બારલેરિયા એક આકર્ષક નાનું સદાબહાર સ્વદેશી સુશોભન છોડ છે જે એકેન્થેસી કુટુંબનું છે. તે ઉગાડવામાં સરળ લગભગ 3 ફૂટની ઊંચાઈએ વધે છે, જેનો ઉપયોગ વાડ કરવા માટે કરી શકાય. બારલેરિયા એ ધાર્મિક અર્પણો, માળા બનાવવા અને વાળની સજાવટ માટે વપરાતા મહત્વના પરંપરાગત ફૂલ પાકોમાંનું એક છે. તે ઔષધીય મૂલ્ય ધરાવે છે અને ન્યુરોલોજીકલ રોગ, ઉધરસ, દાંતના દુખાવા, પેઢાના રોગ વગેરેની સારવાર માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. આ ફૂલોને સામાન્ય રીતે ડિસેમ્બરના ફૂલ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ડિસેમ્બરમાં સારી રીતે ખીલે છે. તે સમગ્ર વર્ષ દરમિયાન ઘંટડીના આકારના સુંદર ફૂલોનું ઉત્પાદન કરે છે. બારલેરિયાને જેંતી, બંસા, વાયોલેટા, ફિલિપાઈન વાયોલેટ અને બ્લુબોલ બારલેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રમાં તે બારલેરિયા ક્રિસ્ટાટા તરીકે ઓળખાય છે.
ફૂલો સામાન્ય રીતે બાહ્ય દેખાવે ક્રોસન્ડ્રા જેવા છે કારણ કે તે પણ એક જ પરિવારના છે. આ ફૂલના વિશિષ્ટ લક્ષણ એ દુર્લભ રંગ જે બજારમાં ખાસ કરીને મોટાભાગની સ્થાનિક મંડીઓમાં ધ્યાન ખેંચે છે. માળા ફક્ત બારલેરિયાનો ઉપયોગ કરીને અથવા ક્યારેક નારંગી રંગના ક્રોસન્ડ્રા સાથે બનાવી શકાય જે વાળના શણગાર માટે અત્યંત વિરોધાભાસી સંયોજન લાગે છે.
વિવિધ ઉપયોગો
પરંપરાગત ઉપયોગો
૧) ધાર્મિક અર્પણ: તે સામાન્ય રીતે ઘરની પાછળના વાડામાં ઉગાડવામાં આવે અને તેનો ઉપયોગ ધાર્મિક અર્પણ માટે થાય છે. ઘણા ઐતિહાસિક મંદિરો અને યાત્રાધામોમાં આ ફૂલો ચડાવવાની પરંપરા હજુ પણ ચાલુ છે.
૨) વાળની સજાવટ: આ ફૂલોમાંથી એક સુંદર વિરોધાભાસી અને રંગબેરંગી માળા તૈયાર કરવામાં આવે છે અને તેનો ઉપયોગ વાળના શણગાર તરીકે કરવામાં આવે છે .
શુશોભન ઉપયોગ
૧) નમૂનો છોડ: બારલેરિયાનો છોડ જાડા પર્ણસમૂહ સાથે આકર્ષક છે અને વિરોધાભાસી ફૂલો તેને નમૂનાના છોડ માટે શ્રેષ્ઠ યોગ્ય બનાવે છે અને તેને વિવિધ આકારોમાં તાલીમ આપવામાં આવે છે.
૨) વાડ: આ છોડ નિયમિત કાપણીને સહન કરી શકે તે બગીચામાં વાડ માટે તેને વધુ પ્રાધાન્યક્ષમ બનાવે છે.
૩) ક્ષુપ: તેના સંપૂર્ણ લીલીછમ લીલોતરી અને આકર્ષક ફૂલોને કારણે તેને બગીચામાં ક્ષુપ માટે પસંદ કરવામાં આવે છે.
૪) જમીન આવરણ: બારલેરિયાની કેટલીક પ્રજાતિઓ જેમ કે બારલેરિયા રિપેન્સ, જે આંખને આકર્ષે એવા ગુલાબી રંગના ફૂલો અને ધીમી વૃદ્ધિની વૃત્તિ ધરાવે તેને ગ્રાઉન્ડ કવર તરીકે વાપરી શકાય છે.
૫) કુંડાનો છોડ: બારલેરિયાની સુંદરતા તેના એકલા છોડના સ્વરૂપમાં પણ ઉત્તમ છે તેથી તેને કુંડાના છોડ તરીકે પ્રદર્શિત કરી શકાય છે.
