જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે આજે બપોરે શપથ લીધા પછી યોજાયેલી મુખ્યમંત્રીની બેઠકમાં તેઓને કૃષિમંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે અને તેઓએ તેમના હોદ્દાનો ચાર્જ પણ સંભાળી લીધો છે.
સત્તા સ્થાને બેસવાની સાથે જ તેઓએ જામનગરની એખ ખાનગી સમાચાર પત્રની એજન્સીને ટેલીફોનીક ઈન્ટરવ્યું આપ્યો હતો. જેમાં જામનગરના પ્રતિનિધિના વિવિધ પ્રશ્નોના પ્રત્યુતર આપવાની સાથે તેઓએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાનાં અસરગ્રસ્તોને તાકીદની અસરથી સહાય મળી રહે તે અંગેના પ્રયાસો રહેશે.
તા.17નાં રોજ અધિકારીઓ સાથે મળનારી બેઠકમાં પણ જામનગર જિલ્લાની તારાજી અને અસરગ્રસ્તોની ઘરવખરી, અનાજ સહિતની સુવિધા પૂરી પાડવા તમેજ અગાઉની જેમ ગરીબ અને મધ્યમ પરિવાર કે જેમની સમગ્ર ઘરવખરી તણાઈ જવા પામી હોય, તેવા પરિવારજનોને કેશડોલ ચુકવવા અંગેની ચર્ચાઓ કરી તમામને તાકીદે સરકાર તરફથી સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
ગાંધીનગરમાં આજે બપોરે જામનગરના ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે કેબીનેટ મંત્રી તરીકેની શપથ લીધી હતી. ત્યાર પછી 4.30 કલાકે મુખ્યમંત્રીની પ્રથમ બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાઘવજીભાઈ પટેલને કૃષિમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યાર પછી રાઘવજીભાઈએ વિધિવત પૂર્વક તેમની ઓફિસ ઉપર કૃષિમંત્રીનો ચાર્જ સંભાળ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, જામનગર, ધ્રોલ, જોડિયા સહિતના તમામ ગામોમાં પુર અને અતિવૃષ્ટિથી થયેલી પારાવાર તારાજીની મે જાતે મુલાકાત લઈ નિરીક્ષણ કરેલું છે અને જે લોકો તારાજીનો ભોગ બન્યા છે તેવા તમામને સરકાર તરફથી જરૂરીયાત મુજબની તમામ સહાય મળી રહે તે માટેના સઘન પ્રયાસો રહેશે. આ' ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે,' સરકાર દ્વારા કેશડોલ ચુકવવામાં આવે તેવા પ્રયાસોને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું.
Share your comments