આજની આ એકવીસમી સદીનો માનવી કુદરતી કે બીજા સંકટોથી બચવા નવી-નવી ટેકનોલોજીનો સહારો લેતો થયો છે. તેના કારણે જ આજના સમયમાં સમગ્ર વિશ્વમાં ઘણી શોધો થઇ છે, પરંતુ તો પણ આજનો માનવી તેટલા જ પડકારોનો સામનો કરે છે.
તેમાં પણ “ ખેતી “ એટલે સંપૂર્ણ કુદરત પર નિર્ભર વ્યવસાય. વરસાદ, પાણી અને હવામાન બધું જ કુદરતને આભારી. જેમ કે વાતાવરણના ફેરફારના કારણે ક્યાંક વરસાદ ઓછો તો ક્યાંક આછો- વધતો, અપૂરતો કે અનિયમિત રેહતો હોઈ છે.
વરસાદની ઉણપને લીધે પાક પર સીધી અસર જોવા મળે છે, કારણ કે પાકને ચોક્કસ આવશ્યક અવસ્થાએ જો પાણી ન આપવામાં આવે, તો પાકને જમીનમાં રહેલો ભેજ ખેંચવો પડતો હોઈ છે. આમ થતા જમીનમાં ભેજની ખેંચ વર્તાય છે. આ કારણે જ પાકના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોઈ શકાય છે.
ગુજરાતના કુલ ખેતી ઉત્પાદનના આશરે ૭૫ ટકા જેટલા ખેતી વિસ્તારમાં વરસાદ આધારિત ખેતી કરવામાં આવે છે, માટે જમીનમા રહેલો ભેજ લાંબો સમય સુધી જળવાઈ રહે તે અતિ અગત્યનું છે.
કૃષિક્ષેત્રે થતા પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગને ‘પ્લાસ્ટિકલ્ચર’ કહેવાય છે. આ ઉપાય ખેતીમાં પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગોમાંનો સૌથી સરળ અને સહેલો ઉપાય છે ‘મલ્ચિંગ’ (mulching). જમીનમાં રહેલા ભેજને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે છોડ પાક કે ઝાડની આજુબાજુ વિસ્તારની જમીનને અમુક વસ્તુથી ઢાંકવાની પ્રક્રિયાને ‘મલ્ચિંગ’ કહેવાય છે. જમીન ઢાંકવા માટે વપરાતા આવા પદાર્થને ‘મ૯ચ’ કહેવાય છે.
આ મલ્ચ તરીકે વાપરવામાં આવતી વસ્તુ જેમ કે મગફળીના ફોતરા, પરાળ, સુકાપાંદડા, શેરડીના પાન, લાકડાનો વહેર, કેળના પાન, પથ્થર, રાસાયણિક દવા જેવા વગેરેનો ઉપયોગ કરી શકાય છે, જેને ઓર્ગેનિક માલ્ચિંગ પણ કેહવામાં આવે છે. આ બધાની જગ્યાએ હવે પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
આપણી આજ કાલની ખેતીમાં છેલ્લા થોડા વર્ષોમાં થી મલ્ચીંગ નો વિવિધ ઉપયોગ થતો જોવા મળે છે. મલ્ચીંગ પડનો ઉપયોગ ભેજ ના ઉડી જાય તેના માટે આવરણ તરીકે કરવામાં આવે છે, તેથી જમીનમાંથી ભેજને ઉડી જતો અટકાવી શકાય છે, બાષ્પીભવન થતુ અટકાવે છે અને ઉત્પાદન નોધ પાત્ર વધારો જોવા મળે છે.
-
મલ્ચીંગથી થતા ફાયદાઓ
ભેજનો સંગ્રહ
પ્લાસ્ટિકનું આવરણ હોવાથી જમીનમાનું પાણી વાતાવરણના સીધા સંપર્કમાં આવતુ નથી અને સૂર્યપ્રકાશ પણ સીધો જમીન ઉપર પડતો ન હોવાથી પાણી બાષ્પીભવન થઇને ઉડી જતુ નથી, પરંતુ સૂર્યપ્રકાશના કારણે જમીનમાંનુ પાણી વરાળના સ્વરૂપમાં ફેરવાઇ ઉપરના ભાગે આવે છે. ત્યાં પ્લાસ્ટિકમાં નીચેના ભાગે ટીપા સ્વરૂપે અંદરના ભાગે જ રહે છે અને ફરીથી તે જમીનમાં શોષાઈ જાય છે.જેથી જમીનમાં રહેલા પાણીનો વ્યય થતો અટકે છે. આ પ્રકારનો ઉપયોગી અખતરો એ સુકા અને અર્ધસૂકા વિસ્તારમાં ખુબ જ અનિવાર્ય બની રહેલ છે. જરૂરી પિયત છોડના મૂળ પાસે રહેલા કાણા (છિદ્રો) દ્વારા અપાતા પિયતમાંથી મેળવી લે છે અથવા ત્યાંથી વરસાદ દ્વારા મેળવે છે.
