કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો હંમેશા દરેક પરિબળોમાં દેશની આંતરિક સુરક્ષાનો મજબૂત આધારસ્તંભ રહ્યા છે
આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસનો નવા યુગની શરૂઆત થઇ છે અને ભારત આખી દુનિયામાં ઉત્પાદનનું હબ બની રહ્યું છે, આમાં આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરનારા CAPFના જવાનોની ભૂમિકા ઘણી મોટી છે
મોદી સરકાર માને છે કે, જે સૈનિકો મુશ્કેલ સંજોગોમાં દેશ અને સરહદોનું રક્ષણ કરે છે, તેમના પરિવારની ચિંતા કરવાની જવાબદારી સરકારની છે, જવાનોનું કામ માત્ર ચિંતામુક્ત થઇને દેશની સેવા કરવાનું છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી જવાનો અને તેમાં પણ ખાસ કરીને તેમના પરિવારોની ચિંતા રહે છે અને છેલ્લા 8 વર્ષમાં આ દિશામાં સંખ્યાબંધ અભૂતપૂર્વ કામો કરવામાં આવ્યા છે
2014માં હાઉસિંગ સંતોષ દર (HSR) આશરે 33 ટકા હતો, જે આજે 48 ટકા છે, CAPF ઇ-આવાસ પોર્ટલનો આરંભ થવાથી નવી ઇમારતોના બાંધકામ વગર જ હાઉસિંગ સંતોષ દરમાં 13 ટકાનો વધારો થશે
મને વિશ્વાસ છે કે, ગૃહ મંત્રાલયના આ સાર્થક પ્રયાસોથી નવેમ્બર 2024 સુધીમાં હાઉસિંગ સંતોષ દર 73 ટકા થઇ જશે, જે એક મોટી સિદ્ધિ હશે
CAPFમાં એ પ્રકારની વ્યવસ્થા
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગઈ કાલે નવી દિલ્હી ખાતે CAPF eAwas વેબ પોર્ટલનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય અને શ્રી અજય કુમાર મિશ્રા, કેન્દ્રીય ગૃહ સચિવ, બોર્ડર મેનેજમેન્ટ સચિવ અને વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને NSGના મહાનિદેશકો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી અમિત શાહે અહીં ઉપસ્થિતોને આપેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો હંમેશા દેશની આંતરિક સુરક્ષાનો મજબૂત આધારસ્તંભ રહ્યા છે અને CAPFના જવાનો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્યારે દેશમાં વિકાસના નવા યુગની શરૂઆત થઇ છે અને ભારત આખી દુનિયામાં ઉત્પાદનનું હબ બની રહ્યું છે, ત્યારે આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરનારા CAPF જવાનોની આમાં ખૂબ જ મોટી ભૂમિકા છે. તેમણે ઉમેર્યું હતું કે, આઝાદીથી અત્યાર સુધીના સમયમાં પોલીસ દળોના 35,000 કરતાં વધુ જવાનોએ આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરતી વખતે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે અને તેમના બલિદાનને કારણે દેશનો દરેક નાગરિક સુરક્ષાની ભાવના સાથે નિરાંતેથી સૂઇ રહ્યો છે. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, મોદી સરકાર માને છે કે મુશ્કેલ સંજોગોમાં દેશ અને સરહદોની રક્ષા કરનારા જવાનોના પરિવારોની ચિંતા કરવાની જવાબદારી સરકારની છે, જવાનોનું કામ માત્ર ચિંતા કર્યા વગર દેશની સેવા કરવાનું છે. તેમણે આગળ કહ્યું હતું કે, આજે શરૂ કરવામાં આવેલું CAPF ઇ-આવાસ પોર્ટલ પણ આ જ શ્રેણીના અનુસંધાનમાં છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, CAPFમાં એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી કે જે દળો માટે મકાનો બાંધવામાં હોય, માત્ર તેમને જે મળી શકે, જેના કારણે હજારો મકાનો ખાલી પડ્યા રહેતા હતા, પરંતુ હવે તે પરિસ્થિતિને ઇ-આવાસ પોર્ટલ દ્વારા બદલવામાં આવશે. હવે, ખાલી પડેલા મકાનો અન્ય CAPFના કર્મચારીઓ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આનાથી વધારે મકાનોનું બાંધકામ કર્યા વગર પણ હાઉસિંગ સંતોષ દરમાં 13 ટકાનો વધારો થશે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદી 2014માં પ્રધાનમંત્રી પદે આરૂઢ થયા ત્યારથી ગૃહ મંત્રાલયે હાઉસિંગ સંતોષ દરનીમ વધારો કરવા માટે વિવિધ યોજનાઓ બનાવી છે. જેમાં ઓફિસો બનાવવી, હોસ્પિટલોને મજબૂત કરવી અને રહેઠાણોની સંખ્યામાં વધારો કરવો વગેરેનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં 31 હજાર કરતાં વધુ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે, 17 હજાર કરતાં વધુ મકાનો નિર્માણાધીન છે અને લગભગ 15 હજાર વધારાના મકાનો બાંધવાની દરખાસ્ત છે. 