૬) જીવંત વાડ: બર્લેરિયા પ્રજાતિઓ જેમ કે બા. પ્રિઓનિટિસ અને બા. ગિબસોની કુદરતી રીતે કાંટા ધરાવે જેથી બગીચામાં નિયમિત જીવંત વાડ તરીકે ઉપયોગ થાય છે.
ખાદ્ય હેતુઓ
૧) શાક તરીકે: બારલેરીયા ઓપારાના પાંદડા અત્યંત પૌષ્ટિક હોય તેથી તેનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે.
૨) સજાવટ: ખાદ્ય પદાર્થોને સજાવવામાં પણ ફૂલોનો ઉપયોગ થાય છે.
ઔષધીય ઉપયોગો
૧) સર્પદંશ માટે બાર્લેરિયા ક્રિસ્ટાટાના બીજનો ઉપયોગ મારણ તરીકે થાય છે.
૨) મૂળ અને પાંદડાનો ઉપયોગ સોજો ઘટાડવા માટે થાય છે તેમજ ઉધરસ માટે પણ તેનો ઉપયોગ થાય છે.
૩) તાવ અને ઉધરસની સાથે બાળકોના કેટરરલ ઇન્ફેક્શન માટે વપરાય છે.
૪) બરલેરિયાના પાનનો રસ પગમાં નાખવાથી તિરાડ મટે છે.
પ્રજાતિઓનું વર્ગીકરણ
- બારલેરિયા ક્રિસ્ટાટા: સૌથી સામાન્ય અને મહત્વપૂર્ણ પ્રજાતિ, પીળા વાળથી દબાયેલી શાખાઓ સાથે સીધા ઝાડવાવાળા બગીચાઓમાં લોકપ્રિય રીતે ઉગાડવામાં આવે છે. તેના ફૂલો વાયોલેટ, જાંબલી, ગુલાબી, વાદળી અથવા સફેદ રંગમાં ઉપલબ્ધ છે
- બા. કુસપીડાટા: પીળા ફૂલો
- બા. માયસોરેન્સિસ: જાંબલી ફૂલો
- બા. પિલોસા: વાદળી ફૂલો
- બા. ટોમેન્ટોસા: ગુલાબી ફૂલો
- બા. ગ્રાન્ડિફ્લોરા: સફેદ ફૂલો
- બા. મોન્ટાના: ગુલાબી ફૂલો
- બા. કોએરૂલેયા, બા. ઇનવોલુકરેટ, બા. નિટીદા, બા. સ્ટ્રિંગોસા: વાદળી ફૂલો સાથે સીધા ઝાડવાં
- બા. કોર્ટાલિકા: પીળા ગળા સાથે વાદળી ફૂલો
- બા. ફ્લેવા અને બા. સ્ટ્રિંગોસા: કાંટાવાળી પ્રજાતિઓ અનુક્રમે પીળા અને વાદળી રંગના ફૂલો ખીલે છે
- બા. રીપેન્સ: ગુલાબી ફૂલો સાથે સીધી ડાંખળી
- બા. લ્યુપુલિના: ફૂલો વિના પણ છોડ આકર્ષક લાગે છે, ઘેરા લીલા પાંદડા સાથે લાલ મધ્ય ભાગ, દાંડી ચોકલેટ રંગની અને ફૂલો પીળા રંગના હોય છે.
મહત્વપૂર્ણ જાતો:
અલીપોર, સેલેસ્ટ્રીસ, કેન્ડીડા, ડિકોટોમા, પલ્ચેરીમા, લેન્ચેસ્ટ્રી, સ્ટ્રિયાટા, પુનીટાટા, વગેરે મહત્વની જાતો છે. 'ફિલિપાઈન વાયોલેટ એ બા. ક્રિસ્ટાટાની નવી જાત છે જે સિલેક્શન તરીકે વિકસિત થઇ છે અને સુંદર પાંદડાની વિવિધતા ધરાવે છે.
TNAU, કોઈમ્બતુરે CO-1 નામની જાત વિકસાવી છે. તે સ્થાનિક પ્રકારમાંથી ક્લોનલ સિલેક્શન છે. તે આકર્ષક ગુલાબી ફૂલો ધરાવે છે, જે એક વર્ષમાં સરેરાશ ૨.૧૧ કિલોગ્રામ ફૂલોનું ઉત્પાદન કરે છે. તે એક પ્રારંભિક જાત છે જે રોપ્યા પછી લગભગ ૨૧૦ દિવસમાં ફૂલો ઉત્પન્ન કરે છે.
