નમસ્કાર, પશુપાલક ભાઈઓ, ખેડૂત મિત્રો, કૃષિ જાગરણના આ પશુપાલન વિશેષ લેખમા આપણે પશુપાલનની અલગ અલગ અગત્યની બાબતો વિશે વાત કરતા હોઈએ છીએ. તમારા મુખ્ય પ્રશ્નો અમને બહોળા પ્રમાણમા કૃષિ જાગરણ થકી મળતા રહે છે અને એને ધ્યાનમા રાખીને જ આપણે મુદ્દાની પસંદગી કરતા હોઈએ છીએ, તો હાલના સમયની મુખ્ય અને ગંભીર સમસ્યાઓ પૈકીની એક એટલે માદા પશુઓમાં ગાભણ ન થવાની સમસ્યા છે. આ બાબતમાં આજે આપણે વિસ્તારથી વાત કરવી છે અને ખાસ તો પૂરી વિગતવાર વાત કરવી છે.
પશુપાલક ભાઈઓ, આપણો ભારત દેશ એક ખેતીપ્રધાન દેશ છે. પરંપરાગત રીતે આપણે ખેતીવાડી સાથે પશુપાલનને પણ એક પૂરક વ્યવસાય તરીકે અપનાવેલ છે, અને હાલના સમયમાં સરકારશ્રી દ્વારા પણ ઘણી સહાયકારી યોજનાઓ પશુપાલકોને મળતા પશુપાલન સ્વતંત્ર વ્યવસાય તરીકે પણ ઉભરી રહ્યો છે, કારણ એવું છે કે ખેતીમાં ઘણી વખત ગંભીર પરિસ્થિતિનો સામનો આપણે કરવો પડે છે. ઘણી વખત દુષ્કાળની પરિસ્થિતિ આવે છે, ત્યારે ઘણી વખત અતિવૃષ્ટિની પરિસ્થિતિ પણ આવે છે. આવા સમયે ખેતી ની સાથે સાથે પશુપાલન કરતા ભાઇઓના જીવન નિર્વાહનો રોજિંદો ખર્ચ પશુપાલનમાંથી નીકળી જતો હોય છે.
કોરોના સમયના કપરા કાળમા પણ આ વ્યવસાય થકી જ અનેક પરિવારોનો જીવનનિર્વાહ ચાલેલો. પરંતુ જો આવા કોઈ સમયે આપણું પશુધન કોઈ રોગ કે બીમારી અંતર્ગત સપડાય અથવા તો જે આપણે વાત કરવી છે તેમ વ્યંધત્વથી (ગાભ ન રાખે) પીડાઈ તો પશુપાલકના જીવનનું આ સાધન પણ છીનવાઈ જતું હોય છે. જેથી કરીને આપણા પશુધનનું આરોગ્ય જળવાઈ અને તેની આવનારી સંતતિ બાબતે આપણા દ્વારા યોગ્ય વ્યવસ્થાપન-સંચાલન થાય તે જોવાની આપણી એક જાગૃત પશુપાલક તરીકે ફરજ બને છે.
તો આ બાબતમાં પશુપાલકને મૂંઝવતી પશુ પ્રજનનની સૌથી મોટી સમસ્યા હોય તો તે છે, પશુમાં ગાભ ન રહેવાની સમસ્યા અને પશુની ઉથલા મારવાની સમસ્યા અર્થાત પશુ વેતર (ગરમી)માં આવતી વખતે વારંવાર નિયત સમયે યોગ્ય બીજદાન કરાવવા છતાં અથવા તો કુદરતી સમાગમ માટે પશુને લઈ જવા છતાં માદા પશુ પાછું ફરે છે, ગાભણ થતું નથી. તો આ મુખ્ય સમસ્યા માટે કોઈ એક કારણ પશુ ચિકિત્સકીય વિજ્ઞાનમાં દર્શાવવામાં આવેલ નથી.
