Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

અળસીયું એટલે ખેડૂતનું કુદરતી હળ

ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ છે ત્યારે આજે આપણે વાત કરવી છે ખુબ જ અગત્યના વિષય એવા અળસીયા પર. ચારેકોર પ્રાકૃતિક ખેતિ, રસાયણમુક્ત ખેતી,ઝેરમુક્ત ખેતિની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે મારા મત અનુસાર હવે એ સમય આવી ગયો છે કે આપણે સૌએ સૌ પ્રથમ તો “અ અળસીયાનો અ”થી શરૂઆત કરવી પડશે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
earthworm
earthworm

પ્રસ્તાવના:

ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ છે ત્યારે આજે આપણે વાત કરવી છે ખુબ જ અગત્યના વિષય એવા અળસીયા પર. ચારેકોર પ્રાકૃતિક ખેતિ, રસાયણમુક્ત ખેતી,ઝેરમુક્ત ખેતિની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે મારા મત અનુસાર હવે એ સમય આવી ગયો છે કે આપણે સૌએ સૌ પ્રથમ તો “અ અળસીયાનો અ”થી શરૂઆત કરવી પડશે. કારણકે આપણે સૌ જાણીએ છીએ કે  જમીન એ ખૂબ જ મહત્વનો કુદરતી સ્ત્રોત છે. દિન પ્રતિદિન કૃષિમાં રસાયણોના થતા અવિચારી અને વધુ ઉપયોગને કારણે જમીનની ગુણવતા તથા ઉત્પાદન શક્તિ ઉપર પ્રતિકુળ અસર થતી જાય છે. જેથી પાકના ઉત્પાદન અને ગુણવત્તા પર પણ તેની માઠી અસર જોવા મળે છે. આવા સંજોગોમાં જમીનમાં સેંદ્રીય પદાર્થો ઉમેરવાની તાતી જરૂરીયાત ઉભી થયેલ છે. જેમાં છાણીયુ ખાતર, વિવિધ ખોળ, લીલો પડવાશ, વર્મિકમ્પોસ્ટ ઉપયોગી છે તે પૈકીનુ વર્મિકમ્પોસ્ટ એ અળસીયા દ્વારા ઝડપથી તૈયાર થતુ સેંદ્રીય ખાતર છે. જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, તથા પોટાશ જેવા મુખ્ય પોષકતત્વો તથા ગૌણ અને સુક્ષ્મતત્વો પૂરા પાડે છે. આ ઉપરાંત અળસીયા દ્વારા છોડવામાં આવતા ઉત્સેચકોના કારણે તેની ગુણવત્તા અન્ય સેન્દ્રીય ખાતરો કરતા ઉંચી હોય છે.

અ અળસીયાનો અ:

ચાર્લ્સ ડાર્વીન પ્રથમ વૈજ્ઞાનીક હતા જેમણે અળસીયાનો અભ્યાસ કર્યો અને તેની ગતિવીધીનો વિચાર કરી તેને ધરતીની ફળદ્રુપતાના બેરોમીટર તરીકે નામ આપ્યુ.અળસીયા સાચા અર્થમાં ખેડુતના મિત્ર તરીકે જાણીતા થયા કારણ કે તે ખૂબ જ કોમળ છે અને જમીનને સાચી રીતે સમૃધ્ધ બનાવી કૃષિમાં સેવાનું કામ કરે છે. તે જમીનમાં આવેલા સેંન્દ્રીય પદાર્થનું ઝડપથી રીસાયક્લીંગ કરી છોડને લભ્ય પોષકતત્વોના રૂપમાં ફેરવે છે. એક સમયે અળસિયા આપણા ખેતરોમાં પૂરતી સંખ્યામાં જોવા મળતા હતા પરંતુ રાસાયણિક ખાતરોનો અમર્યાદિત ઉપયોગ થવાથી ધીમે ધીમે અળસિયા લુપ્ત થઈ ગયા છે. અળસિયા ભાગ્યે જ કોઈ ખેતરમાં જોવા મળે છે.
હવે સમય બદલાયો છે. ખેડૂતો ફર્ટિલાઈઝર અને રાસાયણિક ખાતરોના નુકશાન વિશે જાણતાં થયા છે. એટલે આવા ખાતરોનો ઉપયોગ ઓછો કરી રહ્યા છે ત્યારે ઘણાં ખેડૂતો અળસિયાનું ખાતર એટલે કે વર્મીકમ્પોસ્ટનું ઘરે ઉત્પાદન કરે છે અને બજારમાં વેચાણ પણ કરે છે.અળસિયાનું ખાતર પાકની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા ઉપરાંત જમીન સુધારણાંમાં પણ ઉપયોગી છે. અળસિયાના ખાતરથી રાસાયણિક અને ફર્ટિલાઈઝર ખાતરોના ઉપયોગથી બંઝર થયેલી જમીન પણ ફળદ્રુપ થાય છે તેથી કહી શકાય કે અળસીયુ આપણી ખેતિ માટે અવિરતપણે એન્જીનિયર જેવુ કામ કરે છે.

