એક તરફ સરકાર ઉજવણીઓકરી રહી છે ત્યારે જ ખેડૂતો દ્વારા પોતાને થઇ રહેલા અન્યાયને લઇને ફેસબૂક લાઇવના માધ્યમથી સરકાર સામે રોષ ઠાલવવાનું નક્કી કરાયું છે. કિસાન કોંગ્રેસના ચેરમેન એવા ખેડૂત નેતા પાલ આંબલિયાએ ખેડૂતોને તા.5મીએ ગુરૂવારે ફેસબૂક લાઇવ થઇ સોશ્યલ મીડિયાના માધ્યમથી સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે એક સાથે અવાજ ઉઠાવવાનું આહવાન કર્યું છે.
વિવિધ # લગાવેલ સૂત્રો સાથે કરશે વિરોધ
આ અંગે કોંગ્રેસ સાથે જોડાયેલા ખેડૂત નેતા પાલ આંબલિયાએ ‘કૃષિ પ્રભાત’ને જણાવ્યું હતું કે, આવતીકાલે તારીખ 5મી ઓગસ્ટે ખેડૂતો ફેસબુક લાઈવ થઈ સરકારની ખેડૂત વિરોધી ખોખલી નીતિઓ સામે અવાજ ઉઠાવે તે અંગે આહવાન કરાયું છે. ખેડૂતો ગુરૂવારે દિવસમાં ગમે ત્યારે એક વખત થોડો સમય કાઢી ફેસબૂક લાઈવ થઇ પોતાના વિચારો વ્યક્ત કરે તેવો અનુરોધ કરાયો છે. ખેડૂતોને ફેસબુક લાઈવ દ્વારા કે સોશ્યલ મીડિયામાં # અન્નદાતાનો અવાજ..., #બોલશે ખેડૂત - સાંભળશે સરકાર..., #નિષ્ફળતાની ઉજાણી, #કંઈક તો શરમ કરો... સહિતના ટાઇટલ સાથે પોસ્ટ મુકવી તે અંગે ખાસ આહવાન કરતા મેસેજો સોશ્યલ પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવ્યા છે.
આંબલિયાએ જાહેર કરેલા મુદ્દાઓ
-
અતિવૃષ્ટિ અનાવૃષ્ટિમાં થયેલ નુરશાનની ચૂકવણી
આ બાબતે ખેડૂત નેતા પાલ આંબલિયાએ જાહેર કરેલા મુદ્દાઓમાં : વર્ષ 2016 - 2017માં પ્રધાનમંત્રી પાકવીમાં યોજના અમલમાં આવી એટલે ખાનગી કંપનીઓ આવી ત્યારથી લઈ 2020માં આ યોજના પુરી થઈ ત્યાં સુધી ગુજરાતમાં દુષ્કાળ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોને પાયમાલ કર્યા છે તેમ છતાં 4 જ વર્ષમાં ખાનગી પાકવીમાં કંપનીઓએ 30 થી 40 હજાર કરોડનો નફો કર્યો છે કેમ કે, પાકવીમાં યોજનામાં ખેતરમાં જઈ કરેલ ક્રોપ કટિંગ દ્વારા નક્કી થયેલા પાક નુકસાનીના આંકડાઓમાં છેકછાક કરી, ફેરફાર કરી ખેડૂતોને મળવાપાત્ર હક્કના પાક વીમાની રકમ પ્રતિ હેકટર દીઠ રૂપિયા 61,000 થતી હોય પણ 10,000 હજાર આપી દેવામાં આવી છે, દરેક ખેડૂતોને પ્રતિ હેકટર 60,000 નું નુકસાન થયું છે.
2 જમીનન માપણી
જમીન માપણીના નામે ખેડૂતોના ખેતરના નકશાઓનું ડિજિટલાઈઝેશન અને મોર્ડનાઈઝેશન કરવાના બહાના તળે ગુજરાતના સવા કરોડ કરતાં પણ વધારે સર્વે નંબરના ખેતરોમાં જમીન માપણીની કામગીરીમાં બધા જ નિયમો નેવે મૂકી, બધું જ લોલંમલોલ.. પોલંમપોલ.. ની જેમ ખેડૂતોના ખેતરના પવિત્ર દસ્તાવેજો ખરાબ કરી નાખવામાં આવ્યા છે, વાસ્તવિક મૂળ સ્થળ સ્થિતિ કરતાં અલગ ફેરફાર કરી, ખોટા નકશાઓ ઉભા કરી ખેડૂત-ખેડૂતનો દુશ્મન બને, ભાઈ ભાઈનો વેરી બને તેવી રીતે ખેડૂતોની જમીનના જે દસ્તાવેજ હતા તેમાં છેડછાડ કરી, 7-12 અને ગામના ખોટા નકશાઓ બનાવી, ગામતળના
ગૌચર અને ખરાબાઓ ખાઈ ગયા, એટલું જ નહીં પણ આ જમીન માપણીવાળી ભુલો સુધરે જ નહીં તેવા આશય સાથે પરિપત્ર તૈયાર કરી ખેડૂતોને પડ્યા પર પાટુ માર્યું છે !
