હવામાન વિભાગે ગરમીના પ્રકોપ વચ્ચે બે દિવસ બાદ ફરી એક વાર માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બસ સક્રિય થવાના કારણે 26 અને 27 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરી છે. 26 એપ્રિલે અમદાવાદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે જયારે 27 એપ્રિલે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.
ગુજરાતીઓએ હવે ગરમીના વધતા પ્રકોપને સહન કરવા તૈયાર રહેવું પડે તેવા એંધાણ છે. કારણ કે હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરી છે અને ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જાય તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે. તેની સાથે જ કચ્છમાં બે દિવસ હીટ વેવની આગાહી કરાઈ છે. હવામાન વિભાગએ આપેલી માહિતી મુજબ આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. જેના પગલે તાપમાન 41થી 43 ડિગ્રીની આસપાસ રહેશે. રવિવારે રાજ્યના ચાર શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોધાયું છે. અમરેલીમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે ભૂજમાં 40.3, રાજકોટમાં 40.5, સુરેંદ્રનગરમાં 40.3 અને અમદાવાદમાં 39.8 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચ્યો હતો.
આ પણ વાંચો:શાક કે સોનું? ભાવ એક લાખ રૂપિયા પ્રતિ કિલો! ફાયદા સાંભળીને ચોંકી જશો
ગુજરાતવાસીઓને વરસાદ દરમિયાન વિશેષ સાવધાની રાખવાની સલાહ હવામાન આપી છે. આપને જણાવી દઈએ કે પાછલા દિવસોમાં વીજળી પડવાની ઘટનામાં દક્ષિણ ગુજરાતમાં બે મોત નીપજ્યા હતા, તેથી વરસાદ દરમિયાન લોકોને પોતાના ઘરમાં તથા બહાર સુરક્ષિત રહેવાની સલાહ સલાહ આપવામાં આવી છે. આવામાં મહત્તમ તાપમાનનો પારો 40ને પાર જઈને 43 ડિગ્રી સુધી જવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યના વાતાવરણમાં વારંવાર પલટા આવવાની આગાહી કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગે માવઠાની આગાહી સાથે જ ભારે પવન સાથે ઝાડ, કાચા મકાન અને પાકને નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ભારે પવન અને વરસાદના કારણે કાચા રહેણાંક મકાનોને નુકસાન થઈ શકે છે. આ સિવાય જે હળવી વસ્તુઓ છે તે ખુલ્લી પડી હશે તો પવન સાથે ઉડવાની પણ શક્યતાઓ છે. માવઠા દરમિયાન ઘરમાં સુરક્ષિત રહેવાની અને બારી-બારણાં બંધ રાખવાની સલાહ અપાઈ છે. ઝાડની નીચે વરસાદ દરમિયાન ના ઉભા રહેવા પણ જણાવાયું છે.
Share your comments