મુખ્ય વાત એ છે કે આ ગંભીર સમસ્યા માટે એક અથવા એક કરતાં વધારે પરિબળો (કારણો) જવાબદાર બનતા હોય છે. આ કારણોમાં મુખ્ય પરિબળો વિશે વાત કરીએ કે જે જવાબદાર હોય છે તેમાં ૧) પ્રજનન અવયવોને લગતી ખામીઓ, ૨) જનનાંગોમાં ચેપ/બગાડ, ૩) પ્રતિકૂળ આબોહવા, ૪) અસંતુલિત અને અપૂરતો ખોરાક- સૂક્ષ્મ ખનીજ તત્વોની ઉણપ, ૫) રોગપ્રતિકારક શક્તિનો અભાવ, ૬) સાર-સંભાળ તેમજ માવજત અંગેની ખામીઓ, ૭) એન્ટિબાયોટિક્સ તથા વ્યંધત્વ નિવારણ દવાઓ, ખાસ કરીને અંતઃસ્ત્રાવોની આડઅસરો, ૮) જવાબદાર અંતઃસ્ત્રાવોનું અસંતુલન, ૯) પ્રજનન અવયવો પૈકી ગર્ભાશય, ગ્રીવા (કમળ) કે તેના સૂક્ષ્મ કોષોની વિકૃતિ, ૧૦) વારસાગત લક્ષણો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ દરેક કારણો ખુબ અગત્યના છે.
પશુપાલક ભાઈઓ, વૈજ્ઞાનિક શોધખોળો અને તે ઉપરાંત કતલખાનામાંથી મેળવેલા પશુના જનનાંગોના સ્ટડી પરથી એવી માહિતી જાણવા મળેલ છે કે, વ્યંધત્વનું પ્રમાણ કામચલાઉ ૨૦.૩૫ ટકા જેટલું તથા કાયમી ૪.૩૫ ટકા જેટલું હોય છે. એટલે કે પશુઓમાં મોટે ભાગે કામચલાઉ પ્રકારનું વ્યંધત્વનું પ્રમાણ જોવા મળે છે, કે જેનો ઉકેલ આપણે સુપેરે સમજી યોગ્ય વ્યવસ્થાપન કરી, યોગ્ય ડોક્ટરી સારવાર થકી લાવી જ શકીએ છીએ. જ્યારે કાયમી વ્યંધત્વના મૂળમાં જે મહત્વના જનનાંગો હોય, ખાસ કરીને અંડવાહિનીની નલિકામાં અંતરાય કે અવરોધ મુખ્ય બાબત જણાયેલ છે.
મતલબ, પશુપાલક ભાઈઓ આ સમસ્યાનો આપણે ઉકેલ લાવી જ શકીએ, પરંતુ આ બાબતે આપણે થોડા જાગૃત બનવું પડશે, સચેત થવું પડશે. એક અન્ય બાબતમાં જોઈએ તો અમુક ચોક્કસ મહિનામાં કે ઋતુ સમય-ગાળામાં આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણા મુખ્ય દુધાળા પશુઓ ગાય વર્ગ અને ભેંસ વર્ગના પશુઓમાં પ્રજનન કાર્ય સરળતાથી થઈ શકે છે. તો એ સમય આપણે ધ્યાનમાં રાખવો જોઈએ.
ઘણા મિત્રોને આ વાત ધ્યાનમા જ હશે, જેમ કે ગાય વર્ગના પશુ લગભગ લગભગ ઉનાળાની શરૂઆતના મહિનાઓમાં એટલે કે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ તથા ભેંસ વર્ગના પશુ શિયાળાની ઋતુમાં એટલે કે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી મહિનાઓમાં સહેલાઈથી વેતરે આવી અને ગર્ભ ધારણ કરી શકે છે. જ્યારે આ સિવાયના દિવસોમાં વ્યંધત્વ માટે આ પ્રતિકૂળ આબોહવા/વાતાવરણનું પરિબળ પણ અન્ય પાસાઓ સાથે આપણને ભાગ ભજવતું દેખાય છે.
ગરમીના દિવસોમાં ગાય-ભેંસને છાંયડે બાંધી, શરીર પર વારંવાર પાણી છાંટી, ભેંસ વર્ગનું પશુ હોય તો તળાવમાં જલવિહાર અપાવ્યા બાદ તેને ઠંડક અપાવ્યા બાદ જો ખૂબ જ કાળજીપૂર્વક અનુભવી બીજદાન કાર્યકર પાસે બીજદાન કરાવવામાં આવે તો પશુને ગાભણ થવાની શક્યતા વધારે રહેતી હોય છે. આમ પ્રતિકૂળ વાતાવરણમાં પશુને ગાભ રાખવા માટે એને પોતાને અનુરૂપ સાનુકૂળ વાતાવરણ આપણા દ્વારા પૂરું પાડવામાં આવે તે પણ ખૂબ જ જરૂરી છે.
