 
    દૂધી એક હળવા સ્વાદવાળી, કુકરબીટાસી કુટુંબની શાકભાજી છે. દૂધી વિશ્વના ઘણા ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ વિસ્તારોમાં ઊગાડવામાં આવતી એક મહત્વની શાકભાજી છે. દૂધીનુ વનસ્પતિ નામ લગેનારીયા સિસેરારીયા છે. દૂધી એક ઝડપી વિકસિત, એકવર્ષિય વેલાવાળી વનસ્પતિ છે. જેને ફૂલો અને ફળ આપવા માટે પૂરતા સૂર્યપ્રકાશની જરૂર પડે છે.
દૂધી આકાર અને કદની વિશાળ શ્રેણીમાં જોવા મળે છે. દૂધીના ફળનો આકાર અંડાકાર અથવા પિઅર જોવા મળે છે. ફળ આંતરિક રીતે લીલાશ પડતા રંગનુ હોય છે. ફળોનો ઉપયોગ શાકભાજી અથવા મીઠાઈઓ બનાવવા માટે થાય છે (દા.ત. હલવા, ખીર, પેઠા અને બર્ફી) અને અથાણાં. દર્દીઓ દ્વારા પણ તે સરળતાથી પાચન થઈ શકે છે. સુકા સખત આવરણનો ઉપયોગ સંગીતનાં સાધનો, પાઈપો, બાઉલ, બોટલ, કન્ટેનર, ફિશિંગ નેટ બનાવવા માટે થાય છે. કોફ્ટા એ સૌથી લોકપ્રિય વાનગી છે જે દૂધીમાંથી બને છે.
મૂળ કેંદ્ર:
ડી. કેન્ડોલે ના જણાવ્યા મુજબ, દક્ષિણ આફ્રિકા અને ભારતમાં દૂધી જંગલી સ્વરૂપે મળી આવી છે. જો કે, કટલર અને વ્હાઇટેકરનો મત છે કે કદાચ બીજ અને ફળોના પરિવર્તનશીલતાના આધારે તે ઉષ્ણકટિબંધીય આફ્રિકામાં પણ જોવા મળે છે. આ જાતિ એશિયા, આફ્રિકામાં મોટેભાગે જોવા મળે છે.
પોષક તથ્યો:
વજન ઘટાડવામાં મદદ કરે છે.
તંદુરસ્ત પાચન તંત્ર જાળવવામાં મદદ કરે છે.
કુદરતી શામક તરીકે કાર્ય કરે છે.
યકૃતના આરોગ્યને જાળવે છે.
અનેક પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી છે.
દૂધી ખાવાથી તણાવ ઓછો થાય છે
હૃદય માટે લાભદાયી છે.
નિંદ્રા વિકારની સારવાર કરવામાં મદદ કરે છે
વાળને અકાળ સફેદ થતા અટકાવે છે
ત્વચા માટે પણ ગણકારી છે.
આબોહવા:
દૂધી ગરમ ઋતુની શાકભાજી છે. તે ઘણા ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં ઊગાડવામાં આવે છે. તે ઠંડા વાતાવરણ પ્રત્યે સંવેદનશીલ છે.
બીજ અંકુરણ માટે 25-30 ° સે. તાપમાન શ્રેષ્ઠ ગણાય છે. દિવસનું તાપમાન 30-35°સે અને રાત્રિ તાપમાન 18-22°સે. છોડના વિકાસમાં વધારો કરે છે.
- જમીન:
દૂધી મોટાભાગની જમીનમાં ઉગાડી શકાય. પરંતુ દૂધી ટુંકાગાળામા વધુ ઉત્પાદનક્ષમતા ધરાવે છે તેથી તેના માટે સારી નિતારવાળી, ગોરાળુ, મધ્યમકાળી જમીન વધારે અનુકુળ આવે છે. જમીનમાં પી.એચ. રેન્જ 5.5 થી ઓછી હોવી જોઈએ. કાર્બનિક પદાર્થો અથવા છાણીયુ ખાતર ઉમેરવાથી જમીન સમૃદ્ધ બનશે જેથી ગુણવત્તાવાળી શાકભાજી સાથે સારી ઉપજ જોવા મળે છે.
- વાવેતરનો સમય અને બીજદર:
- દૂધીનું વાવેતર જૂનથી જુલાઇ સુધી મેદાનોમાં અને એપ્રિલમાં ટેકરીઓમાં થાય છે. ઉનાળાના પાક માટે જાન્યુઆરીથી ફેબ્રુઆરીના સમયની ભલામણ કરવામા આવેલ છે.
- સામાન્ય રીતે દૂધીની ખેતી માટે બીજ દર 5-3.0 કિગ્રા/હેક્ટર રખવામા આવે છે.
- ભલામણ કરેલી જાતો:
