આ એક્સપો કારીગરો ખાસ કરીને મહિલા કારીગરોને તેમનાં ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તક આપે છે, નવીનતાને પ્રોત્સાહન આપે છે, એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના એમાં છલકાય છે અને તમિલ સંગમમના ઉદ્દેશને આગળ વધારે છે: શ્રીમતી દર્શનાબેન
કેન્દ્રીય ટેક્સ્ટાઈલ અને રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે આજે સુરત ખાતે સાડીની થીમ પર સ્પેશિયલ હૅન્ડલૂમ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રદર્શન "સાડી/વીવર્સ ઑફ ઇન્ડિયા ઓન રોડ" થીમ પર સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ.ની એક પહેલ "સુરત સાડી વોકેથોન"નો એક ભાગ છે, જેમાં ડ્રેસ કોડ સાડી છે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સુરત મહાનગરપાલિકાનાં કમિશનર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં
ભારત સરકારનાં ટેક્સટાઇલ મંત્રાલયના નેશનલ હૅન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએચડીસી) લિમિટેડ દ્વારા સુરત મહાનગરપાલિકાના સહયોગથી સુરતની મહિલાઓમાં ભારતના વિવિધ ભાગોમાંથી હૅન્ડલૂમ સાડીઓને પ્રોત્સાહિત કરવા માટે સાડી થીમ પર ખાસ હૅન્ડલૂમ એક્સ્પોનું આયોજન થયું છે. આ ત્રિદિવસીય પ્રદર્શનમાં 11 રાજ્યોની 50 એજન્સીઓ ભાગ લઈ રહી છે. તેમાં ભાગ લેનારાઓમાં રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓ/સર્વોચ્ચ મંડળીઓ, પ્રાથમિક હાથવણાટ વણકર સહકારી મંડળીઓ/હાથવણાટની એજન્સીઓ સામેલ છે.
કેન્દ્રીય મંત્રી શ્રીમતી જરદોશે આ પ્રદર્શનમાં 57 સ્ટૉલ્સમાંથી કેટલાંક સ્ટૉલ્સની મુલાકાત પણ લીધી હતી અને કારીગરો સાથે વાતચીત કરી હતી. સમારોહને સંબોધતા શ્રીમતી જરદોશે કહ્યું હતું કે સુરતની સાડી પ્રેમી મહિલાઓને આ એક્સપોમાં ઘણું નવીન નિહાળવા મળશે. તેમણે કહ્યું કે તેમાં ભાગ લેનારાઓમાં રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓ/સર્વોચ્ચ મંડળીઓ, પ્રાથમિક હાથવણાટ વણકર સહકારી મંડળીઓ/હાથવણાટની એજન્સીઓ સામેલ છે.
હૅન્ડલૂમ ક્ષેત્ર આપણા દેશના સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. ભારતનું હૅન્ડલૂમ ક્ષેત્ર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ૩૫ લાખ લોકોને રોજગારી આપે છે, જે દેશમાં કૃષિ ક્ષેત્ર પછીનું છે. હૅન્ડલૂમ વણાટની કળામાં તેની સાથે પરંપરાગત મૂલ્યો જોડાયેલા છે અને દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ જાતો છે. ચંદેરી, મધુબની, બનારસી, તુસાર સિલ્ક, જમદાની, બાલુચરી, કોસા સિલ્ક, પટોલા જેવાં હૅન્ડલૂમ ઉત્પાદનોની વિશિષ્ટતા વિશ્વભરના ગ્રાહકોને વિશિષ્ટ વણાટ, ડિઝાઇન અને પરંપરાગત ભાતો સાથે આકર્ષિત કરે છે.