            વર્મિકમ્પોસ્ટ અળસીયાની હગારમાંથી બનતું ખાતર છે. જેમાં જરૂરી પોષકતત્વો ઉપરાંત ઉત્સેચકો રહેલા છે. જે તેને ચડીયાતું પૂરવાર કરે છે. તે પોષકતત્વો પુરા પાડવા ઉપરાંત જમીનની ભૌતિક તેમજ જૈવિક સ્થિતી પણ સુધારે છે. તેની છિદ્રો પાડવાની પ્રક્રિયા જમીનમાં નિતાર અને હવાની અવરજવરમાં સુધારો લાવે છે. પરિક્ષણો સુચવે છે કે જ્યા અળસીયા હોઇ ત્યાં પાકનો વિકાસ સારો થાય છે અને વધુ ઉત્પાદન મળે છે.  આવો વાત કરીએ અળસીયા વિશેની ન જાણેલી વાતો વિશે...

અળસીયુ કેવી રીતે કાર્ય કરે છે?

દેખાવમાં દોરી જેવા ગોળાકાર શરીર ધરાવતા લંબાઇમાં 2 ઇંચથી 12 ફુટની વિવિધતા ધરાવે છે. તેનું આખુ શરીર પાતળી ચામડીથી ખુબ જ સુરક્ષીત છે જે હંમેશા ભીની ચામડી પર શ્વસનની પ્રક્રિયામાં હવામાંથી પ્રાણવાયુ લેવામાં ઉપયોગી છે. આ ઉપરાંત પાતળી ચામડીના કારણે શરીરમાંથી પાણી જેવુ પ્રવાહી બાષ્પીભવનથી દૂર થાય છે જેથીઅળસીયા ભેજવાળી જમીનમાં રહેવાનુ પસંદ કરે છે. અળસીયા નિશાચર જીવ છે. સુકી હવા તેના માટે પ્રતિકુળ રહે છે. તેની ચામડીમાં જ્ઞાનતંતુ હોય છે જે રસાયણ અને પ્રકાશથી ખુબ જ સંવેદનશીલ હોય છે. જેવો તેમના શરીર પર પ્રકાશ પડે કે તુરંત જ તે જમીનમાં કાણા-અંધારામાં જવા પ્રયત્ન કરે છે. જમીનમાં સતત છીદ્રો કરવાની તેની પ્રકૃતિનુ આ મૂળભૂત કારણ છે. મુખની અંદર અન્નનળી જેવા દિવાલના ખાંચામાં કેલ્સીફેરસ નામની ગ્રંથી આવેલી છે જે કેલ્શિયમ ઉમેરવાનુ કામ કરે છે જે બારીક થયેલ ખોરાક અન્નનળીમાંથી પસાર થાય ત્યારે અસંખ્ય સુક્ષ્મજીવો તેના પર પ્રક્રિયા કરી જરૂરી પોષતત્વોના શોષણ બાદ બાકી રહેલ પદાર્થ કાસ્ટિંગ સ્વરૂપે બહાર કાઢે છે જે છોડ માટે જરૂરી તમામ પોષકતત્વો લભ્ય સ્વરૂપે ફેરવી આપે છે. પુખ્ત અળસીયાનુ વજન અંદાજિત એક ગ્રામ જેટલુ હોય છે. પરંતુ જન્મે ત્યારથી સતત માટી/સેંન્દ્રીય પદાર્થ ખાય છે,એક દિવસમાં પોતાના શરીરના વજન કરતા દોઢથી બે ગણૉ સેંદ્રીય કચરો ખાય છે જે પૈકી ૫ થી ૧૭ ટકા ખોરાક શરીરના વિકાસ માટે વાપરી બાકીનો હગાર (વર્મિકાસ્ટ) રૂપે બહાર કાઢે છે, જેમાં જમીનની માટી કરતા ૧૦૦ ગણા લભ્ય પોષકતત્વો હોય છે. જે છોડને સરળતાથી પ્રાપ્ત થાય છે. આમ આપણે કહી શકિયે કે અળસીયુ છે એ ખેતરનો એંજિનિયર છે.

