Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પ્રધાનમંત્રીએ કર્ણાટકના ચિક્કાબલ્લાપુર ખાતે શ્રી મધુસુદન સાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચિક્કાબલ્લાપુર ખાતે શ્રી મધુસૂદન સાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું હતું. SMSIMSR તબીબી શિક્ષણ તેમજ તમામ લોકોને સંપૂર્ણ વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પૂરી પાડશે. આ સંસ્થા શૈક્ષણિક વર્ષ 2023થી તેની કામગીરી શરૂ કરશે.

Rizwan Rashid Shaikh
Rizwan Rashid Shaikh

સર એમ. એમ. વિશ્વેશ્વરાયને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

“ભારત 'સબકા પ્રયાસ' દ્વારા, એક વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગે આગળ વધી રહ્યું છે”

“કર્ણાટકમાં ગરીબોની સેવા કરતી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓની ઘણી ભવ્ય પરંપરા રહી છે”

“અમારી સરકાર ગરીબોના કલ્યાણ માટે કામ કરે છે. તેણે કન્નડ સહિત તમામ ભારતીય ભાષાઓમાં તબીબી શિક્ષણનો વિકલ્પ આપ્યો છે”

“અમે ગરીબ અને મધ્યમ વર્ગના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી છે”

“અમે સ્વાસ્થ્ય સંબંધિત નીતિઓમાં મહિલાઓને સર્વોચ્ચ અગ્રતા આપી રહ્યા છીએ”

પ્રધાનમંત્રીએ કર્ણાટકના ચિક્કાબલ્લાપુર ખાતે શ્રી મધુસુદન સાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું
પ્રધાનમંત્રીએ કર્ણાટકના ચિક્કાબલ્લાપુર ખાતે શ્રી મધુસુદન સાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચિક્કાબલ્લાપુર ખાતે શ્રી મધુસૂદન સાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું હતું. SMSIMSR તબીબી શિક્ષણ તેમજ તમામ લોકોને સંપૂર્ણ વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પૂરી પાડશે. આ સંસ્થા શૈક્ષણિક વર્ષ 2023થી તેની કામગીરી શરૂ કરશે.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ચિકબલ્લાપુર આધુનિક ભારતના આર્કિટેક્ટ પૈકી એક તરીકે ગણાતા, સર એમ. એમ. વિશ્વેશ્વરાયનું જન્મસ્થળ છે અને તેમની સમાધિને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ તેમના જીવનની ઝાંખી કરાવતા સંગ્રહાલયની મુલાકાત લેવાની તક મળવા બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “હું આ સદ્ગુણી ભૂમિને હું શિશ ઝુકાવીને વંદન કરું છું.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચિકબલ્લાપુરની ભૂમિ સર વિશ્વેશ્વરાય માટે નવા આવિષ્કારો સાથે આગળ આવવા અને ખેડૂતો તેમજ સામાન્ય લોકો માટે નવા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે પ્રેરણા સ્રોત હતી.

પ્રધાનમંત્રીએ સત્ય સાંઇ ગ્રામને સેવાનું અદ્ભુત મોડેલ ગણાવ્યું હતું. તેમણે શિક્ષણ અને આરોગ્ય સંબંધિત વિવિધ પહેલ દ્વારા સંસ્થા જે પ્રકારના મિશન હાથ ધરે છે તેની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોવાથી આ મિશન વધુ મજબૂત બન્યું છે.

પ્રધાનમંત્રીએ અમૃતકાળ દરમિયાન વિકસિત રાષ્ટ્ર બનવાના દેશના સંકલ્પનો અને આટલા ઓછા સમયમાં આવા વિશાળ સંકલ્પને પૂર્ણ કરવા અંગે લોકોમાં રહેલી ઉત્સુકતાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ફક્ત એક જ જવાબ છે, એક મજબૂત, દૃઢ અને સંસાધનપૂર્ણ જવાબ એટલે કે સબકા પ્રયાસ. દરેક દેશવાસીઓના પ્રયાસોથી ચોક્કસપણે આ સંકલ્પ સાકાર થશે.”

 ‘વિકસીત ભારત’ના નિર્માણનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની સફરમાં સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની ભૂમિકા અને સંતો, આશ્રમો તેમજ મઠની મહાન પરંપરા પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. આ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ, શ્રદ્ધા અને આધ્યાત્મિક પાસાઓ દ્વારા, ગરીબો, દલિતો, પછાત અને આદિવાસીઓનું સશક્તિકરણ કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “તમારી સંસ્થા દ્વારા કરવામાં આવેલા કાર્યો 'સબકા પ્રયાસ'ની ભાવનાને વધુ મજબૂત કરે છે.”

