છેલ્લા ચાર સપ્તાહથી ડિઝલના ભાવમાં એકધારો વધારો થઇ રહ્યો છે. દેશના ઘણાં વિસ્તારોમાં પ્રતિ એક લિટર ડિઝલનો ભાવ રૂ.80ની સપાટીને પાર પહોંચ્યો છે. પેટ્રોલ કરતાં પણ ડિઝલના ભાવ વધારે હોય એવુ પ્રથમ વખત બન્યુ છે. થોડા દિવસોમાં જ ડિઝલમાં લિટરે રૂ.10નો વધારો નોંધાતો ખેડૂતોની આર્થિક ચિંતા વધી છે. હાલ દેશભરમાં વાવણીની સિઝન ચાલી રહી છે. આ સમયે ટ્રેકટર સહિતના સાધનોનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. આથી ડિઝલની જરૂરિયાત પણ ખેડૂતોને વધુ રહે છે. આ સ્થિતિમાં ડિઝલના ભાવ વધી જતા ખેતીના ખર્ચમાં સીધી રીતે વધારો નોંધાયો છે. ડિઝલમાં ખેડૂતોને સબસીડી મળે એવી માંગ વર્ષોથી થઇ રહી છે. જોકે, આ દિશામાં કેન્દ્ર સરકારે કોઇ યોજના અમલી કરી નથી. અમુક રાજ્યોમાં ડિઝલની ખરીદી માટે ખેડૂતોને સહાય મળે છે.
જે રીતે રાંધણ ગેસમાં ઘરેલુ અને વાણીજ્ય એમ બે વિભાગ કરીને દરેકમાં અલગ-અલગ ભાવ લેવામાં આવે છે એવી જ રીતે ખેડૂતોને રાહત દરે ડિઝલ મળે એવી વ્યવસ્થા અમલી થવી જોઇએ. જે ખેડૂત ટ્રેકટર ધરાવે છે અને જમીન ખાતેદાર છે એણે વર્ષમાં અમુક લિટર ડિઝલ રાહત દરે મળે એવી યોજના સરકારે અમલી કરવાની તાતી જરૂર છે. ખેતીમાં કામદારોની સંખ્યા ઘટી રહી છે અને મશીનોનો ઉપયોગ વધી રહ્યો છે. આથી ખેતીમાં ડિઝલનો ઉપયોગ સતત વધતો રહેવાનો છે. આ સ્થિતિમાં સરકારે ખેડૂતોને ડિઝલમાં સહાય આપવા બાબતે ગંભીરતાથી વિચારવાની તાતી જરૂર છે. લાઈમલાઈટ સમાચાર
Share your comments