આઝાદીના 75 વર્ષ નિમિત્તે ગુજરાત સરકારે રાજ્યના પોલીસકર્મીઓને મોટી ભેટ આપી છે. પોલીસકર્મીઓના પગાર વધારાના મુદ્દા પર વિરોધ બાદ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે રૂ. 550 કરોડના વાર્ષિક ફંડને મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 'પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆતો અને માંગણીઓને ધ્યાનમાં લઈને આ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી.' પટેલની અધ્યક્ષતામાં સમિતિની અનેકવાર બેઠકો થઈ હતી.
550 કરોડના વાર્ષિક ભંડોળને મંજુરી
તેમણે ટ્વિટ પોસ્ટમાં જણાવ્યુ હતુ કે "આ બેઠકો અને સમિતિની ભલામણોને સ્વીકારીને, પોલીસકર્મીઓ અને તેમના પરિવારના સભ્યોના કલ્યાણને ધ્યાનમાં રાખીને 550 કરોડ રૂપિયાના વાર્ષિક ભંડોળને મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે 20 એપ્રિલ, 2022ના રોજ રાજ્યના ગૃહ વિભાગને એક રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો અને તે પછી તેના માટે 550 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હવે કેટલો મળશે પગાર
પગાર વધારા સાથે, લોક રક્ષક દળ (LRD) ના કર્મચારીઓ, પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) નો વાર્ષિક પગાર વધીને રૂ. 3.47 લાખ, રૂ. 4.16 લાખ, રૂ. 4.95 લાખ અને રૂ. 5.84 લાખ થયો છે. જ્યારે વર્તમાન પગાર અનુક્રમે રૂ. 2.51 લાખ, રૂ. 3.63 લાખ, રૂ. 4.36 લાખ અને રૂ. 5.19 લાખ છે.
કેજરીવાલે ઉઠાવ્યો હતો મુદ્દો
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યાના થોડા જ દિવસો બાદ આ નિર્ણય આવ્યો છે. કેજરીવાલે દાવો કર્યો હતો કે ગુજરાત પોલીસમાં 20,000 રૂપિયાથી શરૂ થાય છે, જે દેશમાં સૌથી ઓછા છે. તેમણે કહ્યું હતું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો ગ્રેડ પેનો મુદ્દો ઉકેલવામાં આવશે અને તેમના માટે 'બેસ્ટ પે સ્કેલ' લાગુ કરવામાં આવશે.
ગૃહ પ્રધાનનો વળતો પ્રહાર
વળતા પ્રહારમાં, ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, આમ આદમી પાર્ટી રાજ્યના પોલીસ કર્મચારીઓને પગાર વધારો આપવાના ભાજપ સરકારના પ્રયાસોને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે, જેની તેઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો:હર ઘર તિરંગા અભિયાન થકી જામનગરની 300થી વધુ મહિલાઓએ મેળવી રોજગારી
Share your comments