કૃષિ પાકોમાં જીવાત અને રોગો ખેડૂતો માટે મોટી સમસ્યા છે. જીવાતોના કારણે પાકને ભારે નુકસાન થાય છે, એટલે તેના નિયંત્રણ માટે વિવિધ ઉપાયો અપનાવવામાં આવે છે. સામાન્ય રીતે ખેડૂતો જીવાત નિયંત્રણ માટે કીટનાશકો પર વધુ આધાર રાખે છે. પરંતુ સતત અને વધુ પ્રમાણમાં કીટનાશકોના ઉપયોગથી અનેક નુકસાનો થઈ શકે છે. જેમ કે લાંબા સમય સુધી દવાઓના ઉપયોગથી જીવાતોમાં દવાઓ સામે પ્રતિરોધક શક્તિ (Resistance) વિકસે છે. ઉપરાંત પાકમાં દવાઓના અવશેષો રહેવા લાગે છે, જેના કારણે ગુણવત્તા ઘટે છે. સાથે જ ઉપયોગી જીવજંતુઓનો નાશ થવો, હવા-પાણી તથા જમીનનું પ્રદૂષણ થવું જેવા ગંભીર પ્રશ્નો પણ ઊભા થાય છે. આ પરિસ્થિતિનું યોગ્ય સમાધાન લાવવા માટે સંકલિત જીવાત નિયંત્રણ (Integrated Pest Management – IPM) પદ્ધતિનું મહત્વ વધ્યું છે. આ પદ્ધતિમાં જીવાત નિયંત્રણ માત્ર દવાઓ પર આધારિત ન રાખીને, વિવિધ પદ્ધતિઓને એકસાથે અપનાવીને જીવાતોની સંખ્યા ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જેના પરિણામે ખેડૂતોનું આર્થિક નુકસાન ઘટાડવામાં મદદ મળે છે. સંકલિત જીવાત વ્યવસ્થાપન હેઠળ ફેરોમોન ટ્રેપ એક ખૂબ અસરકારક ઉપાય તરીકે ગણાય છે. તેથી ખેડૂતોને ફેરોમોન ટ્રેપ શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે, તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો, તેમજ ઉપયોગ વખતે કયા ધ્યાન રાખવા જેવા મુદ્દાઓની જાણકારી હોવી જરૂરી છે.
ફેરોમોન ટ્રેપ શું છે અને કેવી રીતે કાર્ય કરે છે?
ફેરોમોન ટ્રેપ એ જીવાત નિયંત્રણ માટેનું એક યાંત્રિક સાધન છે, જેમાં ખાસ સુગંધ (ફેરોમોન) વપરાય છે. આ સુગંધ નર જીવાતોને આકર્ષે છે અને તેઓ ટ્રેપમાં ફસાઈ જાય છે. આ રીતે જીવાતોની સંખ્યા ઘટે છે અને પાકનું નુકસાન ઓછું થાય છે. કુદરતમાં ઘણી માદા જીવાતો પોતાના શરીરમાંથી એક ખાસ પ્રકારનો સુગંધિત રસ (ગંધ) બહાર છોડે છે. આ ગંધ નર જીવાતોને માદા તરફ આકર્ષે છે જેથી જોડાણ (Mating) શક્ય બને. આ ગંધને વૈજ્ઞાનિક ભાષામાં “સેક્સ ફેરોમોન” કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ આ કુદરતી ગંધની રચના અને પ્રક્રિયાનો અભ્યાસ કરીને કૃત્રિમ રીતે પણ આવી સુગંધ તૈયાર કરી છે. તેને સિન્થેટિક સેક્સ ફેરોમોન અથવા સરળ ભાષામાં પેરાફેરોમોન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના કૃત્રિમ જાતીય અંતઃસ્ત્રાવને ખાસ પ્રકારના રબર અથવા પ્લાસ્ટિક (પીવીસી) સાથે મિક્સ કરીને એક નાની રચના બનાવવામાં આવે છે, જેને સામાન્ય રીતે કૅપ્સ્યુલ અથવા લ્યુર કહેવાય છે. સામાન્ય રીતે એક લ્યુર/કૅપ્સ્યુલમાં આશરે ૨.૫ મિલિગ્રામ જેટલો ફેરોમોન ઉમેરવામાં આવે છે. આ લ્યુરને જીવાત પકડવા માટે તૈયાર કરાયેલા ટ્રેપમાં યોગ્ય રીતે ફિટ કરવામાં આવે છે. લ્યુર અને ટ્રેપ બંને મળીને જે સંપૂર્ણ વ્યવસ્થા બને છે, તેને સેક્સ ફેરોમોન ટ્રેપ તરીકે ઓળખવામાં આવે છે. ફેરોમોન ટ્રેપમાં મૂકાયેલ લ્યુર/કૅપ્સ્યુલમાંથી નીકળતી ગંધ માદા કીટક દ્વારા છોડવામાં આવતી કુદરતી ગંધ જેવી જ હોય છે. તેથી તે જ જાતિના નર કીટક દૂરથી આ ગંધ તરફ આકર્ષાય છે અને ટ્રેપ સુધી પહોંચે છે. પછી તેઓ લ્યુર/ક્યુબની આસપાસ ફરતા રહે છે અને અંતે ટ્રેપમાં ફસાઈ જાય છે. આજના
સમયમાં અલગ-અલગ પ્રકારની જીવાતો માટે વિવિધ ફેરોમોન ટ્રેપ ઉપલબ્ધ છે, જેની માહિતી કોષ્ટક નંબર ૧ માં આપવામાં આવી છે.