જમીનમાં તાપમાનની જાળવણી
પ્લાસ્ટીકનું આવરણ જમીન ઉપર પાથરેલ હોવાથી સીધો સૂર્યપ્રકાશ જમીન ઉપર પડતો નથી પરંતુ પ્લાસ્ટિક પર પડે છે અને પ્લાસ્ટિક ગરમ થાય છે. વૈજ્ઞાનિક નિયમ મુજબ પ્લાસ્ટિક ઉષ્માવાહકતા ઓછી હોવાથી સૂર્યપ્રકાશ પ્લાસ્ટિક નરમ પાડે છે. પરંતુ સૂર્યની ગરમીથી જમીનનું ઉંચુ તાપમાન નથી લાવી શકાતુ. આ પ્લાસ્ટિક આવરણને કારણે અને પ્લાસ્ટિકના પડ અને જમીનની વચ્ચેની જગ્યામાં રહેલી હવાનું આવરણ અવાહકનું કામ કરે છે. જેથી રાત્રિ દરમિયાન પણ તાપમાન જાળવવામાં આ અતિ અગત્યનું બની રહે છે. આમ ઉનાળાની ગરમીથી અને શિયાળાની ઠંડીથી જમીનને થતી સીધી અસર પ્લાસ્ટિક વડે બચાવી શકાય છે.
આ પણ વાંચો : એપ્રિલના છેલ્લા 15 દિવસમાં આ પાકની ખેતી કરો, ઓછા સમયમાં મળશે સારી ઉપજ
જમીનનું સેૌરકરણ
જમીનમાં રહેલા જમીને નુકશાન કરતા વિષાણુ (વાયરસ), બેકટેરીયા કે અન્ય હાનિકારક તત્વોને જમીનમાંથી દુર કરવા માટે એટલે કે જમીનને જંતુમુકત બનાવવા માટે અને જરૂરી તત્વોનો સૌરઉર્જા વડે નાશ થતો અટકાવવા માટે આ લાભકારક અને સરળ, શ્રેષ્ટ અને સુદ્રઢ પદ્ધતિ છે.
જમીનનું ધોવાણ અટકાવે
ઘણી વખત મોટા વંટોળવાળા સુકા વિસ્તારોમાં જમીનની સપાટી સુકી હોવાથી પવનની વધારે ગતિથી જમીનનું ધોવાણ થાય છે. જમીનનું ઉપરનું આવરણ હવા સાથે ગતિ કરે છે અને આવરણ દુર થાય છે. તેવી જ રીતે વધુ વહેતા પાણીના કારણે પણ જમીનના ઉપરના આવરણ દુર થાય છે. આમ પ્લાસ્ટિક આવરણ પવન અને પાણી દ્વારા થતુ જમીનનું ધોવાણ અટકાવે છે.
વરસાદનું પાણી સીધુ જમીનના સંપર્કમાં આવવાને બદલે ઉપર રહેલા પ્લાસ્ટિકના આવરણ ઉપર પડે છે, જેના લીધે વરસાદની સીધી અસર થવા દેતુ નથી અને જમીનની છિદ્રાળુતા જાળવી રાખે છે, જેથી જમીનમાં છિદ્રોની સંખ્યા વધારે હોય તેમ વાયુઓની (હવાની) હેરફેર વધારે થાય છે. પ્લાસ્ટિક આવરણ જમીનની છિદ્રાળુતા એમને એમ જ રહેવા દે છે. જેનાથી આસપાસની જગ્યામાં અંગારવાયુ એટલે કે કાર્બનડાયોકસાઇડનું પ્રમાણ વધે છે, જે પ્રકાશસંશ્લેષણમાં મદદરૂપ બને છે. આમ પ્લાસ્ટિકથી ઢાંકેલી જમીનમાં કોઈ પણ ભેૌતિક ફેરફારો જોવા મળતા નથી અને તેનું બંધારણ જળવાઇ રહે છે.
નિંદણમાં નિયંત્રણ
કાળા પ્લાસ્ટિકના આવરણને કારણે સૂર્યપ્રકાશ પડની આરપાર જઇ શકતો નથી અને જમીન સુધી પહોંચી નથી શકતો. આમ પ્રકાશસંશ્લેષણ થતુ અટકે છે. એટલે જમીનમાં રહેલું નિંદણનું બીજ અંકુરણ પામતુ નથી અને જે બીજ ઉગે છે તે પણ પુરતો પ્રકાશ ન મળવાને લીધે નાશ પામે છે.
