શંકર ચૌધરીએ વિધાનસભા અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેઓ ગુજરાત વિધાનસભાના પ્રથમ યુવા સ્પીકર બન્યા છે. ત્યારે અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે Tv9 ગુજરાતી સાથે વાતચીત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે, અધ્યક્ષ તરીકે પક્ષ અને વિપક્ષ બંનેના MLAને સંતોષ થાય એવી કામગીરી કરીશ. તટસ્થ રહેવાનો પ્રયાસ કરીશ. સામાન્ય પ્રજામાં વિધાનસભામાં માત્ર ઝગડા જ થાય છે એ છાપ દૂર કરવા પ્રયત્ન કરીશ. સાથે જ યુવાનોને સંસદીય પ્રણાલી સાથે જોડવાનો સતત પ્રયાસ કરવામાં આવશે.
કોણ છે શંકર ચૌધરી અને જેઠા ભરવાડ?
બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન છે. તે ચૌધરી સમાજનો એક એવો ચહેરો છે જે ચૂંટણીમાં આગળ ચાલતા હતા અને તે બનાસકાંઠાનું સૌથી મોટુ માથુ છે. શંકર ચૌધરી 2014માં રાજ્યકક્ષાના પ્રધાન અને ભાજપના મહામંત્રી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય સહકારી બેંકના વાઈસ ચેરમેન છે. બીજી તરફ પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠકથી સતત પાંચ-છ ટર્મથી જીતતા જેઠા ભરવાડ પંચમહાલ ડેરીના ચેરમેન છે અને પંચમહાલ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પણ છે. જેઠા ભરવાડની સહકારી ક્ષેત્ર અને સંગઠનમાં પણ સારી પકડ છે. તેમણે પણ પોતાનો પદભાર સંભાળ્યો છે.
વિધાનસભા અધ્યક્ષનું શું મહત્વ ?
જ્યારે પણ વિધાનસભાનું સત્ર યોજાય ત્યારે તેને નિયમાનુસાર ચલાવવાની જવાબદારી અધ્યક્ષની હોય છે. ગૃહમાં કોઇ પણ પક્ષના ધારાસભ્યને અન્યાય ન થાય તે રીતે તેમના મતવિસ્તારના પ્રશ્ન રજુ કરવા માટે પણ તેમને તક આપવામાં આવતી હોય છે. ગૃહમાં રોજબરોજના કામગીરીની નિયમઅનુસાર સંચાલન કરાવવાની જવાબદારી પણ વિધાનસભાના અધ્યક્ષના સીરે હોય છે. ધારાસભ્યોના વિશેષ અધિકાર જાળવવાની કામગીરી પણ વિધાનસભા અધ્યક્ષની હોય છે. છ મહિનામાં એક વાર વિધાનસભાનું સત્ર બોલાવવું ફરજીયાત છે. જેથી વર્ષમાં બે વાર શિયાળુ-બજેટ સત્ર અને ચોમાસુ સત્ર યોજાતુ હોય છે. જે નિયમ અનુસાર ચલાવવાની કામગીરી વિધાનસભા અધ્યક્ષ કરે છે.
મહત્વનું છે કે આજે 15મી વિધાનસભાનું એક દિવસીય પ્રથમ સત્ર મળશે. વિધાનસભાના એક દિવસીય ટૂંકા સત્રની શરૂઆત અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી સહિતના કામકાજ સાથે સરકાર સત્તાવાર કામગીરી શરૂ કરશે, ત્યારબાદ બીજી બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આભાર સંબોધન માટે આભાર પ્રસ્તાવની રજૂઆત થશે. આ સાથે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પૂર્વે જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો તેને કાયદાનું સ્વરૂપ આપવા વિધાનસભા ગૃહમાં ઇમ્પેક્ટ હુકમના સુધારા વિધેયકને રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: જાન્યુઆરીમાં આ તારીખ સુધીમાં આવશે પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો, ફટાફટ પતાવી લો આ કામ
Share your comments