જો તમે કાર અથવા બાઇક લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમને રાહત આપવાના છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે આગામી એક વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલના વાહનો જેટલી થઈ જશે.તેમની આ જાહેરાતથી કાર અને બાઈક ચાલકો ઘણા ખુશ છે.
ગડકરીની જાહેરાતથી લોકોને રાહત
વાસ્તવમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને પ્રદુષણને કારણે સરકાર અને લોકો ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન આપી રહ્યા છે. ઊંચા ભાવને કારણે લોકો ઇચ્છે તો પણ ઇલેક્ટ્રિક વાહન લઇ શકતા નથી. પરંતુ નીતિન ગડકરી દ્વારા વાહનોના ભાવને લઈને કરવામાં આવેલી જાહેરાત લોકોને રાહત આપનારી છે. તેમણે પોતાના સંબોધનમાં એમ પણ કહ્યું કે ભારતમાં આવનારો સમય ઇલેક્ટ્રિક મોબિલિટીનો છે.
EV ની કિંમત પેટ્રોલ વાહનો જેટલી થશે
નીતિન ગડકરીએ એમ પણ કહ્યું હતું કે ટેક્નોલોજી અને ગ્રીન ફ્યુઅલમાં ઝડપી ફેરફારથી ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલની કિંમતમાં ઘટાડો થશે. આ જ કારણ છે કે આગામી એક વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનની કિંમત પેટ્રોલથી ચાલતા વાહનો જેટલી થઈ જશે. અસરકારક સ્વદેશી ઇંધણ તરફ આગળ વધવાની જરૂરિયાત વિશે વાત કરતાં ગડકરીએ આશા વ્યક્ત કરી કે ઇલેક્ટ્રિક ઇંધણ ટૂંક સમયમાં વાસ્તવિકતા બનશે.
હાઈડ્રોજન ટેક્નોલોજી અપનાવવા સાંસદોને કરી વિનંતી
આ પહેલા તેમણે સાંસદોને હાઈડ્રોજન ટેક્નોલોજી અપનાવવા પણ વિનંતી કરી હતી. તેમણે સાંસદોને તેમના લોકસભા મતવિસ્તારમાં ગટરના પાણીમાંથી ગ્રીન હાઇડ્રોજન બનાવવાની પહેલ કરવાની અપીલ કરી હતી. આગામી સમયમાં હાઇડ્રોજન સૌથી સસ્તું ઇંધણ વિકલ્પ હશે.
નીતિન ગડકરીએ કહ્યું, 'લિથિયમ-આયન બેટરીની કિંમતો ઝડપથી નીચે આવી રહી છે. ઝિંક-આયન, એલ્યુમિનિયમ-આયન, સોડિયમ-આયન બેટરી વિકસાવવામાં આવી રહી છે. એ દિવસ દૂર નથી જ્યારે ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર, ઓટો રિક્ષાની કિંમત પેટ્રોલથી ચાલતા સ્કૂટર, કાર, ઓટો રિક્ષા જેટલી થશે.
Share your comments