પાકની ગુણવત્તા
જમીન ઉપર થતા શાકભાજી જેવા પાક માં ગુણવંતા અને ઉત્પાનદ વધારે છે, જમીન ઉપર પથરાયેલું પ્લાસ્ટિક એક આવરણ બની જાય છે અને કોઈપણ શાકભાજી કે બીજા પાકો સીધા જમીન ને અડતા નથી તેથી તેમાં સડો બેસતો નથી અને ઉત્પાદનમાં નોંધ પાત્ર વધારો જોવા મળે છે.
મલ્ચિંગ માટે વપરાતા વિવિધ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે જેવા કે પોલીવિનાઇલ કલોરાઇડ (પી.વી.સી.), લો ડેન્સીટી પોલીઇથીલીન (એલ.ડી.પી.ઇ.) અને લીનીયર લો ડેન્સીટી પોલીઇથીલીન (એલ.એલ.ડી.પી.ઈ.), આ બધા પ્લાસ્ટિક મુલ્યોમાં એલ.એલ.ડી.પી.ઇ. એટલે કે લીનીયર લો ડેન્સીટી પેલીઇથીલીન પ્લાસ્ટિક વધુ પ્રચલિત બન્યુ છે.
ખેડૂત મિત્રો તરફથી તેની માંગ વધુ રહે છે કારણ કે તેમાં બે વિશિષ્ટ ખાસિયતો રહેલી છે. જે બીજા પ્લાસ્ટિકની સરખામણીમાં અતિ અગત્યની બની રહે છે એ છે કે તે ખુબ જ પાતળુ હોવા છતા વધુ મજબુત હોવાથી જલ્દી ફાટતુ નથી કે જલ્દી કાણા પડતા નથી અને વધારે પાતળુ હોવાથી ઓછા વજન અને ઓછા ખર્ચમાં વધારે જમીન ઉપર મલ્ચિંગ કરી શકાય છે અને તે છિદ્રો પડવા સામે વધારે પ્રતિકારકશકિત ધરાવતું છે.
મલ્ચિંગ માટે મુખ્યત્વે બે પ્રકારનું પ્લાસ્ટિક વપરાય છે. એક અપારદર્શક પડ જેમાં જમીન દેખાતી નથી અને બીજા પારદર્શક / અર્ધપારદર્શક પડ જેમાં જમીન દેખાય છે.
પ્લાસ્ટિક મલ્ચિંગમાં વપરાતા વિવિધ કલર જેવા કે સફેદ, કાળો, સિલ્વર વગેરે નો ઉપયોગ થાય છે. જેમાં કાળા કલર નો ઉપયોગ વધારે થાય છે. મુખ્યતવે કલર પસંદગી કયો પાક અને જે તે સ્થાનીય વિસ્તાર અને વાતાવરણ ઉપર રહેલ હોય છે.
આ પણ વાંચો : બકરી ઉછેર લોન 2022: બકરી ઉછેર માટે ખાનગી અને સરકારી બેંકોમાંથી મળશે 25 લાખ રૂપિયાની લોન
મલ્ચિંગ પાથરવામાં લેવામાં આવતી કાળજીઓ
- પ્લાસ્ટિક મલ્ચિંગ પાથરતા પહેલા મોટા ઢેફાં ભાંગવા અને ખુબ જ ઓછી કરચલી રહે તે રીતે પાથરવું.
- પ્લાસ્ટિક મલ્ચિંગ ખેતરમાં પાથરતા પહેલા સરખા અંતરે તેમાં ગોળ આકારે કાણા પાડવા જેથી તેમાં બીજ વાવી શકાય અને બે છોડ વચ્ચેનું સરખું અંતર જળવાયરે .
- પ્લાસ્ટિક મલ્ચિંગ ઉપર વજન વાળી વસ્તુ મુકવી નહી અને ચાલવું નહિ.
- પ્લાસ્ટિક મલ્ચિંગ પાથરતી વખતે એક સરખો પાળો રાખવો (જાડાઈ અને ઊંચાઈ) અને બે પાળા વચ્ચેનું અંતર એક સરખું રાખવું.
- પ્લાસ્ટિક મલ્ચિંગ પાથરતી વખતે તેમાં હવા ના ભરાય તેનું ધ્યાન રાખવું અને પ્લાસ્ટિક બંને બાજુ ઉપર માટી ચડાવી દેવી જેથી કયારે પણ હવાથી ઉંચકે નહિ અને તૂટે નહિ.
