ખેડૂતો સાવધાન- જમીન હકકનું રીસર્વે પ્રમોલગેશન ચકાસો.
ખેતીની જમીનો, ખેડૂતો, હકક પત્રકનોંધો, લેન્ડ રેવન્યુ રેકોર્ડ સહિતના દસ્તાવેજી કાગળોનું આધુનિક ટેકનોલોજી પ્રમાણે સ્કેનીંગ કરીને ઓનલાઈન રેકોર્ડ તૈયાર કરવાની કામગીરી ૨૦૧૬ માં કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન રહેલી ક્ષતિઓ સુધારવા માટે ખેડૂતોએ અરજી કરવાની મુદત ૩૦-૯-૨૦૨૧ સુધી વધારવામાં આવી છે.
રાજય સરકારના મહેસુલ વિભાગના તા. ૨-૬-૨૧ ના ઠરાવથી ૩૦-૯-૨૧ સુધીની મુદત વધારવામાં આવી છે અગાઉ ૩૧-૧૨-૧૯, ૩૧-૩-૨૦, ૩૧-૧૨-૨૦, ૩૧-૩-૨૧ એમ ચાર વાર સુધારા માટે મુદત વધારવામાં આવી હતી પરંતુ કોરોના મહામારી સબબ કાર્યવાહી થ ઈ શકેલ નથી તેથી ફરી ૩૦-૯-૨૧ સુધીની મુદત વધારવામાં આવી છે.
ખેતીની જમીનનું ફકત ડીઝીટલ સ્કેનીંગ કરવામાં આવેલ નથી રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા રીસર્વે પ્રમોલગેશન ઠરાવવામાં આવેલ છે તેથી ખેડૂતોએ સાવધાની પુર્વક ખેતીના રેકોર્ડ ચકાસી લેવા મહત્ત્વના બની રહેશે.
પુર્વે ૧૯૫૪/૫૫ અને ૧૯૮૫/૮૬ માં પ્રમોલગેશન કરવામાં આવેલ હતુ તે બાદ ફરી ૨૦૧૬/૧૭ માં પ્રમોલગેશન ઠરાવવામાં આવેલ છે.
પ્રમોલગેશન ખેતીનો વાસ્તવિક હકક દર્શાવે છે ખેતીના હકક, શ્રેત્રફળ, વારસાઇ, હકકપત્રકનોંધ, જુની શરત અથવા નવી શરત, શ્રી સરકાર, પડતર, જમીનના પ્રકાર, ખેતરના નામ, વગેરે સાક્ષીઓ પંચો સમક્ષ સ્થળ ઉપર સત્યની ખાત્રી કરી જાહેરમાં ઠરાવવામાં આવેલ પ્રાંત અને મહેસુલ અધિકારીની નોંધ અને રેકોર્ડ પ્રક્રિયાને પ્રમોલગેશન ગણવામાં આવે છે
પ્રમોલગેશન એ ખેડૂત, કબ્જેદાર, ભોગવટેદારના સાચા હકકનો સરકારી રેકોર્ડ છે, પ્રમોલગેશન સમયે જે નકકી થયેલ હોય તે માન્ય ગણવામાં આવે છે.
ડીઝીટલ રેકોર્ડ તૈયાર કરવાનું કામ ખાનગી એજન્સીઓના રોજમદાર લોકોને નાયબ મામલતદાર, મામલતદાર અને પ્રાંત અધિકારી ની જવાબદારી અને સુચનાઓ તથા દેખરેખ નીચે પ્રમોલગેશન કરવામાં આવેલ છે.
ડીઝીટલ રેકોર્ડ કરવાના રીસર્વે પ્રમોલગેશનમાં સર્વે નંબરોમાં ફેરફાર, શ્રેત્રફળના ફેરફાર, જમીનના પ્રકારમાં ફેરફાર, જમીનના વારસાઇમાં ફેરફારની ક્ષતિઓ થયેલ હોવાની ઘટનાઓ સામે આવતી હોવાથી મહેસુલ વિભાગ દ્વારા પાંચમીવાર સુધારા અરજીઓ આપવા ખેડૂતોને મુદત વધારી આપી છે.
સામાન્ય રીતે ખરીદ વેચાણ સમયે કે વારસાઇ નોંધ કરાવવા સિવાય ખેડૂતો રેવન્યુ રેકોર્ડ મેળવતા હોય છે, સરકાર દ્વારા વખતોવખત ઠરાવો કરીને, નવા અધિનિયમ લાગુ કરીને ઓનલાઇન પ્રસિદ્ધિ આપી અમલવારી કરે છે જેથી મોટાભાગના ખેડૂતોને સરકારી ઠરાવોની જાણકારી હોતી નથી.
મહેસુલ વિભાગ વારંવાર નવા નવા ઠરાવો કરીને ઓનલાઈન મુકીને અમલ કરે છે પરંતુ ખેતીને લગતા ઠરાવો પંચાયતો મારફત દરેક ખેડૂતોને અમલ કરવા સમયે આપવામાં આવતા નથી તેથી ખેડૂતોના હકક રેકોર્ડમાં થયેલા કોઇ ફેરફારો વિશે જાણકારી મળતી નથી તેમજ સરકાર દ્વારા નવા નિયમો, ઠરાવોની વિગતવાર જાણકારી આપતી નથી.
