છે. આ ઉપરાંત ઘેટાં-બકરાં જેવા નાનાં પ્રાણીઓની વસ્તી પણ નોંધપાત્ર પ્રમાણમાં છે. આ પાલતું પ્રાણીઓની વસ્તી ઉત્તરોત્તર ઝડપથી વધી રહી છે. ભારતે શ્વેતક્રાંતિ દ્વારા સમગ્ર વિશ્વમાં એક મોભાદાર સ્થાન હાંસલ કર્યું છે. આમ ભારતના આર્થિક વિકાસમાં પશુધન ક્ષેત્રનો ફાળો નોધનીય છે. દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારતમાં ગુજરાત રાજ્ય આગળ પડતું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં પ્રતિદિન દૂધની માથાદીઠ પ્રાપ્યતા 350 ગ્રામ છે,જે ભારતીય તબીબી અનુસંધાન પરિષદની ભલામણ 250 ગ્રામ પ્રતિદિન કરાતાં ઘણી વધુ છે. આમ ગુજરાત દૂધ ઉત્પાદન ક્ષેત્રે ઘણું આગળ પડતું છે.

ભારતમાં જે પશુધન છે તેની ઉત્પાદકતા વિશ્વની સરખામણીએ ઘણી જ ઓછી ગણી શકાય. આથી આપણે સારી કક્ષાનું પશુધન વધારવા તરફ ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી બની જાય છે. જ્યારે આપણે જાતે જ ઘરઆંગણે સારી કક્ષાના જાનવરો બનાવીશું ત્યારે પશુપાલન વધુ સફળ અને નફાકારક બની રહેશે. સામાન્ય રીતે મોટાં ભાગનું પશુધન ભારતનાં ગામડાંઓમાં છે અને આ પશુપાલકો દ્વારા જૂની પુરાણી રીતો મુજબ પશુપાલન કરતાં હોય છે, આથી તેમાં ઝડપી સુધારો જોવા મળતો નથી. તેથી પશુપાલનમાં આપણે જો વૈજ્ઞાનિક પદ્ધતિ અને ભલામણોને ધ્યાને રાખીશું અને કૃષિ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં રહી પશુપાલન કરીશું તો ચોક્કસ આપણે સારું પશુધન બનાવી શકીશું. આપણે વારંવાર દૂધાળા જાનવરોની ખરીદી માટે મોટી કિંમત ચૂકવવી પડે છે, તેને પણ બચાવી શકીશું અને પશુપાલનને વધુને વધુ નફાકારક બનાવશું.

જન્મ પહેલાં બચ્ચાંની સારસંભાળઃ

આમ ઉત્તમકક્ષાના જાનવરો બનાવવા હોય ત્યારે તેની શરૂાત નવજાત વાછરડાંની માવજતથી થાય છે. આ નવજાત બચ્ચાંઓ જ્યારે માતાના પેટમાં હોય ત્યારથી જ તેની કાળજી લેવી પડે છે. ગાયોમાં સામાન્ય રીતે લગભગ 9 માસ અને 9 દિવસ જેટલો ગર્ભધાનનો સમય હોય છે. આ સમયમાં છેલ્લાં ત્રણ માસનો જે સમયગાળો છે તે મા અને બચ્ચાં બંને માટે ઘણો મહત્વનો છે. કારણ કે આ સમય દરમિયાન બચ્ચાંનો વિકાસ ખૂબ જ ઝડપથી થતો હોય છે, આથી તેના વિકાસને પહોંચી વળવા માતાને પુરતાં પોષક તત્વો મળી રહે તે જરૂરી બની જાય છે. આ ઉપરાંત, ટૂંક સમયમાં માતાને પણ વિયાણ પછી દૂધ ઉત્પાદન કરવાનો સમય આવતો હોવાથી તેને પણ વધારાનો પોષક તત્વો પોતાના શરીરમાં જમાં કરવા પડે છે. જેથી તે વિયાણ બાદ ઉત્પાદન માટે જમા તત્વોનો ઉપયોગ કરી સારું ઉત્પાદન આપે છે. આમ, આ ત્રણ માસનો સમયગાળો માતા અને બચ્ચાં બંને માટે ખૂબ જ નાજુક ગણાય છે, તેથી આ સમયમાં ગાયને પૂરતું દાણ મળી રહે તે ખૂબ જ જરૂરી બની જાય છે. આ સમય દરમિયાન ગાયનાં ખોરાકમાં પુરતાં પ્રોટીન મળે તે માટે તેને વધારાનું દાણ આપવું જોઈએ અને દર પખવાડિયે તેને માત્રામાં વધારો કરવો જરૂરી છે. ગાયને દર 15 દિવસે 500 ગ્રામ જેટલું વધારાનું દાણ આપવું જોઈએ. આ પ્રક્રિયાને સ્ટીમીંગ અપ કહે છે. આ રીતે ખોરાકની કાળજી રાખવામાં આવશે તો આવતલ બચ્ચું ઘણું તંદુરસ્ત જન્મશે અને ગાય તેના દૂધાળા દિવસોમાં સારું ઉત્પાદન પણ આપશે.

