Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

સફળ બકરીપાલન માટે અગત્યનું પરિબળ: આહાર વ્યવસ્થાપન

આહાર વ્યવસ્થાપનએ સફળ બકરીપાલન માટે ખુબજ અગત્યનું પરિબળ છે. બકરીની જુદી જુદી ભૌતિક અવસ્થાએ જો દૈનિક જરૂરિયાત મુજબનો ખોરાક આપવામાં આવે તો તેના શારીરિક વિકાસમાં હકારાત્મક પરિણામો જોવા મળે છે. બચ્ચાંના ઉછેરથી તેની પરિપક્વતા સુધી આપવામાં આવતો ખોરાક તેની ઉત્પાદકતામાં વધારો કરે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
બકરી પાલન
બકરી પાલન

આહાર વ્યવસ્થાપનએ સફળ બકરીપાલન માટે ખુબજ અગત્યનું પરિબળ છે. બકરીની જુદી જુદી ભૌતિક અવસ્થાએ જો દૈનિક જરૂરિયાત મુજબનો ખોરાક આપવામાં આવે તો તેના શારીરિક વિકાસમાં હકારાત્મક પરિણામો જોવા મળે છે. બચ્ચાંના ઉછેરથી તેની પરિપક્વતા સુધી આપવામાં આવતો ખોરાક તેની ઉત્પાદકતામાં વધારો કરે છે. આજ દિન સુધી બકરાપાલકો દ્વારા બકરીઓ માટે આપવામાં આવતા ખોરાક વિષે કોઈ ખાસ કાળજી લેવામાં આવતી નથી જેને પરિણામે તેઓએ ખાસ પ્રકારની નુકશાની ભોગવવી પડતી હોય છે. અહી આપણે બકરીઓની ખોરાક પ્રણાલી વિષે વિગતવાર ચર્ચા કરીશું.

સગર્ભા બકરીમાં આહાર વ્યવસ્થાપન:

અગ્રવર્તી સગર્ભા બકરીને સારો ચારો અથવા ચરીયાણ મળતા હોય તો માથાદીઠ દૈનિક ૨૦૦ ગ્રામ જેટલું ૧૮ થી ૨૦ ટકા પ્રોટીનવાળું સુમિશ્રિત દાણ ખવડાવવું જોઈએ. જો ચારા અથવા ચરીયાણની ગુણવત્તા સારી ન હોય તો દાણની માત્રા વધારીને ૩૦૦ ગ્રામ જેટલી કરી દેવી જોઈએ. જો કોઈ બકરીના ઉદરમાં બે કે વધુ બચ્ચાં હોવાનો અહેસાસ થતો હોય તો તેવા પશુને થોડુ વધુ (૧૦૦ ગ્રામ) દાણ આપવું જરૂરી છે. સુમિશ્રિત દાણ ઉપલબ્ધ ન હોય તો મકાઈ, જુવાર જેવા દાણા, ઘંઉની કુસકી અને ખાદ્ય તેલિબિયા ખોળ ૧:૧:૧ ના પ્રમાણમાં ભેળવી મિશ્રદાણ પણ ઘરે બનાવી શકાય, અપ્રચલિત દાણના સ્ત્રોતો જેવા કે કુંવાડિયાના બીજ, દેશી કે પરદેશી બાવળના પરડા, શિમડાની શીંગો, દેશી કે પરદેશી બાવળની શીંગો, ચુની વગેરે પણ ૧૦ થી ૨૦ ટકા સુધી મિશ્રદાણમાં ઉમેરી ખોરાકી ખર્ચ ઘટાડી શકાય. સગર્ભા બકરીઓને દૈનિક માથાદીઠ પાંચ ગ્રામ જેટલું ક્ષારમિશ્રણ આપવાથી ફાયદો થાય છે. સગર્ભા બકરીને દિવસમાં એકાદ વખત સ્વંચ્છ પાણી પિવડાવવાની વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

બકરીના બચ્ચાં માટે આહાર વ્યવસ્થાપન:

