
01 તાઈવાનમાં ચીને કરી ઘુસણખોરી અને સાથે 71 લડાકુ વિમાનો સાથે રાખી કરી સ્ટ્રાઈક
ભારતનો પાડોશી દેશ ચીન પોતાની હરકતોથી અટકવાનું નામ નથી લઈ રહ્યું. ભારત બાદ હવે તેણે તાઈવાનની સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 71 ચીની ફાઈટર જેટ અને 7 જહાજોએ તાઈવાન સ્ટ્રેટની મધ્ય રેખાને પાર કરી છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે, ચીન અમારી સરહદ પર સૈન્ય ગતિવિધિઓ ચાલુ રાખી રહ્યું છે.
02 રશિયા યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર, રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હવે બધું યુક્રેન પર નિર્ભર છે
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો હતો કે રશિયા યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે વાતચીત માટે તૈયાર છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા દ્વારા યુક્રેન પર નવા હુમલા કરવામાં આવી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિએ રવિવારે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે અમે યુક્રેન સૈન્ય કાર્યવાહીને લઈને તે બધા લોકો સાથે વાતચીત માટે તૈયાર છીએ જેઓ સ્વીકાર્ય ઉકેલ ઈચ્છે છે, પરંતુ હવે બધું તેમના પર નિર્ભર છે, અમારા પર નહીં, તેઓ ડીલને નકારી રહ્યા છે.તેમણે કહ્યું કે અમે અમારા રાષ્ટ્રીય અને નાગરિકોના હિતોની રક્ષામાં રોકાયેલા છીએ. સ્થાનિક યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે પુતિનની ટિપ્પણીઓ દેશ પર સતત હુમલાઓ વચ્ચે આવી છે. રવિવારે દેશભરમાં બે વાર હવાઈ હુમલાની ચેતવણીઓ જારી કરવામાં આવી હતી, અને બપોરે ત્રણ મિસાઇલો આંશિક રીતે કબજા હેઠળના ડનિટ્સ્ક પ્રદેશમાં ક્રેમેટોર્સ્ક શહેરને ફટકારી હતી.
03 અમેરિકામાં બરફના તોફાને તબાહી મચાવી, અત્યાર સુધીમાં 34 લોકોના મોત, ત્રણ લાખ ઘરોમાં વીજળી ગુલ
અમેરિકામાં બરફના તોફાનના કારણે ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા છે. ઘણી જગ્યાએ હિમવર્ષામાં ફસાયેલા લોકોના કારણે મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે. વીજ પુરવઠો ખોરવાને કારણે ઘણા વિસ્તારોમાં ઘરો અને વ્યાપારી સંસ્થાઓની લાઈટો ગુલ થઈ ગઈ છે અને લાખો લોકોને અંધારામાં જીવવાનું જોખમ છે. ઘરો અને વાહનો પર બરફનો જાડો પડ પથરાઈ ગયો છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા છે અને વીજ લાઈનોને પણ નુકસાન થયું છે. વાવાઝોડાએ કેનેડા નજીકના ગ્રેટ લેક્સથી મેક્સિકોની સરહદે આવેલા રિયો ગ્રાન્ડે સુધીના વિશાળ વિસ્તારને અસર કરી હતી.
આ પણ વાંચો : જાન્યુઆરી 2023માં બેંકો 14 દિવસ રહેશે બંધ, જુઓ યાદી
04 ક્રિસમસ પર થાઈલેન્ડના શખ્સે રખડતાં કૂતરાઓને આપી ભવ્ય પાર્ટી સોશિયલ મીડિયા માં થયો વિડીયો વાઈરલ
નાતાલનો તહેવાર અન્ય તહેવારોની જેમ પોતાની સાથે ઘણી ખુશીઓ અને આશાઓ લઈને આવે છે. ઉત્સવમાં આવવાનો આનંદ અને વર્ષના અંત સુધીમાં નવા વર્ષમાં નવા અનુભવો મળવાની આશા હોય છે પણ આ લાગણી માત્ર માણસો સુધી જ કેમ મર્યાદિત હોવી જોઈએ? પ્રાણીઓને પણ તહેવારો ઉજવવાનો અધિકાર હોવો જોઈએ, કારણ કે તેઓ પણ ઈશ્વરે બનાવેલા જીવો છે. આ વાત પર વિશ્વાસ કરીને એક વ્યક્તિએ ક્રિસમસના તહેવારે રસ્તા પર રખડતા બેઘર કૂતરાઓ માટે એક પાર્ટીનું આયોજન કર્યું અને તે કૂતરાઓ માટે ક્રિસમસ પર જોરદાર જમવાનું લાવ્યો તેમજ તેમને ખાસ ભેટ પણ આપી.