જન્મ બાદ બચ્ચાની સારસંભાળ-

આમ, તંદુરસ્ત બચ્ચાંનો જન્મ એ સફળ પશુપાલનનું પ્રથમ પગલું છે, ત્યાર પછી આ નવજાત બચ્ચાંનો બાહ્ય ઉછેર શરૂ થાય છે. જન્મ બાદ વાછરુંને બે પ્રકારે ઉછેરી શકાય છે.

(1) કુદરતી પદ્ધતિ (નેચરલ સિસ્ટમ) (2) કૃત્રિમ પદ્ધતિ (વીનિંગ સિસ્ટમ)

કુદરતી પદ્ધિત (નેચરલ સિસ્ટમ)

કુદરતી ઉછેર પદ્ધતિમાં સામાન્ય રીતે બચ્ચાંનાં જન્મ પછી તેને તેની માતા સાથે રાખીને ઉછેર કરવામાં આવે છે. ભેંસોનાં બચ્ચાંનો ઉછેર કુદરતી પદ્ધતિથી કરવામાં આવે છે.

કૃત્રિમ પદ્ધતિ (વીનિંગ સિસ્ટમ)

આ પદ્ધતિમાં બચ્ચાંને તેની માતાથી અલગ કરીને તેનો સ્વતંત્ર ઉછેર કરવામાં આવે છે. સામાન્ય રીતે ભેંસોના પાડીયા ઉછેરમાં વીનિંગ પદ્ધતિને પુરતી સફળતા મળેલ નથી, તેથી ભેંસોના પાડીયાં ઉછેર કુદરતી રીતે જ કરવામાં આવે છે. પરંતુ ગાયોનાં વાછરડાંનાં કૃત્રિમ ઉછેરને સારી એવી લગભગ સો ટકા કહી શકાય તેવી સફળતા મળેલી છે. આમ, વાછરડાનાં કૃષિમ ઉછેરમાં તેનાં જન્મબાદ વાછરડાંને તરત જ તેની માતાથી અલગ કરી દેવામાં આવે છે. ત્યારબાદ સ્વચ્છ કપડાં કે કંતાનથી તેની આંખ શરીરને કોરું કરી દેવું પછી તેના નાક અને મોંમા રહેલા ચીકણાં પદાર્થને દૂર કરવો. જોબચ્ચુ શ્વાસ લેવાનું શરૂ ના કરે તોતેને આડુ સુવડાવી તેની છાતી પર બન્ને હાથ વડે પમ્પીંગ કરવાથી તેમજ તેના મોઢામાં ફૂક મારવાથી તેને શ્વાસોસ્છવાસની ક્રિયાને વેગ મળે છે. ત્યારબાદ તેનાં ડૂંટાની નાળ જો વધારે લાંબી હોય તો નાળને દોરીથી બાંધી 1-.15 ઈંચ જેટલી રાખીને વધારાની નાળનો ભાગ કાપી દેવો અને તેના પર ટીંચર આયોડિન લગાડવું. આમ કરવાથી ડૂંટો પાકવાની શક્યતા ઘટી જાય છે.

નવજાત બચ્ચાને દૂધ પીતા શીખવવું

સામાન્ય રીતે જન્મબાદ એક કલાકની અંદર ઉભુ થઈ ધાવવાનું કરે છે ત્યારે તેને જરૂરી મદદ કરવી. ગાયનું ખીરું એક સ્વચ્છ અને પહોળા વાસણમાં લઈ ,તેના હાથની આંગળીઓ ખારામાં બોળી તે બચ્ચાને ચટાડવી. આ રીતે આંગળીઓ ચટાડતા બચ્ચાને દૂધના વાસણમાં મોં બોળવા દેવું જેથી તે દૂધ પીવાની શરૂઆત કરશે. આ સમયે આપણા હાથની મોટી આંગળીને બચ્ચાના મોઢાંમાં રાખવી જેથી તેના નાકમાં દૂધ ચડી ના જાય. તેના નાકમાં દૂધ જવાથી ઘણી વખત તેને ન્યૂમોનીયી જેવા રોગનો શિકાર બની જાય છે.

