મુદ્રા યોજનાએ ભારતના અર્થતંત્રને વેગ આપવાની સાથે-સાથે પાયાના સ્તરે ખૂબ જ વિશાળ સંખ્યામાં રોજગારીની તકોનું સર્જન કરવામાં મદદ કરી છે અને ગેમ ચેન્જર પણ સાબિત થઇ છે: નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ
PMMYએ દેશના સુક્ષ્મ કક્ષાના ઉદ્યોગસાહસોને વિના અવરોધે જામીનમુક્ત ધીરાણની સુલભતા સરળ કરી આપી છે: નાણાં રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કરાડ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 8 એપ્રિલ 2015ના રોજ પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)નો આરંભ કરવામાં આવ્યો હતો. બિન-કોર્પોરેટ, બિન-કૃષિ લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકોને આવકનું સર્જન કરવામાં મદદરૂપ થવા માટે ₹10 લાખ સુધીની સરળ જામીન-મુક્ત માઇક્રો ધીરાણની સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. PMMY હેઠળ આપવામાં આવતી લોન સભ્ય ધીરાણ સંસ્થાઓ (MLI), એટલે કે, બેંકો, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFC), માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ (MFI) અને અન્ય નાણાકીય મધ્યસ્થીઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે.
PMMYની સફળ 8મી વર્ષગાંઠ નિમિત્તે, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, "પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવેલી, આ યોજનાએ સૂક્ષ્મ ઉદ્યોગોને ધીરાણની સરળ અને ઝંઝટ મુક્ત સુલભતા પૂરી પાડી છે અને મોટી સંખ્યામાં યુવા ઉદ્યોગ સાહસિકોને તેમના પોતાના વ્યવસાયો સ્થાપિત કરવામાં મદદ કરી છે."
શ્રીમતી સીતારમણે PMMYના ડેટાના સંદર્ભમાં જણાવ્યું હતું કે, “આ યોજના શરૂ કરવામાં આવી ત્યારથી 24.03.2023 સુધીમાં, તે અંતર્ગત 40.82 કરોડ લોન ખાતાઓમાં લગભગ ₹23.2 લાખ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળના આપવામાં આવેલી કુલ લોનમાંથી લગભગ 68% ખાતાઓ મહિલા ઉદ્યોગસાહસિકોના છે અને 51% ખાતાઓ SC/ST અને OBC શ્રેણીના ઉદ્યોગસાહસિકોના છે. આ આંકડાઓ દર્શાવે છે કે, દેશના ઉભરતા સાહસિકોને ધીરાણ સરળતાથી ઉપલબ્ધ થઇ રહ્યું હોવાથી તેઓ આવિષ્કાર તરફ આગળ વધ્યા છે અને માથાદીઠ આવકમાં એકધારો વધારો થયો છે."
MSMEની મદદથી સ્વદેશી નિર્માણની વૃદ્ધિ પર પ્રકાશ પાડતા, નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, “MSMEના વિકાસથી “મેક ઇન ઇન્ડિયા” કાર્યક્રમમાં મોટા પાયે યોગદાન મળ્યું છે કારણ કે મજબૂત ઘરેલું MSMEના કારણે સ્થાનિક બજારોમાં તેમજ નિકાસ એમ બંને માટે સ્વદેશી ઉત્પાદનમાં વધારો થયો છે. PMMY યોજનાએ ભારતના અર્થતંત્રને વેગ આપવાની સાથે-સાથે પાયાના સ્તરે ખૂબ જ વિશાળ સંખ્યામાં રોજગારીની તકોનું સર્જન કરવામાં મદદ કરી છે અને ગેમ ચેન્જર પણ સાબિત થઇ છે.”
આ પ્રસંગે, કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી (MoS) ડૉ. ભાગવત કિશનરાવ કરાડે જણાવ્યું હતું કે, “PMMY યોજના શરૂ કરવા પાછળનો મૂળ ઉદ્દેશ્ય દેશમાં સૂક્ષ્મ ઉદ્યોગસાહસોને વિના અવરોધે જામીન મુક્ત ધીરાણની સુલભતા પૂરી પાડવાનો છે. આ યોજનાએ સમાજના સેવા વંચિત અને પૂરતી સેવાઓ ન મેળવી શકનારા વર્ગોને સંસ્થાકીય ધીરાણના માળખામાં લાવી દીધા છે. મુદ્રાને પ્રોત્સાહન આપવાની સરકારની નીતિએ લાખો MSME સાહસોને ઔપચારિક અર્થવ્યવસ્થા તરફ દોર્યા છે અને ભંડોળ માટે વ્યાજખોરો પાસેથી ખૂબ જ ઊંચા દરે ધીરાણ લેવાના વિષચક્રમાંથી પણ તેમને મુક્તિ મળી છે.”
