મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સત્તા ન હોવા છતાં ટેલિગ્રાફ એક્ટની કલમ 16 (1) અન્વયે વીજ પોલના કામ અંતર્ગત મંજૂરી આપી દેવામાં આવી છે, તેમજ જમીનનું વળતર કલમ 10 (ડી) મુજબ નક્કી કરવામાં આવ્યું હોઇ, જિલ્લા કલેક્ટર ખૂદ દરમિયાનગીરી કરે ખેડૂતોને સાંભળી વળતર અંતર્ગત ન્યાય અપાવે તેવી રજૂઆત છે.
હળવદ પંથકમાં ખેતરોમાં વીજ પોલ નાખવાની કામગીરી અંતર્ગત કંપનીની દાદાગીરી સામે ખેડૂતો બરાબરના રોષે ભરાયા છે. જેમાં ખાસ કરીને લાકડિયા વડોદરા ટ્રાન્સમીશન લાઇન નાખવામાં વળતર ચૂકવવામાં અન્યાય સામે હળવદ તાલુકાના અગિયાર જેટલા ગામડાંઓના ખેડૂતોએ કંપનીની દાદાગીરી સામે દંડવત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાય માગ્યો હતો.
ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જમીનનું યોગ્ય વળતર ચૂકવવાની માગણી દોહરાવી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે, હળવદ, રાણેકપર, ઘનશ્યામપુર, કોયબા, ઢવાણા, રણજીતગઢ, કેદારિયા, ધનાળા, જુના દેવળિયા, સુરવદર, પ્રતાપગઢ સહિતના ગામના ખેડૂતોને લાકડિયા વડોદરા ટ્રાન્સમીશન લાઇન પ્રસ્થાપિત કરવા અંતર્ગની કામગીરી હેઠળ મંજૂર થયેલી જમીનના વળતરના ભાવ રીવાઇઝ કરી આપવામાં અન્યાય થઇ રહ્યો છે.
વધુમાં જણાવાયું હતું કે, હળવદ, રાણેકપર, ઘનશ્યામપુર, કોયબા, ઢવાણા, રણજીતગઢ, કેદારિયા, ધનાળા, જુનાદેવળિયા, સુરવદર, પ્રતાપગઢ સહિતના ગામના ખેડૂતોની જમીનમાંથી ટ્રાન્સમીશનની લાઇન પસાર થાય છે જે અંતર્ગત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી દ્વારા સત્તા ન હોવા છતાં ટેલિગ્રાફ એક્ટની કલમ 16 (1) અન્વયે મંજૂરી આપવામાં આવી છે. અને કલમ 10 (ડી) મુજબ જમીનનું વળતર નક્કી કરવામાં આવ્યું છે. જે બાબતનો ખેડૂતો સખ્ત વિરોધ કરી રહ્યા છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવેલી મંજૂરી જ કાયદા વિરૂદ્ધ હોય, જિલ્લા કલેક્ટર ખુદ પ્રોસીડિંગ ચલાવીને ખેડૂતોની જમીન અંગે ટેલિગ્રાફ એક્ટની કલમ 16 (1) મુજબ મંજૂરી આપવા માટે તેમજ વળતર નક્કી કરી આપવા માટે રૂબરૂ સાંભળી રજૂઆતની તક આપી યોગ્ય નિર્ણય કરવાની માગ કરવામાં આવી હતી.
Share your comments