મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકનો મુદ્દો સમગ્ર દેશમાં હાલ ચર્ચાનો વિષય બની ગયો છે. હાલ તે બાબતે સુપ્રીમ કોર્ટમાં ચર્ચા ચાલી રહી છે. આ મામલે બંધારણીય બેંચ સુનાવણી કરી રહી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશનરની નિમણૂકો પર સવાલ ઉઠાવ્યા હતા. બેન્ચે પૂછ્યું કે, "ચૂંટણી કમિશનરની આટલીની ઝડપી નિમણૂક શા માટે? ચોવીસ કલાકમાં નિમણૂકની સમગ્ર પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થઈ? કાયદા પ્રધાને કયા આધારે ચાર નામોની પસંદગી કરી?".
આ સવાલો પર કેન્દ્ર સરકારે પોતાના જવાબમાં કહ્યું કે, આ નિમણૂક નિર્ધારિત નિયમો હેઠળ કરવામાં આવી હતી. જોકે, નિમણૂકની પ્રક્રિયા પર સરકારના જવાબથી કોર્ટ સંતુષ્ટ ન હતી. કેન્દ્ર સરકારે ચૂંટણી કમિશનર અરુણ ગોયલની નિમણૂકની ફાઇલ બેંચને આપી હતી. કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ (AG) આર વેંકટરામાણીએ જજોને ફાઇલો સોંપી. એટર્ની જનરલે કહ્યું, "હું આ કોર્ટને યાદ અપાવવા માંગુ છું કે અમે આના પર મીની ટ્રાયલ નથી કરી રહ્યા." આના પર જસ્ટિસ જોસેફે કહ્યું, "ના..ના, અમે સમજીએ છીએ."
આ પછી એટર્ની જનરલ આર વેંકટરામણીએ સમગ્ર પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી. તેમણે કહ્યું કે કાયદા અને ન્યાય મંત્રાલય પોતે સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરે છે. પછી તેમાંથી સૌથી યોગ્યની પસંદગી કરવામાં આવે છે. આમાં વડાપ્રધાનની પણ ભૂમિકા હોય છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કરતા કહ્યું કે, ચૂંટણી કમિશનરની નિમણૂકમાં આટલી ઉતાવળ શા માટે? આટલી ઝડપી નિમણૂક શા માટે? જસ્ટિસ જોસેફે કહ્યું, "અમે 18મી તારીખથી આ મામલાની સુનાવણી કરીએ છીએ. તેજ દિવસે તમે ફાઈલ ફોરવર્ડ કરો છો, તે જ દિવસે પીએમ તેમના નામની ભલામણ કરે છે. આટલી બધી ઉતાવળ શા માટે?"
જસ્ટિસ અજય રસ્તોગીએ કહ્યું કે, આ જગ્યા છ મહિના માટે હતી. પછી જ્યારે કોર્ટે આ મામલે સુનાવણી શરૂ કરી તો પછી અચાનક નિમણૂક કેમ? શા માટે આટલી ઝડપી નિમણૂક? જસ્ટિસ અજય રસ્તોગીએ ફાઈલ કઈ ઝડપે આગળ સુધી લઈ જવામાં આવી અને નિમણુક થઈ તે અંગે સવાલ ઉઠાવતા કહ્યું, "બધું 24 કલાકમાં થઈ ગયું. આટલી ઉતાવળમાં તમે તપાસ કેવી રીતે કરી?"
એટર્ની જનરલે કહ્યું કે તેઓ દરેક વાતનો જવાબ આપશે, પણ કોર્ટે તેમને બોલવાની તક તો આપે.
જસ્ટિસ જોસેફે કહ્યું, "અમે બંધારણને લઈને ખરેખર ચિંતિત છીએ. રાખવામાં આવેલી યાદીના આધારે, તમે 4 નામોની ભલામણ કરી છે. મને કહો કે, કાયદા મંત્રીએ નામોના વિશાળ ભડારમાંથી આ નામો કેવી રીતે પસંદ કર્યા?"
એટર્ની જનરલે કહ્યું કે આ માટે કોઈ લિટમસ ટેસ્ટ ન હોઈ શકે.
