આલેખનઃ રમેશ તન્ના
અમદાવાદની અરવિંદ મિલના માલિક કસ્તુરભાઈ લાલભાઈ ઘસાયેલાં કપડાં પહેરતા. કરોડો લોકો માટે કપડાંનું ઉત્પાદન કરનારા અને શિક્ષણ ક્ષેત્ર માટે ક્ષણ માત્રમાં લાખો-કરોડો રૂપિયાનું દાન આપનારા આ શ્રીમંતને થીગડાંવાળાં કપડાં પહેરવામાં ક્યારેય કોઈ ક્ષોભ થતો નહીં. એક વખત તેમનો અત્યંત ઘસાઈ ગયેલો કોટ બતાવીને તેમના મુનિમે કહ્યું કે હવે તમારે કોટ બદલવાની જરૂર છે. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે મારે આ કોટ ૩૧મી ડિસેમ્બર સુધી ચલાવવાનો છે. કસ્તુરભાઈ ધારે તો દિવસમાં એક ડઝન વખત બદલીને પહેરે એટલાં કપડાં વસાવી શકે. જોકે તેઓ સમજતા હતા કે વ્યક્તિએ સાદાઈ અને કરકસરથી જીવન જીવવું જોઈએ.
મહાત્મા ગાંધીની વાત તો ખૂબ જાણીતી છે. તેઓ પોતાના શરીર પર માત્ર એક વસ્ત્ર પહેરતા. તેઓ માત્ર ધોતિયું પહેરતા. ઉપવસ્ત્ર પહેરતા નહીં એટલે શરીરનો ઉપરનો ભાગ તો ખુલ્લો જ રહેતો. એક વસ્ત્ર પહેરવાનો નિર્ણય તેમણે બિહારમાં કરેલો.
ચંપારણમાં ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો ત્યારે કસ્તુરબા સ્થાનિક શ્રમિક મહિલાઓને તેનું આમંત્રણ આપવા ગયેલાં. એક બંધ ઘરની બારીમાંથી ત્રણ મહિલાઓએ કસ્તુરબા સાથે વાત કરી. કસ્તુરબાએ સત્યાગ્રહની વાત સમજાવીને કહ્યું કે તમે ત્રણેય બહેનો આવજો. બહેનોએ ઘરમાંથી જવાબ આપેલો કે અમે ત્રણેય નહીં આવીએ, અમારા ત્રણમાંથી કોઈ એક બહેન આવશે. કસ્તુરબાને નવાઈ લાગી. તેમણે પૂછ્યું, ‘એમ કેમ ? કેમ ત્રણેય નહીં આવો ?’ બહેનોનો જવાબ સાંભળીને કસ્તુરબા સ્તબ્ધ થઈ ગયાં. બહેનોએ કહ્યું કે "અમારી ત્રણેય બહેનો વચ્ચે પહેરવા માટે એક જ સાડી છે. અમે વારાફરથી એ સાડી પહેરીએ છીએ. એક સાડી છે એટલે તેને પહેરીને કોઈ એક જણ આવીશું."
કસ્તુરબાએ ગાંધીજીને આ વાત કરી. ગાંધીજીએ એ દિવસથી નિર્ણય કર્યો કે હું મારા શરીર પર માત્ર એક જ વસ્ત્ર પહેરીશ. એ દિવસથી તેમણે માત્ર ધોતી પહેરવાનું શરૂ કર્યું. ૧૯૧૭થી મૃત્યુ પર્યંત ૧૯૪૮ સુધી, એટલે કે ૩૧ વર્ષ તેમણે પોતાના શરીર પર માત્ર એક જ વસ્ત્ર ધારણ કર્યું હતું. સરદાર પટેલ પણ ખૂબ સાદું જીવન જીવતા. સ્વતંત્રતાની લડતમાં જોડાયા પછી તેઓ ખાદીનાં કપડાં પહેરતા. તેમની પાસે પણ ઘણી ઓછી જોડ કપડાં હોતાં. સરદાર પટેલનાં ખાદીનાં ધોતિયામાંથી તેમનાં દીકરી મણિબહેન પોતાનાં બ્લાઉઝ સીવતાં. (ભારતના નાયબ વડાપ્રધાન સરદાર પટેલ ચશ્માંની તૂટેલી દાંડીને દોરીથી બાંધીને ચલાવતા.)
ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ પોતાનાં કપડાં પહેરી પહેરીને એટલાં બધાં ઘસી નાખતા કે એ કપડાં પછી પોતાં કરવામાં પણ કામ ના આવતાં. ગૂજરાત વિદ્યાપીઠના સમાજ કાર્ય વિભાગનાં વડાં આનંદીબહેન પટેલ પાસેથી રવિશંકર મહારાજની એક વાત સાંભળી હતી. મહારાજ એક વખત ગૂજરાત વિદ્યાપીઠના ઉપાસના ખંડમાં કાર્યક્રમ દરમિયાન દિવાલથી દૂર બેઠા હતા. કોઈકે કહ્યું કે દાદા, દિવાલને ટેકો દઈને બેસોને ! દાદાએ કહ્યું કે "જો હું દિવાલને ટેકો દઈને બેસું તો મારો ઝભ્ભો ઘસાઈ જાય અને તેથી ઝભ્ભો ઓછો ચાલે."
તેઓ બે જ ઝભ્ભા રાખતા. એક ઝભ્ભો પહેરેલો હોય અને એક ખીંટીએ ટીંગાળેલો હોય. મહારાજ ઝભ્ભો ઘસાય નહીં તે માટે દીવાલને અડીને ના બેસતા. એ વખતના મોટા ભાગના લોકો આ રીતે જીવન જીવતા. કપડાં ઓછાં રાખતા. બે-ત્રણ જાડી તો બહુ થઈ ગઈ. ઉપરાંત કપડાં એટલી બધી વખત પહેરતા કે તે ઘસાઈને ફાટી જતાં.
