પ્રાચીન કાળથી માનવીની મુખ્ય ત્રણ જરૂરીયાતો કેન્દ્ર સ્થાને રહી છે અને તે છે અન્ન, વસ્ત્ર તથા આવાસ. ભારત એ ખેતી પ્રઘાન દેશ છે પરતું આજના આઘુનિક સમયમાં માનવીની આકાંક્ષાઓ અને જરૂરીયાતો વધવાના કારણે આજે ખેતીની જમીન દીવસે ને દીવસે ઘટી રહી છે. સતત વિકાસ પાછળ દોડતો માનવી આજે ખેતીલાયક જમીન પર વિશાળ ઉદ્યોગો અને મોટા મોટા શહેરો બનાવી રહ્યો છે જે આજના આઘુનિક સમયની વાસ્તવિકતા છે. છતા પણ આજે એ વાતનો સ્વીકાર કરવો રહ્યો કે ખેતી એ વ્યકિતને સ્વાવલંબન તરફ દોરી જાય છે. આજના આઘુનિક સમયમાં પણ શહેરોમાં વસતા લોકોના મનમાં ટેરેશ ગાર્ડનીંગ(ધાબા ખેતી) જેવા એક નવા સ્વાવલંબી વિચારનું સર્જન થયું છે. ધાબા ખેતીની વાત કરવામાં આવે ત્યારે ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠને અચૂક યાદ કરવી રહી. ગૂજરાત વિદ્યાપીઠ ઘણા વર્ષોથી ધાબા ખેતીના પ્રયોગો કરી રહી છે અને સફળતા પણ મેળવી છે.
આજના વર્તમાન સમયમાં ટેરેશ ગાર્ડનીંગ(ધાબા ખેતી) શહેરી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. ત્યારે ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠે ઓર્ગેનિક ધાબા ખેતીની એક આગવી પહેલ કરી છે. ગૂજરાત વિદ્યાપીઠમાં ઉદ્યોગ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે અને તેના એક ભાગરૂપે વિદ્યાર્થીઓને સાથે રાખીને અહીંયા ધાબા ખેતી કરવામાં આવે છે જેમા મુખ્યત્વે દુઘી, મરચા, પાલક, ગલકા, તુરીયા, મેથી, ધાણા, રીંગણ, તાંદળજો જેવા શાકભાજી ઉગાડવામાં આવે છે અને આ શાકભાજીનો ઉપયોગ ફક્ત વિદ્યાર્થીઓના ભોજન તૈયાર કરવા માટે જ થાય છે. ગૂજરાત વિદ્યાપીઠમાં કરવામાં આવતી ઓર્ગેનિક ધાબા ખેતી અંગે વઘુ માહિતી આપતા ગૂજરાત વિદ્યાપીઠના નિયામકશ્રી ડૉ.રાજેન્દ્ર ખીમાણી જણાવે છે કે, ધાબા ખેતીએ રસનો વિષય છે. આજે શહેરોમાં જેની પાસે ટેરેશ(ધાબા) છે તેઓ આ તરફ વળ્યા છે પણ સાથે જ કેટલીક મર્યાદાઓ પણ છે. જેના કારણે આજે ધાબા ખેતી કરવી થોડી મુશ્કેલ બની શકે તેમ છે. તેઓ વઘુમાં જણાવે છે કે, આજે જે લોકો હાઈડ્રોપોનિક્સ ખેતી કરી રહ્યા છે. તે એક પ્રકારની કુત્રિમ ખેતી કહી શકાય. જે સૌથી વઘારે ખર્ચાળ છે. માટે ધાબા ખેતીનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય એજ છે કે અમારા વિદ્યાર્થીઓને ઉદ્યોગ દ્વારા શિક્ષણ મળે અને આજના વર્તમાન સમયમાં ધાબા ખેતીની એક આગવી સમજ ઉભી થાય.
ગૂજરાત વિદ્યાપીઠમાં ધાબા ખેતીની સંભાળ રાખતા શ્રી હિતેશભાઈ જણાવે છે કે, આજે જ્યારે રાસાયણિક ખાતર અને દવાઓનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ગૂજરાત વિદ્યાપીઠે ઓર્ગેનિક ધાબા ખેતી કરીને એક આગવી ઓળખ ઉભી કરી છે. શહેરીજનો ઓર્ગેનિક ખેતી કરતા થાય તે માટે અહીંયા ૦૪ કરતા વધુ ઓર્ગેનિક ધાબા ખેતીના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના ૪૦ કરતાં વધારે લોકોએ તાલીમ લઇને પોતાના ઘરે ઓર્ગોનિક કિચન ગાર્ડનીંગની પહેલ કરી છે. અમારી આ ઓર્ગેનિક ધાબા ખેતીને જોવા અને શીખવા માટે ૫૦૦ કરતાં વઘારે લોકો મુલાકાત કરી ગયા છે. તેઓ વઘુમાં જણાવે છે કે કિચન ગાર્ડનીંગ(ધાબા ખેતી)માં ગૃહિણીઓ સૌથી વઘારે જોડાયેલ છે માટે આ એક એવું કામ છે જે તમારી અંદર રહેલી હતાશાને દુર કરે છે. માટે આજના સમયમાં ધાબા ખેતી એક ઉત્તમ કાર્ય અને શહેરના લોકો માટે રસનો વિષય બની શકે છે.
યંત્રો અને પશ્ચિમી સંસ્કૃતિનાં રંગે રંગાયેલ માનવી આજે ગામડાઓ અને ખેતીથી દુર થયો છે. આજે ખેતીલાયક જમીનો પર ઉઘોગો અને શહેરો વિકસી રહ્યા છે. ત્યારે વિચાર કરવો રહ્યો કે શું આવનાર સમયમાં ખેતી માટે જમીનો હશે ખરી ? માટે આજના સમયમાં ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવેલ ઓર્ગેનિક ધાબા ખેતીની પહેલ આવનાર સમયમાં શહેરીજનો અને તેમના બાળકોને ખેતી અને માટી સાથે જોડવાનું કામ કરશે. અંતે એજ કે ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠની ઓર્ગેનિક ધાબા ખેતીની આ અનોખી પહેલ ગાંધીજીના સ્વાવલંબી વિચારને સાર્થક કરે છે.
ગાંધીજીનો જીવન કેળવણી સંદેશ
ગામડાના લોકોનું ગુજરાત ખેતી પર ચાલે છે. મને પહેલેથી જ શ્રદ્ધા છે કે, આ દેશના વાસીઓને માટે ખેતી જ એકમાત્ર અતુટ અને અટલ સહારો છે. જો આપણા લોકો ખાદીને બદલે ખેતીમાં પારંગત થઇને લોકોની સેવા કરશે તો મને અફસોસ નહીં થાય. હવે ખેતી તરફ ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. ખેડૂત ધરતીનું નૂર છે અને જમીન તેની છે અથવા હોવી જોઇએ-ઘરે બેસીને ખેતી કરાવનાર માલિક કે જમીનદારની નહીં.
Share your comments