કોર્ટે પૂછ્યું, "કાયદા અને ન્યાય મંત્રાલયે તે ચાર નામો કયા આધારે પસંદ કર્યા? તમે તે ચારમાંથી યોગ્ય નામ કેવી રીતે પસંદ કર્યું?" જસ્ટિસ જોસેફે કહ્યું, "અમે સરકાર દ્વારા અપનાવવામાં આવેલી પ્રક્રિયાથી વધુ ચિંતિત છીએ. પસંદગી પ્રક્રિયાના માપદંડ શું છે, જેને અનુસરવામાં આવ્યા હતા. જો તેની કાળજીપૂર્વક પસંદગી કરવામાં આવી છે તો તમારે ઉદ્દેશ્યપૂર્વક જણાવવું જોઈએ કે પસંદ કરેલ વ્યક્તિનો શૈક્ષણિક રેકોર્ડ ઉત્તમ છે અને તે ગણિતમાં સુવર્ણ ચંદ્રક વિજેતા છે, પરંતુ આ પોસ્ટ માટે સ્વતંત્રતાની જરૂરીયાત છે.
એજીએ કહ્યું, "તે લિટમસ ટેસ્ટ નથી અને કોઈ લેન્સ નથી, જે વફાદારી નક્કી કરી શકે ".
જસ્ટિસ જોસેફે કહ્યું, "અમને કહો કે કાયદા અને ન્યાય પ્રધાન ડેટા બેઝમાંથી આ 4 નામ કેવી રીતે પસંદ કરે છે અને પછી વડા પ્રધાન નિયુક્ત કરે છે? તમારે અમને જણાવવું પડશે કે માપદંડ શું છે?"
જસ્ટિસ બોઝે કહ્યું, આટલી ઝડપી નિમણુક પ્રક્રિયા આશ્ચર્યજનક છે.
એજીએ કહ્યું, "તે પંજાબ કેડરનો વ્યક્તિ છે."
જસ્ટિસ બોઝે કહ્યું, "આ ગતિ શંકા પેદા કરે છે.
એજીએ કહ્યું, "કોઈપણ વ્યક્તિ આ ડેટાબેઝ જોઈ શકે છે. તે વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તે DoPT દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે."
જસ્ટિસ જોસેફે કહ્યું, "તો પછી 4 નામો કેવી રીતે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા? અમે તે જાણવા માંગીએ છીએ?"
એજીએ કહ્યું, "ચોક્કસ આધારો છે. જેમ કે ચૂંટણી પંચમાં તેમનો કાર્યકાળ રહેશે."
જસ્ટિસ જોસેફે કહ્યું, "તમારે સમજવું જોઈએ કે આ વિરોધી નથી. તે અમારી સમજણ માટે છે. અમે સમજીએ છીએ કે આ તે સિસ્ટમ છે, જેણે સારી રીતે કામ કર્યું છે, પરંતુ અમે જાણવા માંગીએ છીએ કે તમે આ ડેટાબેઝ કેવી રીતે બનાવો છો?"
જસ્ટિસ રસ્તોગીએ કહ્યું, "તે જ દિવસની પ્રક્રિયા, તે જ દિવસે મંજૂરી, તે જ દિવસે અરજી, તે જ દિવસે એપોઇન્ટમેન્ટ. ફાઇલ 24 કલાક પણ ન ચાલી. ઝડપી ગતીએ કામ થયુ."
એજીએ કહ્યું, "જો તમે દરેક પગલા પર શંકા કરવાનું શરૂ કરો છો, તો સંસ્થાની અખંડિતતા અને સ્વતંત્રતા અને લોકોની ધારણાને અસર થશે. શું કાર્યપાલિકાને દરેક મુદ્દામાં જવાબ આપવો પડશે?"
જસ્ટિસ જોસેફે ટીપ્પણી કરી કે તમે ચૂંટણી કમિશનર બનવા માટે માત્ર એવા લોકોને જ પસંદ કરો, જેઓ નિવૃત્તિના આરે છે અને છ વર્ષ સુધી મુખ્ય ચૂંટણી કમિશનરની છ વર્ષની મુદત પૂરી કરી શક્યા નથી! શું આ તાર્કિક પ્રક્રિયા છે? અમે તમને ખુલ્લેઆમ કહીએ છીએ કે તમે ભરતી પ્રક્રિયાની કલમ 6નું ઉલ્લંઘન કરી રહ્યાં છો.
આ પણ વાંચો:પીએમ મોદીએ રોજગાર મેળામાં 71,056 નિમણૂક પત્રોનું કર્યું વિતરણ
Share your comments