Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

નાદેપ કંમ્પોસ્ટ – ખેતી માટે ઉત્તમ ખાતર ઉપરાંત એક લાભદાયક વ્યવસાય

રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી ઉત્પાદિત અનાજ, ફળો અને શાકભાજીની બદલે ખેડૂતો વધુને વધુ જૈવિક ખેતી (Organic farming) તરફ આકર્ષિત થઈ રહ્યા છે. હાલમાં, દેશની કુલ ખેતીલાયક જમીન (140 મિલિયન હેક્ટર) ના 2.71 ટકા પર ઓર્ગેનિક ખેતી થઈ રહી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
નાંદેપ કમ્પોસ્ટ
નાંદેપ કમ્પોસ્ટ

રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી ઉત્પાદિત અનાજ, ફળો અને શાકભાજીની બદલે ખેડૂતો વધુને વધુ જૈવિક ખેતી (Organic farming) તરફ આકર્ષિત થઈ રહ્યા છે. હાલમાં, દેશની કુલ ખેતીલાયક જમીન (140 મિલિયન હેક્ટર) ના 2.71 ટકા પર ઓર્ગેનિક ખેતી થઈ રહી છે. આ ખેતી માટે પ્રથમ પસંદગી ખાતરની છે, જેના કારણે પાકને ઓર્ગેનિક કહેવામાં આવે છે. ઓર્ગેનિક ખેતી માટે ખાતર બનાવવાની ઘણી પદ્ધતિઓ છે. જેમાં મહારાષ્ટ્રની નાદેપ (NADEP) પદ્ધતિનું વિશેષ સ્થાન છે. આ પદ્ધતિ મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના પુસર ગામના રહેવાસી નારાયણ દેવરાવ પાંદરીએ વિકસાવી હતી. આ પદ્ધતિને તેના નામ પછી નાદેપ પદ્ધતિ કહેવામાં આવે છે.

નાદેપ કંમ્પોસ્ટ પધ્ધતિ એ ખેતી માટે ઉત્તમ ખાતર આપવા ઉપરાંત એક લાભદાયક વ્યવસાય પણ છે. આ સંપૂર્ણ પણે પ્રદુષણ મુકત અને ઓછા છાણના ઉપયોગ થકી વધુને વધુ પ્રમાણમાં ખાતર બનાવવાની પધ્ધતિ છે, જેમાં નાઈટ્રોજનનું પ્રમાણ ૦.પ થી ૧.પ % હોય છે. નાદેપ  કંમ્પોસ્ટના ઉપયોગથી વનસ્પતિને જરૂરી બધાજ તત્વો, પૂર્ણ ખોરાક સપ્રમાણ મળી રહે છે.

        રાસાયણિક ખાતરના વધુ પડતા વપરાશથી જમીન એસીડીક બને છે. જેનાથી ઉપયોગી એવા સૂક્ષ્મ બેકટેરીયા અને અન્ય જીવાત નાશ પામે છે અને ધીરે ધીરે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે.

નાદેપ  કંમ્પોસ્ટની ટાંકી બનાવવાની રીત:

        નાદેપ  કંમ્પોસ્ટ ટાંકી યોગ્ય પાયો નાંખીને જમીન ઉપર ૧૦ ફુટ × ૫ ફુટ × ૩ ફુટના માપની લંબચોરસ આકારની ટાંકી (૧૫૦ ઘનફૂટ) માટી અને ઈંટોના જોડાણથી બનાવવામાં આવે છે. બે ઈંટોના દરેક જોડાણ પછી ત્રીજી ઈંટના દરેક જોડાણ વખતે ૬'' નું છીદ્ર રાખી જોડાણ કરવું. ઉપરના ભાગમાં સીમેન્ટ લગાવવો જરૂરી છે, જેથી ટાંકી તૂટી જવાનો ભય ના રહે. ટાંકીનું તળીયું ઇંટો પાથરીને પાકુ બનાવવું. ટાંકી બનાવતી વખતે ચારે બાજુની દિવાલમાં છીદ્રો એ રીતે રાખવા કે પહેલી હારના બે છીદ્રોની મધ્યમાં બીજી હારનું છીદ્ર આવે આ રીતે ત્રીજી, છઠ્ઠી અને નવમી હારમાં છીદ્રો બનશે. ટાંકીની અંદર અને બહારની દિવાલ તેમજ તળીએ છાણ-માટીથી લીપી દેવું. ટાંકી સુકાયા પછી જ ઉપયોગમાં લેવી.

