ખેડુતોના અનુભવ પ્રમાણે આદર સળગાવવાથી ડાંગરના ધરૂવાડીયામાં નિંદામણ નાશ પામે છે. જમીન પોચી બને છે તેથી ધરૂને સરળતાથી ઉચકીને રોપી શકાય છે.
પંજાબ કૃષિ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ આદર સળગાવેલ ખેતરથી ૩૦ મીટરના વિસ્તારમાં કાર્બન મોનોક્સાઈડનુ પ્રમાણ ૧૧૪.૫ મી.ગ્રા/મી૩ હોય છે. જ્યારે તેનાથી ૧૫૦ મીટરના અંતર સુધીના વિસ્તારમાં ૨૦.૬ મી.ગ્રા/મી૩ હોય છે. કાર્બન મોનોક્સાઈડની સુરક્ષિત માત્રા ૪.૦ માઇક્રો ગ્રા./ મી૩ છે. તદ્પરાંત આદર સળગાવેલ ખેતરથી ૨૦૦ થી ૪૦૦૦ મીટરના અંતર સુધીના વિસ્તારમાં નાઈટ્રોજન ડાયોક્સાઈડ અને એમોનિયા ગેસનુ પ્રમાણ ૪૦ થી ૫૦ માઇક્રો ગ્રા./ મી૩ જેટલુ હોય છે.તદ્પરાંત વાતાવરણમાં લોહનુ પ્રમાણ ૬૭૭૮ થી ૧૩૨૪૦ માઇક્રો ગ્રા./ મી૩ અને ઝીંકનુ પ્રમાણ ૧૦૨૧ થી ૪૮૫૪ માઇક્રો ગ્રા./ મી૩ હોય છે જે માણસ અને પશુ-પક્ષી માટે અત્યંત ઝેરી છે. ખેતરમાં આદર કરવા માટે સેન્દ્રિય કચરો સળગાવવાથી નાઈટ્રોજન ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ જેવા નુકશાનકારક ગેસ પેદા થઇ વાતાવરણને પ્રદુષિત કરે છે.
આદર સળગાવવાથી જમીનમાં રહેલ સેન્દ્રિય કાર્બન કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં ફેરવાઇ નાશ પામે છે. જમીનમાં રહેલ નાઈટ્રોજન તત્વ નાઇટ્રેટના રૂપમાં ફેરવાઇ જાય છે. પરિણામે જમીનમાંથી ૦.૮૨૪ મીલીયન ટન નાઇટ્રોજન:ફોસ્ફરસ:પોટાશનો નાશ થાય છે તથા જમીનનુ તાપમાન વધતાં જમીન ૨.૫ સે.મી ઉંડાઇ સુધીમાં રહેલ લાભદાયી જીવાણુ બેક્ટેરીયા અને ફુગનો નાશ થાય છે.તેમજ પોલીક્લોરીનેટેડ ડીબેન્ઝો-પી-ડાયોક્ઝીન્સ, એરોમેટીક હાઇડ્રોકાર્બન(PAH`s) અને પોલીક્લોરીનેટેડ ડીબેન્ઝોફ્યુરાન્સ(PCDFs) જેવા કેન્સરકારક રસાયણો પેદા થઇ વાતાવરણમાં ફેલાય છે. વાતાવરણમાં ગ્લોબલ વોર્મીંગ માટે જવાબદાર કાર્બન ડાયોક્સાઈડ જેવા વાયુ પેદા થતાં ઓક્સીજનનુ પ્રમાણ ઘટે છે. પશુ રહેઠાણની આજુબાજુ આદર સળગાવવાથી કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોકસાઇડ પેદા થાય છે જે પશુના સામાન્ય હિમોગ્લોબીનને અસામાન્ય બનાવી દે છે અને દુધના ઉત્પાદન પર પણ માઠી અસર કરે છે.
