આજે ગામડામાંથી વધુ ને વધુ લોકો શિક્ષણ લઇને ઉદ્યોગ અને વેપાર માટે શહેરો તરફ વળવા માંડ્યા છે. આજે ગામડાઓમાં ખેતીકામ કરવા માટે મજુરોની ઘણી જ અછત જણાય છે પરીણામે મજુરીનાં દર એટલા વધ્યા છે જેથી ખેતી ખર્ચમાં ઘણો વધારો થતા ખેતી મોંઘી થતી જાય છે. આમ હવે પારંપરિક પધ્ધતિથી ખેતી કરવા કરતાં યાંત્રિક આજારોનાં ઉપયોગ દ્રારા ખેતી કરવી વધુ સસ્તી પડે છે અને ખેતી કાર્યો પણ સમયસર અને ઝડપી થાય છે. યંત્રો દ્રારા ખેતીકાર્યો ચોક્કસ અને સમયમર્યાદામાં થતા હોવાથી પ્રાથમીક ખેડથી માંડીને વાવણી અને છેલ્લે લણણી જેવા કાર્યો ખુબ જ અસરકારક રીતે થતા હોય છે. આમ છેલ્લે તૈયાર થતા પાકોનો બગાડ થતો અટકાવી શકાય છે. ટૂંકમાં કહીયે તો ડાંગર પાકમાં યાંત્રિકરણ એ આજનાં યુગની માંગ છે.
(૧) પડલર-
ડાંગરનાં ધરૂની રોપણી માટે પડલિંગ કરી ક્યારીઓ તૈયાર કરવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે. ડાંગરની ફેરરોપણી માટે ખેતરમાં પાણી ભરી ત્રણ ચાર વખત પડલર ફેરવી જમીન તૈયાર કરવામાં આવે છે. આ સાધન વાપરતી વખતે ટ્રેક્ટરમાં પાછળનાં વ્હિલની બાજુમાં લોખંડનાં કેઇજ વ્હિલ લગાવવામાં આવે છે. જેથી ટ્રેક્ટર પાણી ભરેલી ક્યારીમાં ખૂપી જતું નથી. આ સાધન ટ્રેક્ટરની “થ્રી પોઇન્ટ લીંન્કેજ” દ્રારા જોડાયેલું હોય છે. ટ્રેક્ટરની હાઇડ્રોલીક સીસ્ટમથી આ સાધનને ઉચું – નીચું કરી શકાય છે. ટ્રેક્ટર ચાલે ત્યારે પડલરની બ્લેડ ગોળ ગોળ ફરી જમીનને પોચી બનાવવાનું કામ કરે છે.
(૨) હાથથી ચાલતું પેડી ટ્રાન્સપ્લાન્ટર –
ડાંગરનાં ધરૂની રોપણીમાં એક હેક્ટરે લગભગ ૨૫ થી ૩૦ માનવદિનની જરૂર પડતી હોય છે જેથી ખેતી ખર્ચ વધુ આવે છે. આ ખર્ચને નીવારવા માટે અને ડાંગરની ફેરરોપણી હારબંધ કરવા માટે ટ્રાન્સપ્લાન્ટર ખુબ ઉપયોગી છે.
