Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સુરત તિરંગા યાત્રામાં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ

થોડા દિવસો પછી, દેશને તેની આઝાદીનાં 75 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે, અને આપણે બધા આ ઐતિહાસિક સ્વતંત્રતા દિવસ માટે પૂરજોશથી તૈયારી પણ કરી રહ્યા છીએ. હિંદુસ્તાનના દરેક ખૂણે તિરંગો જ તિરંગો છવાયેલો છે. ગુજરાતનો પણ કોઈ ખૂણો એવો નથી કે જે ઉત્સાહ-ઉમંગથી ભરેલો ન હોય. અને સુરતે તો તેમાં ચાર ચાંદ લગાવી દીધા છે. આજે સમગ્ર દેશનું ધ્યાન સુરત પર છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
surat tiranaga yatra
surat tiranaga yatra

સુરતની તિરંગા યાત્રા એક રીતે લઘુ ભારતની ઝાંખી કરાવી રહી છે અથવા તો ભારતનો ભાગ્યે જ કોઇ ખૂણો એવો ન હોય જેના લોકો સુરતમાં સ્થાયી ન થયા હોય અને આજે એક રીતે જોઇએ તો સુરતની ધરતી પર તિરંગા યાત્રામાં આખું ભારત સામેલ થયું છે. અને સમાજનો દરેક વર્ગ સામેલ છે તે પણ આનંદની વાત છે. આજે આપણે સુરતમાં જોઈ રહ્યા છીએ કે તિરંગામાં જોડવાની કેટલી તાકાત છે. સુરતે તેના વેપાર-ધંધા, તેના ઉદ્યોગોને કારણે વિશ્વમાં એક અલગ ઓળખ બનાવી છે. આજે સુરતમાં થઈ રહેલી તિરંગા યાત્રા સમગ્ર વિશ્વમાં પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.

સાથીઓ,

તિરંગા યાત્રામાં તમે ભારત માતાની ઝલક સાથે દેશની સંસ્કૃતિ અને ઓળખને લગતા ટેબ્લોનો પણ સમાવેશ કર્યો છે. ખાસ કરીને દીકરીઓ દ્વારા શૌર્ય પ્રદર્શન અને યુવાનોની જે ભાગીદારી છે એ ખરેખર અદ્દભુત છે. સુરતની જનતાએ તિરંગા યાત્રામાં આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની ભાવનાને જીવંત કરી દીધી છે. કોઈ કાપડ વેચનારો છે, દુકાનદાર છે, કોઈ લૂમ્સનો કારીગર છે, કોઈ સિલાઈ કે ભરતકામનો કારીગર છે, કોઈ ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલો છે, કોઈ હીરા-ઝવેરાત સાથે સંકળાયેલો છે. સુરતના સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગ, સુરતની જનતાએ આ કાર્યક્રમને ખૂબ જ ભવ્ય બનાવ્યો છે. હું આપ સૌને હર ઘર તિરંગા અભિયાનની આ જનભાગીદારી માટે અને આ વિશેષ તિરંગા યાત્રા માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. હું ખાસ કરીને સાંવર પ્રસાદ બુધિયાજી અને 'સાકેત- સેવા હી લક્ષ્ય' ગ્રુપ સાથે જોડાયેલા તમામ સ્વયંસેવકોની પ્રશંસા કરું છું, જેમણે આ પહેલ શરૂ કરી હતી. સંસદમાં મારા સાથી સી. આર. પાટીલજીનો સહકાર આ પહેલને વધુ મજબૂત બનાવી રહ્યો છે.

સાથીઓ,

આપણો રાષ્ટ્રધ્વજ પોતે જ દેશના ટેક્સટાઇલ ઉદ્યોગ, દેશની ખાદી અને આપણી આત્મનિર્ભરતાનું પ્રતીક રહ્યો છે. આ ક્ષેત્રમાં સુરતે હંમેશા આત્મનિર્ભર ભારત માટે આધાર તૈયાર કર્યો છે. સુરતનો કાપડ ઉદ્યોગ ભારતની ઉદ્યોગ ભાવનાનું, ભારતની કુશળતા અને ભારતની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. એટલા માટે આ તિરંગા યાત્રા પોતાનામાં એ ગૌરવ અને પ્રેરણાને પણ વણી લે છે.

