શિક્ષક દંપતીએ બનાવી નર્સરી
વિશ્વવ્યાપી કોરોના મહામારીને કારણે લાખો લોકોએ પોતાની જોબ ગુમાવી છે અને કેટલાક લોકોએ આ સમય દરમિયાન ઘરે બેઠા બેઠા વિચાર આવતા નવા કામો શરુ કરીને કમાઈ રહ્યા છે તેવામાં રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ઓરી ગામની પી.જે. શેઠ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવતાં શિક્ષક દંપતી હર્ષદભાઈ રોજાસરા અને તેમના પત્ની સ્મિતાબેનને લોકડાઉનમાં સદવિચાર આવ્યો કે શાળાઓ બંધ છે ત્યારે કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરીએ. દંપતીએ શાળાના કેમ્પસમાં જ નર્સરી બનાવવાનો વિચાર કર્યો અને આજે છેલ્લા સવા વર્ષથી ચાલતા સેવાયજ્ઞને લીધે હજારો રોપા આ દંપતીએ અથાગ મહેનત કરીને તૈયાર કર્યા છે.
વેસ્ટ માંથી બેસ્ટ તરીકે રોપાની બેગ તૈયાર કરી
દૂધ અને છાશની થેલીઓ જુદા જુદા વિસ્તારમાં જઇને એકત્ર કરી વેસ્ટ માંથી બેસ્ટ તરીકે રોપાની બેગ તૈયાર કરી છે. માટી પણ પોતાની રીતે લાવીને જુદા જુદા વિસ્તારોમાં પ્રવાસ કરીને આશરે 100 જાતના વૃક્ષો અને છોડના રોપા તૈયાર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 30 હજારથી વધું રોપા બનાવી વિનામુલ્યે વિતરણ કર્યું છે. પર્યાવરણના રક્ષણ સાથે વૃક્ષ પ્રેમનો ઉમદા વિચાર ધરાવતા હર્ષદભાઈએ કહ્યું હતું કે લોકડાઉનમાં અમે આ પ્રવૃત્તિ હાથ ધરી હતી અને અમારા આ સેવાકીય કાર્યમાં અમારા બાળકો પણ અમને મદદ કરતા હતા.
શાળામાં બાળકોના જન્મ દિવસ પર રોપાની ભેટ
તેઓએ વધુમાં કહ્યું કે શાળામાં બાળકોનો જન્મદિવસ હોય ત્યારે અમે બાળકને રોપાની ભેટ આપીએ છીએ. આ ઉપરાંત આસપાસની લોકશાળા- આશ્રમ શાળાઓ તેમજ અન્ય શાળાઓમાં પણ રોપા આપીએ છીએ. રોપા બનાવવામાં પણ વિછિયા સહિતના વિસ્તારમાંથી મદદ મળી છે. સામાજિક સંસ્થાઓ અને વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિ કરતા લોકો ખેડૂતો પણ આ અમારા રોપા લઈ જાય છે. તેનો કોઇ ચાર્જ રાખવામાં આવ્યો નથી પરંતુ કોઈ ખુશીથી તેમને યોગ્ય લાગે તે રકમ આપે તો એ રકમ એકત્ર કરીને શાળાના વિદ્યાર્થીઓના કલ્યાણ માટે ઉપયોગમાં લઇશું. અત્યાર સુધીમાં સામાજિક વનીકરણ પ્રવૃત્તિ અર્થે રૂ. 25000 અને લોકો તરફથી રૂપિયા 15000 એમ કુલ 40 હજાર જેવી રકમ ભેટમાં મળી છે.
ઓરી ગામના આ શિક્ષક દંપતીની કામગીરીને શિક્ષકો, સ્થાનિક તંત્ર અને પર્યાવરણીય સંસ્થાઓએ આવકારી છે. આ વિસ્તારમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય અને બાળકોમાં વૃક્ષ ઉછેરનું ઘડતર થાય તેવો ઉદ્દેશ્ય આ પ્રવૃતિમાં રહેલો છે.
Share your comments