Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

આદિવાસીઓની આજીવિકા પુરુ પાડતું મહત્વપૂર્ણ વૃક્ષ: કડાયો

શું તમે જાણો છો કે જંગલમાં રહેતા આદિવાસીઓ પોતાનું જીવન કેવી રીતે ગુજારે છે?, આદિવાસીઓ તેમની જીવન જરૂરિયાતોની વસ્તુઓ જંગલમાં મળતા ઘાસ, છોડ, વૃક્ષ, પ્રાણી, કીટાણુઓ માંથી જ મેળવી લે છે. તેમની જરૂરિયાતો પુરી કરવા તેઓ વિવિધ જૈવિક સામગ્રી જેવી કે જંગલી ખાદ્ય વનસ્પતિ, મસાલા, મધ, તેલ, ઘાસચારો, ગુંદર, રાળ, રંગો, મીણ, લાખ, રેસા, બળતણ લાકડું, કોલસો, વાડ બનાવવા માટેના થાંભલા, વન્યજીવ ઉત્પાદનો અને કાચો માલ જેમ કે વાંસ, નેતર વગેરે જંગલોમાંથી એકત્રિત કરે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Kadaya tree
Kadaya tree

આ સામગ્રીઓનો ઉપયોગ તેઓ વિવિધ પ્રકારની ઔષધિ, ખોરાક, પશુઓના ચારા, રહેઠાણ વગેરેમાં કરે છે. આદિવાસીઓને દરેક મહત્વપૂર્ણ વૃક્ષની ઓળખ અને તેનો ઉપયોગ કરવાની પરંપરાગત સમજ હોય છે. જંગલ એકમાત્ર કુદરતી સંસાધન છે જે ગરીબમાં ગરીબ લોકોને મફત પ્રવેશ અને ભરણપોષણ પૂરું પાડવામાં મદદ કરે છે અને આદિવાસીઓની આજીવિકા માટે તે ખૂબ જ આવશ્યક ભૂમિકા બની રહે છે. એટલા માટે આજના આ લેખમાં એક અગત્યના વનવૃક્ષ વિશે જાણકારી આપીશું અને તેના મહત્વ વિષે પણ જણાવીશું કે જે આદિવાસીઓ માટે અત્યંત અગત્યનું વનવૃક્ષ છે. એ વનવૃક્ષ નું નામ છે કડાયો.

            કડાયાનું વૈજ્ઞાનિક નામ સ્ટર્ક્યુલિયા યુરેન્સ (Sterculia urens) છે. તે કોમ્બ્રેટેસી (Combretaceae) કુટુંબમાંથી આવે છે અને તે 'કાડાયા' અથવા 'કાડાયા ગમ' તરીકે પ્રખ્યાત છે. આ વૃક્ષ કોંકણી ભાષામાં પાંદ્રુક, હિન્દીમાં કુલુ/કતિરા અને અંગ્રેજી: ઇન્ડિયન-ટ્રાગાકાન્થ (Indian-Tragacanth) ના નામથી ઓળખાય છે. કડાયાનો ઉપયોગ દવાઓ બનાવવા, આરોગ્યમાં, ખોરાક, સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં તેમજ પેપર અને કાપડ ઉદ્યોગ તથા ચામડાના ઉદ્યોગોમાં ઘણા લાંબા સમયથી કરવામાં આવે છે. કડાયાના ગુંદરનો ઉપયોગ પ્રવાહી મિશ્રણ, ચોપડવાની દવા, દાંત જડવાના પાઉડર અને રેચકમાં તે એક ઘટક તરીકે વપરાય છે. તે ઉપરાંત ખોરાક, બેકિંગ અને ડેરી ઉદ્યોગોમાં તેની વિશાળ ઉપયોગિતા ધરાવે છે.

            કડાયો પ્રાકૃતિક રીતે ૩૦૦ થી ૭૫૦ મીટર સુધી જોવા મળે છે. તે ૦ થી ૧૦ oસે જેવા નીચા તાપમાનથી શરુ કરી ૪૦ થી ૪૮ oસે જેટલા ઊંચા તાપમાનમાં પણ જોવા મળે છે કે જ્યાં ૭૫૦ થી ૧૨૫૦ મિલિમિટર વરસાદ જોવા મળે છે. તે સામાન્ય રીતે પહાડી ઢોળાવ, ઊંચા શિખરો, ખડકાળ અને તિરાડોવાળા પહાડી વિસ્તારમાં જોવા મળે છે. તે વધુ સારી રીતે પથરાળ, છીછરી, ફળદ્રુપ અને સારી રીતે નિકાલવાળી જમીનમાં ટકી રહે છે.

Kadaya fruit
Kadaya fruit

કડાયાનું વૃક્ષ પ્રાકૃતિક રીતે ભારત, લાઓસ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, વિયેતનામ વગેરે દેશોમાં જોવા મળે છે. ભારતમાં તે હિમાલય પશ્ચિમ અને મધ્ય ભારત તથા પૂર્વ અને પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે, તે ગુજરાત, આંધ્ર પ્રદેશ, આસામ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, વગેરે રાજ્યોમાં પણ જોવા મળે છે.

