ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશની વિશેષ કારોબારી બેઠક યોજાઇ, જેમાં આઠમીના રાષ્ટ્રવ્યાપી ધરણાના એલાન અંતર્ગત ગુજરાતના 33 જિલ્લાઓમાં કઇ રીતે આગળ વધવું તે અંગે રણનીતિ ઘડાઇ.
પોષણક્ષમ ભાવ આપવાની માગણી
ખેડૂતોને લાગત ખર્ચ ઉપર પંદર ટકા નફા સાથે પોષણક્ષમ ભાવ આપવાની માગણી સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા આગામી તા.8મી સપ્ટેમ્બરે દેશભરમાં ધરણાના કાર્યક્રમનું એલાન અપાયું હોઇ, ગુજરાતના 33 જિલ્લાઓમાં પણ ભારતીય કિસાન સંઘના ખેડૂત પ્રતિનિધિઓના નેતૃત્વ હેઠળ જગતા’ત દ્વારા રાજ્યવ્યાપી ધરણા, આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમો યોજાશે, તેવો નિર્દેષ કિસાન સંઘના ગુજરાતના પ્રદેશ પ્રમુખ વિઠ્ઠલભાઇ દુધાત્રાએ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગાંધીનર ખાતે યોજાયેલી ગુજરાત પ્રદેશની વિશેષ કારોબારી બેઠકમાં ઉપરોક્ત કાર્યક્રમ અંગે ખાસ રણનીતિ ઘડવા અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી.
ભારતીય કિસાન સંઘના ગુજરાતના પ્રદેશ પ્રમુખ વિઠ્ઠલભાઇ દુધાત્રા
ભારતીય કિસાન સંઘના ગુજરાતના પ્રદેશ પ્રમુખ વિઠ્ઠલભાઇ દુધાત્રાએ જણાવ્યું હતું કે, ‘‘ખેડૂતોને માત્ર એમએસપી જ નહીં પરંતુ તેથી પણ આગળ લાગત પર પંદર ટકા ખર્ચ ગણી તે મુજબ પોષણક્ષમ ભાવો મળે તેવી માગણી સાથે આગામી તા.8મી સપ્ટેમ્બરે દેશભરમાં ધરણા – આવેદનપત્રો પાઠવવાના કાર્યક્રમનું રાષ્ટ્રવ્યાપી એલાન અપાયું છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ 33 જિલ્લાઓમાં કોવિડ ગાઇડલાઇનને અનુસરીને વિવિધ પ્લેટફોર્મ પર કાર્યક્રમો યોજાશે. છેલ્લા દોઢ વર્ષથી કિસાન સંઘના પ્રદેશ કક્ષાની બેઠક નહોંતી યોજાઇ, દરમિયાન તાજેતરમાં પ્રદેશની વિશેષ કારોબારી યોજાઇ હતી તેમાં પણ ઉપરોક્ત રાષ્ટ્રવ્યાપી ધરણાના કાર્યક્રમ સહિતના અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં અંદાજિત રાજ્યભરના એકસોથી પણ વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર ખાતે યોજાયી કારોબારી બેઠક
ગાંધીનગર ખાતે યોજાયેલી કારોબારીમાં ગુજરાતમાં ચાલી રહેલા સદસ્યતા અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા અને ગ્રામ તાલુકા અને જિલ્લા સમિતી પુર્નગઠન પ્રક્રિયા તા.30મી સપ્ટેમ્બર સુધી પુર્ણ કરવા યોજના બનાવવામાં આવી હતી. એમએસપીથી આગળ પોષણક્ષમ ભાવોના કાનૂની પ્રાવધાન મુદ્દે આગામી તા.8મી સપ્ટેમ્બરે તમામ જિલ્લાઓમાં યોજાનારા સાંકેતિક ધરણાં અને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમોની યોજના બનાવવામાં આવી હતી. રાષ્ટ્રીય આવેદનપત્રની સાથે તમામ જિલ્લામાંથી સ્થાનિક પ્રશ્નોને જોડીને મોટી સંખ્યામાં કાર્યક્રમની યોજના બનાવવામાં આવી હતી. સંભિવત ત્રીજી લહેર પહેલા સો ટકા રસીકરણ સહિતની પુર્વ અને પુર્ણ તૈયારી માટે રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી ગજેન્દ્રજીએ માર્ગદર્શન આપ્યું હતું.
