રાજ્યમાં ચોમાસાની શરૂઆત બાદ વરસાદે વિરામ લીધો હતો. જોકે છેલ્લા 3-4 દિવસથી ફરી વરસાદે ધમાકેદાર રિ-એન્ટ્રી કરી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે ફરી ચોમાસું સક્રિય થયું છે.
5 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
ભારેથી અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના
સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં સીઝનનો 19.72 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 19.72 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સરેરાશ 23.29 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં 17.87 ટકા વરસાદ, મધ્ય ગુજરાતમાં 18.86 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં 19.97 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 19.46 ટકા વરસાદ વરસ્યો છે.
Share your comments