નવા રીસર્વે પ્રમોલગેશન ખેડૂતોની હાજરીમાં કે ગામના સાક્ષી પંચોની હાજરીમાં ગામે ગામેગામ ગ્રામસભા ભરીને સ્થળ ઉપર કરવામાં આવેલ નથી પણ તલાટીઓ મારફત ગામના રજીસ્ટરો અને રેકોર્ડ મંગાવીને સ્કેનીંગ કરી રેકોર્ડ પ્રમોલગેશન કરેલ છે એ દરમિયાન સંખ્યાબંધ પ્રકારની ગેરરીતિઓને ટેકનીકલ ક્ષતિઓ ગણાવીને સરકારે ખેડૂતોને સુધારા કરાવવા નવી નવી મુદતો વધારી આપી છે.
રીસર્વે પ્રમોલગેશન અને ડીઝીટલ રેકોર્ડ નાયબ મામતલતદાર, પ્રાંત અધિકારીઓએ ઠરાવેલ છે રીસર્વે માટે ખેડૂતોની કોઇ માંગણી નહોતી તેમજ ખેડૂતોની હાજરીમાં ખેડૂતોએ કરેલ નથી, જે ગેરરીતિઓ અને ક્ષતિઓ હોય તેના માટે તલાટી, સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર, મામલતદાર, પ્રાંત અધિકારીની જવાબદારી બને છે.
કોઇપણ નાગરીકના મિલ્કત કે હકક સંબંધિત રેકોર્ડ દસ્તાવેજ છે અને દસ્તાવેજી કાગળોમાં અનધિકૃત રીતે એકપક્ષીય ફેરફાર કરવો અથવા સુધારો કરવો, ચેકચાક કરવી, તે ફોજદારી ગુનો ગણાય છે, દસ્તાવેજી કાગળો અને રેકોર્ડમાં એક થી વધુ લોકો સામેલ હોય તો આઇપીસી ૧૧૪, ૪૬૫,૪૬૬,૪૬૭ મુજબ ફોજદારી ગુનો દાખલ કરી શકાય છે.
તલાટી, સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર, મામલતદાર, પ્રાંત અધિકારીઓ દ્વારા રીસર્વે પ્રમોલગેશન અને ડીઝીટલ રેકોર્ડ ખેડૂત અને પંચ સાક્ષીની ગેરહાજરીમાં કરવામાં આવેલ હોય તો તે સરકારી રાજય સેવકો સામે પણ ખેડૂતો દ્વારા ફોજદારી ગુનો દાખલ કરી શકાય છે, રાજયસેવકો કાયદાઓથી ઉપરવટ સતાઓ નથી તેઓએ પણ અમલમાં રહેલા બધા કાયદાઓનું પાલન કરવાની ફરજ છે, જો રાજયસેવક કાયદાઓનુ પાલન કરેલ ના હોય તો જે પ્રકારનો ગુનો બનતો હોય તે પ્રમાણે ફરીયાદ દાખલ કરી શકે છે.
કોમ્યુટરાઇઝ રેકોર્ડ ટાઈપિંગ અપડેટ અને રેકોર્ડના સ્કેનિંગની કામગીરી સમયે જેની જમીન હોય તે રૂબરુ હાજર ના હોય તો તે ગેરરીતીઓ કે ક્ષતિઓ માટે ફરજ ઉપરના અધિકારીઓ જવાબદાર છે.
કોઇપણ નાગરીકના સરકારી રેકોર્ડમાં હકક બાબતે અનધિકૃત ફેરફાર કરવા અથવા કબ્જા ભોગવટાની સંપતિમાં અનધિકૃત ફેરફાર કરવા તે ગંભીર ગુનો છે.
સાદી અરજીથી રીસર્વે પ્રમોલગેશનની ક્ષતિઓ સુધારવાની સરકારે પાંચમી વાર મુદત વધારી છે પરંતુ તે મુદત બાબત નવુ પ્રમોલગેશન અમલમાં આવી ગયા બાદ જે કોઇ ગેરરીતીઓ અને ક્ષતિઓ સુધારવાની જરુર પડશે તો ખેડૂતોએ રાજય ખેતી પંચ અને કોર્ટમાં જવાની ફરજ પડશે.
આથી ખેડૂતો માટે સાવધાનપણે પોતાના જુના પ્રમોલગેશન નોંધ, હકક પત્રક નોંધ, વારસાઇ નોંધ, ક્ષેત્રફળ, જુની નવી શરત, જમીનના પ્રકારની રેવન્યુ રેકોર્ડ પ્રમાણે ચકાસણી કરી લેવી અને કોઇ ક્ષતિ જોવા મળે અથવા ગેરરીતિ થયેલ જણાય તો મામલતદારને અરજી કરીને ગેરરીતીઓ અને ક્ષતિઓ સુધારી લેવાની રહેશે જો આપેલી મુદત પહેલા ખેડૂતો ક્ષતિ સુધારવાની અરજી આપેલ નહી હોય તો નવુ પ્રમોલગેશન ફાઇનલી અમલમાં આવશે તે પછી ખેડૂતોએ કોર્ટ અને કૃષિપંચમાં વર્ષો સુધી ધક્કા ખાવા પડશે.
Share your comments