Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

ગુજરાત : ખેડૂતોની સદા વહારે રહેતી રૂપાણી સરકાર, સહાય મેળવી પગભર થાઓ ‘સરકાર’

ગુજરાતને સમગ્ર વિશ્વમાં ભારતનું વિકાસ-એંજિન કહેવામાં આવે છે, એની પાછળ ખેડૂતવર્ગની મહેનતનો પણ ઘણોખરો ફાળો છે. ભૂકંપ, પૂર, અતિવૃષ્ટિ વગેરે અનેક પછડાટો ખાવા છતાં ગુજરાત દેવહુમા પક્ષીની પેઠે સદાય ઊભું થઈ ગયું છે, એમાં જગતના તાતની હિંમતનો પણ હિસ્સો છે. આવા ખેડૂતને સરકાર કે તંત્ર કદી ભૂલી ન શકે એ જ સાચો ન્યાય કહેવાય.

KJ Staff
KJ Staff
સરકારી સહાયની યોજનાઓ વિશે જાણકારી ધરાવવી જરૂરી
સરકારી સહાયની યોજનાઓ વિશે જાણકારી ધરાવવી જરૂરી

ગુજરાતને સમગ્ર વિશ્વમાં ભારતનું વિકાસ-એંજિન કહેવામાં આવે છે, એની પાછળ ખેડૂતવર્ગની મહેનતનો પણ ઘણોખરો ફાળો છે. ભૂકંપ, પૂર, અતિવૃષ્ટિ વગેરે અનેક પછડાટો ખાવા છતાં ગુજરાત દેવહુમા પક્ષીની પેઠે સદાય ઊભું થઈ ગયું છે, એમાં જગતના તાતની હિંમતનો પણ હિસ્સો છે. આવા ખેડૂતને સરકાર કે તંત્ર કદી ભૂલી ન શકે એ જ સાચો ન્યાય કહેવાય. ભારતના બાકીના ભાગોમાં ખેતીનો વિકાસદર લગભગ 2.5 ટકા છે ત્યારે ગુજરાતમાં આ દર લગભગ 11 ટકાએ પહોંચ્યો છે, એમાં કોઈ ઉદ્યોગપતિની નહીં, બલકે ગુજરાતના ખેડૂતની મહેનત છે, એની કોઈ ના પાડી ન શકે. પરંતુ એક અભિપ્રાય મુજબ, ગુજરાતના ખેડૂતો જેટલા મહેનતુ છે એટલા જ વિવિધ યોજનાઓ વિશે અજાણ રહે છે. ગુજરાત સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ વિશે ગુજરાતના ખેડૂતને બહુ ઓછી જાણ હોય એવું ચિત્ર છે.

ગુજરાતની ખેતી સુધારવા માટે સરકારના પ્રયાસોઃ

ગુજરાતમાં 9.8 મિલિયન હૅક્ટર ભૂમિ ઉપર ખેતી થાય છે, અને લગભગ બે-તૃતીયાંશ જમીન સૂકી અથવા અર્ધ-સૂકા ઉષ્ણ કટિબંધીય વિસ્તાર હેઠળ આવે છે, જ્યાં બહુ ઓછો વરસાદ પડે છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે વર્ષ 2002-03માં રાજ્યમાં તેમણે ‘કૃષિક્રાન્તિ’નો પાયો નાખ્યો હતો. એ વખતે મોદી સરકારે સૌપ્રથમ ખેતી અને ઉદ્યોગોને વીજળીના પુરવઠાની સ્થિતિ સુધારી હતી. ખેતરોમાં રાતના સમયે કોઈ કપાત વિના જ ઓછામાં ઓછા ચાર કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાયો હતો. સિંચાઈની આ અનોખી સવલત મળવાથી ખેડૂતોએ થ્રી-ફેઝ વીજળી લઈને પોતાના પમ્પ ચલાવ્યા અને ફાયદો મેળવ્યો. કચ્છ જિલ્લામાં ડ્રિંપ અને સ્પ્રિંક્લર સિંચાઈ ટૅક્નિકના ઉપયોગથી જિલ્લાની રોનક વધી ગઈ. ઉજ્જડ અને બિન-ઉપજાઉ ગણાતી જમીન પર પાક લહેરાવા માંડ્યા. એકલા કચ્છ જિલ્લામાંથી પશ્ચિમ એશિયાને 70,000 ટનથી વધારે કેસર કેરીની નિકાસ કરવામાં આવે છે. નવાઈની વાત એ છે કે, વર્ષ 2001 સુધી ડ્રિપ ટૅક્નિક માત્ર 10,000 હૅક્ટર જમીન સુધી જ ઉપલબ્ધ હતી તે આજે સાત લાખ હૅક્ટર જમીનમાં સિંચાઈ કરી આપે છે. વર્તમાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં (ઑક્ટોબર-2020માં) વડાપ્રધાનની કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરતાં ખેડૂતોને દિવસે સિંચાઈ માટે વીજ-પુરવઠાની સવલતની જાહેરાત કરી.

ગુજરાત પ્રથમ રાજ્ય – મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજનાઃ

ભારતમાં ગુજરાત એવું પ્રથમ રાજ્ય છે જ્યાં મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજના જારી કરાઈ છે. આ યોજના શું છે એની જાણ ખેડૂતને હોવી જોઈએ. પરંતુ ઘણાખરા ખેડૂતો આ યોજનથી અજાણ છે. જે ખેડૂતો અગાઉ એક કે બે જ પાક લેતા હતા તેઓ હવે મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજનાના કારણે ત્રણથી ચાર પાક લઈ શકે છે, અને લાભ કમાય છે. એટલું જ નહીં, કૉન્ટ્રાક્ટ-ફાર્મિંગ કે માઇક્રો ઇરિગેશનના નવા ખ્યાલથી ખેડૂતોની આવક વધી છે, ડબલથી પણ વધી છે.