કોઠો: વિવિધ પાકોમાં નુકસાન કરતી જીવાતો ના નિયંત્રણ માટે ઉપયોગી ફેરોમેન
|
ક્ર. નં. |
જીવાતનું નામ |
પાક |
ફેરોમોન |
|
1 |
ફળમાખી |
વેલાવાળા શાકભાજી |
ક્યુ લ્યુર (4-(પી-ઓસિટોકિસિકફેનાઈલ)-2-બ્યુટેનોન) |
|
2 |
ફળમાખી |
ફળપાકો |
મિથાઈલ યુજિનોલ (4-એલાઈલ-1,2-ડાયમિથોક્સીબેન્ઝિન) |
|
3 |
લીલી ઇયળ |
ચણા, ટામેટા, મરચી, ભીંડા, તુવેર, મગફળી, કોબીજ |
(ઝેડ)-11-હેક્ઝાડીકેનાલ / હેક્ઝાડીકેનાલ |
|
4 |
લશ્કરી ઇયળ |
દિવેલા, તમાકુ, કોબીજ, મગફળી |
(Z,E)-9,11-ટેટ્રાડિકેડીનાઇલ એસિટેટ |
|
5 |
કાબરી ઇયળ |
કપાસ, ભીંડા |
(Z)-11-હેક્ઝાડીસેનાલ |
|
6 |
ગુલાબી ઇયળ |
કપાસ |
(Z,Z)-7,11-હેક્ઝાડીકેનાઇલ એસિટેટ |
|
7 |
ટપકાવાળી લશ્કરી ઇયળ |
મકાઈ, બાજરી, જુવાર, શેરડી, ડાંગર |
(Z)-7-ડોડેસેન-1-ઓલ એસિટેટ |
|
8 |
ગાભમારાની ઇયળ |
મકાઈ, જુવાર, ઘઉં |
(Z)-11-હેક્ઝાડીકેનાલ |
|
9 |
ઘોડીયા ઇયળ |
દિવેલા |
(Z,Z)-6,9-હેનીકોસાડાયેન |
|
10 |
પાનકોરીયું |
ટામેટી |
(E)-4-ટ્રાઇડિસેનાલ એસિટેટ |
|
11 |
સફેદ ધૈણ |
મગફળી |
મીથોકસીબેન્ઝીન |
સફેદ ધૈણ ના નિયંત્રણ માટે ફેરોમોન ટ્રેપની રચના અને તેનું કાર્ય :
સફેદ ધૈણ જેવી જીવાતોના પુખ્તને આકર્ષીને મારવા માટે “એગ્રિગેશન ફેરોમોન” વપરાય છે. જેમાં નર અને માદા બંને આકર્ષાય છે. જ્યારે સફેદ ધૈણ માટે ૫ × ૫ સે.મી.ના વાદળી (સ્પોન્જ) ના ટુકડા કરવા, જેને ૪0-૫૦ સે.મી. લાંબા લોખંડના પાતળા તારના એક છેડો વચ્ચેથી દાખલ કરી તારની આંટી મારવી અને નીચે છેડે નાનો પથ્થર બાંધવો. આ તૈયાર થયેલ ફેરોમોન ટ્રેપને વચેથી વાળી અડધી ડાળી પર લટકે તેવી ગોઠવણ કરવી. વાદળીના ટુકડા પર ૩ મી.લી. જેટલું મેથાઈલ્કી બેનઝીનની ટીપે ટીપે રેડવું. આ રીતે સફેદ ધૈણ ના પુખ્તને આકર્ષી તેનું નિયંત્રણ કરી શકાય.