05 ખેડૂતોની ધીરજની કસોટી ! સાણંદ તાલુકામાં ડાંગરની ખરીદી ધીમી થતી હોવાથી ખેડૂતોમાં કચવાટની લાગણી
રાજ્ય સરકાર દ્વારા હાલ ટેકાના ભાવિ વિવિધ પાકની ખરીદી ચાલી રહી છે, પરંતુ આ ખરીદી જગતના તાત માટે ફરી એક વાર પરેશાની લઇને આવી છે. અમદાવાદના સાણંદ તાલુકામાં ડાંગરની ખરીદી ધીમી થતી હોવાથી ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે.છેલ્લા 5-6 દિવસથી ગોડાઉનો બહાર ડાંગર ભરેલા 400 કરતા પણ વધુ ટ્રેક્ટરોનો જમાવડો થયો છે.મહત્વનું છે કે, 31 ડિસેમ્બરે ટેકાના ભાવે ડાંગરની ખરીદી પૂર્ણ થઇ રહી છે, પરંતુ ડાંગરની ખરીદીની પ્રક્રિયા એકદમ ધીમી ચાલતી હોવાથી સરકારી ગોડાઉન બહાર 400 જેટલા ડાંગરના ટ્રક્ટરોનો થયો છે જમાવડો. છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો પોતાનો વારો આવે તેની રાહમાં ગોડાઉન બહાર ધામા નાંખીને બેઠા છે. એક તરફ ખેતીની સીઝન ચાલુ છે તો બીજી તરફ તમામ કામકાજ છોડીને ગોડાઉન બહાર 4-5 દિવસ ઉભું રહેવું પડતું હોવાથી ખેડૂતો પરેશાન થયા છે.
06 અમદાવાદ માં કાંકરિયા કાર્નિવલને સીએમ ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મૂક્યો
અમદાવાદમા કાંકરિયા કાર્નિવલને સીએમ ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મૂક્યો છે. , ત્યારે કોરોનાની ગાઈડલાઈન્સના પાલન સાથે આ કાર્નિવલનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. કોરોનાને ધ્યાનમાં રાખી અને મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્નિવલમાં આવનારા લોકોને માસ્ક પહેરવા અને ગાઇડલાઇન્સનું પાલન કરવા અપીલ કરી છે.
07 ડાંગરનું મબલખ ઉત્પાદન થવા છતાં ખેડૂતો પરેશાન, જાણો શું છે કારણ
સુરતના ઓલપાડ તાલુકામાં ડાંગરની વ્યાપક ખેતી અને મબલખ ઉત્પાદન થયુ છે. ઓલપાડ તાલુકામાં સૌથી વધુ ડાંગરની ખેતી થાય છે. હાલ ડાંગર પકવતા ખેડૂતો ખુશખુશાલ છે અને તેનું કારણ છે ડાંગરના પાકના ઉત્પાદનમાં વધારો થયો છે. સારા વરસાદને કારણે હાલ ખેડૂતોને વીઘા દીઠ આશરે 10થી 15 મણ જેટલો પાકનો વધારે ઉતારો આવ્યો છે. તેમ છતા અહીંના ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે.ડાંગરની ખેતીમાં મોખરે એવા ઓલપાડમાં ખેડૂતો લગભગ ત્રણેય સીઝન ડાંગરનો જ પાક લેતા હોય છે. ઓલપાડના અસનાબાદ ગામના ખેડૂતો બમ્પર પાકને લઇને ઉત્સાહિત છે. ગત સીઝનમાં વીઘા દીઠ 50થી 55 મણ જેટલો ડાંગરનો ઉતારો આવ્યો હતો. જેની સામે આ વખતે આ જ જમીન પર 70થી 75 મણ ડાંગરનો પાક થયો છે. પરંતુ ખાતરના ભાવ અને મોંઘવારીએ ખેડૂતોની ચિંતામાં થોડો વધારો કરી દીધો છે.