આપણે પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)ના આધારસ્તંભો દ્વારા નાણાકીય સમાવેશીતાની 8મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે, ચાલો આ યોજનાની કેટલીક મુખ્ય વિશેષતાઓ અને સિદ્ધિઓ પર નજર કરીએ:
દેશમાં નાણાકીય સમાવેશીતા કાર્યક્રમનો અમલ ત્રણ સ્તંભો પર આધારિત છે, જે નીચે મુજબ છે,
બેંકિંગથી વંચિતો માટે બેંકિંગ
અસુરક્ષિતોને સુરક્ષિત કરવા
ભંડોળથી વંચિતોને ભંડોળ આપવું
સેવાઓથી વંચિત અને પૂરતી સેવાઓ ન મેળવનારા લોકોને સેવા પહોંચાડતી વખતે, ટેક્નોલોજીનો લાભ ઉઠાવીને અને અનેક હિતધારકોના સહયોગી અભિગમને અપનાવીને આ ઉપરોક્ત ત્રણ ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં આવી રહ્યા છે.
નાણાકીય સમાવેશીતાના ત્રણ સ્તંભોમાંથી એક – ભંડોળથી વંચિતોને ભંડોળ, PMMYના માધ્યમથી નાણાકીય સમાવેશ ઇકોસિસ્ટમમાં પ્રતિબિંબિત થાય છે. નાના ઉદ્યોગસાહસિકોને ધીરાણની સુલભતા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે તેને અમલમાં મૂકવામાં આવે છે.
વિશેષતાઓ
ધીરાણની જરૂરિયાત અને વ્યવસાયની પરિપક્વતાના તબક્કાના આધારે લોનને ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે. આ શ્રેણીઓ શિશુ (₹50,000/- સુધીની લોન), કિશોર (₹50,000/- થી વધુ અને ₹5 લાખ સુધીની લોન) અને તરુણ (₹5 લાખથી વધુ અને ₹10 લાખ સુધીની લોન) છે.
PMMY હેઠળ આપવામાં આવતી લોન મરઘાં ઉછેર, ડેરી ઉદ્યોગ, મધમાખી ઉછેર વગેરે જેવી કૃષિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ સહિત મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અને સેવા ક્ષેત્રોમાં આવકનું સર્જન કરતી પ્રવૃત્તિઓ માટે ટર્મ લોન અને કાર્યકારી મૂડી એમ બંને માટેના ધીરાણના ઘટકો માટે પૂરી પાડવામાં આવે છે.
RBIની માર્ગદર્શિકા અનુસાર ધીરાણ આપતી સંસ્થાઓ દ્વારા વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે. કાર્યકારી મૂડીની સુવિધાના કિસ્સામાં, ઋણ લેનાર દ્વારા રાખવામાં આવેલા નાણાં પર જ વ્યાજ વસૂલવામાં આવે છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ 17.03.2023 સુધીમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ
આ યોજના શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ₹22.95 લાખ કરોડની રકમ 40.25 કરોડથી વધુ લોન માટે મંજૂર કરવામાં આવી છે. કુલ લોનમાંથી આશરે 21% લોન નવા ઉદ્યોગસાહસિકો માટે મંજૂર કરવામાં આવી છે.
લોનની કુલ સંખ્યામાંથી અંદાજે 69% લોન મહિલા ઉદ્યોગસાહસિકોને મંજૂર કરવામાં આવી છે અને 51% લોન SC/ST/OBC શ્રેણીના ઉધાર લેનારાઓને મંજૂર કરવામાં આવી છે.
