આવતા વર્ષથી, ભારતીય ટેલિવિઝન ચેનલો માટે દરરોજ 30 મિનિટ માટે 'દેશહિત'ના કન્ટેન્ટ પ્રસારિત કરવા જરૂરી બનશે. એવી સંભાવના છે કે 1 જાન્યુઆરી, 2023 થી, સેટેલાઇટ ટીવી ચેનલો માટે દરરોજ 30 મિનિટ માટે રાષ્ટ્રીય હિત સાથે સંબંધિત કન્ટેન્ટનુ પ્રસારણ કરવું જરૂરી બનશે.
અડધો કલાક થશે રાષ્ટ્રહિત કન્ટેન્ટનુ પ્રસારણ
હકીકતમાં, આ મહિનાની શરૂઆતમાં, કેન્દ્રીય કેબિનેટે ભારતમાં 'સેટેલાઇટ ટેલિવિઝન ચેનલ્સ 2022ના અપલિંકિંગ અને ડાઉનલિંકિંગ માટેની માર્ગદર્શિકા'ને મંજૂરી આપી હતી, જે અંતર્ગત ચેનલો માટે રાષ્ટ્રીય હિત સાથે સંબંધિત કન્ટેન્ટને દરરોજ અડધો કલાક પ્રસારિત કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
ચેનલો સાથે બેઠકો બાદ લેવાયો નિર્ણય
સરકારે 9 નવેમ્બરના રોજ માર્ગદર્શિકા બહાર પાડી હતી. તે દિવસે, માર્ગદર્શિકા સમગ્ર દેશમાં અસરકારક હોવા છતાં, માહિતી અને પ્રસારણ મંત્રાલય (I&B) ના અધિકારીઓએ કહ્યું કે ચેનલોને રાષ્ટ્રીય હિત સંબંધિત સામગ્રી તૈયાર કરવા માટે સમય આપવામાં આવશે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, સૂત્રોએ જણાવ્યું હતું કે ચેનલો અને અન્ય હિતધારકો સાથે બેઠકોના ઘણા રાઉન્ડ યોજવામાં આવ્યા હતા, ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે "રાષ્ટ્રીય હિતની સમાચારની 30 મિનિટ" ની માર્ગદર્શિકા 1 જાન્યુઆરી, 2023 થી લાગુ કરવામાં આવશે.
કઈ કઈ છે થીમ
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે યોજનાને અંતિમ સ્વરૂપ આપવા માટે મંત્રાલયના અધિકારીઓ અને હિતધારકો વચ્ચે બીજી બેઠક થવાની છે. સરકારની માર્ગદર્શિકા અનુસાર, જાહેર સેવા અને રાષ્ટ્રીય હિત સાથે સંબંધિત કન્ટેન્ટ દરરોજ 30 મિનિટ માટે પ્રસારિત કરવામાં આવશે. ચેનલોને કન્ટેન્ટ બનાવવા માટે 8 થીમ આપવામાં આવી છે. ચેનલોને આપવામાં આવેલી થીમમાં સમાવેશ થાય -
- શિક્ષણ અને સાક્ષરતા પ્રસારણ
- કૃષિ અને ગ્રામીણ વિકાસ
- આરોગ્ય અને કુટુંબ કલ્યાણ
- વિજ્ઞાન અને ટેકનોલોજી
- મહિલાઓનું કલ્યાણ
- સમાજના નબળા વર્ગોનું કલ્યાણ
- પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસાનું રક્ષણ
- રાષ્ટ્રીય એકીકરણ.
માર્ગદર્શિકામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સરકાર સમય-સમય પર રાષ્ટ્રીય હિત સાથે સંબંધિત કન્ટેન્ટના પ્રસારણ માટે ચેનલોને સલાહ આપતી રહેશે અને ચેનલ માટે તેનું પાલન કરવું જરૂરી રહેશે. સરકારના પગલાથી ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળની ટેલિવિઝન ચેનલોને સિંગાપોરને બદલે ભારતમાંથી અપલિંક કરવાની મંજૂરી મળે તેવી અપેક્ષા છે. ઉપખંડમાં પ્રસારિત થતી ચેનલો માટે સિંગાપોર એ પસંદગીનું અપલિંકિંગ હબ છે. હાલમાં, માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં નોંધાયેલ કુલ 897 ચેનલોમાંથી ભારતમાંથી માત્ર 30 ચેનલો અપલિંક છે.
Share your comments