આ પ્રદર્શન 11 એપ્રિલ 2023 સુધી ત્રણ દિવસ માટે સવારે 11 થી સાંજના 8 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. પ્રદર્શનમાં ભારતના કેટલાક સ્થળોએથી લવાયેલાં હૅન્ડલૂમ ઉત્પાદનો પ્રદર્શિત અને વેચાણ માટે મૂકાયાં છે. એક સંક્ષિપ્ત યાદી નીચે મુજબ છે: -
- બિહાર: તુસાર, ગીચા, મધુબની પેઇન્ટિંગ સાડીઓ
- છત્તીસગઢ: કાંથા, આદિવાસી કાર્ય, કોસા સિલ્ક સાડીઓ
- પંજાબ: ફૂલકરી
- ગુજરાત: પટોળા સાડી, ડબલ ઇકત, ટાંગલિયા, અશવલી સાડી
- મધ્ય પ્રદેશ: ચંદેરી સાડી, મહેશ્વરી સાડી
- મહારાષ્ટ્ર: તુસાર સિલ્ક ફેબ્રિક્સ, નાગપુર કોટન સાડી
- ઓડિશા: ખાંડુઆ સાડી, બોમકાઇ સાડી, ઇકત સાડી, કોટપડ સાડી, ગોપાલપુર તુસાર સાડી
- તેલંગાણા: પોચેમ્પલી સાડી, સિદ્દીપેટ ગોલાબમ્મા સાડી, નારાયણપેટ સાડી
- ઉત્તર પ્રદેશ: બનારસી, તાંચોઈ, જમદાની, જામાવર (બનારસી)
- રાજસ્થાન: લહેરિયા, ગોતા પટ્ટી, બંદિની
- પશ્ચિમ બંગાળ: બાલુચારી, કાંથા, તંગૈલ, જમદાની સાડીઓ
સુરતની મહિલાઓ દ્વારા સંચાલિત અમી ચેરિટેબલ ટ્રસ્ટનો સ્ટૉલ સુરતની જરીમાં નવીનતા પ્રદર્શિત કરે છે
આમ તો આ પ્રદર્શને એની જાહેરાતથી જ લોકોમાં ખાસ કરીને મહિલાઓમાં ઉત્કંઠા જગાવી છે. આ પ્રદર્શનમાં સુરતવાસીઓ પોતીકી સંસ્થા અમી ચેરિટેબલ ટ્રસ્ટનાં નવીન ઉત્પાદનોથી રોમાંચિત થયાં છે. સુરત ટેક્સ્ટાઈલની સાથે સાથે જરી ઉદ્યોગ માટે પણ જાણીતું છે અને પ્રથમવાર જરીમાંથી વેલ્યુ એડિશન કરીને વિવિધ પ્રકારની ટ્રે, ફ્રેમ જેવી નવીન વસ્તુઓ પ્રદર્શિત થઈ રહી છે. જરીની આ વસ્તુઓ પહેલીવાર લૉન્ચ થઈ છે. આ ટ્રસ્ટ હૅન્ડલૂમ ક્ષેત્રે કાર્યરત છે અને હવે તે ઉત્પાદક કંપની બને છે. તેનાં એમડી શ્રીમતી ભાવનાબેન દેસાઇએ કહ્યું કે ઉત્પાદક કંપની બનવાથી 400 મહિલાઓને હવે આર્ટિસન કાર્ડ મળવાની સાથે કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલય દ્વારા તાલીમ, ટૂલકિટ વિતરણ, આગામી પ્રદર્શન માટે સહાય વગેરેને લાભ મળશે. તેમણે કહ્યું કે આગામી તમિલ સંગમમ્ને ધ્યાનમાં રાખીને દક્ષિણ ભારતને ધ્યાનમાં રાખીને અમે જ્વેલરી સહિતની વિવિધ વસ્તુઓ બનાવી છે.
પશ્ચાદભૂમિકા:
ભારત સરકારે હાથવણાટના ઉત્પાદનો માટે "હૅન્ડલૂમ માર્ક" યોજના, રેશમના ઉત્પાદનોની ખરાઇ માટે "સિલ્ક માર્ક" અને ઉત્પાદનોની વિશિષ્ટતાને ઉજાગર કરવા ઉપરાંત ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા અને તેમને વિશિષ્ટ ઓળખ આપવા માટે પર્યાવરણ પર શૂન્ય અસર સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા હૅન્ડલૂમ ઉત્પાદનોના બ્રાન્ડિંગ માટે "ઇન્ડિયા હૅન્ડલૂમ બ્રાન્ડ" યોજના શરૂ કરી છે. તે ખરીદનારને બાંહેધરી પણ આપે છે કે જે ઉત્પાદન ખરીદવામાં આવે છે તે અસલી હાથે વણાયેલું છે. સ્પેશ્યલ હૅન્ડલૂમ એક્સ્પોમાં તમામ પ્રદર્શકોને ઉત્પાદનો પર 'હૅન્ડલૂમ માર્ક', 'સિલ્ક માર્ક' અને 'ઇન્ડિયા હૅન્ડલૂમ બ્રાન્ડ' ટેગ પ્રદર્શિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને આ રીતે તેનો ઉદ્દેશ હૅન્ડલૂમ વણકર સમુદાયની આવકમાં સુધારો કરવાનો છે.
આ પણ વાંચો:SSC પાસ માટે નીકળી બમ્પર ભરતી, માસિક પગાર 47 હજાર સુધી
Share your comments