પશુપાલક મિત્રો, આપણુ પશુ યોગ્ય સમયે ગાભણ થાય એ ખુબ જ જરૂરી છે, નફાકારક પશુપાલનનો પાયો બે વિયાણ વચ્ચે બહુ લામ્બો સમય ના રહે તેના પર જ ટકેલો હોય છે. સતત સંવર્ધન અને વારંવાર આપણે ઉતાવળને લીધે કરવામાં આવતું સંવર્ધન જે કૃત્રિમ બીજદાન પણ હોઈ શકે અને પશુનો કુદરતી સમાગમ પણ હોઈ શકે તો આમાં અપૂરતી કાળજીથી કૃત્રિમ બીજદાન કરાવવામાં આવે કે સમાગમ કરાવવામાં આવે તો માદા પશુને પ્રજનન અંગોનો ચેપ લાગે છે. માદા પશુ કુદરતી સમાગમ વખતે વ્યવસ્થિત ઊભું રહે નહીં અને તોફાન કરે તો પણ તેને ઈજા થવાની શક્યતા રહે છે. આમ સમાગમ તેમજ બીજદાન વેળાએ જંતુમુક્તતા અંગે અને પશુને કોઈ ઈજા ન થાય તે બાબતે આપણે સાબદા રહેવું ઘટે. તેમ છતાં જો જંતુમુક્તતા ન જળવાઈ અને આપણા પશુને જીવાણુઓ, વિષાણુઓનો ચેપ લાગે તો સત્વરે ચેપ બાદ જોવા મળતા બગાડનું પ્રાયોગિક પરીક્ષણ કરાવી અને કૃત્રિમ બીજદાન બાદ જરૂર જણાય તો એન્ટીબાયોટિક્સ દવાનો ઉપયોગ અનુભવી ડોક્ટર પાસે કરાવી અને પશુની તંદુરસ્તીમાં ધ્યાન આપવું જોઈએ. આમ કરવાથી વધારે બગાડનું પ્રમાણ અટકાવી શકાય છે. સાથે સાથે જો આ બગાડ વધી જાય તો પશુ કાયમી ધોરણે વ્યંધત્વ ધારણ કરતુ હોય છે, એવા કિસ્સાઓ પણ ક્ષેત્રીય કામગીરી દરમિયાન અમોને જોવા મળેલ છે.
હાલના આધુનિક વૈજ્ઞાનિક સંશોધનો અને પ્રયોગો દ્વારા એ સિદ્ધ થયેલું છે કે કૃત્રિમ બીજદાનમા વાપરવામાં આવતા થીજવેલ વીર્યનો જો ગરમીમાં આવતી ભેંસો માટે અનુભવી બીજ્દાન વર્કર દ્વારા ઉપયોગ કરવામાં આવે તો ધારી સફળતા મળી શકે છે અને ઉથલા મારવાની સમસ્યા ઘટાડી શકાય છે. આમ ઋતુ, સમયગાળા તથા આબોહવાની પશુના ગરમીના સમય, ઋતુચક્ર તથા શરૂઆતના ગર્ભ અને બચ્ચાના વિકાસ વગેરે પરિબળો પણ સારો એવો ફાળો હોય છે.
પશુપાલક મિત્રો, આપણા માદા પશુઓમાં જન્મજાત ખામીથી કે જો અગાઉ બે ત્રણ વેતર પશુના થઈ ગયેલ હોય, વિયાણેલું હોય તો વિયાણ બાદ ગર્ભાશયમાં થઈ ગયેલા વધુ પડતા બગાડથી બંને બાજુની અંડવાહિની નલિકા બંધ થઈ જાય છે એટલે કે કાં તો એ જન્મજાત બંધ હોય એવું પણ બને અથવા ગર્ભાશયના બગાડથી બંધ થઈ ગઈ હોય તો આ બંને બાબત દર્શાવે છે કે પછી આપણે ગમે એટલા પ્રયત્ન કરીએ પણ આપણું પશુ ગાભ રાખતું નથી, વારંવાર ઉથલા મારે છે. કારણ કે આ પરિસ્થિતિમાં તે કાયમી વ્યંધત્વથી પીડાતું હોય છે તો આ બાબત આપણે ધ્યાને લેવી ખાસ જરૂરી છે. આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી.