08 કુદરત સામે લાચાર ખેડૂતોના હાલ બેહાલ
ગુજરાતના તમામ જીલ્લાઓમાં ખેતીને લઈને કાઈને કાઈ વિશેષ મહત્વ અને ઉત્પાદન રહેલું હોય છે તેવી જ રીતે પાટણ માં પણ શિયાળુ સિઝનમાં ગાજરને પણ પાટણ પંથક માં એક આગવી ઓળખ સમું વાવતેર માનવામાં આવે છે ગુજરાત થી માંડી મુંબઈ સુધી તેનું વેચાણ થાય છે પણ ચાલુ સાલે ગાજર ના ભાવ પોષણ ક્ષમ ના મળતા ખેડતો ની હાલત કફોડી બનવા પામી છે.ગાજરના વાવેતરનું હબ ગણાતા પાટણમાં આ વર્ષે ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે. ગાજરના સારા ઉત્પાદન બાદ પણ સારા ભાવ ના મળતા ખેડૂતોની સમસ્યા વધી છે. રૂની, હાંસાપુર, માતરવાડી સહિતના વિસ્તારોમાં 500 હેકટરમાં ગાજરની ખેતી કરવામાં આવે છે. પાટણના લાલ ગાજર તેની મીઠાસ માટે જાણીતા છે. ગત વર્ષે 20 કિલો ગાજરનો ભાવ 300થી 400 રૂપિયા રહ્યા હતા. પરંતુ આ વર્ષે ગાજરના 20 કિલોના 160થી 170 રૂપિયા જ ભાવ મળી રહ્યા છે. જેથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ વર્ષે માર્કેટ યાર્ડમાં રોજની 1200થી 1300 બોરીની આવક થવા પામી છે. પરંતુ પોષણ ભાવ ના મળતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ છે. ત્યારે પોષણક્ષમ ભાવ આપવા ખેડૂતો સરકારને ગુહાર લગાવી રહ્યા છે.
09 બેંક ઓફ બરોડાની બંપર ઓફર, સસ્તામાં ઘર, દુકાન કે જમીન ખરીદવી હોય તો જાણો આ ઓફરો
જો તમે નવા વર્ષ પહેલા નવું અને સસ્તું ઘર ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમારા માટે જરૂરી સમાચાર છે. દેશની સરકારી બેંક વર્ષના અંતમાં એકવાર ફરીથી તમને સસ્તામાં ઘર, જમીન, દુકાન અને ખેતી માટે જમીન ખરીદવા બેંક ઓફ બરોડા મેગા ઈ ઓકશન ની તક આપી રહી છે તો આવામાં તમારી પાસે આ સારી તક કહી શકાય. તમે 28 ડિસેમ્બર 2022ના રોજ સસ્તામાં મકાન ખરીદી શકો છો. અત્રે જણાવવાનું કે બેંક ઓફ બરોડા મેગા ઈ ઓક્શન ઓફર લઈને આવ્યું છે. જેમાં તમે સસ્તામાં અનેક પ્રકારની પ્રોપર્ટી ખરીદી શકો છો. આ અંગે બેંક ઓફ બરોડાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. આ હરાજી હેઠળ તમે સમગ્ર ભારતમાં અચલ સંપત્તિ ખરીદવા માટે બોલી લગાવી શકો છો.
10 આયુર્વેદ અનુસાર માટીના વાસણમાં બનાવેલુ જમવાથી અનેક બીમારીઓથી દૂર રહેવાય છે.
