કેન્દ્ર સરકાર દ્વારા તેલ ઉત્પાદન કરતી ફેક્ટરીઓ માટે જે સ્ટોક નિયંત્રણની વાત થઇ રહી છે તે વાજબી નથી. તેનાથી ખેડૂતોને ઘણુ બધુ નુકસાન જશે.
સરકાર દ્વારા તેલમાં સ્ટોક નિયંત્ર કરવાના નિર્ણયનો ઓઇલ મીલરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે ખાદ્યતેલોના ભાવને અંકુશમાં લેવાનું કારણ રજૂ કરી ખાદ્યતેલોમાં સ્ટોક નિયંત્રણ લાદવામાં આવ્યું હોઇ, જે બાબતે જાત જાતની પ્રતિક્રિયા સામે આવી રહી છે. કિસાન સંઘના રાજકોટના હોદ્દેાર દીલીપ સખિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેલમાં સ્ટોક નિયંત્રણ મુદ્દે પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી.
ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે, ‘‘કેન્દ્ર સરકાર દ્વારા તેલ ઉત્પાદન કરતી ફેક્ટરીઓ માટે જે સ્ટોક નિયંત્રણની વાત થઇ રહી છે તે વાજબી નથી. તેનાથી ખેડૂતોને ઘણુ બધુ નુકસાન જાશે. અત્યારે મગફળીની સીઝન છે અને મગફળીની આવક થઇ રહી છે જો એમાં ખરીદી નહીં થાય તો ખેડૂતોને ભાવ નહીં મળે. સરકારનું કહેવું એવું છે કે, 2022માં ખેડૂતોની આવક બમણી કરવી છે, પરંતુ સરકારની નીતિ અને રીતિ એવી લાગે છે કે, ખેડૂતોની આવક બમણી નહીં પરંતુ અડધી સો ટકા થઇ જશે. વિદેશથી પામ ઓઇલ મંગાવવાની શું જરૂર છે ? આપણો દેશ જ્યારે ખેતી પ્રધાન દેશ છે અને ખેતીની અંદર આવડું મોટું ઉત્પાદન થઇ રહ્યું છે તો પામ ઓઇલ પકાવતો મલેશિયા દેશ અત્યારે કરોડો અબજોપતિ આપણા દેશના રૂપિયાથી થઇ ગયો છે. તો સરકાર તાત્કાલિક પામઓઇલને સો એ સો ટકા બંધ કરવું જોઇએ અને આપણા જે તેલીબિયાણ પાકો છે મગફળી, તલ અને કપાસનું વધારેમાં વધારે ઉત્પાદન થાય તેવો સરકારે પ્રયત્ન કરવો જોઇએ અને આપણા દેશના ખેડૂતો મજબૂત બને તેવી સરકારની ઇચ્છા હોવી જોઇએ, એટલે તાત્કાલિક સરકાર ટોટલી તેલની આયાત બંધ કરી આપણા દેશના ખેડૂતોનો વિકાસ થાય તે દિશામાં આગળ વધે તો સરકાર ખેડૂતોના હીતની છે તે સાબિત થઇ શકે.’’
આ પણ વાંચો - કેંદ્ર સરકારની આ પાંચ યોજનાઓથી ખેડૂતોને થશે લાભ
Share your comments