ગુજરાતની કૃષિ આવક વધીઃ

છેલ્લાં સાત વર્ષમાં ગુજરાત રાજ્યની કૃષિ આવક 14000 કરોડથી વધીને 59000 કરોડ થઈ છે, એટલે કે તેમાં ચાર ગણાથી વધારેની વૃદ્ધિ થઈ છે. વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-2011માં કૃષિ આધારિત પરિયોજનાઓ માટે 37,000 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. રાજ્યના જે બિન-ખેડાઉ વિસ્તારો હતા તેમાં નવો પ્રાણસંચાર કરવા માટે રાજ્ય સરકારે નવી નવી યોજનાઓ તરતી મૂકી છે, પણ તેનો લાભ લેવા ખેડૂતે જાગૃત બનવું પડશે. સરકાર ઇચ્છે છે કે, ગુજરાતનો ખેડૂત વધુ ને વધુ માહિતી મેળવતો થાય. આ હેતુસર સરકાર દર વર્ષે કૃષિ-મહોત્સવનું આયોજન કરે છે, જે સતત એક મહિનો ચાલે છે. આ મહોત્સવમાં કૃષિવિભાગના અધિકારીઓ સાથે કૃષિ-વિજ્ઞાનીઓની એક આખેઆખી ટીમ ગુજરાતનાં 18000 ગામોમાં પ્રવાસ કરે છે અને ખેડૂતોને નવી નવી ટૅકનિકો તથા વિવિધ ખેતપ્રકારોની વિગતો સમજાવે છે.

સિંચાઈની પાયાની સવલતઃ

દેશના કૃષિવિકાસને નડતું એક જ વિઘ્ન છે અને તે છે સિંચાઈ માટે પાણીની મુશ્કેલી. પરંતુ ગુજરાતના જલ-સંરક્ષણ કાર્યક્રમોએ સાબિત કર્યું છે કે, પાણી સાચવી શકાય છે અને તેનાથી ખેતી સરળ બને છે. સરકારે આ માટે કૃષિતંત્રને કામે લગાડીને રાજ્યામાં સરકારી તથા ખાનગી ભાગીદારીથી 6 લાખથી વધારે ચૅકડેમ, ખેત-તલાવડીઓ અને બોરીબંધો બાંધી આપ્યાં છે.

તો,  નર્મદા નદી ઉપર શરૂ કરાયેલી સરદાર સરોવર પરિયોજના વિશ્વનું સૌથી મોટું સિંચાઈ નેટવર્ક બની ગયું છે. પરિણામે, છેલ્લા દાયકામાં 10 લાખથી વધારે કૂવા અને બોરવેલ પુનઃ ભરી શકાયા અને સિંચાઈની સવલતના પગલે 33 લાખ હૅક્ટર જમીનને સિંચાઈનાં પાણીથી તરબતર કરી શકાઈ.

ફળફળાદિ-શાકભાજીના ખેડૂતોનો ફાળોઃ

ગુજરાતનો દેશમાં ખૂબ મોટો ફાળો છે. ગુજરાતમાં ફળફળાદિ અને શાકભાજી ઉત્પન્ન કરતા ખેડૂતોને કદાચ ખબર પણ નહીં હોય પરંતુ તેઓ મજૂરી અને મહેનત કરીને રાજ્યને 78 લાખ ટન ફળફળાદિ અને 73 લાખ ટન શાકભાજી તૈયાર કરી આપે છે!

ગુજરાતના પશુપાલકોને શ્રેયઃ દૂધ-ઉત્પાદનમાં ગુજરાત મોખરેઃ

ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષમાં દૂધ-ઉત્પાદનની ટકાવારી 68 ટકા વધી છે. અને સહકારી ડૅરીઓનો ભાગ 46 લાખ લીટરથી વધીને 100 લાખ લીટર દરરોજના ધોરણે થયો છે. દિલ્હીમાં ગુજરાત 20 લાખ લીટર, મુંબઈમાં 8 લાખ લીટર અને કોલકાતામાં 5 લાખ લીટર દૂધ દરરોજ મોકલી આપે છે. આપણા દેશને દશે દિશાઓમાંથી સાચવતા જવાનો માટે ગુજરાતમાંથી મિલ્ક પાવડર પણ મોકલવામાં આવે છે. દૂધના વેપારને છેલ્લાં દસ વર્ષમાં આપણા સાહસિક અને બાહોશ પશુપાલક ગુજરાતીઓએ 2400 કરોડ રૂપિયાથી ઉઠાવીને 12,250 કરોડ પર પહોંચાડી દીધો છે. ગુજરાતમાં દૂધમંડળીઓ વધી છે તથા મહિલાઓ દ્વારા સંચાલિત દૂધમંડળીઓ 800થી વધીને હવે 2250 થઈ છે. આ બધું ગુજરાતીઓની મહેનતનું પરિણામ છે.

જરૂર માત્ર એટલી જ છે કે, હજી વધારે સારી સ્થિતિ માટે ખેડૂતે જાગૃત રહેવું પડશે. ઉન્નત ખેતીની નવી નવી ટૅકનિકો જાણવી પડશે અને પાયાની સિંચાઈ વગેરે સુવિધાઓનો લાભ ઉઠાવવો પડશે.

Related Topics

KHEDUTO farmers Government

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More