સાથીઓ,

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં ગુજરાતે ગૌરવશાળી યોગદાનનો પોતાનો એક અલગ જ સુવર્ણ અધ્યાય લખ્યો છે. ગુજરાતે બાપુનાં રૂપમાં આઝાદીની લડતને નેતૃત્વ આપ્યું. ગુજરાતે લોખંડી પુરુષ સરદાર પટેલજી જેવા નાયકો આપ્યા, જેમણે આઝાદી પછી એક ભારત-શ્રેષ્ઠ ભારતનો પાયો નાખ્યો. બારડોલી સત્યાગ્રહ અને દાંડી યાત્રાથી નીકળેલા સંદેશાએ સમગ્ર દેશને એક કર્યો હતો. ગુજરાતના આ ગૌરવશાળી ભૂતકાળનું અભિન્ન અંગ આપણું સુરત અને તેનો વારસો છે.

સાથીઓ,

ભારતના તિરંગામાં માત્ર ત્રણ રંગો જ નથી હોતા. આપણો ત્રિરંગો આપણા અતીતનાં ગૌરવનું, આપણા વર્તમાનની કર્તવ્યનિષ્ઠતાનું અને ભવિષ્યનાં સ્વપ્નોનું પ્રપણ એક પ્રતિબિંબ છે. આપણો તિરંગો ભારતની એકતા, ભારતની અખંડિતતા અને ભારતની વિવિધતાનું પણ એક પ્રતીક છે. આપણા સેનાનીઓએ ત્રિરંગામાં દેશનું ભવિષ્ય જોયું, દેશનાં સપનાં જોયાં, અને તેને ક્યારેય ઝૂકવા ન દીધો. આજે આઝાદીનાં 75 વર્ષ પછી જ્યારે આપણે નવા ભારતની યાત્રાનો પ્રારંભ કરી રહ્યા છીએ તો તિરંગો ફરી એકવાર ભારતની એકતા અને ચેતનાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. મને ખુશી છે કે, દેશભરમાં થઈ રહેલી તિરંગા યાત્રાઓમાં, હર ઘર તિરંગા અભિયાનમાં દેશની તે શક્તિ અને ભક્તિ એક સાથે પ્રતિબિંબિત થઈ રહી છે. 13 ઑગસ્ટથી 15 ઑગસ્ટ વચ્ચે ભારતનાં દરેક ઘરમાં તિરંગો હશે, ભારતનાં દરેક ઘરમાં તિરંગો લહેરાશે. સમાજના દરેક વર્ગ, દરેક જાતિ, સંપ્રદાયના લોકો આપોઆપ એક એવા ભાવની સાથે, એકતાની ઓળખ સાથે, નવાં સપનાં અને સંકલ્પો સાથે સમગ્ર દેશ જોડાઇ રહ્યો છે. આ ઓળખ છે- ભારતના કર્તવ્યનિષ્ઠ નાગરિકની. આ ઓળખ છે ભારતમાતાનાં સંતાનની. મહિલા-પુરુષો, યુવાનો, વૃદ્ધો, જેઓ આ ભૂમિકામાં રહેલાં છે, આ અભિયાનમાં પોતાનો સહયોગ આપી રહ્યાં છે, પોતાની ફરજ બજાવી રહ્યાં છે. મને સંતોષ છે કે, હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, તેનાં કારણે અનેક ગરીબ, વણકર, હાથવણાટના કામદારોને વધારાની આવક પણ થઈ રહી છે. આઝાદીના અમૃત મહોત્સવમાં આ પ્રકારનાં આયોજન આપણા સંકલ્પોને એક નવી ઊર્જા આપશે. જનભાગીદારીનાં આ અભિયાન નવા ભારતના પાયાને મજબૂત કરશે. આ જ વિશ્વાસની સાથે આપ સૌને, ગુજરાતને, સમગ્ર દેશને, અને ખાસ કરીને મારા સુરતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ, અને એક વાર સુરત નક્કી કરી લે પછી ક્યારેય પીછેહઠ નથી કરતું. આ સુરતની વિશેષતા છે, જે રીતે સુરત આગળ વધી રહ્યું છે, જે રીતે સુરત પ્રગતિની નવી ઊંચાઈઓને પાર કરી રહ્યું છે, તેનાં મૂળમાં મારા સુરતના લોકો છે, આ મારાં સુરતનાં ભાઈ-બહેનો છે, આજે તિરંગા યાત્રાનું આ અદ્ભુત દ્રશ્ય દેશ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.

આ પણ વાંચો:આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ 75મા વર્ષે ભારતભરમાં જનજાગૃતિ લાવવા તિરંગા પદયાત્રા રેલીનું કરાયું આયોજનઃ શ્રી દેવુસિંહ ચૌહાણ, કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી

 

Share your comments

Subscribe Magazine

More on News

More