સમાચારનો સરોગેટ પ્રોડક્ટ તરીકે ઉપયોગ કરીને વિદેશી સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ, સમાચારની આડમાં સટ્ટાબાજીને પ્રોત્સાહન આપે છે
સટ્ટો એ દેશભરમાં ગેરકાયદે પ્રવૃત્તિ, તેની જાહેરાત કરવાથી દંડ લાગી શકે છે, મંત્રાલયે ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ અને ટીવી ચેનલ્સને યાદ અપાવ્યું
સટ્ટાબાજીની જાહેરાતોથી ભારતીયોને નિશાન બનાવવાથી બચો, મંત્રાલયે ઓનલાઈન સટ્ટાબાજી ઇન્ટરમીડિયારિઝને આપી સલાહ
ઉપભોક્તાઓ, ખાસ કરીને યુવાનો અને બાળકો માટે નોંધપાત્ર નાણાંકીય અને સામાજિક-આર્થિક જોખમને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે બે એડવાઇઝરી જારી કરી છે, એક ખાનગી ટેલિવિઝન ચેનલો માટે અને બીજી ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ માટે, તેમને કડક સલાહ આપી છે કે તેઓ ઓનલાઇન સટ્ટાબાજીની સાઇટ્સની જાહેરાતો અને આવી સાઇટ્સની સરોગેટ જાહેરાતો બતાવવાથી દૂર રહે. મંત્રાલયે અગાઉ 13 જૂન, 2022ના રોજ એક એડવાઇઝરી જારી કરી હતી, જેમાં અખબારો, ખાનગી ટીવી ચેનલો અને ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સને ઓનલાઇન સટ્ટાબાજી પ્લેટફોર્મ્સની જાહેરાતો પ્રકાશિત કરવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી.
સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે ટેલિવિઝન પર તેમજ ઓટીટી પ્લેટફોર્મ્સ પર કેટલીક સ્પોર્ટ્સ ચેનલો તાજેતરમાં વિદેશી ઓનલાઇન સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ તેમજ તેમની સરોગેટ ન્યૂઝ વેબસાઇટ્સની જાહેરાતો બતાવી રહી છે. આ એડવાઇઝરીની સાથે પુરાવા પણ આપવામાં આવ્યા હતા જેમાં ફેરપ્લે, પરિમેચ, બેટ્વે, વુલ્ફ 777 અને 1xBet જેવાં ઓફશોર સટ્ટાબાજીનાં પ્લેટફોર્મ્સની સીધી અને સરોગેટ જાહેરાતોનો સમાવેશ થતો હતો.
આ એડવાઇઝરીમાં મંત્રાલયે માહિતી આપી છે કે ઓનલાઇન ઓફશોર સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ હવે ડિજિટલ મીડિયા પર સટ્ટાબાજીનાં પ્લેટફોર્મ્સની જાહેરાત કરવા માટે ન્યૂઝ વેબસાઇટ્સનો સરોગેટ પ્રોડક્ટ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે. આવા કિસ્સાઓમાં, મંત્રાલયને જાણવા મળ્યું છે કે સરોગેટ ન્યૂઝ વેબસાઇટ્સના લોગો સટ્ટાબાજીનાં પ્લેટફોર્મ્સ સાથે નોંધપાત્ર સામ્યતા ધરાવે છે. વળી, મંત્રાલયે કહ્યું છે કે આ સટ્ટાબાજીનાં પ્લેટફોર્મ્સ કે આ ન્યૂઝ વેબસાઈટ્સ ભારતમાં કોઈ પણ કાયદાકીય સત્તા હેઠળ રજિસ્ટર્ડ નથી. આવી વેબસાઇટ્સ સરોગેટ જાહેરાત તરીકે સમાચારની આડમાં સટ્ટાબાજી અને જુગારને પ્રોત્સાહન આપી રહી છે.
મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં સટ્ટાબાજી અને જુગાર ગેરકાયદેસર હોવાથી સટ્ટાબાજીનાં આ પ્લેટફોર્મ્સ તેમજ તેમના સરોગેટ્સની જાહેરાતો પણ ગેરકાયદે છે. આ એડવાઇઝરીઝ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019, કૅબલ ટીવી નેટવર્ક રેગ્યુલેશન એક્ટ 1995 અને આઇટી નિયમો, 2021ની જોગવાઈઓ પર આધારિત છે. મંત્રાલયે જણાવ્યું છે કે આ પ્રકારની જાહેરાતો વિવિધ સંબંધિત કાયદાઓ સાથે સુસંગત નથી અને તેણે ટીવી ચેનલો તેમજ ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સને આવાં સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ અથવા તેની સરોગેટ ન્યૂઝ વેબસાઇટ્સનાં પ્રસારણ સામે કડક સલાહ આપી છે, ટીવી ચેનલોને યાદ અપાવ્યું છે કે તેનું ઉલ્લંઘન દંડનીય કાર્યવાહી નોંતરી શકે છે. મંત્રાલયે ઓનલાઇન જાહેરાત મધ્યગો (ઇન્ટરમીડિયારીઝ)ને પણ સલાહ આપી છે કે તેઓ આવી જાહેરાતોને ભારતીય પ્રેક્ષકો તરફ લક્ષ્યમાં ન રાખે.
મંત્રાલયે ઉલ્લેખ કર્યો છે કે સટ્ટાબાજી અને જુગાર ગ્રાહકો, ખાસ કરીને યુવાનો અને બાળકો માટે નોંધપાત્ર નાણાંકીય અને સામાજિક-આર્થિક જોખમ ધરાવે છે. તદનુસાર, જાહેરાતો દ્વારા ઓફલાઇન અથવા ઓનલાઇન સટ્ટા / જુગારને પ્રોત્સાહન આપવાની સલાહ વ્યાપક જાહેર હિતમાં આપવામાં આવતી નથી.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે બંને એડવાઇઝરીઝ જારી કરવાના મુદ્દે ગ્રાહક બાબતોના વિભાગ સાથે ગાઢ સંકલનમાં કામ કર્યું હતું.
નીચે આપેલી લિંક પર બે એડવાઇઝરીઝ વાંચો:
- ટીવી ચેનલો માટે સલાહ: https://mib.gov.in/sites/default/files/Advisory%20to%20Private%20Satellite%20TV%20Channels%2003.10.2022.pdf
- ડિજિટલ મીડિયાને સલાહ: https://mib.gov.in/sites/default/files/Advisory%20to%20Digital%20News%20Publishers%20and%20OTT%20Platforms%2003.10.2022%20%281%29.pdf
આ પણ વાંચો:FD પર મળશે વધુ વળતર, RBIના આ પગલા બાદ બેંકો વ્યાજદર વધારશે
Share your comments