કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી બોર્ડર ખાતે ખેડૂતોનું આંદોલન જારી છે ત્યારે સંયુક્ત કિસાન મોર્ચા (દિલ્હી) દ્વારા 27મી સપ્ટે.એ સોમવારે ભારત બંધનું એલાન અપાયું હતું, જે સંદર્ભે ગુજરાતમાં પણ ખેડૂતો દ્વારા આ એલાન અંતર્ગત વિશેષ સમર્થન અપાયું હતું.
દિલ્હી સહિતના રાજ્યોમાં તો બંધની વ્યાપક અસર જોવા મળી જ હતી, દરમિયાન ગુજરાતના રાજકોટ, સુરેન્દ્રનગર, સુરત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત ઠેર ઠેર બંધની વધતા ઓછા પ્રમાણમાં અસર જોવા મળી હતી. કેટલાક સ્થળોએ બંધના એલાન સંદર્ભે ખેડૂત આગેવાનો સામે પોલીસ તંત્ર દ્વારા પગલા લેવામાં આવ્યા હોવાની પણ વિગતો સાંપડી રહી છે. ઉલ્લેખનીય છે કે, બંધ એલાન અંતર્ગત દેશભરમાં દેખાયેલા ખેડૂત પાવર વચ્ચે રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કૃષિ મંત્રીના વાતચીત દ્વારા રસ્તો કાઢવાના નિવેદન મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. ટીકૈતે તેવું પણ કહ્યું હતું કે, જો સરકાર કાયદામાં દસ વર્ષ સુધી સુધારો નહીં કરે, તો આ આંદોલન દસ વર્ષ સુધી પણ ચાલુ રહેશે, ખેડૂતો પાછા નહીં પડે.
ગુજરાતમાં બંધને લઇને ઠેર ઠેર વિશેષ અસર જોવા મળી હતી. સુરત ખાતેથી ખેડૂત નેતા નરેશ વિરાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ બંધના એલાન અંતર્ગત કામરેજ બોમ્બે હાઇવે બંધ કરાવાયો હતો. ખેડૂત આગેવાનો સંજય રાદડિયા, નીતીન ઘેલાણી, ચેતન કોસમાડા, આનંદભાઇ સહિત પંદર ખેડૂત નેતાઓ સામે પોલીસ દ્વારા પગલા લેવામાં આવ્યા હતા.
ખેડૂત સમાજના દક્ષિણ ગુજરાતના પ્રમુખ રમેશભાઇ પટેલ (ઓરમા)એ માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘‘ સુરત જિલ્લામાં ઠેર ઠેર ખેડૂતો દ્વારા દેખાવો યોજાયા હતા. ખેડૂત નેતાઓની સતત મહેનત અને ખેડૂતોમાં આંદોલન સંલગ્ન જાગેલી જાગૃતતાને કારણે ગામડે ગામડે ખેડૂતો દ્વારા વિશેષ પ્રતિસાદ સાંપડ્યો હતો. ખાસ કરીને મોટા કાર્યક્રમોની વાત કરીએ તો, કડોદરા ચાર રસ્તા, પલસાણા, નવસારી, ભરૂચ અને ઓલપાડ સહિતના સ્થળોએ ખેડૂતો દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા. સરકારના વલણનો વિરોધ થયો હતો. અલગ અલગ કિસ્સાઓમાં બસ્સોથી વધુ લોકો સામે પગલા લેવાયા હતા. કેટલાક ખેડૂત નેતાઓ સામે વહેલી સવારથી જ અથવા આગલી રાત્રીથી જ નજરકેદ રાખવા સહિતના પગલા લેવાયા હતા. ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટી, અને કોંગ્રેસ પક્ષના આગેવાનો પણ જોડાયા હતા. એકંદર સુરત પંથકમાં વિશેષ પ્રતિસાદ સાંપડ્યો હતો. ખેડૂત નેતાઓ દર્શનભાઇ નાયક, જયેન્દ્રભાઇ દેસાઇ, કેતનભાઇ દેસાઇ, હેમલભાઇ, યોગેન્દ્રભાઇ પટેલ, મનુભાઇ પટેલ, પ્રદીપભાઇ પટેલ, સબ્બીરભાઇ મલ્લેક, ભરતભાઇ પટેલ, ભરતભાઇ દેસાઇ સહિત અનેક આગેવાનોએ ભારત બંધને અસરકારક બનાવવામાં વિશેષ જહેમત ઉઠાવી હતી.’’
કિસાન સભા ગુજરાતના ખેડૂત આગેવાન ડાયાભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે, ‘‘આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે હળવા વરસાદ વચ્ચે સોથી વધુ સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા, અને સરકાર સામે આક્રોષ દેખાઇ આવે તે રીતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અમે કાર્યક્રમ માટે મંજૂરી માગી હતી, પરંતુ મંજૂરી આપવામાં આવી ન હતી. કાર્યક્રમમાં કેટલાક મજદૂર લોકો પણ ખેડૂતોના સમર્થનમાં જોડાયા હતા.’’
સુરેન્દ્રનગર જિલ્લાના અગ્રણી ખેડૂત નેતા રામકુભાઇ કરપડાની યાદી મુજબ ‘‘સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી ભારત બંધના રાષ્ટ્રીય આંદોલનને વિશેષ સમર્થન આપ્યું હતું. ગામડાઓમાં વેપારીઓએ ખાસ પોતાના ધંધા – રોજગાર બંધ રાખ્યા હતા. મુળી તાલુકાના મોટાભાગના ગામડાઓમાં બંધ અસરકારક રહ્યું હતું. ખેડૂત આગેવાનોની અપિલને વેપારીઓએ માન્ય રીખીને આંદોલનને સમર્થન આપ્યું હતું.’’
Share your comments