શ્રેણી અનુસાર વિવરણ:-
શ્રેણી |
લોનની સંખ્યા (%) |
મંજૂર કરાયેલી રકમ (%) |
શિશુ |
83% |
40% |
કિશોર |
15% |
36% |
તરૂણ |
2% |
24% |
કુલ |
100% |
100% |
નાણાકીય વર્ષ 2020-21માં કોવિડ-19 મહામારીને કારણે આવેલા અવરોધોને કારણે આ વર્ષ સિવાય, યોજનાની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં દર વર્ષે લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં આવ્યા છે. વર્ષ મુજબ મંજૂર કરાયેલી રકમની વિગતો નીચે મુજબ છે:-
વર્ષ |
મંજૂર કરાયેલી લોનની સંખ્યા (કરોડમાં) |
મંજૂર કરાયેલી રકમ (₹ લાખ કરોડ) |
2015-16 |
3.49 |
1.37 |
2016-17 |
3.97 |
1.80 |
2017-18 |
4.81 |
2.54 |
2018-19 |
5.98 |
3.22 |
2019-20 |
6.22 |
3.37 |
2020-21 |
5.07 |
3.22 |
2021-22 |
5.37 |
3.39 |
2022-23 (17.03.2023 સુધીમાં)* |
5.31 |
4.03 |
કુલ |
40.25 |
22.95 |
*હંગામી
કોઇપણ અન્ય સંબંધિત માહિતી
PMMY હેઠળ તમામ પાત્રતા ધરાવનારા ઋણધારકોને 12 મહિનાના સમયગાળા માટે આપવામાં આવેલી શિશુ લોનની તાત્કાલિક ચુકવણી કરવા પર 2%ની વ્યાજ સહાયતા
નાણાં મંત્રી દ્વારા 14.05.2020ના રોજ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ જાહેરાત કરવામાં આવી હતી. અભૂતપૂર્વ પરિસ્થિતિ સામે ચોક્કસ પ્રતિભાવ તરીકે આ યોજના ઘડવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ 'પિરામિડના તળિયે' રહેલા લોકો ઋણ લે ત્યારે ધીરાણના ખર્ચમાં ઘટાડો કરીને તેમનો નાણાકીય તણાવ દૂર કરવાનો હતો.
આ યોજના 31.08.2021 સુધી કાર્યરત હતી.
MLI દ્વારા ઋણ લેનારાઓના ખાતામાં વ્યાજ સહાયતાની રકમ આગળ જમા કરવામાં આવે તે માટે SIDBI દ્વારા MLIને ₹636.89 કરોડ આપવામાં આવ્યા છે.
સુક્ષ્મ એકમો માટે ધીરાણ બાંયધરી ભંડોળ (CGFMU)
જાન્યુઆરી 2016માં ભારત સરકારની સંપૂર્ણ માહિકીની કંપની રાષ્ટ્રીય ધીરાણ બાંયધરી ટ્રસ્ટી કંપની લિ. (NCGTC)ના નેજા હેઠળ સુક્ષ્મ એકમો માટે ધીરાણ બાંયધરી ભંડોળ સ્થાપિત કરવામાં આવ્યું હતું, જે નીચે ઉલ્લેખિતને બાંયધરી પૂરી પાડે છે:
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ પાત્રતા ધરાવતા સૂક્ષ્મ એકમોને આપવામાં આવતી ₹10 લાખ સુધીની લોન, કે જે બેંકો/નોન-બેંકિંગ ફાઇનાન્સિઅલ કંપનીઓ (NBFC)/ માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ (MFI)/ અન્ય નાણાકીય મધ્યસ્થીઓ દ્વારા આપવામાં આવી હોય;
પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) હેઠળ આવતા ખાતાઓને ₹5,000ની ઓવરડ્રાફ્ટ લોનની રકમ (સપ્ટેમ્બર, 2018માં તે વધારીને ₹10,000 કરવામાં આવી)ની મંજૂરી; અને
Self Help Group (SHG) portfolio between ₹10 lakh to ₹20 lakh (w.e.f. 01.04.2020).
₹10 લાખથી ₹20 લાખ વચ્ચેનો સ્વ-સહાય સમૂહ (SHG) પોર્ટફોલિયો (01.04.2020થી અમલમાં)
આ પણ વાંચો: ખેડા લોકસભા વિસ્તારમાં – સાંસદ ખેલ સ્પર્ધા 2023 યોજાશે
Share your comments