કોરોના અને તેના કારણે લાગુ થયેલા લોકડાઉન અને બીજા નિયંત્રણોના કારણે લાખો લોકોએ દેશમાં નોકરીઓ ગુમાવી છે. ઘણા પરિવારોની આર્થિક સ્થિતિ બહુ ખરાબ થઈ ચુકી છે.
ભણેલા ગણેલા બે ભાઈઓ ખેતી કરવા બન્યા મજબૂર
તેલંગાણાના એક પરિવાર પાસે તો કમાણીનુ કોઈ સાધન નહીં હોવાથી હવે પરિવારના બે ભાઈઓએ ખેતી કરવા માટે હળ સાથે બળદની જગ્યાએ પોતાની જાતને જોડીને ખેતી શરુ કરી છે. આ બંને ભાઈઓની નોકરી પહેલા લોકડાઉનના સમયમાં છીનવાઈ ગઈ હતી એ પછી એક દુર્ઘટનામાં બે બળદો પણ મોતને ભેટયા હતા. કમાણી કરવા માટે માત્ર તેમની પાસે ખેતર હતુ પણ ખેતી કરવા માટે નવા બળદ ખરીદવાના પૈસા નહોતા.એ પછી નરેન્દ્ર બાબૂ અને શ્રીનિવાસ નામના આ બે ભાઈઓએ બળદની જગ્યાએ પોતાની જાતને જોડીને ખેતી શરુ કરી છે.
શહેર છોડી પરત આવ્યા ગામડામાં
આ બન્ને ભાઈઓ ભણેલા ગણેલા છે નરેન્દ્ર બાબૂ પાસે બીએસસી અને બીએડની ડિગ્રી છે. તેઓ શિક્ષક રહી ચુકયા છે. બીજા ભાઈ શ્રીનિવાસે MSW એટલે કે માસ્ટર ઓફ સોસ્યિલ વર્કર કરેલ છે અને તેઓ હૈદરાબાદમાં એક સંસ્થામાં કામ કરતા હતા. નરેન્દ્ર બાબૂના લગ્ન થઈ ગયા છે અને તેમના બે બાળકો પણ છે. નરેન્દ્રબાબુ જણાવે છે કે, ચાર વર્ષ પહેલા મેં ઓછી આવકના કારણે નોકરી છોડીને પોતાના વતનમાં જ રહેવાનું નક્કી કર્યુ હતુ. નરેન્દ્ર બાબુના નાના ભાઈ શ્રીનિવાસની પણ કોરોના કાળમાં તેઓ જ્યાં નોકરી કરતા હતા તે સંસ્થા લોકડાઉનમાં બંધ થઈ ગઈ હોવાથી તેઓ પણ શહેર છોડીને પોતાના વતનમાં પાછા આવી ગયા છે.
બળદ ખરીદવાના પણ પૈસા નહોતા
આ બન્ને ભાઈઓ એક સામાન્ય પરિવારમાં થી આવે છે. બળદ મરી જતા પરિવાર પાસે નવુ ટ્રેક્ટર કે નવા બળદ ખરીદવા માટે પૈસા નહોતા જેમ તેમ કરીને તેમણે 60000 રુપિયા ભેગા કર્યા હતા પણ બે બળદની જોડીની કિમત 75000 રુપિયા થતી હોવાથી તેઓ બળદ ખરીદી શક્યા નહોતા એ પછી બંને ભાઈઓએ બળદની જગ્યાએ પોતાની જાતને હળ સાથે જોડીને ખેતી કરવાનુ નક્કી કર્યુ હતુ. તેઓ આ રીતે ખેતી કરી રહ્યા છે અને તેમનો કિસ્સો આખા દેશમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.
Share your comments