આ સાધનથી ડાંગરનાં ધરૂની એકી સાથે પાંચ હારમાં રોપણી થઇ શકે છે. આ સાધનનાં મુખ્ય ભાગોમાં લાકડાનો તરાપા જેવો પાટલો હોય છે. જેની સાથે લોખંડની મુખ્ય ફ્રેમ, ધરૂની ટ્રે, રોપણી કરતા ચીપીયા, લોખંડની ધરી વાળા પીકર આર્મ વગેરે હોય છે. ચલાવનાર આ સાધનનાં હેન્ડલને નીચે દબાવે કે તરત જ પીકરો માલવાળી ફ્રેમનાં ખાચાઓ તરફ આગળ ધકેલાઇ છે અને ત્યાં મુકેલ ધરૂમાંથી ૩ થી ૪ ધરૂ ઉચકીને જમીન તરફ જાય છે અને રોપણી કરે છે. ત્યાર બાદ યંત્રનાં હેન્ડલને પાછળ ખેંચતાની સાથે ધરૂઓ પીકરમાંથી છૂટા પડે છે.દરેક વખતે હેન્ડલને નીચે દબાવતા યંત્રની સાથેની ચેનવાળી ઇન્ડેક્ષિંગ અને પાઉલની વ્યવસ્થા ધરૂની ટ્રેને આગળ ધકેલે છે અને પક્કડો દ્રારા ધરૂઓની ઝુડી ઉચકાય છે. ખેતરની ક્યારીમાં ૫ થી ૧૦ સે.મી. પાણી ભરવામાં આવતુ હોય લાકડાનો પાટલો પાણીમાં સહેલાઇથી ખસેડી શકાય છે. આ સાધનને એક માણસ દ્રારા પાછળ ડગલા ભરીને સહેલાઇથી ચલાવી શકાય છે. આ સાધન માટે ધરૂવાડીયું વૈજ્ઞાનીક ઢબે તૈયાર કરવુ પડે છે નહીતર આ સાધન બરાબર કામ કરતુ નથી. આ સાધનથી દિવસમાં અંદાજે ૦.૨૪ હેક્ટરમાં ડાંગરની ફેરરોપણી કરી શકાય છે.
(૩) સ્વયં સંચાલીત રાઇસ ટ્રાન્સપ્લાન્ટર –
ડાંગરની ફેરરોપણી ઓછા સમયમાં અને ઓછા ખર્ચે કરવા સ્વયં સંચાલિત રાઇસ ટ્રાન્સપ્લાન્ટરનો ઉપયોગ થાય છે. આ સાધન એક સાથે બે હારથી લઇને આઠ હાર સુધિ રોપણી કરતા ટ્રાન્સપ્લાન્ટરો બજારમાં ઉપલ્બધ છે. આ સાધનની બંને બાજુ પૈડા સાથે તરાપઓ (ફ્લોર) આપેલ હોય છે. ધરૂ સાથેની એક ટ્રેમાંથી યંત્ર ચાલતાની સાથે પ્લાટીંગ આર્મ અને ફોર્ક મારફત ધરૂ રોપાતા જાય છે. રોપણીની ક્રીયા ચાલું બંધ કરવા હેન્ડલ સાથે જ પ્લાન્ટીંગ ક્લચ લીવર આપેલ હોય છે. આ સાધનનાં આગળનાં ભાગમાં પેટ્રોલ સંચાલીત એન્જીન મુકેલ હોય છે જે જરૂરી શક્તિ સાધનને પહોચાડી સાધનને ચલાવે છે. આ સાધનનુ અંદાજીત વજન ૬૦ થી ૭૦ કિ. ગ્રા. જેટલું હોય છે. આ સાધન કલાકમાં ૧૦ કલાકે ૧ હેક્ટર જેટલા વિસ્તારમાં ફેરરોપણીનું કાર્ય કરી શકે છે. આ સાધન વાપરતી વખતે ક્યારીમાં ૧ થી ૨ સે.મી. પાણી ભરેલું રહે તે ખાસ જરૂરી છે.
(૪) સ્યંમ સંચાલિત રીપર –
કાપણી જેવું મહત્વનું કાર્ય બધા જ ખેડુતોને એક સાથે કરવાનું હોય મજુરોની ખેચ વર્તાય છે અને મજુરોને વધુ વેતન ચુકવવું પડે છે અને જો સમયસર કાપણી ન થાય તો અનાજનો બગાડ થાય છે. આવા સમયે રીપર ખુબ જ ઉપયોગી છે. આ સાધન બે ભાગમાં વહેચાયેલ હોય છે જેમાં આગળનાં ભાગને કટરબાર કહે છે આ ભાગમાં કાપવાની બ્લેડ, ડિવાઇડર, સ્ટાર વ્હિલ નીચેની સ્પિંગો, લગ સાથેનાં બે પટ્ટા તથા પુલીનો સમાવેશ થાય છે. બીજા ભાગને ટીલર કહેવામાં આવે છે. જેમાં મશીન, પૈડા, હેન્ડલ, કલ્ચ, સાંકળ સાથેનાં દાંતાચક્ર, બેરીંગ, એક્સીલરેટર વગેરેનો સમાવેશ થાય છે. આ સાધનને પછળ ચાલીને ચલાવાય છે. આ સાધનમાં ૫ હો.પા. નું ડીઝલ અથવા કેરોસીનથી ચાલતું (પેટ્રોલ સ્ટાર્ટ) એન્જીન વપરાય છે. આ સાધની મદદથી દિવસ દરમ્યાન અંદાજે ૧.૫ થી ૨ હે. સુધી કાપણી કરી શકાય છે.