પોલિથિન સ્લીવ ફેરોમોન ટ્રેપની રચના અને તેનું કાર્ય :
પોલિથિન સ્લીવ ટ્રેપ પ્લાસ્ટીકમાંથી બનાવેલો હોય છે. તેના ઉપરના ભાગે ગોળ આકારની પ્લેટ હોય છે. તેની વચ્ચે તથા નીચેની બાજુએ એક આકડી/ખાંચો આપવામાં આવેલો હોય છે, જેમાં લ્યુર અથવા કૅપ્સ્યુલ સ્થાપિત કરવામાં આવે છે. પ્લાસ્ટીકની ગોળ પ્લેટની નીચેની બાજુએ ગળણી (ફનલ) આકારની પ્લાસ્ટીક રચના જોડાયેલી હોય છે. સામાન્ય રીતે ગોળ પ્લેટ અને ગળણીની વચ્ચે લગભગ એકથી દોઢ ઇંચ જેટલી જગ્યા રાખવામાં આવે છે, જેથી નર કીટક સરળતાથી લ્યુર/કૅપ્સ્યુલ સુધી પહોંચી શકે. ગળણી આકારની રચનાનો ઉપરનો ભાગ ખુલ્લો અને નીચેનો ભાગ સાંકડો હોય છે. ગળણીની બાજુએ હેન્ડલ જેવી રચના હોય છે, જેના દ્વારા ટ્રેપને લાકડી કે વાસ સાથે લટકાવવામાં સહાય મળે છે. ગળણીના નીચેના છેડે લાંબી પ્લાસ્ટીકની કોથળી જોડાયેલી હોય છે. કોથળીનો નીચેનો ભાગ ખુલ્લો રહેતો હોય છે, જેને ટાંકી અથવા પિન વડે બંધ કરી શકાય છે. આ રીતે તૈયાર કરેલો ટ્રેપ યોગ્ય સ્થળે લાકડી અથવા વાસ પર ગોઠવવામાં આવે છે. ટ્રેપ તરફ આકર્ષાતા નર ફૂદા પ્લાસ્ટીકની કોથળીમાં એકત્રિત થાય છે. એકવાર ફૂદા કોથળીમાં પ્રવેશે ત્યાર બાદ બહાર નીકળી શકતા નથી. કોથળીમાં ભેગા થયેલા નર ફૂદાને દરરોજ સવારે અથવા નક્કી કરેલા સમય પર બહાર કાઢી તેનો યોગ્ય રીતે નાશ કરવામાં આવે છે.
જીવાત નિયંત્રણ વ્યવસ્થામાં ફેરોમોનનો ઉપયોગ :
જીવાતનું મોનીટરીંગ :
ફેરોમોન ટ્રેપને ખેતરમાં પ્રતિ હેક્ટર ૫ થી ૬ ની સંખ્યામાં ગોઠવીને જીવાતની વસ્તીની મોનીટરીંગ કરી શકાય છે. વર્ષ દરમ્યાન જે તે જીવાતની ગતિશીલતા જાણી શકાય છે. ભવિષ્યમાં જીવાત વધશે કે નહીં તેનું પૂર્વાનુમાન પણ કરી શકાય છે. ફેરોમોન ટ્રેપમાં પકડાયેલા ફૂદા આધારે તેની તીવ્રતા જાણી શકાય છે અને તે મુજબ જીવાત નિયંત્રણ માટે ભલામણ મુજબના યોગ્ય પગલાં લઈ શકાય છે.
જીવાતનો સામૂહિક નાશ (માસ ટ્રેપિંગ):
અમુક વિસ્તારમાં જયારે કોઈ નવી જીવાતની વસ્તી વધી ગઈ હોય ત્યારે જે તે જીવાતનાં ઉપલબ્ધ ફેરોમોન ટ્રેપ વધારે સંખ્યામાં (૪૦ નંગ/હેક્ટર) ગોઠવી નર ફૂદાઓ આકર્ષીને નાશ કરવામાં આવે છે જેને જીવાતનો સામૂહિક નાશ (માસ ટ્રેપિંગ) કહેવામાં આવે છે. આમ, જે તે વિસ્તારમાં મોટી સંખ્યામાં નર ફૂદાઓની સંખ્યામાં ઘટાડો થતા માદા ફૂદા સાથે નર ફૂદાનો સમાગમ ન થાય કે નર ફૂદા ઓછા થતા પ્રજનન દર ઘટી જવા પામે છે, પરિણામે જે તે જીવાતની વસ્તીમાં ધીરે ધીરે ઘટાડો થવા પામે છે.
