સુરત જિલ્લાના કીમ વિસ્તારમાં મેઘરાજાએ 20 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. રવિવારના રાત્રે 10:30 થી 2 વાગ્યા સુધીમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં વિજ પોલ પડી જતા ઘણા ખરા વિસ્તારોમાં અંધારાપટ છવાઈ ગયો હોતો. સુરત સિવાય દક્ષિણ ગુજરાતના વલસાડમાં 6.48 ઇંચ અને નવસારીના ખેરગામ અને વાંસદામાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડમાં એકધારા વરસાદને પગલે 15 ગામના 10 હજારથી વધુ લોકો સંપર્ક વિહોણા થઇ ગયા હતા.
દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન
દક્ષિણ ગુજરાતમાં સતત બે દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે રવિવારે દિવસ દરમિયાન વલસાડના ઉમરગામમાં 9.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રવિવારે વરસાદ ધીરે-ધીરે આગળ વધતા રાત્રીના સમયે સુરત જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. સુરતના કીમમાં રાત્રે 10.30 વાગ્યાથી 02 વાગ્યા સુધીમાં કડાકા-ભડાકા મેઘરાજા મન મુકીને વરસ્યા હતા.કીમમાં સાડા ચાર કલાકમાં કીમમાં 14 ઈંચ વરસાદ નોંધાયો હતો અને છેલ્લા 24 કલાકમાં કુલ 15 ઈંચ વરસાદ નોંધાયો હતો. સ્થાનિક લોકોનું કહેવુ છે કે, મેઘરાજાએ 20 વર્ષનો રેકર્ડ તોડ્યો છે.
વરસાદને કારણે કીમ નદીના જળસ્તર વધારો
કીમ નદીના જળસ્તરની વાત કરીયે તો રવિવારે સવારે કીમ નદીનું પાણીનું લેવલ 04 મીટર હતુ જે સોમવારે સવારે વધીને 6.5 મીટરે પહોંચી ગયું હતું. વરસાદને કારણે કીમના 50 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ઘરમાં વરસાદનું પાણી ઘુસી જતા જન જીવન ખોરવાઈ ગયુ હતુ.
વલસાડમાં સતત બે દિવસથી વરસાદ
વલસાડમાં મેઘરાજા સતત બે દિવસથી વરસી રહ્યા છે અંહી મેઘરાજા બંધ થવાનું નામ નથી લઈ રહ્યા. વલસાડના કપરાડામાં 6.48 ઈંચ,ધરમપુરમાં 4.44 ઈંચ,નવસારીના ધરમપુર 4.44 ઈંચ, ખેરગામ અને વાંસદામાં 03 ઈંચ, ચીખલીમાં 01 ઇંચ વરસાદ નોંધાયો હતો. સતત બે દિવસથી વરસી રહેલ વરસાદના કારણે વલસાડમાં વહેતી પાર અને દમણગંગા નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. વલસાડના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જડતાં 15 ગામના 10 હજારથી વધુ લોકો સંપર્ક વિહોણા થઇ ગયા હતા.
સુરતમાં સોમવારે પણ મેઘરાજા મહેરબાન
સુરત જિલ્લામાં સોમવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં પડ્યા હતા. સુરતાના ઉમરપાડામાં ૨ ઇંચ અને માંગરોળમાં 01 ઈંચ વરસાદ ખાબક્યો હતો અને બાકીના વિસ્તારમાં ૫થી 10 મી.મી. વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ અને સુરતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
Share your comments