પ્રધાનમંત્રીએ શ્રી સત્ય સાઇ યુનિવર્સિટીના સૂત્ર ‘યોગઃ કર્મસુ કૌશલમ’ અર્થાત્ ક્રિયામાં નિપુણતા એ યોગ છે તેના પર વિસ્તારપૂર્વક વાત કરી હતી. શ્રી મોદીએ ચિકિત્સા ક્ષેત્રે સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસો દ્વારા આ વાત સમજાવી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 2014 પહેલા દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા 380 કરતાં પણ ઓછી હતી પરંતુ આજે આ સંખ્યા વધીને 650 થી વધુ થઇ ગઇ છે. તેમણે એ પણ રેખાંકિત કર્યું હતું કે, દેશના એક સમયે વિકાસની દૃશ્ટિએ પાછળ રહી ગયા હતા તેવા મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં 40 મેડિકલ કોલેજો તૈયાર કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, છેલ્લા 9 વર્ષમાં દેશમાં મેડિકલ સીટોની સંખ્યા બમણી થઇ ગઇ છે. તેમણે નોંધ્યું હતું કે, આગામી 10 વર્ષમાં દેશમાં જેટલા ડૉકટરો તૈયાર થશે તેટલા જ ડૉક્ટરો ભારતમાં આઝાદીના સમયથી અત્યાર સુધીમાં તૈયાર થયા છે. દેશમાં થયેલા વિકાસ કાર્યોનો લાભ કર્ણાટકને પણ મળી રહ્યો છે તે વાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ રાજ્ય દેશમાં લગભગ 70 મેડિકલ કોલેજોનું ગૃહસ્થાન છે અને ચિકબલ્લાપુરમાં ઉદ્ઘાટન કરવામાં આવેલી મેડિકલ કોલેજ ડબલ એન્જિનની સરકારના બેવડા પ્રયાસોનું ઉદાહરણ છે. તેમણે આ વર્ષના બજેટના ભાગ રૂપે દેશમાં 150 કરતાં વધુ નર્સિંગ સંસ્થાઓ ઉભી કરવાના નિર્ણય વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, આના કારણે નર્સિંગ ક્ષેત્રમાં યુવાનો માટે નવી તકોનું સર્જન થશે.

પ્રધાનમંત્રીએ તબીબી શિક્ષણમાં ભાષાના પડકારનો ઉલ્લેખ કર્યો હતો અને તબીબી શિક્ષણમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે અગાઉના સમયમાં પૂરતા પ્રયાસો કરવામાં નહોતા આવ્યા હતા તે અંગે તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ રાજકીય પક્ષો ગામડાઓ અને પછાત સ્થળોમાં રહેતા યુવાનોને મેડિકલ અને એન્જિનિયરિંગ વ્યવસાયમાં સ્થાન મળે તે જોવા માટે તૈયાર જ નથી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અમારી સરકાર ગરીબોના કલ્યાણ માટે કામ કરી રહી છે. તેણે કન્નડ સહિત તમામ ભારતીય ભાષાઓમાં તબીબી શિક્ષણનો વિકલ્પ આપ્યો છે.”

પ્રધાનમંત્રીએ ગરીબોને માત્ર મત બેંક તરીકે ગણવામાં આવતા હોવાની દેશમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજનીતિક પ્રથા અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે “અમારી સરકારે ગરીબોની સેવા કરવી એ પોતાની સર્વોચ્ચ ફરજ ગણાવી છે. અમે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી છે.” તેમણે જન ઔષધિ કેન્દ્રો અથવા ઓછી કિંમતની દવાનું ઉદાહરણ આપ્યું હતું અને માહિતી આપી હતી કે, આજે સમગ્ર દેશમાં લગભગ 10,000 જન ઔષધિ કેન્દ્રો શરૂ થઇ ગયા છે, જેમાંથી 1000થી વધુ તો કર્ણાટકમાં જ છે. તેમણે ઉમેર્યું હતું કે, આવી પહેલથી ગરીબો દવાઓ પર થતા ખર્ચમાં હજારો કરોડ રૂપિયાની બચત કરવા માટે સમર્થ બન્યા છે.

