બેરોજગાર મહિલાઓને રોજગારી મળતા સરકારનો આભાર વ્યક્ત કર્યો
આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થવા બદલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે 13થી 15 ઓગસ્ટ વચ્ચે દરેક લોકોને તેમના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિનંતી કરી છે. આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલ શાળા નં-1 માં 300 જેટલી મહિલાઓને રાષ્ટ્રધ્વજ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. સરકારની દીન દયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ મહિલાઓ તિરંગા બનાવી આજીવિકા મેળવી રહી છે. અને હર ઘર તિરંગા અભિયાનમાં શામેલ થઈ રોજગારી મેળવી આત્મનિર્ભર બની રહી છે. તે બદલ જામનગરની મહિલાઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
સરકારની DAY -NULM યોજના થકી અમને રોજગારી મળી : હિતાક્ષીબહેન
DAY -NULM યોજનાનો લાભ મેળવી રાષ્ટ્રધ્વજ બનાવવાની કામગીરીમાં સહભાગી થયેલ જામનગરનાં હિતાક્ષીબેન જણાવે છે કે સરકાર દ્વારા બહેનોને રોજગારી મળી રહે તે માટે સીવણ ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે. આ યોજના થકી હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે એમને રાષ્ટ્રધ્વજ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ અભિયાન થકી અનેક બેરોજગાર બહેનોને રોજગારી મળી છે. તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું.
300 જેટલી મહિલાઓને આ અભિયાન થકી રોજગારી મળી તે બદલ સરકારનો આભાર : ધારાબહેન
સરકાર દ્વારા DAY -NULM ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે તેના થકી અનેક બહેનોને રોજગારી મળી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે તિરંગો દરેક ઘર સુધી પહોંચે. જામનગરની 300 જેટલી મહિલાઓને આ અભિયાન થકી રોજગારી મળી છે તે બદલ હું સરકારની ખૂબ ખૂબ આભારી છું.
રાષ્ટ્રધ્વજ બનાવવાની કામગીરી મળતા ગર્વની લાગણી અનુભવું છું : બિંદિયાબહેન
ઇન્ડીયા સ્કીલ એકેડમી જામનગરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે 300 બહેનોને તિરંગા બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. આ કામ અમે હર્ષ ઉલ્લાસથી ગર્વની લાગણી અનુભવી કરી રહ્યા છીએ. બહેનોને રોજગારી મળી રહી છે તે બદલ સરકારનો આભાર વ્યક્ત કરું છું. તેમજ તમામ લોકોને પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવા વિનંતી કરું છું.
Share your comments