આજના સમયમાં ખેતી દિન ને દિવસે મોંઘી બનતી જાય છે કે જેમાંવધતા જતા રાસાયણિક ખાતરો, રોગ-જીવાત માટેની દવાઓ, નિંદામણ નાશકો તેમજ મજૂરી પાછળનો ખર્ચ મુખ્ય કારમો છે. આ વધતા જતા ખર્ચને ઘટાડવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવીને તેના દ્વારા અમૂલ્ય એવા પાણી અને મોંઘાદાટ રાસાયણિક ખાતરો, નિંદામણ નાશકો તેમજ જમીનજન્ય રોગો માટેની દવા આપીએ, તો તેના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા તેનો તેમજ મજુરીનો ખર્ચ ઘટાડી શકાય છે.
ફર્ટિગેશન:
પિયતના પાણી સાથે ઓગાળીને ખાતર આપીએ, તો તેને ફર્ટિગેશન કહેવામાં આવે છે. ટપક સિંચાઈ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો ફર્ટિગેશન છે કે જેના ફાયદાઓ આ પ્રમાણે છે. (૧) ફર્ટિગેશનથી ખેતરમાં આવેલ દરેક છોડના મૂળ વિસ્તારમાં સપ્રમાણસર ખાતર મળે છે.
(૨) ખાતર સમય અને જરૂરિયાત મુજબ આપવામાં સુગમતા
(3) પોષક તત્વોની ઉપલબ્ધતામાં વધારાને કારણે ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ (૪) પોષક તત્વો સંતુલિત રીતે આપી શકાય છે. (૫) ખાતરના વધુ વપરાશથી થતું જમીન અને ભૂજળનું પ્રદૂષણ અટકે છે. (૬) ખાતર ઉપરાંત રોગ, જીવાત અને નિંદામણ નાશકો પણ આપી શકાય છે. (૭) મજૂરી ખર્ચમાં બચાવ થાય છે.
ફર્ટિગેશન માટે એવું ખાતર પસંદ કરો કે જે પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય હોય અને સિંચાઈ પદ્ધતિમાં ક્ષાર અવક્ષેપ ઉત્પન્ન ન કરે. ટપક સિંચાઈ પદ્ધતિમાં રાસાયણિક ખાતર આપવા માટે ત્રણ ઉપકરણો વાપરવામાં આવે છે. (૧) ખાતરની ટાંકી, (૨) વૅંચુરી અને (3) ફર્ટિગેશન પંપ. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ખાતર આપવા માટે બજારમાં ઘણા જ પ્રકારના દ્રાવ્ય તેમજ પ્રવાહી ખાતરો મળે છે કે જે જુદા-જુદા પાકો માટે તેની વિવિધ અવસ્થાઓએ વિવિધ પ્રકારના ખાતરો તજજ્ઞોની સલાહ મુજબ વાપરી શકાય.
પાક વિકાસ માટે જરૂરી તત્વો :
પાયાના તત્વો તરીકે કાર્બન, હાઇડ્રોજન અને ઑક્સિજન પાકને જરૂર પડે છે કે જે આપણે આપવાની જરૂર પડતી નથી, કારણ કે તે હવા અને જમીનમાંથી પાક પોકે લઈ લે છે. સામાન્ય રીતે નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશ મુખ્ય તત્વો તરીકે પાકની જરૂરિયાત ગણાય. ગૌણ તત્વોમાં કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને સલ્ફરની જરૂર રહે છે. સૂક્ષ્મ તત્વોમાં તાંબુ, લોહ, બોરોન, મૅંગેનીઝ, ઝિંક, ક્લોરાઇડ વગેરે આવે છે કે જે ખૂબ જ સૂક્ષ્મ માત્રામાં જરૂર પડે છે.
પિયત પાણીની ગુણવતા:
પાકના છોડને ખાતરોના તત્વોની પ્રાપ્તિ થવામાં પિયત પાણીની ગુણવત્તા ખૂબ જ અસર કરે છે. પિયત પાણી સાથે ખાતર આપવામાં તેની ગુણવત્તા ખૂબ જ અગત્યની છે.
ખાતરોના તત્વ સ્વરૂપોની અગત્યતા:
નાઇટ્રોજન તત્વ:
પાકના છોડ દ્વારા નાઇટ્રોજન તત્વનો સૌથી વધારે ઉપાડ થાય છે. નાઇટ્રોજનયુક્ત ખાતરો સામાન્ય રીતે દ્રાવ્ય હોય છે. પાકની કટોકટીની સ્થિતિમાં નાઇટ્રોજનની ઉપલબ્ધતાના આધારે પાકનું ઉત્પાદન અને તેની ગુણવતા પર આધાર રહે છે. સામાન્ય રીતે છોડના મૂળ દ્વારા નાઇટ્રોજન ખાતરના બે સ્વરૂપો લેવામાં આવે છે. (૧) નાઇટ્રેટ (NO૩) અને એમોનિયા (NH૩). મોટાભાગના છોડ દ્વારા નાઇટ્રેટ સ્વરૂપ અનુકૂળ છે. સામાન્ય નાઇટ્રોજન ખાતરોમાં એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ સલ્ફેટ અને યૂરિયા છે.