જીવાતની સંખ્યા નિયંત્રણમાં વિક્ષેપણ (મેટિંગ ડિસરપ્શન):
કુદરતમાં માદા કીટક છોડેલ ખાસ પ્રકારની ગંધ તરફ નર કીટક આકર્ષાય છે અને સમાગમ કરી તેની વસ્તી વધારતા હોય છે. પરંતુ તેની જગ્યાએ ખેતરમાં ઊભા પાકમાં કૃત્રિમ જાતીય અંત:સ્ત્રાવની વધારે માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો નર કીટક માદા કીટકને શોધી શકતા નથી અને ગુંચવાય છે. જેને લીધે નર કીટક માદાની શોધખોળમાં આમતેમ ભટકે છે અને છેવટે થાકી ને મરણ પામે છે. આમ થતાં માદા કીટકમાં પ્રજનનનું પ્રમાણ ઘટે છે. એકલ-એકલ ખેતરે જે ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરે તો તેના જોઈએ તેવા પરિણામો હાંસલ થઈ શકતા નથી. તેને બદલે જે તે વિસ્તારમાં ખેડૂતો જો સામૂહિક રીતે તેનો ઉપયોગ કરે તો ચોક્કસ સારા પરિણામો મેળવી શકાય છે. વળી, ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરવાથી તાત્કાલિક તેના પરિણામો જોવા મળતા નથી પરંતુ લાંબાગાળે જીવાતની વસ્તી ક્રમશઃ ઘટતી જોવા મળે છે.
ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો :
- ક્યારેય પણ એક જ ટ્રેપમાં બે જુદી જુદી જીવાતોની લ્યુર વાપરવી નહિ. તે માટે અલગ અલગ ટ્રેપનો ઉપયોગ કરવો.
- ફેરોમોન ટ્રેપ ખેતરમાં એવી રીતે ગોઠવવું કે લ્યુર પાકની ઊંચાઈથી અડધાથી એક ફૂટ ઊંચાઈએ રહે અને પાકની ઊંચાઈ વધતા ક્રમ ક્રમ ટ્રેપની ઊંચાઈ વધારવી જોઈએ.
- પાકમાં બે ટ્રેપ વચ્ચે ઓછામાં ઓછું ૧૦ મીટર જેટલું અંતર રાખવું.
- સામાન્ય રીતે પાકની વાવણી બાદ થોડા દિવસ પછી ફેરોમોન ટ્રેપ ગોઠવવા જોઈએ અને પાકની કાપણી સધી રાખવા જોઈએ.
- ખેતરમાં એક વખત ટ્રેપ ગોઠવ્યા બાદ વારંવાર તેની જગ્યા બદલવી નહિ.
- ટ્રેપ સાથે ફીટ કરેલ ફેરોમોન ટ્રેપની લ્યુર/સેક્સા/કૅપ્સ્યુલની અસર સામાન્ય રીતે ૨૧ થી ૨૮ દિવસ રહેતી હોવાથી તેને યોગ્ય રીતે સમયાંતરે બદલવી.
- ખેતરમાં ફેરોમોન ટ્રેપ ગોઠવ્યા બાદ કૂતરા, બિલાડા અથવા ખિસકોલી વગેરે જો પ્લાસ્ટિકની કોથળી ફાડી નાંખે અથવા ક્ષતિગ્રસ્ત થાય તો નવી પ્લાસ્ટિકની કોથળી લગાવવી.
- જે તે કીટક માટે વિકસાવેલ ફેરોમોન ટ્રેપ ફક્ત તે જ જાતિના કીટકને આકર્ષે છે. દા.ત લીલી ઈયળ માટેનું ફેરોમોન વાપર્યું હોય તો તેમાં લીલી ઈયળના નર ફૂદા જ આકર્ષાય છે. તેમાં અન્ય કીટકના ફૂદા આકર્ષાતા નથી.
- ટ્રેપ પર કોઈ જંતુનાશકનો છંટકાવન થાય તેની ખાસ કાળજી રાખવી.
- લ્યુર/કૅપ્સ્યુલનો હંમેશા સંગ્રહ હંમેશા ઠંડકવાળી જગ્યાએ કરવો. આવી લ્યુર/કૅપ્સ્યુલ ૧ થી ૧૨ ના સમૂહમાં પ્લાસ્ટિકના પેકેટમાં મળતી હોય છે. એક વખત આવું પેકેટ ખોલ્યા બાદ તેની જલ્દી ઉપયોગ કરી લેવો યોગ્ય નિવડે છે.
સુરેશ આર. દેસાઈ, ડૉ. એસ. ડી. પટેલ અને સુમેધા
કીટકશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સીટી, આણંદ
email : [email protected] , 6353035667
Share your comments