ખેડૂત પ્રતિનિધિઓની મુખ્ય રજૂઆતો
કારોબારી બેઠકમાં ખેડૂત પ્રતિનિધિઓની મુખ્ય રજૂઆતો અંતર્ગત રાજ્યભરમાં રી- સર્વે અંતર્ગત થયેલી ફરિયાદો, ચુકવવાપાત્ર પાકવીમો, વીમા કંપનીઓ દ્વારા વળતર ચૂકવવામાં અક્ષમ્ય વિલંબ, સિંચાઇથી વંચિત વિસ્તારોમાં તળાવો ભરવાની યુદ્ધના ધોરણે કામગીરી, કેનાલોની નબળી કામગીરી, એરંડા સહિતના તમામ પાકના ભાવો નક્કી કરીને તે જ ભાવે તમામ માલ ખરીદવાની ગેરેંટી, મીટર પદ્ધતિમાં ફીક્સ ચાર્જ નાબુદી, કચ્છનું નર્મદા નેટવર્ક તત્કાલ પુર્ણ કરવું, જી.એસ.ટી. નાબુદી, ડીઝલ પેટ્રોલમાં અસહ્ય ભાવ વધારો, આઈ-કિસાન પોર્ટલ યોજનાઓની કાર્ય પદ્ધતિ સામે અસંતોષ, કલ્પસર યોજના તેમજ નવીન આવનારી જુના વાહનોની સ્ક્રેપ પોલિસીનો પ્રાથમિક વિરોધ કરવા જેવા અનેક મુદ્દાઓનો પડધો પડ્યો હતો. ખેડૂતોમાં આક્રોષની લાગણી અંગે મંતવ્યો રજૂ થયા હતા.
કિસાન સંઘની પ્રેસનોટ
કિસાન સંઘની પ્રેસનોટ અનુસાર ‘‘કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ વિઠ્ઠલભાઇ દુધાત્રા દ્વારા સરકાર દ્વારા ખેતી પાકોને બચાવી લેવા સિંચાઇના પાણી આપવાના નિર્ણયને તેમજ દસ કલાક વીજળી સતત આપવા જેવા મુદ્દાઓને આવકારી અન્ય પ્રશ્નો અંગે પણ મહેસુલ, કૃષિ તેમજ ઉર્જા મંત્રીઓ સાથે થયેલી બેઠકોની માહિતી આપી સરકારને બાકીના પ્રશ્નો અગ્રતાથી ગંભીરતા લઇને ઉકેલવા લેખિતમાં તાકિદ કરાશે તેવું જણાવ્યું હતું.’’
કિસાન સંઘની લેખિત યાદી
કિસાન સંઘની લેખિત યાદીમાં વધુમાં જણાવાયું હતું કે, ગત તા.8 અને 9 ઓગસ્ટના રોજ હરિયાણા ખાતે મળેલી રાષ્ટ્રીય પ્રબંધ સમિતીની બેઠકમાં નક્કી થયા અનુસાર વડાપ્રધાન અને કૃષિમંત્રીને પત્ર પાઠવીને તાકિદ કરવામાં આવી છે. જો તા.31મી ઓગસ્ટ સુધી કોઇ જવાબ નહીં આવે તો દેશવ્યાપી આંદોલનનો પ્રારંભ થશે. મુખ્યત્વે ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ નહીં, પડતર ભાવોના આધાર પર લાભકારી ભાવ આપવા જોઇએ, તેમજ જાહેર થયેલા ભાવો પછી થયેલી મોંઘવારીને ધ્યાને લઇને વધારાનો ભાવ પણ આપવો અને જાહેર થયેલા ભાવથી જ કિસાનોના પાકનું વેચાણ પણ થાય, એ ભલે માર્કેટમાં થાય, બહાર થાય કે પછી સરકાર ખરીદે પરંતુ જાહેર થયેલા ભાવોથી ઓછી કિંમતે થતા વેચાણને ગુનાહીત કૃત્ય માનવામાં આવે. આ પ્રકારની પ્રમુખ માગ સાથે હવે રાષ્ટ્રીય કક્ષાએ સતત સંઘર્ષની શરૂઆત થશે.
કારોબારી બેઠકના સમાપનમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અંબુભાઇ પટેલે આગામી સંઘર્ષમાં વધુ સંખ્યામાં યુવાનોને જોડીને સંગઠનને મજબૂત બનાવી ગ્રામ્ય સમિતીથી પ્રદેશ સુધીના માળખાને સતત સક્રિય બની જિવંત રાખવા પણ અનુરોધ કર્યો હતો. બેઠકમાં 27 જિલ્લાના 127 જેટલા પ્રમુખ પદાધિકારીઓએ હાજરી આપી હતી, બેઠકનું સફળ સંચાલન પ્રદેશ મહામંત્રી બાબુભાઇ પટેલે કર્યું હતું.
Share your comments