પ્રધાનમંત્રીએ એક સમયે જ્યારે ગરીબોને સારવાર માટે હોસ્પિટલોનો ખર્ચ પરવડી શકે તેમ નહોતો તે ભૂતકાળના દિવસો પર પણ પ્રકાશ ફેંક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન સરકારે ગરીબોની આ ચિંતાની નોંધ લીધી છે અને આયુષ્માન ભારત યોજના દ્વારા તે સમસ્યાનું નિરાકરણ કર્યું છે. આ યોજનાથી ગરીબ પરિવારો માટે હોસ્પિટલોના દરવાજા ખુલી ગયા છે. કર્ણાટકમાં પણ લાખો લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે તે વાતને રેખાંકિત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “સરકારે ગરીબોને રૂ. 5 લાખ સુધીની મફત સારવારની ખાતરી આપી છે.” પ્રધાનમંત્રીએ હૃદયની સર્જરી, ઘૂંટણ બદલવાના ઓપરેશન અને ડાયાલિસિસ વગેરે જેવી મોંઘી શસ્ત્રક્રિયા પ્રક્રિયાઓના ઉદાહરણો આપ્યા હતા અને ધ્યાન દોર્યું હતું કે, સરકારે ખર્ચાળ ફી ઓછી કરવા માટે તમામ જરૂરી પગલાં લીધાં છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “અમે સ્વાસ્થ્ય સંબંધિત નીતિઓમાં માતાઓ અને બહેનોને સર્વોચ્ચ અગ્રતા આપીએ છીએ.” જ્યારે આપણી માતાઓના સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો આવે છે ત્યારે આખી પેઢીનું સ્વાસ્થ્ય સુધરે છે તે વાતને રેખાંકિત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આ બાબત પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. તેમજ તેમણે શૌચાલય નિર્મામ, મફત ગેસ કનેક્શન આપવા, નળ દ્વારા પાણી આપવા, દરેક ઘરને મફત સેનિટરી પેડ આપવા અને પૌષ્ટિક ખોરાક માટે સીધા બેંકમાં પૈસા મોકલવા જેવી યોજનાઓના ઉદાહરણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્તન કેન્સર તરફ સરકાર દ્વારા આપવામાં આવેલ વિશેષ ધ્યાન પર ભાર મૂક્યો હતો અને માહિતી આપી હતી કે, ગામડાઓમાં આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે અને પ્રારંભિક તબક્કામાં જ આવા રોગોની તપાસ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ રાજ્યમાં 9,000થી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવા બદલ બોમાઇજી અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રીએ ANM અને આશા કાર્યકરોને મજબૂત અને સશક્ત બનાવવા માટે કર્ણાટક સરકારે કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે માહિતી આપી હતી કે, કર્ણાટકના 50 હજાર ANM અને આશા કાર્યકરો અને લગભગ 1 લાખ નોંધાયેલ નર્સો અને આરોગ્ય કર્મચારીઓને આધુનિક ગેજેટ્સ આપવામાં આવ્યા છે અને ડબલ એન્જિનની સરકાર તેમને શક્ય હોય તેવી તમામ સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર સ્વાસ્થ્યની સાથે સાથે મહિલાઓના આર્થિક સશક્તિકરણ પર પણ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કર્ણાટકને દૂધ અને રેશમની ભૂમિ ગણાવીને પ્રધાનમંત્રીએ પશુપાલન કરતા ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ, 12 હજાર કરોડના ખર્ચ સાથે પશુઓ માટે શરૂ કરવામાં આવેલા વિશાળ રસીકરણ અભિયાન વિશે માહિતી આપી હતી. ડેરી સહકારિતામાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે પણ ડબલ-એન્જિનની સરકાર પ્રયાસ કરી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગામડાઓમાં મહિલાઓના સ્વ-સહાય જૂથોને પણ સશક્ત કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, “જ્યારે દેશ સ્વસ્થ હશે અને 'સબકા પ્રયાસ' વિકાસ માટે સમર્પિત હશે, ત્યારે આપણે વિકસિત ભારતના નિર્માણનું લક્ષ્ય ઝડપથી પ્રાપ્ત કરીશું.”

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપન વખતે ભગવાન સાઇ બાબા અને સંસ્થાન સાથેના તેમના લાંબા જોડાણને યાદ કર્યું હતું. તેમણે અંતમાં કહ્યું હતું, “હું અહીં મહેમાન નથી, હું આ જગ્યા અને ભૂમિનો ભાગ છું. જ્યારે પણ હું આપ સૌની વચ્ચે આવું છું ત્યારે આ બંધન નવપલ્લિવત થઇ જાય છે અને હૃદયમાં મજબૂત સંબંધોની ઇચ્છા ઉભરી આવે છે”.

આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઇ, શ્રી સત્ય સાઇ સંજીવની સેન્ટર ફોર ચાઇલ્ડ હાર્ટ કેરના અધ્યક્ષ ડૉ. સી. શ્રીનિવાસ અને સદગુરુ શ્રી મધુસુદન સાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

વિદ્યાર્થીઓને નવી તકોનો લાભ મળી શકે અને આ પ્રદેશમાં સુલભ તેમજ પરવડે તેવી આરોગ્ય સંભાળ પૂરી પાડવામાં મદદ કરવા માટે હાથ ધરવામાં આવેલી પહેલના ભાગરૂપે, પ્રધાનમંત્રીએ શ્રી મધુસૂદન સાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (SMSIMSR)નું ઉદ્ઘાટન કર્યું હતું. તેની સ્થાપના ચિક્કાબલ્લાપુરના મુડ્ડેનાહલ્લી ખાતે સત્ય સાઇ ગ્રામમાં આવેલી શ્રી સત્ય સાઇ યુનિવર્સિટી ફોર હ્યુમન એક્સેલન્સ દ્વારા કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારમાં આવેલી અને તબીબી શિક્ષણ અને આરોગ્ય સંભાળનું વ્યાપારીકરણ નાબૂદ કરવાની દૂરંદેશી સાથે સ્થાપવામાં આવેલી, SMSIMSR તબીબી શિક્ષણ અને તમામ લોકોને સંપૂર્ણ વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પૂરી પાડશે. આ સંસ્થા શૈક્ષણિક વર્ષ 2023થી તેની કામગીરીનો પ્રારંભ કરશે.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે બેંગલુરુ ખાતે 'માદક દ્રવ્યોની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા' પર પ્રાદેશિક પરિષદ યોજાઇ

Share your comments

Subscribe Magazine

More on News

More