ઉત્પાદન પાસાઓ:
આબોહવા અને જમીન:
બારલેરિયા વિવિધ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે પરંતુ તે લાલ રેતાળ અથવા ગોરાળું જમીન શ્રેષ્ઠ અનુકૂળ છે. જમીન પાણી ભરાયેલી સ્થિતિ અને નિંદણથી મુકત અને જમીનનો પી. એચ. આંક ૬-૭ હોવો જોઈએ. બારલેરિયાહળવા આબોહવાને પસંદ કરે છે પરંતુ તે ઉષ્ણકટિબંધીય પરિસ્થિતિઓમાં ઉગાડી શકાય છે. તે ઉજાસવાળી જગ્યા પસંદ કરે છે પરંતુ અર્ધ-છાયામાં પણ ફૂલ આવશે. જો કે વધુ ભેજવાળા વિસ્તારોમાં તેના ફૂલને પ્રતિકૂળ અસર થાય છે.
જમીનની તૈયારી અને રોપણી:
નીંદણ, પત્થરો અને અન્ય સખત સામગ્રીથી મુક્ત સારી ઊંડાઈ સુધી સારી રીતે જમીનની બે વાર ખેડ કરવી જરૂરી છે. સિંચાઈ અને અન્ય ઈતર કામગીરીને સરળ બનાવવા માટે જમીનની તૈયારી સમયે ખાતર લાગુ કરવું જોઈએ. ૫૦ x ૫૦ સે. મી. કદના ખાડા ૧.૫ x ૧.૫ મી. ના અંતરે ખોદવા અને રોપણી કરવી. લગભગ ૪૫૦૦ છોડ એક હેક્ટર વિસ્તારમાં સમાવી શકાય છે. ૧૫-૨૦ સે. મી. ઊંચા બેડ પર વાવેતર કરવાથી પાણી ભરવાની સ્થિતિ અટકાવી શકાય છે.
ખાતર:
બારલેરિયા ખાતરને પ્રતિસાદ આપે છે, પરંતુ વધુ પડતું ખાતર વનસ્પતિની વૃદ્ધિને પ્રોત્સાહિત કરે જ્યારે ગુણવત્તા અને ફૂલોની માત્રાને અવરોધે છે. ખોદવામાં આવેલી માટીના લગભગ અડધા ઉપરના ભાગને સારી રીતે કોહવાયેલું છાણિયું ખાતર સાથે સારી રીતે ભેળવીને તેને ૪ કિલોગ્રામ દીઠ ખાડામાં ભરવામાં આવે છે. દર વર્ષે છોડ દીઠ ૧૫:૧૫:૧૫ ગ્રામ ના. ફો. પો. નો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. અડધું વાવેતર સમયે અથવા કાપણી પછી, બાકીનું અડધું ફૂલ આવવાના ૧ મહિના પહેલાં.
પિયત:
યોગ્ય ફૂલો માટે જમીનમાં પૂરતો ભેજ જરૂરી છે. તેને ઓછા પાણીની જરૂર પડે છે અને દુષ્કાળ પ્રતિરોધક ગુણધર્મો પણ છે જો કે ઉત્તમ વિકાસ, સારી ગુણવત્તા અને ઉપજ માટે નિયમિત પાણી આપવું જરૂરી છે. ઉનાળા અને શુષ્ક મહિનાઓ દરમિયાન, છોડને મુક્તપણે પાણી આપવું જોઈએ.
છાંટણી:
છાંટણી એ ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી છે અને તે નવા અંકુરને અંકુરિત કરવામાં અને છોડ દીઠ વધુ ફૂલો મેળવવામાં મદદ કરે છે. સામાન્ય રીતે ફૂલોની મોસમ પૂરી થયા પછી છાંટણી કરવું જોઈએ. આ ઉપરાંત તે વનસ્પતિ વૃદ્ધિ અને છોડના ફૂલોને સંતુલિત કરવામાં મદદ કરે છે. સૂકી, રોગગ્રસ્ત, ક્રિસ-ક્રોસ શાખાઓની પણ છાંટણી કરવામાં આવે છે.