2014માં હાઉસિંગનો સંતોષ દર લગભગ 33 ટકા હતો, જે આજે 48 ટકા થઇ ગયો છે, CAPF ઇ-આવાસ પોર્ટલની શરૂઆત થવાથી, કોઇપણ નવી ઇમારતોનું બાંધકામ કર્યા વગર હાઉસિંગ સંતોષ દરમાં 13 ટકાનો વધારો થશે. શ્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગૃહ મંત્રાલયના આ સાર્થક પ્રયાસોથી નવેમ્બર 2024 સુધીમાં હાઉસિંગ સંતોષ દર 73 ટકા સુધી પહોંચી જશે, જે એક મોટી સિદ્ધિ હશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી જવાનો અને તેમાં પણ ખાસ કરીને તેમના પરિવારોની ચિંતા કરે છે અને છેલ્લા 8 વર્ષ દરમિયાન આ દિશામાં સંખ્યાબંધ અભૂતપૂર્વ કાર્યો કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ, ભારત સરકારે જવાનોના પરિવારોને વધુ સારી તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે 'આયુષ્માન CAPF' યોજનાનો આરંભ કર્યો છે. આ યોજના અંતર્ગત 10 લાખ જવાનોને 35 લાખ કરતાં વધુ આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 31 કરોડ રૂપિયાથી વધુના લગભગ 56 હજાર બિલની ચૂકવણી કરવામાં આવી છે.
શ્રી અમિત શાહે વધુમાં ઉમેર્યું હતું કે, CAPFના કર્મચારીઓની ટ્રાન્સફરની કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે ઇ-ટ્રાન્સફર સૉફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. હાલમાં, ITBP અને CISF દ્વારા પ્રાયોગિક ધોરણે આ સૉફ્ટવેરનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ઇ-ટ્રાન્સફર સૉફ્ટવેરની મદદથી, પોસ્ટિંગને જવાનોની ઉંમર અને સ્વાસ્થ્યની સ્થિતિ સાથે જોડી શકાય છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, અગાઉ પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજનામાં 42 અભ્યાસક્રમો હતા અને હવે તેમાં 80 થી વધુ નવા અભ્યાસક્રમો ઉમેરવામાં આવ્યા છે. તેને વધુ વૈજ્ઞાનિક બનાવીને કેન્દ્રીય વળતરની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. એર કુરિયર સેવાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે અને કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડારને મજબૂત કરવા માટે ઘણા કાર્યો કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, મોદી સરકાર જવાનોના કલ્યાણ માટે કોઇપણ પ્રકારના સકારાત્મક સૂચન પર વિચાર કરવા માટે તૈયાર છે, પરંતુ આપણે આપણા કાર્યસ્થળનું વાતાવરણ યોગ્ય રાખવા માટે પણ યોગદાન આપવું પડશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયની વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત આજ દિન સુધીમાં લગભગ ત્રણ કરોડ રોપાઓ વાવવામાં આવ્યા છે, પરંતુ જવાનોમાં તેના પ્રત્યે લાગણી જગાવવાની જવાબદારી વરિષ્ઠ અધિકારીઓની છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, તેઓ માને છે, જવાનની એક વૃક્ષ સાથેની લાગણી હોવી, એ તેનું જીવન બદલી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, વૃક્ષારોપણનું અભિયાન શરૂ કરતી વખતે અમારી વિચારસરણી પર્યાવરણ અને કામના સ્થળે સારું વાતાવરણ ઉભું કરવાની હતી, પરંતુ તેની સાથે જ એક રચનાત્મક અને સકારાત્મક વિચારના કારણે માનવ સ્વભાવમાં જે પરિવર્તન અને સંતોષની ભાવના આવે છે તેને પણ ગતિ આપવી જરૂરી છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીજી હંમેશા જવાનો અને તેમાં પણ ખાસ કરીને તેમના પરિવારોના કલ્યાણ માટે પ્રયત્નશીલ રહે છે અને ગૃહ મંત્રાલય આ દિશામાં તેમના વિચારોને પરિપૂર્ણ કરવા હંમેશા તત્પર રહે છે.
આ પણ વાંચો:ભાવનગરના આંગણે યોજાયો 'વતનના વિસરાયેલા વીરોની વાત અંગેનો અદભૂત કાર્યક્રમ ‘વીરાંજલિ’
Share your comments