તાલાળા માર્કેટિંગ યાર્ડમાં સભા બાદ ખેડૂતોએ વરસતા વરસાદમાં રેલી શ્વરૂપે જઇ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.ગીર પંથકના 40 ટકા ખેડૂતો હજુ’ય વાવાઝોડાની સહાયથી વંચિત, ખેડૂતોએ રોષ ઠાલવી મામલતદારને રજૂઆત કરી હતી.
તાલાળા પંથકમાં હજુ પણ ચાલીસ ટકા ખેડૂતો વાવાઝોડાની સહાયથી વંચિત છે, બાગાયત ખેડૂતોને પ્રતિ હેક્ટરે રૂપિયા 30 હજાર ખુલ્લી જમીનમાં હેક્ટરે રૂપિયા 20 હજાર સહાય ચૂકવવાના સત્તાવાર પરિપત્રનો પણ સ્થાનિક વહીવટતંત્ર દ્વારા ઉલાળિયો થઇ રહ્યો હોય તેવા માહોલ વચ્ચેવિરોધ વ્યક્ત કરવા ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડ ખાતે વરસતા વરસાદ વચ્ચે મોટી જાહેર સભા યોજી હતી. સભા બાદ ખેડૂતોએ રેલી કાઢી સરકારના ખેડૂત વિરોધી કાયદા સામે રોષ વ્યક્ત કરી ઉચ્ચ અધિકારીને રજૂઆતો પણ કરી હતી.
ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સરકારના પરિપત્રને બદલે સ્થાનિક અધિકારીઓએ સર્વે થયેલ ખેડૂતોને મનમાની કરી સહાય ચૂકવી ખેડૂતોની સાથે મજાક કરી હળાહળ અન્યાય કર્યો છે. પરિણામે વાવાઝોડાનો ભોગ બનેલ ચાલીસ ટકા ખેડૂતોને મળવાપાત્ર સહાયમાંથી બાદબાકી થઇ ગઇ હોઇ, આ અંગે ત્વરિત તપાસ કરી જવાબદાર અધિકારી સામે કાયદા મુજબ કાર્યવાહી કરી ખેડૂતોને યોગ્ય ન્યાય આપવા માગણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, તાલાળા પંથકની પ્રજા તથા ગીરના સિંહો સહિત લાખો વન્યપ્રાણીઓને આશિર્વાદરૂપ કમલેશ્વર ડેમને સૌની યોજનામાં સમાવેશ કરવાની માગણી કરવામાં આવી હતી. સત્તાધાર પાસે આંબોજળ ડેમથી કમલેશ્વર ડેમ માત્ર સાત કિલોમીટર દૂર હોય, કમલેશ્વર ડેમને પણ સૌની યોજનાનો લાભ મળે તે જરૂરી હોવાનું જણાવાયું હતું. આ સિવાય રજૂઆતમાં ખેડૂતોને સ્પર્ષતા અન્ય કેટલાક પ્રશ્નોનો પણ સમાવેશ કરાયો હતો.
Share your comments