આજે તો સ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે. શ્રીમંત અને મધ્યમવર્ગના લોકોનાં ઘર કપડાંથી ભરેલાં હોય છે. લોકો શરીરને ઢાંકવા કે તેની સુરક્ષા કરવા માટે કપડાં નથી પહેરતા, પરંતુ શરીરનો શણગાર કરવા માટે કપડાં પહેરે છે. ૧૫-૨૦ જોડ કપડાં હોય તો પણ લોકો નવાં નવાં કપડાં ખરીદે છે. બહેનોને તો ખરીદીની બિમારી હોય છે. કબાટમાં ૧૦-૧૨ સાડી પડી હોય તો પણ તેમને નવી સાડી જોઈતી હોય છે. એક સાડી એક વખત પહેરાઈ ગયા પછી એ સાડીને બીજી વખત પહેરવામાં હવે બહેનોને શરમ આવે છે. ‘નવા પ્રસંગે નવી સાડી’ તેવો વણલખ્યો નિયમ થઈ ગયો છે. એમાંય લગ્ન ઇત્યાદિ પ્રસંગે તો અત્યંત મોંઘી સાડીઓ ખરીદવામાં આવે છે. ગની દહીંવાલાની જાણીતી ગઝલ, "દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૃર મિલન સુધી" માં એક પંક્તિ આવી આવે છેઃ "તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી ! તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી."
શ્રાવણ મહિનામાં વરસાદ આવે કે ના આવે, સાડીઓનાં સેલ જરૂર આવે છે. બહેનો ગાંડીતૂર બનીને, બેફામ થઈને, બેભાનાવસ્થામાં સાડીઓની ખરીદી કરે છે. જે દેશમાં કરોડો લોકોને અંગ ઢાંકવા માટે વસ્ત્ર ન મળતાં હોય એ દેશમાં વસ્ત્રોની આટલી મોટી ખરીદી અને તેનો ઉપયોગ એ અસંવેદનશીલતા અને માનવતાવિહીન સમાજનું લક્ષણ કહી શકાય.
થોડા સમય પહેલાં એક લેખ વાંચ્યો હતો. તેનું શીર્ષક હતું ‘પાયજામો’.
એક વખત એક પાયજામો પહેરેલા ભારતીયને એક અંગ્રેજે પૂછ્યું, તમારું આ દેશી પેન્ટ (પાયજામો-લેંઘો) કેટલા દિવસ ચાલે છે ?
ભારતીયે જવાબ આપ્યોઃ "કાંઈ ખાસ નહીં, હું આ પાયજામો બે વર્ષ પહેરું છું. એ પછી શ્રીમતીજી તેને નાનો કરી નાખે છે. એ પછી અમારો દીકરો રાજુ એકાદ વર્ષ તેને ચડ્ડી તરીકે પહેરે છે. એ પછી શ્રીમતીજી તેમાંથી ઓશિકાનાં કવર બનાવે છે. એકાદ વર્ષ એ કવર ચાલે છે પછી ઘસાયેલાં એ કવર ઝાડું-પોતામાં કામ આવે છે."
અંગ્રેજે કહ્યું કે એ પછી તો તમે એને ફેંકી દેતા હશોને ?
ભારતીયે કહ્યું કે "ના, ના. એ પછી તો છ મહિના સુધી હું તેનાથી મારાં બૂટ ચમકાવું છું. એ પછી એ કપડાંમાંથી અમે એ લૂગડાંનો દડો બનાવીએ. છોકરાઓ તેનાથી ક્રિકેટ રમે અને છેલ્લે એ કપડાંમાંથી કોલસાની સગડીને સળગાવવા માટે કાકડી બનાવવામાં આવે. હજી પણ તેનો ઉપયોગ થાય. એની રાખ થાય એનાથી વાસણ માંજવામાં આવે." આટલું સાંભળીને અંગ્રેજ આભો બની ગયો.
પાયજામો-ચડ્ડી-ઓશિકાનાં કવર-પોતું- બુટ ચમકાવવા માટેનું કપડું- દડો-સગડી માટેની કાકડીઃ આ રીતે એક જમાનામાં તો એક જ કપડાંના સાત સાત અવતાર થતા. આ વાત જો આજની પેઢીને સંભળાવીએ તો તેઓ પણ બેભાન જ થઈ જાય.
કપડાં એ શરીરને ઢાંકવા માટેની જરૂરિયાત છે. જ્યારે આપણે એને વૈભવ ગણવા માંડીએ છીએ, કોઈના પર પ્રભાવ પાથરવા માટેનું સાધન માની લઈએ છીએ, તેને સ્ટેટ્સ માનવા લાગીએ છીએ, તેને ફેશન બનાવી દઈએ છીએ, જરૃરિયાત કરતાં અનેક ગણાં વધારે કપડાં વાપરવા માંડીએ છીએ ત્યારે અનેક પ્રકારની અસમાનતા ઊભી થાય છે. **
તુલસીપત્રઃ
પ્રત્યેક વધારાનું વસ્ત્ર કોઈ પાસેથી છીનવેલું હોય છે એ હકીકત આપણે ક્યારે સમજીશું ? આપણે વધારે વસ્ત્રો ખરીદીને જાણે-અજાણે વિશ્વની નગ્નતામાં ફાળો આપીએ છીએ ?
આ પણ વાંચો:ભોળા કબૂતરની ચરક જીવલેણ હોય છે ?, નિર્દોષ પારેવાની હગાર માણસના ફેફસાંને ખલાસ કરી શકે છે ?
Share your comments