આમ, ખેતરમાં આદર સળગાવવાથી ઉત્પન્ન થતા ઝેરી ગેસ અને કેન્સરકારક રસાયણો વાતાવરણને તો પ્રદુષિત કરે જ છે તદ્પરાંત માણસ અને પશુ-પક્ષીના શ્ર્વાસમાં જવાથી તેમના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે અને જમીનની ફળદ્રુપતા ઓછી થઇ જાય છે તેમ છતાં વલસાડ જીલ્લાના ખેડુતો આદર પધ્ધતિથી ધરૂવાડીયુ તૈયાર કરે છે જેમાં ૨૦ થી ૨૧ દિવસમાં ધરૂ તૈયાર થાય છે જે નબળુ અને પીળુ હોવાથી ડાંગરનુ ધાર્યુ ઉત્પાદન મેળવી શકાતુ નથી.
આ સમસ્યાના ઉકેલ માટે ગૂજરાત વિદ્યાપીઠ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંભેટીએ વલસાડ જીલ્લાના ખેડુતોને ડાંગર ધરૂવાડીયુ તૈયાર કરવા આદર પધ્ધતિના વિકલ્પ તરીકે ફિલીપાઇન્સ દેશ દ્વારા વિકસિત ડેપોગ પધ્ધતિ અપનાવવા જણાવેલ. ડેપોગ પધ્ધતિમાં ધરૂવાડીયુ જમીનની ઉપર પ્લાસ્ટીક પાથરી ફ્રેમમાં તૈયાર કરવાનુ હોઇ જમીનમાં રહેલ પોષકતત્વો અને સુક્ષ્મજીવોને કોઇ અસર થતી નથી. આ પધ્ધતિ સરળ અને પર્યાવરણિય સુરક્ષિત છે જેના દ્વારા ૧૨ થી ૧૫ દિવસમાં તંદુરસ્ત અને ચીપાદાર ધરૂ તૈયાર કરી યોગ્ય સમયે રોપણી કરી શકાય છે. ડાંગર ધરૂવાડીયાની આદર પધ્ધતિ કરતાં ડેપોગ પધ્ધતિ ઓછી ખર્ચાળ છે.
કેવિકે,અંભેટીએ ખેડુતોને ડેપોગ પધ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે પસંદગી કરેલ ગામ, કાકડકોપર ખાતે તેમના ખેતર પર જ આદર પધ્ધતિ અને ડેપોગ પધ્ધતિથી ડાંગરના ધરૂવાડીયા બનાવી બંન્ને પધ્ધતિઓની સરખામણી કરી.
ડાંગરનુ ધરૂવાડીયુ તૈયાર કરવા માટે આદર અને ડેપોગ પધ્ધતિની સરખામણી
આદર પધ્ધતિ |
ડેપોગ પધ્ધતિ |
||
૧ હેક્ટરની રોપણી માટે ધરૂવાડીયા માટેનો વિસ્તાર(ચો.ફુ) |
૧૦૭૬૪ ચો.ફૂટ (૧૦ ગુંઠા) |
લાકડાની ફ્રેમ સાઇઝ(ચો.ફુટ) |
૫ x ૨.૫ =૧૨.૫ ચો.ફૂટ |
ફ્રેમ પ્રતિ હેક્ટર રોપણી માટે |
૨૦૦ |
||
ધરૂવાડીયા માટેનો વિસ્તાર(ચો.ફુ) |
૨૪૦૦- ૨૫૦૦ ચો.ફુટ |
||
ધરૂની સંખ્યા પ્રતિ ચો.ફુટ |
૧૮૪- ૨૪૦ |
ધરૂની સંખ્યા પ્રતિ ચો.ફુટ |
૨૫૦-૨૭૦ |
બિયારણનો દર |
૩૦-૩૫ કિ.ગ્રા |
બિયારણનો દર |
૨૦-૨૫ કિ.ગ્રા |
રોપણી માટે તૈયાર થયેલ ઉંમર |
૨૦-૨૧ દિવસ |
રોપણી માટે તૈયાર થયેલ ઉંમર |
૧૨-૧૫ દિવસ |
થાણા દીઠ ધરૂની રોપણી |
૨ થી ૩ |
થાણા દીઠ ધરૂની રોપણી |
૧ થી ૨ |
ડેપોગ પધ્ધતિથી ડાંગરનુ ધરૂવાડીયુ બનાવવાની રીત –
- સૌ પ્રથમ ધરૂવાડીયુ તૈયાર કરવા માટે ખેતરની નજીકમાં પાણીનો ભરાવો ન થાય તેવી સમતળ જગ્યા પસંદ કરવી
- જમીન પર પ્લાસ્ટીક અથવા વપરાયેલ પશુ દાણના પ્લાસ્ટીકના કોથળા પાથરી તેના પર લાકડાની ફ્રેમો ગોઠવવી
- ફ્રેમ દીઠ ૬૦% માટી + ૪0% બાયોકંમ્પોસ્ટ+ ૧૦૦ ગ્રામ યુરીયા અને સિંગલ સુપર ફોસ્ફેટનુ મિશ્રણ ભરી ફ્રેમ તૈયાર કરવી
- પંજેઠી વડે લાઇન ખુલ્લી કરી અગાઉથી ફણગાવેલ ડાંગરના બીની વાવણી કરવી
- ત્યારબાદ ફ્રેમ ઉપર ઘાસના પુરેટીયા ઢાંકી પાણી છાંટવુ.
