આજે સમગ્ર વિશ્ર્વ કોરોના મહામારી સામનો કરી રહ્યો છે.ત્યારે ચોક્કસ કહેવું પડે કે આજના આઘુનિક સમયમાં માનવીએ સમગ્ર વિશ્ર્વને એક એવી ગ્લોબલ વોર્મીગ નામની સમસ્યા ભેટમાં આપી છે.જેના કારણે આજે કુદરતી પંચતત્વોની સમતુલા ખોરવાઇ ગઇ છે.ત્યારે કુદરતે આપેલ અમૂલ્ય વારસાનું સંરક્ષણ કરીને ગૂજરાત વિદ્યાપીઠ જાણે ગ્લોબલ વોર્મિંગ સામે જંગ લડી રહી હોય તેમ લાગે છે.આજના સમયમાં ચોમાસાના પાણીનો સંગ્રહ એ અતિ જરૂરિયાત છે.ત્યારે ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠે પાણી બચાવવા માટે એક નવતર પ્રયોગ કર્યો છે.અને તેમાં સફળતા પણ મેળવી છે.ગૂજરાત વિદ્યાપીઠમાં ખંભાતી કૂવા દ્રારા વરસાદી પાણીનો સંગ્રહ કરી પર્યાવરણ બચાવવામાં આવી રહ્યું છે.ત્યારે ચોક્કસ કહવું પડે કે ગૂજરાત વિદ્યાપીઠની આ વ્યવસ્થા સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી બની રહશે.
મેગાસિટી અમદાવાદની મધ્યમાં આવેલ ગૂજરાત વિદ્યાપીઠનું પરીસર આપણને ગામડાની અનુભૂતિ કરાવે છે.ગૂજરાત વિદ્યાપીઠ પરીસરમાં પ્રવેશતાની સાથે જ અસંખ્ય ઝાડ અને તેની શીતળતા મનને શાંતી આપે છે.પરંતુ આ લીલોતરી અને શીતળતા પાછળ ગુજરાત વિદ્યાપીઠ ની દીર્ગ દ્રષ્ટિ પણ જોવા મળી રહી છે.ગૂજરાત વિદ્યાપીઠમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જેના માટે ગુજરાત વિદ્યાપીઠ પરીસરમાં ૧૧ જેટલા ખંભાતી કુવા બનાવવામાં આવ્યા છે.સાથે જ ગૂજરાત વિદ્યાપીઠના અન્ય પરીસર જેવા કે સાદરા મુકામે ૦૮ ખંભાતી કૂવા અને રાંઘેજા મુકામે ૦૫ ખંભાતી કૂવા બનાવ્યા છે,જેના થકી વરસાદી પાણીનો સીધો સંગ્રહ કરવામાં આવે છે.અને વરસાદી પાણીને જમીનમાં ઉતારીને પર્યાવરણ બચાવવામાં આવે છે. અહીં 25 થી 30 ફૂટની ઊંડાઈ ધરાવતા ખંભાતી કુવા બનાવવામાં આવ્યા છે. જે ખાળ કુવા પદ્ધતિથી વરસાદમાં ભરાતા પાણી ને સીધું જમીન સુધી પહોંચાડે છે.
ગૂજરાત વિદ્યાપીઠમાં આવેલ ખંભાતી કૂવાઓએ મુલાકાતીઓ માટે એક આગવી ઓળખ ઉભી કરી છે.ત્યારે ગૂજરાત વિદ્યાપીઠનાં એસ્ટેટ વિભાગના અધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ જણાવે છે કે ગૂજરાત વિદ્યાપીઠ પરીસર આશ્રમ રોડ અને રેલ્વે લાઈનની મધ્યમાં હોવાના કારણે વરસાદી પાણી પરીસરમાં ખુબજ ભરાઈ જતું હતું,જેના કારણે અનેક સમસ્યાઓ ઉભી થતી હતી.માટે ૨૦૧૧માં જીવનતીર્થ સંસ્થામાથી પ્રેરણા લઈને અમે પરીસરમાં ખંભાતી કૂવાઓ બનાવ્યા.આ કૂવાને કારણે વરસાદ રોકાય જવાને ૦૧ થી ૦૨ કલાકની અંદર જ પરીસરનું સમગ્ર પાણી ખંભાતી કૂવામાં જતું રહે છે.તેઓ વઘુમાં જણાવે છે કે ખંભાતી કૂવામાં એક ફિલ્ટર બેડ આવે છે.જેને દર વર્ષે ચોમાસા પહેલા તેની સફાઇ કરાવવી જરૂરી છે.સામાન્ય રીતે એક ખંભાતી કૂવો બનાવવા માટે આશરે ૫૦ થી ૬૦ હજાર રૂપિયાનો ખર્ચ થતો હોય છે.પરતું આજે ગૂજરાત વિદ્યાપીઠની ગ્રીન સ્પેશ વધારવામાં ખંભાતી કૂવાઓની મહત્વની ભૂમિકા કહી શકાય.
આજે ગ્લોબલ વોર્મિગના કારણે વિશ્ર્વના ૮૦ દેશોમાં પાણીનો પ્રશ્ર્ન જટિલ બન્યો છે.વિશ્ર્વના ૪૦ ટકા લોકોને પીવાનું પાણી મળતું નથી.ત્યારે ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠે કુદરતના ટ્રસ્ટી બનીને વરસાદી પાણીનું સંચય અને સંરક્ષણ કરીને ખરા અર્થમાં પર્યાવરણની જાળવણી કરી છે.અંતે એજ કે આપણે પણ આ જીવસુષ્ટ્રીના ટ્રસ્ટી બનીને તેનું સંરક્ષણ કરવાનું છે.જેથી કરીને આપણી આવનાર પેઢીને પણ પીવા માટે ચોખ્ખું પાણી અને જીવવા માટે ચોખ્ખી હવા મળી રહે.
ગાંધી જીવનકેળવણી સંદેશ
પૃથ્વી,હવા,જમીન અને પાણી આપણા પૂર્વજોએ આપણને જે સ્થિતિમાં આપ્યા છે.તેજ સ્થિતિમાં આપણે આપણી પછીની પેઢીને આપવા જોઇએ.તેનું જતન એવી રીતે કરવું જોઇએ કે આ સંસાઘનો આવનારી પેઢીઓ માટે પણ પુરતા થઇ રહે.કુદરતી સંસાઘનો જે માનવીની જરૂરિયાત સાથે ગાઢ રીતે સંકળાયેલા છે.તેનો દુરઉપયોગ કરવાનો અઘિકાર કોઇનેય નથી.
Share your comments