હવે નિકાસ માટે પેસ્ટાઇડ્ઝમુક્ત ડુંગળી પકવવી જરૂરી બની, અન્યથા ભવિષ્યમાં નિકાસને અસર થશે, પરિણામે ડીહાઇડ્રેશન ઉદ્યોગ અને ખેડૂતો પણ પ્રભાવિત થશે અને ડુંગળીના પાકને પણ અસર થશે. એટલે ખેડૂતોએ ડુંગળીમાં ઝેરી દવા, રસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી ડુંગળીની ખેતી પદ્ધતિમાં આમુલ પરિવર્તન લાવવું જરૂરી બન્યું છે.
મહૂવા માર્કેટિંગ યાર્ડ દ્વારા અનોખી કામગીરી
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ડુંગળીનું પીઠુ ગણાતા એવા મહૂવા માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો સાથે સક્રિય સંપર્ક અને માર્ગદર્શન માટે તેમજ ખેડૂતો સાથે પ્રત્યક્ષપણે રૂબરૂ થઇ શકાય તેવા હેતુથી યાર્ડના સત્તાધિશો દ્વારા ગામડે ગામડે જઇને ખેડૂત સંવાદ યોજવા અંતર્ગત ‘ખેડૂતના ફળિયે, ખેતીની વાતો’ નામનો ખાસ કાર્યક્રમ શરૂ કરાયો છે. સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે ખેડૂતોની લાગણી અને માગણી મુજબ ખેડૂતોની મોટી હાજરી વચ્ચે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.
ખડસલી મુકામે ‘ખેડૂતના ફળિયે ખેતીના વાતો’ કાર્યક્રમ યોજાયો
મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા તા.25મી જૂલાઇએ ખડસલી મુકામે ‘ખેડૂતના ફળિયે ખેતીના વાતો’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહૂવા યાર્ડના ડાયરેક્ટર પ્રવિણભાઇ કથીરિયા, ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ અને સાવરકુંડલા યાર્ડના ચેરમેન દીપકભાઇ માલાણી, ખડસલીના વતની એવા અગ્રણી ઉદ્યોગપતિ કે.કે.માલાણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ખેડૂતલક્ષી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી
આ બેઠકમાં ખેડૂતોને ડુંગળીના પાક વિષે અને મહૂવા બજાર સમિતીની ખેડૂતલક્ષી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. તાજેતરમાં સફેદ ડુંગળીને ડીહાઇડ્રેટ કરી વિદેશ નિકાસ કરવામાં પેસ્ટીસાઇડના અવશેષો વિશે વિવાદ ઉભો થતા, નિકાસ માટે પેસ્ટાઇડ્ઝમુક્ત ડુંગળી પકવવી જરૂરી બની છે. અન્યથા ભવિષ્યમાં નિકાસને અસર થઇ શકે જેનાથી ડીહાઇડ્રેશન ઉદ્યોગ અને ખેડૂતો પણ પ્રભાવિત થાય, જેને કારણે સૌરાષ્ટ્રભરમાં ડુંગળીના પાકને અસર થઇ શકે તેમ છે.
ડુંગળીના પાકને લઈને ચર્ચા કરાઈ
ડુંગળીમાં સારા ભાવો મેળવવા ખેડૂતોએ ડુંગળીમાં ઝેરી દવાઓ અને રસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી, બેક્ટેરિયા વધે તેવા પ્રયત્નો કરી ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદન લેવું ફરજિયાત બની રહશે ત્યારે ખેડૂતોએ આ બાબતે ગંભીરતાથી ડુંગળીની ખેતી પદ્ધતિમાં આમુલ પરિવર્તન લાવવું જરૂરી બન્યું છે. ચર્ચામાં આ મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો. દરમિયાન મહૂવા યાર્ડ દ્વારા ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવાયું હતું. યાર્ડ આવકની 40 ટકા સુધીની રકમ વિવિધ પ્રકારે ખેડૂતલક્ષી કાર્યક્રમોના આયોજનો કરવામાં આવતા હોવાનું પણ જણાવાયું હતું.
આ પ્રકારના કાર્યક્રમો મહૂવા પંથકના ગામડાઓમાં તેમજ ખેડૂતોની માગણી અનુસાર અન્ય તાલુકાઓમાં પણ યોજાશે તેવો નિર્દેશ અપાયો હતો.
Share your comments