- વાવણીના ત્રણ થી ચાર દિવસે પુરેટીયા દુર કરી ફ્રેમ ખુલ્લી કરી દેવી.
- ૧૦ થી ૧૨ દિવસે ધરૂ રોપણી કરવા યોગ્ય તૈયાર થઇ જાય છે.
ડાંગર ધરૂવાડીયુ તૈયાર કરવાની આદર અને ડેપોગ પધ્ધતિના ખર્ચની સરખામણી
આદર પધ્ધતિ |
ડેપોગ પધ્ધતિ |
||||||
વિગત |
ખર્ચ(રૂ.) |
વિગત |
ખર્ચ(રૂ.) |
||||
આદર માટેનો ખર્ચ |
૭૫૦ |
||||||
ખેતરનો કચરોની કિંમત ( ૧ રૂ./કિ.) (જથ્થો ૧૫૦કિ.ગ્રા) |
૧૫૦ |
ફ્રેમ બનાવવાનો ખર્ચ ( ૨૦ રૂ./ફ્રેમ.) (જથ્થો ૨૦૦) |
૪૦૦૦ |
||||
છાણની કિંમત (૨ રૂ./કિ.) (જથ્થો ૧૦૦કિ.ગ્રા) |
૨૦૦ |
પ્લાસ્ટીક શીટ |
૩૦૦ |
||||
મજુરી ખર્ચ |
૪૦૦ |
પુરેટીયાનો ખર્ચ |
૬૦૦ |
||||
જમીનની તૈયારી |
૧૧૫૦ |
||||||
બિયારણ ખર્ચ કિંમત (૩૦ રૂ./કિ) જથ્થો ૩૫ કિ.ગ્રા |
૧૦૫૦ |
બિયારણ ખર્ચ કિંમત (૩૦ રૂ./કિ) જથ્થો ૨૦ કિ.ગ્રા |
૬૦૦ |
||||
વાવણી અને ખાતર આપવાનો ખર્ચ |
૪૦૦ |
ફ્રેમ ભરવા, વાવણી અને ખાતર આપવાનો ખર્ચ |
૩૦૦ |
||||
ખાતર ખર્ચ |
૩૯૩૦ |
ખાતર ખર્ચ |
૧૧૫૦ |
||||
FYM |
૨૦૦૦ |
બાયોકંમ્પોસ્ટ |
૯૦૦ |
||||
એમોનિયમ સલ્ફેટ |
૧૨૬૦ |
યુરીયા |
૧૦૦ |
||||
એસએસપી |
૬૭૦ |
એસએસપી |
૧૫૦ |
||||
ધરૂ ઉપાડવા માટેનો ખર્ચ ૩ મજુર/ દિવસ |
૬૦૦ |
ધરૂ ઉપાડવા માટેનો ખર્ચ ૨ મજુર/૧/૨ દિવસ |
૨૦૦ |
||||
ધરૂવાડીયુ બનાવવાનો ખર્ચ |
૭૮૮૦ |
ધરૂવાડીયુ બનાવવાનો ખર્ચ |
૭૧૫૦ |
ડાંગર ધરૂવાડીયુ તૈયાર કરવાની આદર અને ડેપોગ પધ્ધતિની સરખામણીના આખતરા અંગે ખેડુતોના અનુભવો
- ૧) એક હેક્ટરની ડાંગરની રોપણી માટે આદર પધ્ધતિથી ધરૂવાડીયુ બનાવવા અંદાજીત ૧૦,૦૦૦ ચો.ફુટ જગ્યા જોઇએ જ્યારે ડેપોગ પધ્ધતિમાં લગભગ ૨૪૦૦- ૨૫૦૦ ચો.ફુટ જગ્યા જોઇએ.