નાદેપ  ટાંકી ની કિંમત:

ઈંટ            રૂા. ૧૦૦૦/- 

સીમેન્ટ-રેતી   રૂા.૫૦૦/-

મજુરી          રૂા.રપ૦/-    

ઘાસનું છાપરુ  રૂા.૪૦૦/-

પરચૂરણ ખર્ચ રૂા.૧પ૦/-

કુલ            રૂા.ર૩૦૦/-

ખાતરના એક ટાંકાનો વપરાશી ખર્ચનો અંદાજ

  • છાણ        :- રૂા. પ૦/-  (૧૦૦ કી.ગ્રા.)
  • માટી :- રૂા. ૧૭પ/- (૧૭પ૦ કી.ગ્રા.) 
  • સેન્દ્રીય કચરો :- રૂા. ૪૫૦/- (૧૫૦૦ કી.ગ્રા.) 
  • પાણી :- રૂા. ૧૦૦/-
  • વહીવટી ખર્ચ :- રૂા. ૧૦૦/-
  • મજુરી ખર્ચ :- રૂા. ૪૦૦/-
  • થેલી નંગ :- રૂા. ૩૦૦/- (૧પ૦ નંગ)

ટાંકી ભરવાની પધ્ધતિ :

જરૂરી સામગ્રી:

૧.  ૯૮ થી ૧૦૦ કી.ગ્રા. (૮ થી ૧૦ ટોપલાં) છાણ અથવા ગોબર ગેસ માંથી નિકળતી રબડી.

૨. સૂકાપાન, છોડ, ડાળખા, મૂળ વગેરે જેવા વનસ્પતિના નકામા પદાર્થો ૧૪૦૦ થી ૧પ૦૦ કીલોગ્રામ કે જેમાં પ્લાસ્ટીક, કાચ કે પથ્થર ન હોવા જોઈએ.

૩. સૂકી ચાળેલી માટી ખેતરની અથવા નાળામાંથી અથવા એવી બીજી માટી ચાળીને તેમાંથી કાચ, પથ્થર, કાંકરા વગેરે ખાતરન બની શકે તેવા પદાર્થો દૂર કરવા. તેનું પ્રમાણ ૧૭પ૦ કિ.ગ્રા. (૧ર૦ ટોપલાં)  રાખવું. જો ગૌમૂત્રથી ભીની માટી હોય તો તે વધુ લાભદાયી છે.

૪.  પાણીની ઋતુ પ્રમાણે (ચોમાસામાં ઓછુ, ઉનાળામાં વધારે) જરૂરીયાત રહે છે. સામાન્ય રીતે સૂકી વનસ્પતિમાં કચરાના વજન જેટલું ઉપરાંત રપ% બાષ્પીભવન માટે આશરે ૧પ૦૦ થી ર૦૦૦ લી. પાણી જોઈએ.

૫.  જો વનસ્પતિ પદાર્થો પ્રમાણમાં ઓછા મળે તો તે પ્રમાણે ગોબર વધારે વાપરી શકાય અને ગોબરના પ્રમાણમાં વધારે માટી વાપરી શકાય.