(૫) ટ્રેક્ટર સંચાલીત વર્ટિકલ કન્વેંઇગ રીપર –
ડાંગર, ઘઉં અને અન્ય ધાન્ય પાકોની કાપણી માટે વધુ ઝડપથી આ સાધન દ્રારા કાપણી થઇ શકે છે. આ સાધનને ટ્રેક્ટરનાં આગળનાં ભાગમાં લગાવીને ચલાવવામાં આવે છે. આ સાધનમાં શક્તિ સંચારણ પધ્ધતિથી આગળનાં બે વર્ટિકલ કન્વેયર કે જેની સાથે પટ્ટા જોડેલ હોય છે અને આગળનાં ભાગે કટરબાર, એસેમ્બલી, ડીવાઇડર વગેરેની ગોઠવણ હોય છે. આ ઓજાર ૨૫ હો.પા. કે તેનાથી વધુ હો.પા. ના ટ્રેક્ટર દ્રારા ચલાવી શકાય છે. આ સાધનથી એક દીવસમાં અંદાજે ૩ હે. વિસ્તારમાં પાકની કાપણી કરી શકાય છે.
(૬) પગથી ચાલતું પેડી થ્રેસર –
પરંપરાગત પધ્ધતિમાં ડાંગરની લણણી વખતે સમય અને દાણાનો બગાડ ઓછો કરવા આ થ્રેસર વીકસાવેલ છે. આ યંત્રમાં ઘણા દાંતાવાળું એક પીપ(ડ્રમ) હોય છે આ દાતાં સખત પોલાદનાં તારનાં બનેલાં હોય છે. આ પીપને દર મીનીટે અંદાજે ૩૦૦ થી ૩૫૦ આંટાની ઝડપે ફેરવવામાં આવે છે. જ્યારે પીપ ઝડપે ફરતું હોય ત્યારે ડાંગરનાં પરેટીયાં(ઝુડી) ઉપર ધરી રાખવામાં આવે છે જેથી કંટીમાંથી દાણા અલગ થઇ જમીન ઉપર પડે છે જેને ભેગા કરી ઉણપવામાં આવે છે.
(૭) પેડી થ્રેસર –
ડાંગરનાં પાકમાં દાણા અલગ કરવા પગથી ચલતા પેડી થ્રેસરમાં મોટર ગોઠવી જરૂરી સુધારા વધારા કરી પણ ડાંગર ઝુડવાનું કામ થઇ શકે છે પણ આ સાધનનાં ઉપયોગ વખતે ડાંગરનાં પુળાને પકડી રાખવું પડે છે. આ મૂશ્કેલીનાં નીરાકરણ માટે અને શ્રમ ઘટાડવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે. આ થ્રેસર ૩.૫ હો.પા. ના અન્જીન કે થ્રી ફેજ ઇલેક્ટ્રીક મોટર વડે ચલાવી શકાય છે. આ થ્રેસરમાં ડાંગરનાં પુળા પકડાઇ, ઝૂડાઇને આપોઆપ બહાર આવે છે. આ થ્રેસરમાં સૂકા, લીલા- ભીના કે રોગવાળા પૂળાની પણ ડાંગર કાઢી શકાય છે. ડાંગર એકદમ સાફ અને ચોખ્ખી નીકળે છે જેને ઉણવી પડતી નથી. આ થ્રેસરથી ૧ વીંઘાની ડાંગર કાઢતા લગભગ ૧.૫ કલાક જેટલો સમય લાગે છે.
Share your comments