અળસીયુ એ ખેડૂતનુ કુદરતી હળ છે. કારણ કે તે જમીનમાં સતત કાર્યરત રહે છે. જેના લીધે જમીનમાં અનેક કાણાં પડે છે જે જમીન માટે ફાયદારૂપ સાબીત થાય છે. ખેડૂતમિત્રો ગયા અંકમાં આપણે જોયુ કે કઈ રીતે હવે અળસીયાના કેટલા પ્રકાર છે, તેના ફાયદાઓ અને વર્મિકમ્પોસ્ટ બનાવવાની પધ્ધતિ તે વિશે જાણીએ.

અળસીયાનુ વર્ગીકરણ:

જમીનમાં તેમની રહેવાની ટેવ પ્રમાણે અળસીયાને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે.

૧. જમીન ઉપર રહેવાવાળા

૨. જમીન નીચે રહેવાવાળા

૩ જમીનમાં ખુબ ઉંડે રહેવાવાળા

અળસીયાને તેની ખાવાની ટેવ પ્રમાણે બે ભાગમાં વર્ગીકૃત શકાય.

૧. સેંદ્રીય કચરો ખાનાર અળસીયા (અ) વાનસ્પતિક કચરો/ અવશેષો (બ) સસ્તન વર્ગના પ્રાણીઓના મળ અને છાણ

૨. માટી ખાનાર અળસીયા: આ પ્રકારના અળસીયા જમીનમાં ખુબ ઉંડે રહી સેંદ્રીય પદાર્થવાળી માટી ખાય છે.

વ્યવસાયિક ધોરણે અળસીયાનુ ખાતર બનાવવા માટે વપરાતી પ્રજાતિઓ:

૧.ઇસીનીયા ફોએટીડા ૨.  પેરીયોમિક્સ સેક્સાવેટસ ૩. યુડ્રિલસ યુર્જેન

earthworm
earthworm

વર્મિકમ્પોસ્ટના ફાયદાઓ:

૧. જમીનની ફળદ્રૂપતા વધારે છે.

૨. જમીનની પ્રત અને બાંધો સુધરે છે.

૩. જમીનની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા 400 ગણી સુધી વધે છે.

૪. જમીનનુ ધોવાણ અટકે છે.

૫. જમીનની નિતારશક્તિ વધે છે.

૬. રોગ- જિવાત સામેની પ્રતિકારકશક્તિ વધે છે.

૭.બિન ઉત્પાદક જમીનને ઉત્પાદક જમીનમાં વર્મિકલ્ચર દ્વારા ફેરવી શકાય છે.

૮. કુદરતી ખેડ થાય છે.

૯. છોડ/ વૃક્ષને જરૂરી પોષક તત્વો સપ્રમાણ લભ્ય સ્વરૂપમાં સહેલાઇથી મળે છે.

૧૦. જમીનની પી.એચ. (આમ્લાંક)ને તટસ્થ કરે છે.

૧૧. ખેત ઉત્પાદન/ પેદાશની ગુણવત્તા સુધારે છે.

૧૨. રાસાયણીક ખાતર પરની નિર્ભરતા ઘટે છે.

વર્મિકમ્પોસ્ટ બનાવવાની પધ્ધતિ:

. સ્થળની પસંદગી:

સ્થળની પસંદગી એવી રીતે કરવી કે જ્યાં આજુબાજુ કાચી સામગ્રી જેવી કે છાણની ઉપલબ્ધતા સારી હોય અથવા નજીકમાં ફૂલ, ફળ અને શાકભાજીની બનાવટોને લગતી કોઇ ફેક્ટરી હોય તેવી નજીકની જગ્યા પસંદ કરવી જોઇએ તથા જમીનની સપાટીએથી ઊંચી પાણી ન ભરાય તેમજ અન્ય જીવોથી સુરક્ષીત હોય તેવી જગ્યા પસંદ કરવી.