આણંદ દૂધી-1, પી.કે.એમ.-1, પુસા નવીન, અરકા બહાર, પુસા સમર પ્રોલીફીક લોંગ, પંત લૌકી-1, પુસા મંજીરી, પુસા મેઘદૂત, સમ્રાટ.
- જમીનની તૈયારી અને વાવણી:
- જાન્યુઆરીથી માર્ચ અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર એ દૂધીની વાવણી માટેનો આદર્શ સમય છે. વરસામાં વાવેલા પાક માટે મે-જૂન દરમ્યાન પ્રથમ થોડો વરસાદ પડ્યા પછી વાવણી શરૂ કરી શકાય.
- વાવણી પહેલા જમીનને 1-2 વાર આડી ઊભી ખેડ કરી, સમાર મારી તૈયાર કરવી જોઇએ.
- વાવણી સમયે 60 સે.મી. વ્યાસ અને 30-45 સે.મી. ઊંડાઈના ખાડાઓ 3મી x 3મીની અંતરે ખોદવા ત્યારબાદ ખાડામાં સારી રીતે સડેલુ છાણીયુ ખાતર નાખવું જોઈએ. 1-2 સે.મી.ની ઊંડાઈએ ખાડા દીઠ ચાર કે પાંચ બીજ વાવવા જોઈએ. ખૂબ ઊંડી વાવણી કરવાનું ટાળવું કારણ કે તે અંકુરણમાં વિલંબ કરે છે. બીજને વાવણી પેલાની આખી રાત પાણીમાં પલાળી રાખવા અને વાવણીના 3-4 દિવસ પહેલા જમીનને સિંચાઈ આપવી એ વાવણી માટે લાભકારી છે.
- 2% બાવિસ્ટિન સાથેની બીજની સારવાર જમીનના જન્મજાત ફૂગના હુમલો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. વાવણી કર્યા પછી કેનથી સિંચાઈ આપવી. બીજ લગભગ 4-5 દિવસમાં અંકુરિત થાય છે. નબળા છોડને બે અઠવાડિયા પછી દૂર કરવામાં આવે છે અને ખાડા દીઠ માત્ર ત્રણ છોડ જ રાખવા જોઈએ.
- કેરળના ઉંચાઈવાળા ક્ષેત્રોમાં રોપાઓ ઉગાડવામાં આવે છે જેથી સારા અંકુરણ જોવા મળે છે અને ત્યારપછી સીધો તેનો વાવણીની પદ્ધતિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે
- ખાતર:
નાઈટ્રોજન (35 કિલો) ની અડધી માત્રા અને ફોસ્ફરસ (25 કિલો) અને પોટેશીયમ (25 કિગ્રા / હેક્ટર) ની સંપૂર્ણ માત્રા સાથે છાણીયુ ખાતર @20-25 ટન/હેક્ટર વાવણી સમયે આપવુ જોઈએ. નાઈટ્રોજન (35 કિલો) ની બાકીની માત્રા પખવાડિયાના અંતમાં બે સમાન વિભાજીત ડોઝમાં આપવું. 70:25:25 કિગ્રા નાઈટ્રોજન : ફોસ્ફરસ : પોટાશની માત્રા હેક્ટર દીઠ ખેતરમા આપવું જોઈએ. ખાડા દીઠ ખાતરની માત્રા 28:10:10 ગ્રામ નાઈટ્રોજન : ફોસ્ફરસ : પોટાશ રાખવું જોઈએ.
- સિંચાઈ:
વૃદ્ધિના પ્રારંભિક તબક્કા દરમિયાન 3-4 દિવસના અંતરાલમાં સિંચાઇ આપવી જોઈએ અને ફૂલો અને ફળ આવે તે દરમિયાન વૈકલ્પિક દિવસોમાં સિંચાઈ આપવી જોઈએ. દૂધીમાં મોટેભાગે ધોરીયા સિંચાઇ પદ્ધતિ જોવા મળે છે. વરસાદની ઋતુમાં છોડના અસ્તિત્વ અને વિકાસ માટે પાણીનો નિકાલ જરૂરી છે.
 
                                     
                                     
                                     
                                     
                                     
 
                         
                         
                         
                         
                        
Share your comments