બચ્ચાંને તેની માતાનું પ્રથમ દૂધ (કરાંઠું અથવા ખીરૂં) જેમ બને તેમ વહેલું ધાવવા દેવું જોઈએ ખીરાંનો સમય અડધાથી એક કલાકનો ગણાય છે. તેનો મુખ્ય ગુણધર્મ ગર્ભકાળ દરમ્યાયાન બચ્ચાંના આંતરડામાં એકઠો થયેલ મળ બહાર કાઢવામાં ઉપયોગી હોય છે તેમજ તેમાં રહેલ રોગપ્રતિકારક તત્વો બચ્ચાંને ચેપી રોગ સામે રક્ષણ આપે છે. ખીરાંમા વધુ પ્રમાણમાં પ્રોટીન, ચરબી, ક્ષારો અને પ્રજીવકો (વિટામીન્સ) હોવાથી બચ્ચાંની શારીરિક વૃધ્ધિ ઝડપી બને છે. આથી તાજા જન્મેલાં બચ્ચાંને તેની માતાનું ખીરૂં દિવસમાં ૩ થી ૪ વખત ત્રણેક દિવસ સુધી ધાવવા દેવું ફાયદાકારક છે. આથી જ વિયાણના પ્રથમ ત્રણેક દિવસ સુધી બચ્ચાંને તેની માતા સાથે રાખવામાં આવે છે તેમજ તેની માની હૂંફ અને રક્ષણ પણ બચ્ચાંને મળતા રહે છે. બચ્ચાંની માતા મરી જવી કે અન્ય કોઈ કારણોસર તેનું ખીરૂં મળી શકે તેમ ન હોય તો બીજી કોઈપણ તાજી વિયાયેલી બકરીનું ખીરૂં ધવડાવી કે પીવડાવી શકાય છે. કોઈ સંજોગોમાં તાજુ ખીરૂં મળી શકે તેમ ન હોય તો દૂધમાં ૧૦ મિલી દિવેલ અને જરૂરી વિટામીન્સ ઉમેરીને બચ્ચાંને દિવસમાં ત્રણેક વખત પીવડાવવું જોઇએ. એટલું યાદ રાખીએ કે ખીરૂં કે દૂધ બચ્ચાંને વધારે આપવા કરતાં યોગ્ય માત્રામાં દૈનિક ૨૦૦ થી ૩૦૦ ગ્રામ દિવસમાં ૩ થી ૪ વખતમાં આપવું જોઈએ. વધારે પડતું ખીરૂં કે દૂધ આપવાથી બચ્ચાંને પેટની તકલીફ પડે છે અને ઝાડા પણ થઈ જાય છે.

પ્રથમ માસ સુધીનો ઉછેર અને આહારઃ

આ ઉંમરે બચ્ચાંને તેમના વજનના ૧૦ ટકા જેટલું દૂધ દરરોજ ધાવવા દેવું જોઈએ. શરૂઆતમાં બચ્ચાંઑને ૧૦ દિવસ સુધી દરરોજ ૩ થી ૪ વખત ત્યારબાદ બે વખત ધવડાવવા જોઈએ. નાનાં બચ્ચાં જલ્દીથી દાણ ખાતા થાય તે માટે દરરોજ દાણ ચોખ્ખા વાસણ કે ગમાણમાં થોડું થોડું મુકવું અને શરૂઆતમાં તેની ઉપર થોડું દૂધ છાંટી આપવું. બચ્યું એક મહિનાની ઉંમર સુધીમાં દરરોજનું ૧૦૦ ગ્રામ જેટલું દાણ ખાતા શીખી જવું જોઈએ. બચ્ચાં માટેનું દાણ ખૂબ જ પોષ્ટીંક, સુપાચ્ય અને સ્વાદિષ્ટ હોવું જોઈએ. આ માટે ભરડેલી મકાઈ, મગફળી, ખોળ, ક્ષારમિશ્રણ, ગોળની રસી વિગેરે મિશ્ર કરીને દાણ તૈયાર કરી શકાય છે તેમજ તેઓ જલ્દી ઘાસ ખાતા શિખે તે પણ જરૂરી છે. બચ્ચાંને લીલાચારાનો સારી રીતે સુકવેલો રજકો પણ ખવડાવી શકાય.

મોટા બચ્ચાંનો ઉછેર અને માવજત:

બચ્ચાંને દરરોજ પાંચ ગ્રામ જેટલું ક્ષારમિશ્રણ આપવું. માંસ માટેના બચ્ચાંને દાણ ખવડાવવાનું પ્રમાણ દરરોજ ૧૦૦ ગ્રામથી વધારીને ધીરે ધીરે ત્રણ માસની ઉંમરે ર૫૦ ગ્રામ અને છ માસની ઉંમરે ૫૦૦ ગ્રામ જેટલું કરવું જોઈએ. બચ્ચાંના રોજબરોજના આહારમાં ફેરફાર ધીરેધીરે કરવા જોઈએ. બે થી ત્રણ માસની ઉંમરે રેષાવાળો ખોરાક પચાવવા માટે જરૂરી પ્રથમ આમાશય (રૂમેન) પુરેપુરુ વિકાસ પામી ગયેલ હોવાથી બચ્ચાંને ત્રણ-ચાર માસની ઉંમરે ધાવણ છોડાવવામાં આવે છે. બચ્ચા ત્રણ માસ સુધીમાં ૧૦ થી ૧૨ કિ.ગ્રા. અને છ માસ સુધીમાં ૧૮ થી ૨૦ કિ.ગ્રા. વજનનાં થવા જોઈએ.