પશુપાલક મિત્રો, આપણા માદા પશુધન જો ગર્ભ ન રાખતું હોય, ગાભણ ન થતું હોય અને ત્રણ ચાર વખત બીજદાન કરાવ્યા છતાં ઉથલા મારતું હોય તો આ બાબતમાં આપણે વિચારી લેવું પડે કે હવે ચોક્કસ નિદાન તેમજ સાચી અને યોગ્ય સારવારની જરૂર છે. અમારી ફરજ દરમિયાનના ક્ષેત્રીય અનુભવે જણાયું છે કે ઘણા પશુપાલક ભાઈઓ યોગ્ય લાયકાત ના ધરાવતા વ્યક્તિ પાસે સારવાર અને માર્ગદર્શન લેતા હોય છે જે સરવાળે પશુ માટે અને પશુપાલક માટે સારું સાબિત થતું નથી, પશુ બીમાર હોય તો પશુનું આરોગ્ય વધારે કથળે છે.
આ બાબતમાં વ્યક્તિગત દેખરેખ સાથે નિષ્ણાંત પશુચિકિત્સક દ્વારા નિદાન કરાવવું જોઈએ અને યોગ્ય સારવાર કરાવવી જોઈએ, કારણકે યોગ્ય લાયકાત ધરાવતા પશુ ચિકિત્સક દ્વારા આવા ઉથલા મારતા અને ગાભ ન રાખતા પશુઓના નિદાન માટે અલગ અલગ પાસાઓ પ્રત્યે ધ્યાન આપી એનું નિદાન કરી યોગ્ય પગલાં લેવા કે સૂચવવામાં આવે છે કે જે સરવાળે આપણા પશુ માટે અને આપણા માટે પણ હિતમાં હોય છે. જે દરેક પાસા ખાસ ધ્યાને લેવામાં આવે છે તે છે ૧) સંપૂર્ણ પ્રજનન અવયવનું પરીક્ષણ, ૨) ગર્ભાશયમાં ચેપ/બગાડ સામે પ્રાયોગિક ચકાસણી અને લાગુ પડી શકતી અસરકારક દવાઓનો ઉપાય, ૩) રજગ્રંથીમાંથી એટલે કે અંડપિંડ માંથી બીજ છૂટું પડવા અંગેની વિગતવાર તબીબી સારવાર, ૪) અંડવાહિની નલિકાની વૈજ્ઞાનિક ચકાસણી અને સલાહ સૂચન, ૫) પ્રજનન અંગોની વિકૃતિનો અભ્યાસ અને યથોચિત/સચોટ માર્ગદર્શન અને સારવાર. આ બધા પાસાઓને ઊંડાણપૂર્વક ધ્યાને લઈ અને પશુ ચિકિત્સક દ્વારા સારવાર અને સલાહ સુચન આપવામાં આવતા હોય છે.
પશુમાં ઉથલા અટકાવવાના ઉપાયો... તો પશુપાલક ભાઈઓ, આપણા માદા પશુઓમાં ઉથલા મારવા અને ગાભ ન રહેવા અંગે જુદા જુદા દરેક ક્ષેત્ર બાબતમાં વિચારવું જોઈએ. પશુપાલન વ્યવસ્થાપન બાબતમાં ખાસ જોઈએ તો ખોરાક-માવજતની ખામી તેમજ બીજદાન સમય અને સ્થળમાં થતી ખામીઓ, જીવાણુશાસ્ત્રની નજરે જોઈએ તો ગર્ભાશયમાં થતો ચેપ/બગાડ, પેથોલોજી એટલે કે વિકૃતિ શાસ્ત્ર બાબતમાં જોઈએ તો આપણે જેમ વાત કરી એમ કોષ રચનામાં થયેલ વિકૃતિ, જેને પરિણામે પ્રજનન અંગોમાં આવેલી વિકૃતિ, અંતઃસ્ત્રાવમાં થયેલો ફેરફાર વગેરે આ કારણ માટે મુખ્ય રીતે જવાબદાર હોય છે.
તબીબી દ્રષ્ટિએ આ બધા પાસાઓને ધ્યાનમાં રાખી, પશુના ઉથલા મારવા સામે યોગ્ય નિદાનથી આ સમસ્યાને અટકાવવા ખાસ નીચે મુજબના પગલાં લઈ શકાય...