        ખાતર માટે સામગ્રી પૂરેપૂરી એકઠી કર્યા બાદ નીચે બતાવેલ ક્રમ પ્રમાણે જ ટાંકી ભરવી, ક્રમમાં ફેરફાર કરવો નહી. આ પધ્ધતિથી ખાતર બનાવવા માટે એક જ દિવસમાં (વધુમાં વધુ ૨૪ કલાકમાં) પૂરેપૂરી ટાંકી ભરીને બંધ કરી દેવી જોઈએ.

        પહેલી વખત ટાંકી ભરવાની શરૂઆત કરતાં પહેલાં અંદરની દિવાલ તેમજ તળીએ ગોબર મીશ્રિત પાણી છાંટીને સારી પેઠે ભીનું કરવું.

૧.પહેલું આવરણ (વનસ્પતિ પદાર્થો) : ૬ ઈંચ ઉંચાઈ સુધી સૂકા વનસ્પતિ પદાર્થો ભરી દેવા. આમ ૩૫ ધનફૂટમાં ૧૦૦ થી ૧૧૦ કિ.ગ્રા. સામગ્રી આવશે.

૨.બીજુ આવરણ (ગોબર: ગાય-ભેંસનું છાણ) : ૪ કિ.ગ્રા. છાણને ૧૦૦ થી ૧પ૦ લી. પાણીમાં મેળવીને પહેલાં આવરણ ઉપર એ રીતે છાંટવું કે જેથી બધાજ વનસ્પતિ પદાર્થો પલડી જાય. જરૂર પડે તો ગરમીના દિવસોમાં પાણી વધુ પ્રમાણમાં લેવું.

૩.ત્રીજુ આવરણ (સાફ, સૂકી માટી) : ભીની કરેલ વનસ્પતિ ઉપર વનસ્પતિના વજનના પ૦ % અથવા પ૦ થી ૬૦ કી. ગ્રા. ચાળેલી માટી પાથરવી અને થોડુ પાણી છાંટવું. ટાંકીને આ રીતે ત્રણ આવરણના ક્રમથી ટાકીના મોંથી ૧.પ ફૂટ ઉંચે સુધી ઝુંપડીના આકારમાં ભરતા જવું. સામાન્ય રીતે ૧૦ થી ૧ર આવા પડથી ટાંકી ભરાઈ જશે. હવે ભરેલી ટાંકી બંધ કરવા માટે ભરેલ સામગ્રી ઉપર ત્રણ ઇંચની માટી (૪૦૦ થી પ૦૦ કી. ગ્રા.) નું પડ પાથરી દેવું અને તેને ગોબરના પાણી સાથે મિશ્રણથી વ્યવસ્થિત લીપી દેવું અને તેમાં ફાટ પડે તો ફરી લીપીને ભરી દેવું.

છાણ
છાણ

બીજી વખત ભરવાની રીત:

        ૧પ થી ર૦ દિવસમાં ખાતરની સામગ્રી સંકોચાઈને ટાંકીના મોંના ભાગથી ૮ થી ૯ ઇંચ અંદર બેસી જશે. તે સમયે ભરીથી વનસ્પતિ પદાર્થો, ગોબર મિશ્રણ અને ચોળેલી માટીના પડથી પહેલાની જેમ ૧.પ ફૂટની ઉંચાઈ સુધી ભરીને ૩ ઇંચ માટીનું પડ પાથરીને પ્રથમની જેમ લીપી દેવું.