દાહોદ જિલ્લાના આદિવાસીઓમાં આજે પણ માટીના વાસણો વાપરવાનું ચલણ જોવા મળે છે. ખાસ કરીને ભોજન બનાવવા અને પાણી સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતાં માટીનાં વાસણો આ પ્રાંતમાં હજુય લોકપ્રિય છે. એક તરફ પરંપરાગત માટીકલા વિસરાતી જાય છે તો બીજી તરફ અહીં અનેક પરિવારો એવા છે કે જે તેને સાચવીને બેઠા છે.સામાન્ય રીતે માટીનાં વાસણોનો ઉપયોગ કરતા લોકો દ્વારા એવી જ દલીલ કરવામાં આવે છે કે, તમે જયારે એલ્યુમિનિયમનું કૂકર ખરીદ્યું હોય ત્યારે કરેલા વજન અને થોડો સમય તેને વાપર્યા બાદ કરેલા વજનમાં તફાવત આવશે. તેનો સીધો મતલબ એવો થયો કે, તે ધાતુ કોઈને કોઇ રીતે તમારા શરીરમાં પહોંચી છે, ત્યારે શહેરીજનોનો એક મોટો સમૂહ પણ માટીનાં વાસણો વાપરવાની હિમાયત કરવા લાગ્યો છે. આવા સંજોગોમાં આપણને એ ભાન થાય છે કે આદિવાસીઓની આવી ઉજળી પરંપરા સ્વાસ્થ્ય માટે કેટલી લાભકારક છે.
11 ધોરાજી-ઉપલેટા પંથકમાં અપૂરતો વીજ પૂરવઠો મળવાને કારણે ખેડૂતો પરેશાન, પિયત ન આપી શકાતા પાક મુરઝાવાનાની ભીતિ
રાજકોટ જિલ્લામાં ખેડૂતોને અપૂરતો વીજ પૂરવઠો મળતા ખેડૂતો પરેશાન છે. તંત્ર દ્વારા ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો આપવાનો દાવો તો કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઇક જુદી જ છે. રાજકોટના ધોરાજી-ઉપલેટા પંથકમાં અપૂરતો વીજ પુરવઠો મળવાને કારણે ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે. એક તરફ રવિ પાકમાં વિવિધ રોગોએ આક્રમણ કર્યું છે તો બીજી તરફ અપૂરતી વીજળીને કારણે પાકને પુરતી પિયત ન આપી શકાતી હોવાથી રવિ પાક મુરઝાવાની ભીતિ સેવાઇ રહી છે. જેના કારણે ખેડૂતોને પડતા પર પાટુ પડવા જેવો ઘાટ સર્જાયો છે.
12 વડોદરા- ડેસર તાલુકાના વરણોલી શિહોરા કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી
વડોદરાના ડેસર તાલુકાના વરણોલી શિહોરા માઈનોર કેનાલમાં તંત્ર દ્વારા પાણી છોડવામાં ન આવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. પાકને પિયત ન મળતા ખેડૂતોનો પાક મુરઝાઈ રહ્યો છે. તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતા પાણી છોડવામાં આવતુ નથી. ત્યારે હવે ખેડૂતોએ પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોનું કહેવુ છે કે ડેસર તાલુકામાં વરણોલી શિહોરા માઈનોર કેનાલ માત્ર નામની જ કેનાલ છે.ગત વર્ષે ખેડૂતોની રજૂઆત બાદ તંત્રએ 25 વર્ષોથી સૂકી ભઠ્ઠી રહેલી આ કેનાલની મરામત કરાવી હતી અને તે દિવસે ટેસ્ટિંગ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. એ દિવસને આજની ઘડી સુધી ખેડૂતોએ ફરી ક્યારેય કેનાલમાં પાણીનું ટીપુ પણ જોયુ નથી. સિંચાઈના પાણી માટે તરસત ખેડૂતો રજૂઆત કરી કરીને થાક્યા, પરંતુ તેમની રજૂઆત તરફ કોઈ ધ્યાન દેવામાં આવતુ નથી.
