ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી બે ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. તંત્ર દ્વારા એવા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ખુબ આકરા જણાઈ રહ્યા છે
સિઝનનો 34.60 % વરસાદ વરસ્યો
ચાલુ વર્ષે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 34.60 % વરસાદ વરસ્યો છે. 28 જિલ્લાના 122 તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. રાજ્યમાં 24 કલાક દરમિયાન સવાથી અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે વરસાદનું જોર ઘટ્યું છે. 24 કલાકમાં ડોલવણ અને બારડોલીમાં 29 મિમી વરસાદ, સાપુતારામાં 1 ઇંચ, આહવામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 30 જુલાઇ સુધી ભારેથી અતિ ભારેની વરસાદીની આગાહી છે.
હવામાન વિભાગ દ્વારા 30મી જુલાઇ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે
રાજ્યભરમાં વરસાદી માહોલમાં મંગળવારે દિવસ દરમિયાન વરસાદે વિરામ લીધા બાદ રાત્રે હળવો વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન કાળાંડિબાંગ વાદળો વચ્ચે પણ વરસાદ વરસ્યો ન હતો પરંતુ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગ દ્વારા 30મી જુલાઇ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવા સૂચના આપી
આગાહીની વિસ્તૃતમાં વાત કરીએ તો, આહવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 30 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને દૂર જતા રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે કે, હજુ પણ ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. 30 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં વરસાદી વહન સક્રિય થશે જેની અસર મધ્યપ્રદેશમાં દેખાશે બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. જો મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થશે તો તેની અસર ગુજરાતમાં દેખાશે. ભારે વરસાદના કારણે નર્મદા નદીની જળ સપાટી ઉપર આવી શકે છે જેના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે. નર્મદા નદીનું જળ સ્તર ઉપર આવશે તો દક્ષિણ ગુજરાતમાં પણ તાપી નદીનું જળસ્તર વધશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં 5થી 8 ઓગસ્ટ સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
Share your comments