 

. શેડની તૈયારી

વર્મિકમ્પોસ્ટ એકમ નાનુ અથવા મોટુ હોય તેમાં છાયડૉ જરૂરી છે. શેડની સાધન સામગ્રીમાં સીમેન્ટના થાંભલાઓ,લાકડાની પટ્ટીઓ અને વાંસ વગેરે જરૂરીયાત હોય છે. લાકડા તથા કંતાનનો 3 મીટર પહોળો તથા જરૂરીયાત અને અવશેષોની લભ્યતા મુજબ ૧૦ થી ૩૦ મીટર લંબાઇ શેડ બનાવવો. આ શેડ વૃક્ષોના છાયામાં બનાવવામાં આવે તો વધુ  અનુકુળ રહે છે. હાલમાં બજારમાં તૈયાર તાલપત્રી જેવા વર્મિબેડ પણ મળે છે જેનો ઘણા ખેડુતમિત્રો ઉપયોગ કરતા પણ થયા છે. આવા વર્મિબેડનો ફાયદો એ છે કે આ બેડને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાન્તરીત કરી શકાય છે.  

. પથારી તૈયારી કરવી:

શેડની અંદર પથારી તૈયાર કરવા સૌ પ્રથમ નીચે નાના રોડા અને જાડી રેતીનો ૬ થી ૭.૫ સેમી જાડો થર કરવો જેની ઉપર આશરે ૧૫ સેમી ગોરાળુ જમીન (બગીચાની માટી) પાથરવી.

પ્રથમ સ્તર: વર્મિબેડ ઉપર ઘાસ, ધાન્ય પાકોના પર્ણો અથવા શેરડીની પતરી પાથરી તેની ઉપર  વિઘટન પ્રતિકારક વિવિધ સેંન્દ્રિય પદર્થોના અવશેષોના નાના ટુક્ડા બનાવી મિશ્ર કરી આશરે 10 સેમીનો થર કરવો. સાથે સાથે અવશેષો સંપુર્ણૅપણે પલળે તે રીતે પાણીનો અથવા મુત્રનો છંટકાવ કરવો.

બીજુ સ્તર: અર્ધ કોહવાયેલ કંપોસ્ટ, છાણ, સ્લજ, મરઘા બતકના ખાતરનો આશરે 5 સેમીનો થર કરવો. સાથે સાથે પાણીનો છંટકાવ કરતા રહેવુ.

ત્રીજુ સ્તર: અગાઉના બન્ને સ્તરને જરૂરીયાત મુજબ સમગ્ર યુનિટ ભિંજાય તે રીતે પરંતુ પાણી ન રેલાય તે રીતે પલાળતા રહેવુ. (અવશેષોના વજનના આશરે 50 થી 60 ટકા ભેજ જાળવવો.)

ચોથુ સ્તર: ઘરગથ્થુ શાકભાજીના અવશેષો,બગીચાનો કચરો, પાક, નિંદામણ, વૃક્ષ/ ક્ષૂપોના લીલા અવશેષો(કઠોળપાકો, ગ્લીસિરિડીયા/ સુબાબુલ)ને મિશ્ર કરી 10 સેમીનો થર કરવો. ગોબર ગેસની રબડી અથવા છાણ જરૂરીયાત મુજબ પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