     કડાયોએ એક મધ્યમ કદનું પાનખર વૃક્ષ છે, જે લગભગ ૧૫-૨૦ મીટર ની ઊંચાઈ સુધી પહોંચે છે અને ૨ મીટર વ્યાસ ધરાવી શકે છે. આ વૃક્ષની છાલ ભૂખરા-સફેદથી લાલ રંગની હોય છે અને ચળકતો દેખાવ ધરાવે છે. પાંદડાઓ શાખાઓના અંત તરફ ગીચ ગોઠવણી ધરાવતા જોવા મળે છે. ફૂલો ઉભયલિંગી અને રંગે લીલાશ પડતા પીળા રંગના હોય છે. ફળો રંગે લાલ અને ઉપર કાંટાળા વાળથી આવરિત હોય છે. એક ફળમાં ૩ થી ૬ ની સંખ્યામાં બીજ હોય છે જે ભુરો અથવા કાળા રંગના અને લંબગોળ આકારના હોય છે.

Pan glue
Pan glue

No tags to search

કડાયાનું મહત્વ:

            કડાયાનું મહત્વ તો ગણ્યું ગણાય નહીં એટલું છે, જેમાં સૌથી વધુ મહત્વ કડાયામાંથી મેળવાતા ગુંદરનું છે. કડાયાના ગુંદરનો ઉપયોગ સામાન્યથી લઈ ને ઘણી ગંભીર અને ચેપી બીમારીઓની સારવાર માટે થાય છે. તેમજ આ વૃક્ષના ગુંદરનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં પણ થાય છે જેમ કે કાપડ ઉદ્યોગ, ખાદ્ય ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, ચામડાના ઉદ્યોગ, છાપકામ કરતાં કારખાનાઓ. આ સિવાય તે દવાઓ તેમજ વિવિધ સૌંદર્ય પ્રસાધનોની વસ્તુઓ બનાવવામાં પણ વપરાય છે. મિત્રો, આ તો થઈ માત્ર ગુંદરની વાત પરંતુ, આ વુક્ષના બિજા ભાગોનું પણ ઘણું મહત્વ ધરાવે છે, તો ચાલો તેને પણ વિસ્તૃત રીતે જાણી લઈએ. 

 

આદિવાસીઓ દ્વારા કડાયાના પરંપરાગત ઉપયોગો:

  • મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા અમરાવતી જિલ્લાના કોરકુ જાતિના લોકો કડાયાની છાલ પર પગ ઘસીને પગની તિરાડો મટાડે છે તેમજ ગર્ભાશયને સાફ કરવા માટે અડધો કપ છાલનો ઉકાળો દિવસમાં એકવાર ૧૦-૧૨ દિવસ માટે લેવામાં આવે છે. તેઓ શરીરના સોજાને ઘટાડવા માટે કડાયાના મૂળ, અરડૂસાની છાલ, મહુડાની છાલ અને નગોડના પાનનો પાવડરનું મિશ્રણ પાણીમાં ઉકાળીને નહાવામાં તથા ૧૦ ગ્રામ મિશ્રણનો ઉપયોગ મૌખિક રીતે તે આહારમાં લે છે.
  • અરુણાચલ પ્રદેશના પૂર્વ ઘાટની આદિવાસીઓ કડાયાની છાલ, હળદરવો (હલ્દુ) અને મરી સાથેનું મિશ્રણનો ઉપયોગ સ્ત્રીરોગ (લ્યુકોરિયા) ની સારવાર માટે ૯ દિવસ માટે મૌખિક રીતે ઉપયોગમાં લે છે.
  • તમિલનાડુના પૂર્વીય ઘાટમાં કોલ્લી નામની ટેકરીઓ પર રહેતા મલયાલી જાતિના આદિવાસીઓ દ્વારા અસ્થિભંગ, ઘા અને ત્વચાની તિરાડ ની સારવાર માટે કડાયાના પાંદડાનો રસ બહારથી લગાડવામાં આવે છે.
  • આંધ્ર પ્રદેશના પૂર્વ ઘાટના પાપીકોન્ડાલુ વન્યજીવન અભયારણ્ય વિસ્તારના આદિવાસી સમુદાયો દ્વારા સંધિવાના ઉપચાર માટે કડાયાની ડાળીની છાલને હળદર સાથે પીસી અને હળવા ગરમ પાણીથી ગાળણ કરી ૫ દિવસ માટે દિવસમાં બે વખત બે ચમચી આપવામાં આવે છે.
  • દક્ષિણ રાજસ્થાનના આદિવાસી સ્ત્રીઓ માસિક સ્રાવને નિયમિત કરવા માટે કડાયાની છાલનો પાવડર મૌખિક રીતે ઉપયોગમાં લે છે.
  • આંધ્ર પ્રદેશના કોંડા રેડ્ડીસ આદિવાસીઓનું કહેવું છે એક ચમચી કડાયાની છાલનો પાઉડર ગરમ પાણીમાં ભેળવીને એક વખત પીવાથી પ્રસવના દુખાવામાં મદદ મળે છે.
  • કડાયાના મૂળનો ઉપયોગ અસ્થિભંગ અને માસિક સ્રાવને નિયમિત કરવા, જ્યારે ગુંદરનો ઉપયોગ બળતરા મટાડવા માટે રાજસ્થાનના મીના સમાજ દ્વારા કરવામાં આવે છે.
  • તમિલનાડુનાં પશ્ચિમી ઘાટના પલ્લીયર્સ આદિવાસીઓ કડાયાના લેટેક્ષ, કંદમૂળ અને બીજમાંના કર્નલ નો ઉપયોગ ખોરાક તરીકે કરે છે.
  • પૂર્વીય ઘાટના આદિવાસીઓનું કહેવું છે કે કડાયો ગળાની તકલીફો અને ઢોર અને ઘેટાંના ફેફસાના રોગ વિરોધી હોય છે.
  • રાજસ્થાનમાં સીતામાતા વન્યજીવન અભયારણ્યનાં આદિવાસીઓ કડાયાના ગુંદર અને ચૂના (કેલ્શિયમ કાર્બોનેટ-CaCO3) નું મિશ્રણ સર્પદંશના નિવારણ કરવામાં કરે છે અને તે બાહ્ય તેમજ મૌખિક બંને રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ તેઓ ગુંદરનો ઉપયોગ ચામડીમાંથી કાંટા કાઢવામાં પણ કરે છે.
  • ભારતનું પચમઢી બાયોસ્ફિયર રિઝર્વમાં સ્થાનિક લોકો દ્વારા કડાયાના રાળનો ઉપયોગ સ્ત્રીરોગમાં કરે છે અને છાલનો ઉપયોગ દોરડું બનાવવા કરે છે.
  • આંધ્ર પ્રદેશનાં આદિલાબાદ જિલ્લોમાં વસતા આદિવાસીઓ કડાયાની છાલમાંથી નીકળતા ગુંદરનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ, ટેનરી, ગરબારતી બનાવવી વગેરેમાં કરે છે. જ્યારે, પાનનો પશુઓના ચારા તરીકે, બીજ ખાવામાં તેમજ છાલ ફાઈબરનાં ઉત્પાદનમાં વાપરે છે.  
  • મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા થાણે જિલ્લાની વારલી, કાતકરી અને કોકોણા સમુદાયના આદિવાસી મહિલાઓ દ્વારા ખાદ્યપદાર્થોમાં પ્રવાહી મિશ્રણ તરીકે ઉપયોગ છે જે ખાદ્યપદાર્થોને જાડું અને સ્થિતિસ્થાપક બનાવે છે. તેમજ તે લોકો બીજને શેક્યા પછી ખોરાક તરીકે લે છે. દુષ્કાળના સમયમાં તેઓ બીજ અને નાના કુમળાં મૂળ ખાય છે. કાડાયાના ગુંદર, પાન અને છાલનો ઉપયોગ ગળામાં ચેપ અને ઘાની સારવાર માટે કરે છે.

            તો જોયું મિત્રો, કડયો આદિવાસી સમુદાયોનાં આજીવિકા માટે કેટલો ઉપયોગી છે. તે આદિવાસીઓનાં ખોરાક, દવા થી લઈ દોરડું બનાવવા અને પશુઓના ચારા તરીકે પણ ઉપયોગી છે. આ વૃક્ષના ગુંદરનો ઉપયોગ કાપડ ઉદ્યોગ, ખાદ્ય ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, ચામડાના ઉદ્યોગ, છાપકામ કરતાં કારખાનાઓમાં તેમજ વિવિધ સૌંદર્ય પ્રસાધનોની વસ્તુઓ અને દવાઓ બનાવવામાં પણ વપરાય છે. જોકે, કડાયો એ માત્ર જંગલવિસ્તારોમાં જોવા મળતું વૃક્ષ હોવાથી ઉદ્યોગકારોએ આદિવાસીઓનાં સહારે જ રહેવું પડે છે. આ રીતે કડાયો એ આદિવાસીઓને રોજગાર માટેની મહત્વપૂર્ણ તક પણ પૂરી પાડી છે. આમ, કડયો તેના વિવિધ ઉપયોગોના કારણે આદિવાસી સમુદાયો માટે તેમના અસ્તિત્વ અને રોજગાર નિર્માણ માટે વધુ ઉપયોગી બની રહે છે. આ રીતે કડાયાને આદિવાસીઓની ટકાઉ આજીવિકા માટેનું મહત્વપૂર્ણ વૃક્ષ માની શકાય છે.

આ પણ વાંચો:ભારતમાં ઝડપથી વિકસતા ફળોના ઝાડ અને તેના શું ફાયદા મળે છે તે જાણો

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More