- ૨) ડાંગર ધરૂવાડીયાની ડેપોગ પધ્ધતિ સરળ, પર્યાવરણિય સુરક્ષિત અને ઓછી ખર્ચાળ છે.
- ૩) આદર પધ્ધતિથી ધરૂ તૈયાર કરવામાં જમીનની તૈયારી અને આદર કરવા માટે કચરો ભેગો કરવાની મજુરી અને ખર્ચ વધે છે.
- ૪) આદર પધ્ધતિથી ૨૦ થી ૨૧ દિવસે જ્યારે ડેપોગ પધ્ધતિ દ્વારા ૧૨ થી ૧૫ દિવસે ચીપાદાર તંદુરસ્ત ધરૂ તૈયાર થઇ જાય છે.
- ૫) ડેપોગમાં જમીનની ઉપર પ્લાસ્ટીક પર ફ્રેમમાં ધરૂ તૈયાર થતુ હોવાથી તેને અન્ય જગ્યાએ સરળતાથી ખસેડી શકાય છે તેમજ આદર ની સરખામણીએ ઓછી મજુરીએ ઉપાડીને રોપી શકાય છે.
- ૬) તંદુરસ્ત ચીપાદાર ધરૂ તૈયાર થતાં થાણા દીઠ ૧ થી ૨ ધરૂ રોપવાની જરૂર રહે છે તેથી બિયારણનો દર ઘટી જાય છે પરિણામે બિયારણ ખર્ચ ઘટે છે
- ૭) આદર સળગાવવાથી જમીનમાં સૂક્ષ્મજીવાણુઓ નાશ પામે છે એટલે જમીનની ફળદ્રુપતા નાશ પામે છે જ્યારે ડેપોગમાં જમીનની ફળદ્રુપતા નાશ પામતી નથી.
- ૮) આદર પધ્ધતિથી તૈયાર કરેલ ધરૂ કરતાં ડેપોગ પધ્ઘતિવાળુ ધરૂ વધુ તંદુરસ્ત હોવાથી કંટી બેસવાના સમયે અથવા વરસાદના કારણે છોડ ઢળી પડતો નથી.
- ૯) આદર પધ્ધતિથી તૈયાર કરેલ ધરૂ કરતાં ડેપોગ પધ્ઘતિવાળુ ધરૂની રોપણી કરતાં ૬ થી ૮ ટકા વધુ ઉત્પાદન મળે છે અને ખર્ચ ઘટતાં ૧૬ થી ૧૮ ટકા નફામાં વધારો થાય છે.
- આમ, દક્ષિણ ગુજરાતના વલસાડ જ નહિ પણ અન્ય જીલ્લાના ડાંગર પકવતાં ખેડુતો જો આદર પધ્ધતિની જગ્યાએ ડેપોગ પધ્ધતિથી ધરૂવાડીયુ તૈયાર કરે તો હજારો ટન કુદરતી વનસ્પતિજન્ય કચરો(બાયોમાસ) અને છાણનો સળગાવીને નાશ થતો અટકાવી શકાય છે. ડેપોગ પધ્ધતિ અપનાવવાથી જમીનની ફળદ્રુપતા, પશુ-પક્ષી-માણસની તંદુરસ્તી અને પર્યાવરણને બગડતુ અટકાવી શકાય તથા ઓછા ખર્ચે ડાંગરનુ તંદુરસ્ત ધરૂ તૈયાર કરી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
આ પણ વાંચો:શાકભાજી પાકોનું ધરૂઉછેર
લલિત.ટી.કપુર, વિષય નિષ્ણાંત (જમીન વિજ્ઞાન) અને ડૉ. આર.એફ.ઠાકોર, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા,
ગૂજરાત વિદ્યાપીઠ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંભેટી તા. કપરાડા, જી. વલસાડ
ઈમેઇલ- lalit.soilscience@gmail.com
Mo. 89806 19497
Share your comments