પ્લાસ્ટિક મલ્ચિંગ મર્યાદા
- પ્લાસ્ટિક મલ્ચિંગ નો ખર્ચ વધારે હોય છે, પ્લાસ્ટિક મલ્ચિંગ નો ભાવ તેની જાડાઈ પર આધાર રાખે છે. જેનું અંદાજીત ભાવ (૧ સે. મી. ꞊ ૫૦ થી ૬૦ ₹ )
- પ્લાસ્ટિક મલ્ચિંગ શીટ નો ઉપયોગ બે થી ત્રણ વર્ષ સુધી કરી શકાય છે.
મલ્ચિંગ પાથરવાની રીત
પ્લાસ્ટિક શીટને પાથરવા માટે લોખંડના પાઇપની ફરતે પટ્ટો બનાવી વીંટાળી પ્લાસ્ટિક પાથરવામાં આવે તો પાથરવામાં અનુકુળતા રહે છે. પાઇપ ઉપાડી ફેરવતા જવું અને આગળ વધતા જવું. તેમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે જો પાથરવામાં શીટ (પ્લાસ્ટિક) થોડું જો ઢીલું રહે એ જરૂરી છે. પરંતુ તેમાં હવા ભરાય તેટલુ ઢીલું રહે તો પ્લાસ્ટિક ફાટી જાય છે માટે શકય તેટલી ઓછી હવા ભરાય તેની ખાસ કાળજી રાખવી.
મ૯ચ ફિલ્મ પાથરવા માટે ટ્રેકટર સાથે જોડી શકાય તેવા યંત્રો પણ ઉપલબ્ધ છે. જેની મદદથી ખેડૂતોને ઓછી મેહનતની જરૂર પડે છે. જેના દ્વારા ખેતરમાં પાળા ચડે છે, પાળા ઉપર ડ્રીપની લાઈન પથરાતી જાય છે સાથે સાથે પાયાના ખાતરો પણ અપાતા જાય છે અને ઉપર પ્લાસ્ટિક મલ્ચીંગ ખુબ જ વ્યવસ્થિત રીતે માટી ચડતી જાય તે રીતે પ્લાસ્ટિક પથરાય છે. પ્લાસ્ટિકના પડને હવા ભરાતુ અટકાવવા અને અન્ય તેને પકડ મળી રહે તે માટે કિનારી ઉપર ૬ ઇંચ માટીનો થર કરવો અથવા પડને જમીનમાં દબાવી દેવું એ અતિ હિતાવહ છે.
ઓર્ગેનિક મલ્ચિંગ ના ફાયદા
- ઓર્ગેનિક મલ્ચિંગ આપણા આસપાસ ના લોકલ વિસ્તાર માં વવતા પાક ઉપર હોય છે, તેથી તેનો ભાવ ખુબજ ઓછો હોય છે. ( શેરડી, મકાઈ, પેડી વગેરે)
- ઓર્ગેનિક મલ્ચિંગ જમીનની ફળદ્રુપતા વધારે છે, ઓર્ગેનિક મલ્ચિંગ વપરાતું મટેરીઅલ જેમ કે શેરડી ના પાંદડા જે જમીનને ઉપર પાથરેલ હોય છે ત્યારે જમીનનો ભેજ તેને લાગે છે અને દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ હોવાથી તે ધીમે ધીમે સડવા લાગે છે અને તે સડી જાય એટલે જમીનમાં પોષકતત્વો વધારે છે.
- ઓર્ગેનિક મલ્ચિંગ જમીન ઉપર પાથરીયા પછી કોઈપણ જાણવાની રાખવી પડતી નથી.
ઓર્ગેનિક મલ્ચિંગની મર્યાદા
- ઓર્ગેનિક મલ્ચિંગ બીજ ઉગ્યા પછી જ જમીન ઉપર પાથરવું કારણ કે ઓર્ગેનિક મલ્ચિંગ માં જીવાતનું પ્રમાણ વધારે હોય છે અને તે શરૂઆત માં ઉગતા બીજ નુકસાન કરે છે.
- ઓર્ગેનિક મલ્ચિંગ બીજ ઉગ્યા પેહલા પાથરતી વખતે 3 ઇંચ કરતા વધારે જાડું થઇ જાય તો બીજ ઊગી શકતા નથી.
- ઓર્ગેનિક મલ્ચિંગ માં દરેક અગ્રિકલચરલ વેસ્ટ નો ઉપયોગ કરી શકાતો નથી, ઘણી બધી અગ્રિકલચરલ વેસ્ટ માં એસિડીક પ્રમાણ વધારે હોય છે તેથી તેનો સીધો ઉપયોગ થતો નથી અને તે જમીન અને પાક બંને નુકસાન કરે છે.
Share your comments