13 શિયાળામાં વિદેશી પક્ષીઓનું સૌરાષ્ટ્રમાં આગમન, ઓસ્ટ્રેલીયન બર્ડ સીગલ બન્યા જામનગરના મહેમાન
જામનગરમાં શહેરની મધ્યમાં લાખોટા તળાવ આવેલુ છે. જે વિદેશી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન માનનવામાં આવે છે. શિયાળાની શરૂઆતથી હજારોની સંખ્યામાં અનેક વિવિધ પક્ષીઓ અહીંના મહેમાન બને છે. ખાસ કરીને ઓસ્ટ્રેલીયા તથા સાઉદી અરેબિયાથી મોટી સંખ્યામાં સીગલ પક્ષી અહીં શિયાળો ગાળવા માટે આવે છે. તળાવ નજીક મોટી સંખ્યામાં સીગલ પક્ષી જોવા મળે છે. પક્ષીપ્રેમીઓ આ વિદેશી મહેમાનોને નજીકથી અને મોટી સંખ્યામાં નિહાળવવા દુર-દુરથી દોડી આવે છે. પક્ષીઓને વિવિધ અદાઓમાં જોઈને પક્ષી પ્રેમીઓ ખુબ જ ખુશ થાય છે અને સ્થાનિક પક્ષીપ્રેમીઓ દરરોજ પક્ષીઓને જોવા આવે છે.
14 છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની, ટામેટાના ભાવ તળિયે જતાં ફેંકી દેવા મજબૂર
ગુજરાત છોટાઉદેપુર જિલ્લામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. કેમ કે મહામહેનતે પકવેલો ટામેટાનો પાક ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યો છે. ટામેટાનો ભાવ તળિયે પહોંચી જતા ખેડૂતોને બિયારણ અને ખાતરનો ખર્ચ પણ નીકળે તેમ નથી. જેના કારણે ખેડૂતો ટામેટાનો પાક ફેંકવા મજબૂર બન્યા છે. જેમાં ટામેટાના ભાવ તળિયે પહોંચી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. છોટા ઉદેપુર જિલ્લામાં મોટા પાયે ટામેટાની ખેતી કરતા ખેડૂતોને તનતોડ મહેનત બાદ પણ યોગ્ય વળતર નથી મળતું. 10 થી 15 રૂપિયા પ્રતિ કિલોની પડતર સામે બજારમાં તે પ્રતિ કિલો ફક્ત 3 થી 4 રૂપિયામાં વેચાય છે. મોંઘાદાટ બિયારણ, ખેતમજૂરી અને ખાતરનો ખર્ચ કર્યા બાદ પણ તેનું વળતર ન મળતા આ બધો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો છે.
15 દૂધસાગર ડેરીએ પશુપાલકોને આપી નવા વર્ષની ભેટ, ફેટના ભાવમાં કર્યો 20 રૂપિયાનો વધારો
દૂધસાગર ડેરીએ પશુપાલકોને નવા વર્ષની ભેટ આપતા એક કિલો ફેટમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે. આથી હવે પશુપાલકોને દૂધના એક કિલો ફેટના 750રૂપિયા મળતા હતા તેના બદલે 20 રૂપિયાના વધારા સાથે 770 રૂપિયા હતા. આ નિર્ણયનો ફાયદો 5 લાખ પશુપાલકોને થશે. તેમજ આ નિર્ણયને પગલે ડેરી દૂધ ઉત્પાદકોને મહિને 7 કરોડ રૂપિયાના ભારણ સાથે આ ભાવ વધારો ચૂકવશે. ભાવ વધારો 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. નોંધનીય છે કે દૂધસાગર ડેરીએ છેલ્લા 2 વર્ષમાં ફેટના ભાવમાં કુલ 120 રૂપિયાનો વધારો આપ્યો છે . દૂધમાં ભાવ વધારો મળતા પશુપાલકોના જીવન ધોરણમાં સુધારો આવશે.
Share your comments