સૌપ્રથમ તો ઉથલા મારવા અંગે સામૂહિક પ્રશ્ન માટે ગરમી/વેતરે આવતા માદા પશુઓની નિયમિત નોંધણી કરવી અને ઉચીત સમયે કૃત્રિમ બીજદાન કરવું અથવા તો કુદરતી સમાગમ માટે પશુને લઈ જવું. આ બાબત એક રીતે જોઈએ તો સારી રીતે પશુપાલન કરવા માટે, નફાકારક પશુપાલન કરવા માટે પણ નોંધપોથી નિભાવવી અગત્યની છે કે જેમાં આપણાં પશુધનની દરેક બાબતની આપણે નોંધ રાખતા હોઈએ. આપણા પશુધનમાં વેતર/ગરમીની યોગ્ય ઓળખ, સમયસર બીજદાન અને લાંબા વેતરમાં એટલે કે પશુ જો લાંબો સમય સુધી ગરમીમાં રહે તો બીજા દિવસે ફરી બીજદાન કરાવવું એ ખૂબ જ અગત્યની બાબત છે.
જો આપણે કૃત્રિમ બીજદાનનો વિકલ્પ નથી અનુસારતા, તો માદા પશુઓને ફલિત કરાવવા, ફેળવવા માટે વપરાયેલ સાંઢ/પાડાની વીર્ય ગુણવત્તા ઉત્તમ પ્રકારની તથા તેનું વીર્ય ગતિશીલ શુક્રાણુવાળુ હોય તે પણ એટલું જ અગત્યનું છે. ઘણી વખત કુદરતી રીતે ફેળવવા બાબતમાં એ જ પ્રશ્ન બનતો હોય છે કે માદામાં કોઈ સમસ્યા ન હોય, પરંતુ ઘણી વખત ફેળવવા માટે વપરાયેલ સાંઢ અથવા પાડાના વીર્યમાં ગતિશીલ શુક્રાણુની કમી હોય, મૃત શુક્રાણુઓનું પ્રમાણ વધારે હોય આવા બધી સમસ્યાને લીધે પણ માદા પશુ ગાભણ બનતું નથી/ગર્ભ રાખતું નથી. આપણે માદા પશુને જવાબદાર ગણાવતા હોઈએ છીએ, તેની સારવાર કરાવીએ છીએ, પણ આપણા દ્વારા વપરાયેલ સાંઢ કે પાડો પણ આમા જવાબદાર હોય છે. માટે આ સમસ્યા કાઢવા માટે બીજી-ત્રીજી વખતની નિષ્ફળતા પછી કૃત્રિમ બીજદાન દ્વારા પણ પ્રયત્ન કરી જોવો જોઈએ.
પ્રજનન થકી પશુઓમાં થતા ચેપી રોગોને અટકાવવા માટે ની કાળજી લેવી ખાસ જરૂરી છે. કુદરતી સંવર્ધનને લીધે પશુમાં ઘણીવાર સાંઢમાં રોગ હોય તો તે રોગ સમાગમ થકી માદાને લાગુ પડે છે, જેમ કે એક મુખ્ય રોગ બ્રુસેલોસીસ. આ રોગમાં પશુ ગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિના દરમિયાન તરવાઇ જતું હોય છે એટલે કે પશુમાં એબોરશન થઈ જતું હોય છે. આ ઉપરાંત આ રોગ એવો છે જે પશુઓમાથી માણસોમા પણ ફેલાય શકે છે. તો આ બાબત ખાસ ધ્યાનમાં લઇ અને કૃત્રિમ બીજદાન માટે ખાસ આગ્રહ રાખવો જોઈએ. સારી આનુવંશિક ગુણવતાવાળા સાંઢ/પાડાની પસંદગી માદા પશુના સંવર્ધન માટે કરવી જોઈએ. જો આપણે કુદરતી સમાગમ દ્વારા જ માદાને ફેળવવી હોય તો. સંવર્ધનવેળા તથા રહેઠાણ, ગમાણ તેમજ વિયાણ વખતે પણ ચોખ્ખાઈ અને સાફ-સફાઈ જાળવવી ખૂબ જ જરૂરી છે, નહિતર પશુઓમા જીવાણુઓનો ચેપ લાગી શકે જે આગળ જતા આવતા વેતરમા સમસ્યા સર્જે છે.