નાઇટ્રેટ અને એમોનિયમ જેવા તત્વોનુ છોડના મૂળ દ્વારા સરળતાથી શોષણ થાય છે. અનુકૂળ વાતાવરણમાં એમોનિયમ નાઇટ્રોજનનું નાઇટ્રી ફાઇંગ બૅક્ટેરિયા દ્વારા નાઇટ્રેટ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આથી નાઇટ્રેટ સ્વરૂપની જેમ એમોનિયમ સ્વરૂપ સરળતાથી ઉપલબ્ધ હોતું નથી. નાઇટ્રેટ સ્વરૂપનું છોડના મૂળ દ્વારા શોષણ કરાય, પછી તે સ્વરૂપ ઝડપથી તેના પ્રકાંડ અને પાંદડામાં ગતિ કરે છે. છોડને વિકાસ માટે નાઇટ્રોજનના નાઇટ્રેટ સ્વરૂપનું એમોનિયમ સ્વરૂપમાં રૂપાંતર જરૂરી છે કે જે છોડના પ્રકાંડ અને પાંદડામાં રહેલા ઉત્સેચકો (એન્ઝાઈમ) દ્વારા થાય છે.
ત્રણ અઠવાડિયાથી નાના છોડમાં નાઇટ્રેટનું એમોનિયમમાં રૂપાંતર કરતા ઉત્સેચકો (એંઝાઇમ)નો વિકાસ થયેલ ન હોવાથી આવા નાના છોડ દ્વારા એમોનિયમ સ્વરૂપ પસંદ કરાય છે. આથી જ છોડના શરૂઆતના તબક્કામાં એમોનિયમ તત્વ સાથેના ખાતરો વાપરવા હિતાવહ છે. એક વાર છોડ પરિપક્વ થાય, પછી નાઇટ્રેટ સ્વરૂપના નાઇટ્રોજન ખાતરો આપવાથી દેખીતી અસર થાય છે, કારણ કે નાઇટ્રેટ સ્વરૂપ જલ્દીથી છોડના પાંદડા સુધી પહોચે છે.
જયારે એન હાઇડ્રસ એમોનિયા અથવા એકલા એમોનિયા ખાતરો પાણી દ્વારા આપવામાં આવે, ત્યારે તે સરળતાથી દ્રાવ્ય થાય છે. પિયત પાણીમાં જયારે કાર્બોનેટ અને બાયકાર્બોનેટ વધુ હોય, ત્યારે તેનાથી અવક્ષેપ બનતા હોવાથી ડ્રિપર/ડ્રિપલાઇન અને ફિલ્ટરો જામ થઈ જવાની શંકા રહે છે.
ફૉસ્ફરસ તત્વ:
પ્રાથમિક રીતે છોડ દ્વારા ફૉસ્ફરસને ઑર્થોફૉસ્ફેટ સ્વરૂપમાં જ શોષણ કરાય છે. જોકે તે જમીનમાં રહેલા લોહ અને એલ્યુમિનિયમની સાથે જોડાઈને અદ્રાવ્ય બનાવે છે કે જે છોડને લભ્ય બનતું નથી. સામાન્ય ફૉસ્ફરસ ખાતરોમાં ટ્રિપલ સુપર ફૉસ્ફેટ, મોનો એમોનિયમ ફૉસ્ફેટ, ડાઇએમોનિયમ ફૉસ્ફેટ અને એમોનિયમ પોલીફૉસ્ફેટ છે. એમોનિયમ ફૉસ્ફેટએ નાઇટ્રોજન તત્વ પણ ધરાવે છે. ડાયએમોનિયમ ફૉસ્ફેટ (ડીએપી)ની શરૂઆતના ખાતર તરીકે ભલામણ નથી.
પોટેશિયમ તત્વ:
મોટાભાગના પોટેશિયમ ખાતરો પાણીમાં દ્રાવ્ય છે અને જલ્દી અસરકરતા છે, જેમ કે પોટેશિયમ ક્લોરાઇડ અથવા નાઇટ્રેટ ઓફપોટાશ, પોટેશિયમ સલ્ફેટ, પોટેશિયમ મૅગ્નેશિયમ સલ્ફેટ. પોટેશિયમ તત્વ માટીના કણ સાથે જોડાઈ જતા હોવાથી છોડ માટે ઉપલબ્ધ રહે છે. જોકે જે જમીનમાં નિતાર વધુ હોય, તેવી જમીનમાં પોટાશિક ખાતરો એક સાથે આપવાને બદલે જરૂરિયાત મુજબ ટુકડામાં/ભાગમાં આપવાં હિતાવહ છે. પહેલા વર્ષે પોટેશિયમ સામાન્ય રીતે ૫૦થી ૬૦ ટકા જ વપરાતો હોય છે.
Share your comments