ખેડૂતોનો અવાજ બની ખેડૂતોની રાષ્ટ્રીય લડાઇને સમર્થન આપવા ખેડૂત સાયકલ ચલાવી 27 દિવસમાં 1,350 કિલોમીટરનું અંતર કાપી દિલ્હી પહોંચશે, જ્યાં મહામહીમ રાષ્ટ્રપતિને લેખિત રજૂઆત કરી ખેડૂતોને ન્યાય આપો તેવી માગણી કરાશે
દેશભરમાં ખેડૂતો નવા ત્રણે’ય કૃષિ કાયદાને ખેડૂતો માટે ડેથવોરંટ સમાન કાળા કાયદા ગણાવી રહ્યા છે, તેમજ ઝડપથી કાયદા રદ કરો તેમજ એમએસપી કાયદો બનાવોની માગણી સાથે દેશની રાજધાની દિલ્હીની ફરતે બોર્ડરો પર છેલ્લા નવેક મહિનાથી દેશભરના ખેડૂતોનું રાષ્ટ્રીય કક્ષાનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના હરેશભાઇ પુજારા નામના ખેડૂતે ખેડૂતોની માગણીઓને લઇને ચોટીલાથી છેક દિલ્હી સુધી અંદાજે 1,350 કિલોમીટરની સાયકલયાત્રા શરૂ કરી હોઇ, આગામી તા.29મી સપ્ટેમ્બરના રોજ દિલ્હી પહોંચી રાષ્ટ્રપતિને લેખિત રજૂઆત કરવામાં આવશે તેમ જણાવાયું હતું.
આ અંગે ઉત્તર ગુજરાતના ખેડૂત અગ્રણી વી.કે.કાગની યાદીમાં જણાવાયું હતું કે, ‘‘ રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના સાંતલપુર તાલુકાના પ્રમુખ એવા હરેશભાઇ પુજારા ચોટીલાથી દિલ્હી સુધીની સાયકલયાત્રા ૨૭ દિવસમાં પુર્ણ કરશે.
ભારત સરકાર દ્વારા ખેડૂતોને કંપનીના ગુલામ બનાવવા માટે ચોક્કસ આયોજન સાથે ઉધોગપતિઓ માટે લાલ જાજમ પાથરવામાં આવી રહી હોય તે રીતે ખેડૂતોની સંમતિ વગર જ ત્રણ કૃષિ કાયદાને પસાર કરી દેવામાં આવ્યા છે. જે બાબતનો વિરોધ સમગ્ર દેશના ખેડૂતો દ્વારા થઇ રહ્યો છે. છેલ્લા નવ મહિનાથી ખેડૂતો દ્વારા દિલ્હી ખાતે હાઇવે રસ્તાઓ પર બેસી આંદોલન થઇ રહ્યું છે. તેમ છતાં જાણે સરકારના પેટનું પાણી હલતું નથી ! સરકાર દ્વારા પોલીસને આગળ કરી શાંતિ પૂર્ણ રીતે ચાલતા આંદોલન તોડવાની વારંવાર કોશિષ કરવામાં આવી રહી છે.’’
ખેડૂત નેતા વી.કે. કાગની યાદી મુજબ ‘‘ રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાતના પ્રદેશ મહીલા પ્રમુખ મંગુબેન રાજપુત જણાવે છે કે, ખેડૂતો વધુને વધુ મોધવારીના ખપ્પરમાં હોમાતા જાય છે અને વધુને વધુ દેવાદાર તેમજ પાયમાલ બની રહ્યા છે. બીજી તરફ સરકાર ઉધોગપતિઓના અરબો, ખરબો રૂપિયા માફ કરી રહી છે ! તેથી જ અમારા રાષ્ટ્રીય કિસાન સંગઠન, સાંતલપુરના તાલુકા પ્રમુખ હરેશભાઇ પુજારા ખેડૂતોનો અવાજ બની ખેડૂતોની રાષ્ટ્રીય લડાઇને સમર્થન આપવા માટે ચોટીલાથી લઇ દિલ્હી સુધીની સાયકલયાત્રા શરૂ કરી છે. ખેડૂત હરેશભાઇ સાયકલયાત્રા થકી દિલ્હી પહોંચી માનનીય મહામહીમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદજીને આવેદનપત્ર પાઠવશે. ચોટીલાથી ગુરૂવારે બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં ખેડૂતની સાયકલયાત્રાનો પ્રારંભ થયો હતો.’’
સાયકલયાત્રિક ખેડૂત હરેશભાઇ પુજારાનું મુળી ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયુ
દેશભરના ખેડૂતો દ્વારા સરકારના વલણનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે ગુજરાતના ખેડૂત હરેશભાઇ પુજારાએ ચોટીલાથી દિલ્હી સુધીની 27 દિવસની સાયકલયાત્રાનો પ્રારંભ કરતા જાણે સૌરાષ્ટ્ર – ગુજરાતના ખેડૂતોમાં સરકાર સામેની લડતને લઇને જાણે નવા જ ઉત્સાહનો સંચાર થયો હોય તેવો માહોલ છવાઇ ગયો હતો. હરેશભાઇ પુજારાએ 12.39 કલાકે કે જે સમયને વિજય મુહૂર્ત માનવામાં આવે છે તે સમયે જ સાયકલયાત્રાની શરૂઆત કરી હતી. ખેડૂત અગ્રણીઓએ લીલી ઝંડી ફરકાવી હરખભેર ખેડૂતનો ઉત્સાહ વધાર્યો હતો. ઝાલાવાડના ખેડૂત નેતા રામકુભાઇ કરપડાની યાદીમાં જણાવ્યા મુજબ ‘‘ સાયકલયાત્રાનો પ્રારંભ થયા બાદ હરેશભાઈ પુજારા ગુરૂવારે સાંજે મુળી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તાલુકા કોંગ્રેસ સમિતી પ્રમુખ પ્રદ્યુમ્નસિંહ પરમાર અને મુળી તાલુકા કિસાન કોંગ્રેસ પ્રમુખ સહદેવસિંહ પરમાર તેમજ ખેડૂતો, કાર્યકરો દ્વારા તેઓનું ફૂલહાર અને શાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓના રાત્રી રોકાણ અંતર્ગત પ્રદ્યુમ્નસિંહ પરમાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. સાયકલયાત્રાનું પ્રસ્થાન ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના કિસાન કોંગ્રેસના ઉપપ્રમુખ નવીનભાઈ પુજારા દ્વારા કરાવવામાં આવ્યું હતું. દરમિયાન શુક્રવારે ખેડૂતની સાયકલયાત્રા સુરેન્દ્રનગર ખાતે પહોંચશે.’’
ઉલ્લેખનીય છે કે, ખેડૂતની સાયકલયાત્રાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જબરો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ અંગે જય કિસાન – જય જગતાતના મથાળા સાથે તૈયાર થયેલા પોસ્ટરમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, હરેશભાઇ પુજારા અગાઉ પ્રથમ યાત્રા વિરપુરથી લઇ ગાંધીનગર સુધી પદયાત્રા કરી ચુક્યા છે, દરમિયાન આ સાયકલયાત્રા એ તેઓની બીજી યાત્રા છે.
Share your comments