જ્યારે પશુઓમા માટી ખસી જવી, કઠિન પ્રસવ એટલે કે વીયાણ સમયે તકલીફ, મેલી પડાવેલ, બગાડ થઈ ગયેલ પશુઓને વિયાણ બાદ દોઢ-બે માસે ગર્ભાશયના આવર્તન (ઇન્વોલ્યુશન) અંગે ડાક્ટરી તપાસ અને જરૂરી સારવાર કરાવવી પડે, અન્યથા પશુ ગરમીમાં આવે નહીં અને તેને પછી ગાભ રહેવામાં તકલીફ પડે. બે થી ત્રણ વખત કે તેના કરતાં વધુ વખત પાછી ફરેલ ગાય-ભેંસને આપણે વાત કરી તેમ ખાસ નિષ્ણાંત તબીબ પાસે તેનું નિદાન કરાવવું જોઈએ અને એના માર્ગદર્શન મુજબ સારવાર કરાવી જોઈએ.
આપણા પશુધનને ચોક્કસ પ્રકારની સારસંભાળ કે જેમાં નિયમિત પૂરતો સંતુલિત આહાર, પીવાનુ સ્વચ્છ, તાજુ પાણી, ક્ષાર મિશ્રણ એટલે કે મિનરલ મિક્સર આપવા તેમજ વેતર એટલે કે ગરમીના નિદાન અંગેની કાળજીનો સમાવેશ થાય છે. માદા પશુઓની સંવર્ધન ક્ષમતા તથા વખતોવખત તે અંગેના પરીક્ષણની નોંધણી પણ આપણી નોંધપોથીમાં નિભાવવી ખૂબ જરૂરી છે. ખોરાકની બાબતે સંતુલિત ખોરાકમાં જે ખૂબ જ ઓછા પ્રમાણમાં જરૂરી છે અને જેને ફીડ સપ્લીમેંટ કહેવામા આવે છે તેવા વિટામિન્સ અને ખનીજ ક્ષારોની ઉણપ ન હોવી જોઈએ. આ વિટામિન્સ અને ખનીજ ક્ષારના લીધે શરીરની અનેક શારીરિક ક્રિયાઓ નિયમિત ચાલે છે અને પ્રજનન અવયવો ઉચિત સમયગાળામાં વિકસિત બને છે, જેના લીધે માદા પશુ યોગ્ય ઉંમરે ગરમીમાં આવે છે અને ગાભણ બને છે.
ખોરાકમાં પૂરતું સમતોલ દાણ તેમજ લીલો-સૂકો ઘાસચારો વગેરે આપવા. લીલોચારો પણ પશુની પ્રજનન ક્ષમતા માટે અનિવાર્ય ઘટક છે. અધ્યતન વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ ડોક્ટરી સારવારથી આપણે ઉથલા મારતા પશુની સારવાર કરાવવી જોઈએ, ખાસ બાબત એ છે કે આવા પશુને કોઈ પણ ચીલાચાલુ, અયોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિ પાસે ન બતાવતા નિષ્ણાંત પશુ ગાયનેકોલેજિસ્ટ ને જ બતાવવાનો આગ્રહ રાખવો જોઈએ. આશા રાખીએ છીએ કે આ વિસ્તારપૂર્વક ચર્ચેલો લેખ સૌ પશુપાલક મિત્રો, ખેડૂત ભાઈઓને ચોક્કસ ઉપયોગી થશે. આપનુ પશુ પણ ગાભણ ન થતું હોય તો એના માટે આ લેખ દરમિયાન વાત કરેલ અનેક બાબતોમાંથી જ કોઈ બાબત જવાબદાર હશે, તો પશુપાલક ભાઈઓને આ બાબતમા યોગ્ય પગલા લેવા વિનંતી છે. વૈજ્ઞાનિક ઢબે યોગ્ય માવજત સાથે જ પશુપાલન કરવાથી પશુપાલન નફાકારક ચોક્કસથી બનાવી શકાય છે. આભાર.
સૌજન્ય:
ડો. સુમન પી. ત્રિવેદી, આસી. પ્રોફેસર, બાબુભાઈ એમ. શાહ મહાવિધ્યાલય, ઝીલીયા, જી. પાટણ, હેમચન્દ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સીટી.
ડો. એચ. એચ. સવસાણી, એસો. પ્રોફેસર, પશુપાલન મહાવિધ્યાલય, જૂનાગઢ,
ડો. જી. એમ. ચૌધરી, આસી. પ્રોફેસર, પશુપાલન મહાવિધ્યાલય, સરદાર કૃષિનગર, બનાસકાંઠા. કા.યુ. ગાંધીંનગર.
Share your comments