ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ગ્રામીણ અર્થ-વ્યવસ્થાને મજબૂત બનાવવા કૃષિ અને પશુપાલનના વ્યવસાયને વધુ મહત્ત્વ આપવું જરૂરી છે. તેમણે દૂધાળા પશુધનને ભારતની આર્થિક સમૃદ્ધિના મહત્વના પરિબળ તરીકે ગણાવી તેમની નસલ સુધારણા માટે ઘનિષ્ઠ પ્રયાસ થાય તેવો આગ્રહ પણ કર્યો હતો.
ગુજરાતની કામધેનુ યુનિવર્સિટીના દશ વર્ષ સમાપન સમારોહના ઉપલક્ષમાં યોજાયેલા "કોરોના પછીના સમયમાં દેશના આર્થિક વિકાસમાં પશુપાલન વ્યવસાયની ભૂમિકા' વિષયક વેબિનારમાં રાજ્યપાલે વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દૂધાળા પશુઓના અને ખાસ કરીને દેશી નસલની ગાયના જતન-સંવર્ધન અને નસલ સુધારણા ક્ષેત્રે કામધેનુ યુનિવર્સિટી વૈજ્ઞાનિક સંશોધનો અને વિવિધ પ્રોત્સાહનો દ્વારા અભિયાન ચલાવે. રાજ્યપાલે કોરોના સામે લડવા રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઉપર ભાર મૂકી જણાવ્યું હતું કે, હવેના સમયમાં ઇમ્યુનિટી વધારવા ઉપર લોકો ભાર મૂકશે ત્યારે રાસાયણિક પદ્ધતિથી થતી કૃષિ દ્વારા ઉત્પાદિત ઝેરયુક્ત ખાદ્યાન્નને બદલે પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત અને રોગપ્રતિકારક શક્તિ વધારતા ખાદ્યાન્નને ખરીદવાનું લોકો વધારે પસંદ કરશે ત્યારે પદ્મશ્રી સુભાષ પાલેકરજી પ્રેરિત પ્રાકૃતિક કૃષિને અપનાવવા તેમણે ખેડૂતોને અનુરોધ કર્યો હતો. દેશી ગાય દ્વારા થતી આ પદ્ધતિને રાજ્યપાલે રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે અને દેશી ગાયના જતન-સંવર્ધન માટે આ પદ્ધતિ આવશ્યક ગણાવી હતી.
રાજ્યપાલે એમ પણ જણાવ્યું હતું કે, દેશી નસલની ગાય અને અન્ય દેશી ઓલાદોને નસલ સુધારણા દ્વારા એટલી ઉન્નત કારીએ કે ખેડૂતો અને અન્ય પશુપાલકો આવા પશુધનને પાળવા સતત તૈયાર રહે જેનાથી રખડતાં ઢોરનો પ્રશ્ન પણ હલ થશે અને કૃષિ તેમજ પશુપાલન દ્વારા ખેડૂત અને પશુપાલકો સમૃદ્ધ થશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાના સપનાંને સાકાર કરવા પ્રાકૃતિક કૃષિ અને જાતવાન પશુધન દ્વારા થતાં પશુપાલન વ્યવસાયને મહત્વના ગણાવી આ ક્ષેત્રે કામધેનુ યુનિવર્સિટીને નક્કર અભિયાન ચલાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ પશુપાલન ક્ષેત્રે નસલ સુધારણા માટેના સંશોધનોને આવશ્યક ગણાવી કામધેનુ યુનિવર્સિટી આ ક્ષેત્રે દેશભરમાં ઉદાહરણરૂપ કાર્ય કરશે, તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે ડેરી ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતનાં સહકારી મોડેલથી આવશ્યકતા ઉપર પણ ભાર મૂક્યો હતો.
આ વેબિનારમાં ઉપસ્થિત રાજસ્થાન પશુ ચિકિત્સા અને પશુ વિજ્ઞાન યુનિવર્સિટી-બીકાનેરના પૂર્વ કુલપતિ ડૉ. એ. કે. ગહલોતે જણાવ્યું હતું કે, દેશભરમાં રોજગારી પૂરી પાડવામાં કૃષિ અને પશુપાલન ક્ષેત્ર અગ્રેસર છે. તેમણે ઉમેર્યું હતું કે, પશુપાલન, ડેરી ક્ષેત્ર અને મત્સ્યોદ્યોગને મહત્વ આપીને કેન્દ્ર સરકારે આ માટે અલગ વિભાગની રચના કરી છે. આ ક્ષેત્રોનો પુન: પ્રવૃત્ત થવાનો દર ઊંચો હોવાથી કોરોના સમય બાદ દેશના આર્થિક વિકાસમાં કૃષિ, પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ જેવા ક્ષેત્રોની ચાવીરૂપ ભૂમિકા રહેશે. જ્યારે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડૉ. વલ્લભ કથિરીયાએ કોરોનાની આપત્તિને અવસરમાં પલટાવી પશુપાલન વ્યવસાયને વધુ મજબૂત બનાવવા તેમજ દેશી ગાયની નસલને વધુ ઉન્નત બનાવવા અનુરોધ કર્યો હતો. આ માટે તેમણે સંશોધન અને વિકાસ ઉપર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે પશુપાલન અને સહકાર વિભાગના સચિવ મનીષ ભારદ્વાજે રાજ્યમાં પશુપાલનની પ્રવૃત્તિ અને ભાવિ વિકાસ વિશે ચિતાર આપ્યો હતો. જ્યારે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન. એચ. કેલાવાલાએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી યુનિવર્સિટીની એક દાયકાની સફરની સાફલ્યગાથા વર્ણવી હતી.
આ વેબિનારમાં કેન્દ્રના પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી ગિરિરાજ સિંઘ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત પશુપાલન વિભાગના નિયામક ડૉ. એફ. એસ. ઠાકર, પૂર્વ કુલપતિઓ ડૉ. પી. એચ. વાટલિયા અને ડૉ. એમ. સી. વાર્ષ્ણેયાએ વિડીયો સંદેશ દ્વારા શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઈ-સોવેનિયરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
Share your comments