ખાતરની પરિપકવતા:

        ત્રણ-ચાર માસમાં ખાતર ઘેરાં ભૂખરા રંગનું બની જાય છે. તેમાંથી બધી દુર્ગંધ ઉડી જાય છે. ખાતરને સંપૂર્ણ સૂકવા ન દેતા તેમાં ૧પ થી ર૦% ભેજ જાળવી રાખવો. આ ખાતરને  ૧ ફૂટમાં ૩પ તાર વાળી ચાળણીથી ચાળી લેવું અને ત્યાર પછી જ ઉપયોગમાં લેવું. ચાળણીના અપક્વ ખાતરને ફરીથી ટાંકી ભરતી વખતે ઉપયોગમાં લેવું. ચાળેલું ખાતર ત્રણ હજારથી ચાર હજાર કી. ગ્રા. (ર૦ થી રપ ઘનફૂટ) પ્રતિ એકર મુજબ વાવણી કરીને આપી શકાય. વાવણી સાથે જ ઓરીને આ ખાતર આપવામાં આવે તો એક જ ટાંકીનું ખાતર ૬ થી ૭ એકર વિસ્તાર માટે પૂરતું થઈ રહે છે. એક ટાંકી માંથી સામાન્ય રીતે ૧૫૦ થી ૧૭પ ઘનફૂટ (ર૩૦૦ થી રપ૦૦ કિ. ગ્રા.) ચાળેલું ખાતર અને ૪૦ થી પ૦ ઘનફૂટ (૭૦૦ થી ૭પ૦ કી. ગ્રા.) કાચુ અપક્વ ખાતર મળે છે. વર્ષ દરમ્યાન આપણને લગભગ ૧૦ ટન કમ્પોસ્ટ ખાતર એક ટાંકી માંથી મળે છે. એક ગાયના છાણમાંથી ૮૦ થી ૧૦૦ ટન (૧પ૦ ગાડા) ખાતર વર્ષ દરમ્યાન મેળવી શકાય છે. જેની કિંમત રૂ. ૩પ૦૦૦ થી ૪૦૦૦૦ થાય છે અને તેના થકી આપના દેશની ખાતર ની સમસ્યા હલ થઈ શકે તેમ છે. જેને કારણે કિંમતી હુંડીયામણ બચી શકે તેમજ સારી ગુણવત્તાવાળા પૂરતા કૃષિ ઉત્પાદનો આપને મેળવી શકીએ.

        જો આપણી પાસે પૂરતા પ્રમાણમાં નાદેપ  કંમ્પોસ્ટ હોય પ્રથમ વર્ષે કંમ્પોસ્ટ ખાતરનું પ્રમાણ ત્રણ ગણું અથવા ઓછામાં ઓછુ ૧૦ ટન એકર મુજબ આપવું, જેથી ૧૦૦ કી.ગ્રા. નાઈટ્રોજન, પ૦ થી ૭૦ કી.ગ્રા. ફોસફરસ અને ૧૩૦ કી.ગ્રા. પોટાશ તેમજ ૯૭૦૦ કિલો  સેન્દ્રીય પદાર્થ સાથે પૂરતાં સુક્ષ્મ તત્વો ઉપલબ્ધ થઈ શકે, પરંતુ તે એક જ વર્ષમાં પૂરેપૂરૂ મળી શકતું નથી કેમકે સેન્દ્રીય ખાતરમાંથી ૪પ % પહેલાં વર્ષે, ૩૩ % બીજા વર્ષના પાકમાં અને બાકીના રર % પોષક તત્વો ત્રીજા ચોથા વર્ષે મળે છે. ત્રણ વર્ષમાં પૂરેપૂરો લાભ મળતો થઈ જશે.

બાકીના વર્ષોમાં એક એકરમાં ૩ થી પ ટન ખાતર વાવણી પહેલાં ૧પ દિવસે ખેતરમાં ફેલાવીને હળ ખેડ થકી જમીનમાં ભેળવી દેવું જોઈએ. નાદેપ  કંમ્પોસ્ટ વાવણી કરતી વખતે આપવું હોય તો ખાતરનું વાવણીયું પાકના વાવણીયા આગળ રાખીને વાણી કરવી જોઈએ. જેથી ખાતર પરજ બીજ પડે. ઉત્કૃષ્ટ પરીણામ માટે વાવણીના ૧પ દિવસ અગાઉ ૯'' અંતર રાખીને કંમ્પોસ્ટ ખાતરની વાવણી, આડી અને ઉભી બન્ને બાજુએ કરવી. આ રીતે ઓરીને આપવાથી એક જ ટાંકીના ખાતરથી ૪.પ એકર વિસ્તારનો સમાવેશ થઈ શકે, પરંતુ વાવણી પધ્ધતિથી આપેલ ખાતર ઓછુ હોવાથી રાસાયણીક ખાતર આપવું જરૂરી છે.