પાંચમુ સ્તર: એકદમ આછી રીતે ગોરાડુ (ચિકાશ વગરની) માટી પાથરવી, ઉનાળામાં વધુ ગરમીના દિવસોમાં પાકના અવશેષોનુ આવરણ બનાવવુ. સમગ્ર યુનિટ પર છેલ્લે કંતાન, નાળીયેર કે પામના પાન ઢાંકી દેવા કે જેથી અળસીયાને પક્ષીઓ ખાય નહિ તેમજ અંદરનુ ઉષ્ણ્તામાન માફકસરનુ રહે. પરંતુ પ્લાસ્ટિકનુ આવરણ હરગીઝ ન વાપરવુ કારણ કે તે ગરમી પકડી રાખે છે. દરરોજ પાણીનો હળવો માફકસરનો છંટકાવ કરવો. ગરમીના દિવસોમાં બે વખત  છંટકાવ કરવો. અળસીયાને જીવવા માટે ભેજની જરૂર છે. પાણી ઓછુ પડે કે ભરાઇ રહે તો અળસીયા મરી જાય કે નાસી જાય છે. આથી યોગ્ય માત્રામાં ભેજ તથા 20 થી 30 સે. ઉષ્ણતામાન જાળવવાથી અળસીયા મહત્તમ રીતે કાર્ય કરી શકે છે. જરૂરીયાત મુજબ અર્ધ કોહવાયેલ કંપોસ્ટ અને લીલા અવશેષો ઉમેરતા રહેવુ અને મિશ્ર કરતા રહેવુ.

No tags to search

વર્મિકમ્પોસ્ટ તૈયાર થતા કેટલો સમય લાગે?

આશરે ૪૫ થી ૫૦ દિવસે યુનિટની ઉપર ઘાટા ભુખરા રંગની ચા જેવી ભુકી જોવા મળશે. ધીરે ધીરે આખી બેડ આવી ભૂકીથી તૈયાર થશે. આ વખતે ચાર પાંચ દિવસ સુધી પાણી બંધ કરવુ જેથી અળસીયા વર્મિબેડમાં નીચે જતા રહેશે. ઉપરના થરની ભુકીને હળવા હાથે વર્મિબેડને ખલેલ કર્યા વગર અલગ કરો. શંકુ આકારનો ઢગલો કરો જેથી સાથે આવેલ અળસીયા નીચેના ભાગમાં જમા થશે. જે જુદા તારવી ફરીથી ઉપયોગમાં લઇ શકાય. એકઠા થયેલ પાઉડરના જથ્થાને છાંયાવાળી જગ્યાએ આશરે 12 કલાક રાખવા. જરૂર જણાય તો કમ્પોસ્ટને 2 થી 2.5 મીમીના કાણાંવાળી ચારણીથી ચાળીને પેક કરી શકાય.

પૂનરાવર્તન:

ફરીથી અર્ધકોહવાયેલા સુકા/લીલા અવશેષોઅને સેંદ્રીય વસ્તુઓ ક્રમબધ્ધ રીતે ઉમેરો. જેથી વર્મિબેડમાં નીચેના સ્તરમાં રહેલ અળસીયા ફરી વખત તેનુ કાર્ય ચાલુ કરશે. આ રીતે સતત પુનરાવર્તન કરતા રહી વર્મીકમ્પોસ્ટ મેળવતા રહો. સમયાંતરે અળસીયાની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળશે. ખાતર અંદાજિત 30 થી 35 દિવસમાં વાપરવા માટે તૈયાર થઇ જશે. જે  કુલ અવશેષોના 55 થી 60 ટકા વર્મિકમ્પોસ્ટ મળશે. તૈયાર થયેલ કંપોસ્ટની સુગંધ જમીન જેવી હોય છે. જો કોઇ પણ પ્રકારની દુર્ગંધ આવે તો તેનો મતલબ તેમાં આથવણની પ્રક્રિયા થઈ રહી છે અને ખાતર સંપૂર્ણતઃ તૈયાર થયેલ નથી. અમુક પ્રકારની વાસ વધુ પડતી ગરમી અને મોલ્ડની હાજરી બતાવે છે જેને કારણે નાઇટ્રોજનની ખામી સર્જાઇ શકે છે. આવું થતાં ખાતરને વ્યવસ્થિત રીતે હવા મળે તેવી વ્યવસ્થા કરવી. જો અળસીયા કે તૈયાર થયેલ ખાતરનો જથ્થો વધુ પ્રમાણમાં હોય તો તેનુ વેચાણ કરી આવકનો એક નવો સ્ત્રોત ઉભો કરી શકાય છે.

આ પણ વાંચો:પ્રાકૃતિક ખેતીમાં અળસિયા ખેડૂતના સૌથી મોટા મિત્ર છે

Related Topics

#earthworm #natural #plow #farmer

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More