નવજાત બચ્ચામાં ખીરાંનું મહત્વ

સામાન્ય રીતે ગાય-ભેંસ વગેરેમાં વિયાણ બાદ પ્રથમ જે દૂધ આવે તેને ખીરું, ચીક અથવા કરાઠું કહે છે. આ ખીરું ત્રણથી પાંચ દિવસ સુધી આવે છે. ખીરાંમાં ગ્લોબયુલીનનું પ્રમાણ દૂધ કરતા ઘણુ વધારે હોય છે,જે રોગપ્રતિકારક શક્તિ માટે મહત્વનું ગણાય છે. તદ્દઉપરાંત સામાન્ય દૂધની સરખમણીએ ખીરામાં પ્રોટીનનું પ્રમાણ 3થી 5 ગણુ હોય છે અને તેમા ખનીજદ્રવ્યો વધારે પ્રમાણમાં હોવાથી તે બચ્ચાનાં ઝડપી વિકાસ માટે મહત્વનો ભાગ ભજવે છે. સામાન્ય દૂધની સરખામણીએ ખીરામાં વિટામીન "એ"નું પ્રમાણ 5થી 15 ગણુ હોય છે. તેમજ અન્ય વિટામીનો પણ વધારે હોય છે, જે નવજાત બચ્ચાંના વિકાસ માટે ખૂબ જ મહત્વના છે.આમ, ખીરુ નવજાત બચ્ચાને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે અને વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. જન્મ સમયે બચ્ચામાં રોગપ્રતિકારક શક્તિ હોતી નથી, તેથી તે વિવિધ રોગોના ઝડપથી શીકાર બને છે. આથી તેમાં રોગપ્રતિકારક શક્તિ ઉત્પાદન કરવા માટે સમયસર ખીરું પીવડાવવું ખૂબ જરૂરી છે. તેમ જ રેચક હોવાથી બચ્ચાની ગર્ભકાળ દરમિયાન તેનાં આંતરડાંમાં રહેલા જૂના મળને તે સાફ કરે છે. આથી તેનાં આંતરડાં ઝડપથી કાર્ય કરતાં થાય છે. જન્મબાદ વાછરડાંને અડધા કલાકની અંદર 0.5થી 1 લીટર  ખીરું આપવું જરૂરી છે. કારણ કે શરૂઆતમાં વાછરડાંનાં આંતરડાંમાં ખીરુંમાંના તત્વોનું શોષણ વધારે થાય છે અને જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ આ શોષણ શક્તિ ઘટતી જાય છે અને પાંચ-છ કલાક પછી તેનું પ્રમાણ ઘણું જ ઘટી જાય છે, આથી નવજાત બચ્ચાંને જન્મબાદ જેમ બને તેમ વહેલું ખીરું પીવડાવવું જોઈએ. સામાન્ય રીતે વાછરડાંને આખા દિવસ દરમિયાન તેના વજનનાં દસ ટકા જેટલું ખીરું-દૂધ પીવડાવવું જોઈએ. દૂધની આ જરૂરિયાતને બેથી ત્રણ ટાઈમમાં ભાગ પાડીને પૂરી પાડવી. જો બચ્ચાને પાતળા ઝાડા થાય તો તે સ્વસ્થ્ય થાય ત્યાં સુધી દૂધનું પ્રમાણ અડધુ કે તેથી પણ ઓછું કરી દેવું. આમ ગાય-ભેંસના વિયાણ બાદ મેલી કે ઓર પડે તેની રાહ જોયા વગર બચ્ચાંને સમયસર ખીરું પીવડાવવું જોઈએ, જેથી તેને રોગપ્રતિકારક શક્તિ મળતાં તે સામાન્ય રોગોનો શિકાર બનતું નથી અને સારો વિકાસ કરે છે. આમ, વાછરડાનાં મરણ પ્રમાણને ઘટાડી શકાય છે અને આર્થિક નુકસાનમાંથી છૂટી શકાય છે.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More