વિયાણ બાદ બકરીમાં આહાર વ્યવસ્થા:

વિયાણ થઈ ગયા બાદ બકરીને અડધો લીટર ઉકાળેલા પાણીમાં એકાદ મૂઠી બાજરીનો લોટ નાખી તે પી શકે તેટલા ઉષ્ણ તાપમાન સુધી ઠરવા દઈને પીવડાવવું જોઈએ. ત્યારબાદ બે કે ત્રણ કલાકે અડધો લીટર ઉકાળેલા પાણીમાં ૨૫૦ ગ્રામ ઘઉંનું ભુસુ અને એક ચમચી મીઠુ નાંખીને તેમાં થોડુ સુકુ ભુસુ ભભરાવીને કપડાંથી ઢાંકી ઠંડુ પડવા દઈને ખવડાવવું જોઈએ. વિયાણ થયેલ બકરીને પ૦૦ ગ્રામથી વધારે પડતું દાણ આપવું હિતાવહ નથી. તાજી વિયાયેલ બકરીને વધારે પડતી ગરમી તેમજ ઠંડી સામે રક્ષણ મળી રહે તેવી વ્યવવસ્થા કરવી જોઈએ. બકરીઓ મોટા ભાગે વિયાણ થયાના એક માસ બાદ તુરંત ગરમીમાં આવી જાય છે પરંતુ ૪૦ દિવસ બાદ જ ગાભણ થવા દેવી જોઈએ.

દુધાળ બકરીમાં આહાર વ્યવસ્થા:

એક પુખ્ત વયની બકરીને દરરોજ આશરે ૧.૪ થી ૧.૮ કિગ્રા સુકોચારો જોઈએ. આ પૈકી ૯૦૦-૧૩૦૦ ગ્રામ સુકોચારો, પાંદડા, ડાંળખા તથા ૪૦૦-૪૫૦ ગ્રામ અન્ય વનસ્પતિ આપી શકાય. ચારાની ગુણવત્તા અને પ્રાપ્યતા અનુસાર, એક પુખ્ત વયની બકરીને દૈનિક ૨૨૫ ગ્રામ શરીરના નિભાવ માટે આપવુ જોઈએ. ઉત્તમ કે સારી ગુણવાતા ધરાવતો કઠોળ અને કઠોળની આડ પેદાશનો ચારો મળતો હોય તો નિભાવ માટે દાણ ન આપવામાં આવે તો પણ ચાલે. દુઝણી બકરીને દર ૪૫૦-૪૬૦ ગ્રામ દુધ ઉત્પાદન દીઠ ૧૫૦ ગ્રામ વધારાનું દાણ આપવું જોઈએ. બકરીને અપાતું દાણ મિશ્રણ એક ભાગ, ઘઉંનું ભુસું તથા મકાઈનો ભરડો ર ભાગ, સીંગનો ખોળ એક ભાગ તેમાં એક ટકાના હિસાબે મીઠું ઉમેરવું જેથી દાણ સ્વાદિષ્ટ થશે અને બગાડ ઓછો થશે. દાણમાં સરેરાશ ૧૪ ટકા પ્રોટીન હોય એ પુરતું છે. જો દાણ મોધું પડતું હોય તો તેમાં બાવળીયાની સીંગો, બોરડીનો પાલો, આંબલીનો પાલો આપવો અને દાણનું પ્રમાણ અડધાથી ઓછું કરી નાંખવુ. વસુકેલી બકરીને જો સારો ચારો મળતો હોય તો દાણ આપવાની જરૂર નથી એક સાથે બધો ખોરાક બકરીને નીરવામાં આવે તો બગાડ બહુ કરે છે. આથી બકરીને દિવસમા બે-ચાર વાર થોડું-થોડું નીરણ આપવું જેથી દાણ અને ઘાસચારાનો બગાડ ઓછો થશે. બકરાંને જોઈએ તેટલું સ્વચ્છ અને ચોખ્ખું પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ જેથી તેના ઉત્પાદન પર સારી અસર થાય.

આમ, ઉપર જણાવ્યા મુજબ બકરાપાલક દ્વારા જો વૈજ્ઞાનિક ઢબે બકરીનું આહાર વ્યવસ્થાપન જાળવવામાં આવે તો ચોક્કસ પણે બકરીઓ માથી સારું ઉપાર્જન મેળવી શકે છે અને બકરીની તંદુરસ્તી પણ જળવાઈ રહે છે.

સૌજન્ય: 

ડૉ. જે. બી. બુટાણી, ડૉ. ડી. એમ. પટેલ અને ડૉ. સી. ડી. પંડયા

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સીટી, વ્યારા (તાપી) - ૩૯૪૬૫૦

ફોન નં.: 9979288625.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More