વીણી અને ઉપજ:
સંપૂર્ણપણે ખુલ્લા ફૂલોની લણણી દરરોજ અથવા વૈકલ્પિક દિવસે ઠંડા કલાકો દરમિયાન જાતે કરવામાં આવે છે. લણણી જૂનથી શરૂ થાય છે અને બેંગ્લોરની સ્થિતિમાં ફેબ્રુઆરી સુધી રહે છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં ફૂલો આવે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના દરમિયાન સૌથી વધુ અને જુલાઈ-ઓગસ્ટ દરમિયાન સૌથી ઓછા ફૂલો આવે છે. જો કે ફૂલો ફક્ત ૧-૨ દિવસ સુધી ટકી રહે પરંતુ છોડ સામાન્ય રીતે પુષ્કળ ફૂલો આપે છે અને નોંધપાત્ર સમયગાળા માટે તે ફૂલોથી ઢંકાયેલો રહે છે. જ્યારે ઉપચ્છાયામાં મૂકવામાં આવે ત્યારે ફૂલોનો સમય લંબાય છે. તેનો છોડ પાંચ વર્ષ સુધી આર્થિક ઉપજ આપી શકે, તે પછી તેને જડમૂળથી કાઢી નાખવું જોઈએ. તે પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ લગભગ ૬ ટન ફૂલોનું ઉત્પાદન કરે; સારી વ્યવસ્થાપન સ્થિતિમાં, તે પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ ૮ ટન જેટલા ફૂલોનું ઉત્પાદન કરી શકે છે.
No tags to search
વીણી પછીની માવજત:
તોડેલા ફૂલોને વાંસની ટોપલીમાં રાખવામાં આવે છે અને તેને ભેજવાળા હળવા કંતાન ટુકડાથી ઢાંકી દેવા જોઈએ અને પછી શક્ય તેટલું વહેલું લઈ જવામાં આવે છે કારણ કે ફૂલોની ગુણવત્તા ખૂબ જ નબળી હોય છે.
પાક સંરક્ષણ:
બાર્લેરિયા જંતુઓ અને રોગ સામે પ્રતિરોધક છે પરંતુ કેટલીકવાર જીવાતો અને રોગો પાક પર હુમલો કરે છે. લેપિડોપ્ટેરન જંતુઓ જેમ કે પાન ખાનારી ઇયળ અને શીંગ કોરી ખાનારી ઇયળ એ કૃમિ સાથે થોડું નુકસાન કરે છે જે પાન વળી જવાનું કારણ બને છે.
પાંદડા ખાનારી ઈયળ: આ જીવાત ના બચ્ચા પાંદડાની સપાટી પર સાપની નળીઓ અને ફોલ્લા જેવા ખોદકામ કરે છે. તેઓ પાંદડાની આંતરિક પેશી પર હુમલો કરે છે અને વધતી ફૂલની કળીઓમાં છિદ્રો કરે છે. ૦.૧ ટકાના દરે મેટાસિસ્ટોક્સનો છંટકાવ કરીને તેનું નિયંત્રણ કરી શકાય છે.
ચીકટો: તે ખૂબ જ સામાન્ય જીવાત છે અને છોડના ભાગોમાંથી રસ ચૂસી લે છે. ૨૦ દિવસના અંતરે કોઈપણ પ્રણાલીગત જંતુનાશક (સર્ફ પાવડર સાથે) છાંટીને તેને નિયંત્રિત કરી શકાય છે.
પાનના ટપકાનો રોગ: પાંદડા પર સુકાયેલી ફોલ્લીઓ દેખાય છે. બ્લિટોક્સ અથવા અન્ય કોઈપણ તાંબા યુક્ત ફૂગનાશકનો પખવાડિયાનો છંટકાવ રોગને નિયંત્રિત કરવા માટે મદદરૂપ છે.
રસ્ટ રોગ: પાંદડા અને ડાળીઓ પર લાલ બદામી રંગના લક્ષણો દેખાય છે. ડાયથેન ઝેડ-૭૮ અથવા ડાયથેન એમ-૪૫ ૦.૦૨ ટકાના દરે છંટકાવ કરીને તેને નિયંત્રિત કરી શકાય અને બોર્ડેક્સ મિશ્રણ સાથે પ્રોફીલેક્ટીક સ્પ્રેની પણ ભલામણ કરવામાં આવે છે.
આ પણ વાંચો:ફુલો ને આધારિત વ્યવસાયની તકો
Share your comments