3 મુખ્યમંત્રી કિસાન સહાય યોજના
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના નામે હવે પ્રિમીયમ ભર્યા વગર પણ ખેડૂતોને પાકવિમો મળશે તેવો ભ્રામક પ્રચાર કરી, 48 કલાકમાં 36 ઇંચ (દક્ષિણ ગુજરાત), 48 કલાકમાં 25 ઇંચ (દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં) વરસાદ પડે તો અતિવૃષ્ટિ, 48 કલાકમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો કમોસમી વરસાદ જેવી અશક્ય લાગતી શરતો સાથેની યોજના બનાવી, તેમ છતાં કુદરત રૂઠયો, યોજનામાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ બાબતે બનેલી અશક્ય એવી તમામ શરતોને લાંઘી, એક તાલુકામાં 48 કલાકમાં 28.5 ઇંચ વરસાદ પડી જતા અતિવૃષ્ટિ થઈ અને 16 તાલુકમાં 48 કલાકમાં 2 ઇંચ કરતા વધારે કમોસમી વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન પણ થયું, જેની સામે યોજનામાં નક્કી થયેલી શરતો મુજબ નુકસાનગ્રસ્ત પ્રત્યેક ખેડૂતને પ્રતિ હેકટરદીઠ રૂ. 25,000 અને વધારેમાં વધારે મળવાપાત્ર રૂ. 1,00,000 ની સહાયમાંથી શૂન્ય સહાય અપાઇ ! આ સિવાય ખેડૂતોને પોષણક્ષમ ભાવો, સ્વામીનાથન આયોગની ભલામણોનો અમલ, ખેડૂતોનું દેવું પહેલી જ બેઠકમાં માફ, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઠાલા વચનો આપી રાસાયણિક ખાતરમાં 3 ગણો, જંતુનાશક દવાઓમાં 2 થી 5 ગણો વધારો, બિયારણ, ડીઝલ, વીજળી, પાણી, મજૂરીમાં 2 ગણો અસહ્ય ભાવ વધારો કરી ખેડૂતોની આવક બમણી કરવાને બદલે પડતર કિંમત બમણી કરી ખેડૂતોની આવક અડધી કરી નાખી !
4 ટેકાના ભાવે ખરીદી
ખેત પેદાશોના ભાવો અડધા કરી ટેકાના ભાવે ખરીદીના નાટકો રચી મગફળી, તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદીમાં બધા જ નિયમો નેવે મૂકી ખેડૂતો પાસેથી ખરીદેલી સોના જેવી મગફળીમાં ગોડાઉનમાંથી ધુળ, ઢેફા, કાંકરા નીકળવા, ગોડાઉનો સળગાવી દેવા, વીજ જ જોડાણ જ ન હોય ત્યાં સોક સર્કિટના કારણે આગ લાગી તેવા બહાનાઓ વચ્ચે મોટો ભ્રષ્ટાચાર થયાની લાગણી પ્રવર્તી રહી છે ! નર્મદા કેનાલો દ્વારા સિંચાઈના મસમોટા ભ્રામક પ્રચાર કર્યા બાદ ઉંદર અને નોળિયાઓ તોડી નાખે તેવી મજબૂત નહેરો બનાવી, છતાં ખેડૂતોનો છતે પાણીએ મોલ સુકાઈ રહ્યો છે ! રાજ્ય સરકારે જમીન સંપાદનના કાયદામાં ફેરફાર કરી ખેડૂતોને થતા નુકસાન સામે જંત્રીના ભાવે વળતર ચૂકવવા બાબતે પણ ખેડૂતોને વ્યાપક અન્યાય થઇ રહ્યો છે! ગામના ગૌચર, ખરાબાઓ, પાણીના ભાવે ખાનગી કંપનીઓને આપી ગાયોના ચરિયાણ નાબૂદ કર્યા, દૂધ ઉત્પાદકો, માલધારીઓ દ્વારા આપતા દૂધના ફેટ માપવાના મશીનોમાં ત્રાગા કરી ખેડૂત, માલધારી ભાઈઓ સાથે રીતસર ખુલ્લી લૂંટ ચલાવવાના પરવાનાઆપ્યા ! સહિતની બાબતોનો સમાવેશ થાય છે.
ખેડૂત નેતા દ્વારા આ સિવાય પણ કેટલાક મુદ્દાઓનો ઉલેખ્ખ કરી સરકારની કામગીરી સામે ખેડૂત વિરોધી નીતિનો આક્ષેપ કરાયો હતો.
Share your comments