આ વાત યાદ રાખવી:

૧. કંમ્પોસ્ટ ટાંકીમાંથી કાઢીને ખુલ્લી જગ્યમાં ન રાખવું અને રાખવું પડે તો દબાવી, ઢગલો કરી ઘાસથી ઢાંકી દેવું. જરૂર મુજબ પાણી છાંટીને ભેજ જાળવો.

ર. શકય હોય તો ટાંકી ઝાડ નીચે, છાંયડે બનાવવી, પાણી અને તડકો ન આવે તે માટે છાપરૂ કરવું.

૩. નાદેપ  કંમ્પોસ્ટનો ઢગલો ઝાડ નીચે અને કુવા નજીક કરવો, જેથી પાણીનો ઉપયોગ છૂટથી થઈ શકે.

૪. જમીનમાં દબાવ્યા પછી શકય તેટલું વહેલું જમીન સાથે ભેળવી દેવું.

નાદેપ  કંમ્પોસ્ટ ફાયદા:

૧) જમીનને ફળદ્રુપ બનાવે છે.      

૨) જમીનનું પોત અને બાંધો સુધારે છે.

૩) ઓછો વરસાદ હોય તો પણ પાક સારી રીતે લઈ શકાય છે. વરસાદ વધારે હોય તો પણભેજ સંગ્રહ શકિત વધારતુ હોવાથી ધોવાણ ઓછુ થાય છે.

૪) પાકનીગુણવત્તા સુધારીઉત્પાદનમાં વધારો કરે છે.

૫)  ખાતર સારી રીતે કોહવાયેલું હોવાથી દુગંધ રહીત હોય છે અને નિંદણ ઓછું થાય છે.

ખાતર
ખાતર

નાદેપ  કેમ્પોંસ્ટને પરીપકવ થવા માટે ૧૦૦ થી ૧૨૦ દિવસ (પહેલી વખત ભરાયા પછી ગણતાં) લાગે છે. આ સમય દરમ્યાન ખાતરમાં ભીનાશ ટકી રહે તે માટે ફાટ પડવા દેવી નહી. તેમ છતાં ફાટ પડેતો માટીથી લીંપીને પૂરી દેવી, જરૂર પડે તો પાણીનો છંટકાવ કરવો. ઉપર ઘાસ ઉગે તો દૂર કરવું. ભેજની જાળવણી માટે સૂર્ય તાપ વધારે હોય ત્યારે ઘાસ વગેરેથી  છાયો કરવો અથવા ઢાંકી દેવું, શક્ય હોય તો છાપરૂ બનાવવું જેથી વરસાદના પાણીથી પણ રક્ષણ મળે. આ ટાંકીનું ખાતર ચાર મહીને તૈયાર થાય એટલે વર્ષમાં ત્રણ ટાંકી ભરી ખાતર તૈયાર થાય, જેમાંથી નવ ટન ખાતર મળે છે.

સૌજન્ય:

જીગર એસ. દેસાઇ, ચેતન કે. દેસાઈ, સાવન જી. દેસાઇ

પી. એચડી. વિધાર્થી, એગ્રોનોમી વિભાગ, ચી. પ. કૃષિ મહાવિદ્યાલય, સ.દાં.કૃ.યુ., સરદારકૃષિનગર

મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, સ.દાં.કૃ.યુ., રાધનપુર

પી. એચડી. વિધાર્થી, બં . અ. કૃષિ મહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણંદ

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More