વર્ષ 2022માં કાળઝાળ ગરમીએ લોકોને રડાવી મૂક્યા છે, લોકો ભારે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને હાલ પણ લોકોને ભરગરમીમાંથી રાહત નહીં મળે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી વિશે જુઓ સંપૂર્ણ વિગતો..
નહીં મળે ગરમીમાંથી રાહત
એપ્રિલ મહિનામાં ગરમીએ લોકોને હેરાન કરી મૂક્યા હતા, જોકે, આગામી દિવસોમાં એટલે કે આ મે મહિનામાં પણ ગરમીમાંથી લોકોને કોઈ રાહત નહીં મળે. ખાસ કરીને હવામાન વિભાગે અમદાવાદને લઈને એક ચેતવણી પણ આપી છે.
6 દિવસ સુધી રહેશે ગરમીનો કહેર
ગુજરાતમાં હજુ પણ 6 દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરાઈ છે. અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી જઈ શકે છે. જેને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
બંગાળની ખાડીમાં સર્જાયુ લો પ્રેશર
સમગ્ર રાજ્યભરમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં 44થી 45 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. ત્યારે રવિવારે 44 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું છે. આ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરથી ગરમ અને સૂકા પવન ફૂંકાવવાના લીધે ગરમીમાં વધારો નોંધાયો છે. આ દરમિયાન ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાશે જેનાથી અમદાવાદમાં ફરી ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેના કારણે હીટવેવથી સાવધાન રહેવું જરૂરી છે.
આ પણ વાંચો : નિર્ણય : મહેસૂલી કામકામ માટે ખેડૂતોને નહીં ખાવા પડે હવે ગાંધીનગરના ધક્કા
અસાની વાવાઝોડાની દેશમાં દસ્તક
બીજી તરફ, અસાની વાવાઝોડાએ દેશમાં દસ્તક આપી દીધી છે. વાવાઝોડું અસાની વધુ ખતરનાક બની રહ્યું છે. અસાની વાવાઝોડાની અસરના કારણે બંગાળ, ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશમાં તોફાન અને વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં પ્રવેશ કર્યા બાદ સાયક્લોન અસાનીએ પોતાની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. અસાની વાવાઝોડાની અસર સૌથી વધુ નિકોબારથી લગભગ 610 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં, પોર્ટ બ્લેરથી 500 કિલોમીટર પશ્ચિમમાં, વિશાખાપટ્ટનમથી 810 કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વ અને પુરીથી 880 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં જોવા મળશે. અસાની વાવાઝોડાની અસરથી 90 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. ઓરિસ્સાના ચાર પોર્ટ ડેન્જર જાહેર કરવામાં આવ્યા છે. વાવાઝોડાની અસર ઓરિસ્સાની સાથે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, આંધ્ર પ્રદેશ સહિતના રાજ્યોમાં જોવા મળી શકે છે.
આ રાજ્યોમાં વરસશે વરસાદ
આગામી 24 કલાક દરમિયાન આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ, ગંગીય પશ્ચિમ બંગાળ, તટીય ઓડિશા, તટીય આંધ્ર પ્રદેશ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલય તથા નાગાલેન્ડના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જણાઈ રહી છે.
આસામ, અરૂણાચલ પ્રદેશ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, આંતરિક ઓડિશા, કેરળ, દક્ષિણ કર્ણાટક, રાયલસીમા અને તમિલનાડુના વિભિન્ન ક્ષેત્રોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો : કડવા લીમડાની જેમ મીઠો લીમડો પણ છે ખૂબ જ ઉપયોગી, 1,2 નહીં તેના છે અગણિત લાભ
Share your comments