પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ધરતપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યારસુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ ૧૩ જિલ્લાના ૪૮ તાલુકામાં પાક નુકશાની અંગેનો અહેવાલ મળ્યો હતો. જેમાં વહીવટી તંત્રએ કરેલા આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જન પ્રતિનીધીઓની રજૂઆતો મળી હતી. આ રજૂઆતોના આધારે રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમા અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત જાહેર કરાઈ છે.
આ પણ વાંચો: મણિપુરમાં આદિવાસી આંદોલન દરમિયાન હિંસા; આઠ જિલ્લામાં કર્ફ્યુ, મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત
મંત્રીએ ઉમેર્યું હતું કે, ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂ.૧૩,૫૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યારસુધીની સૌથી વધુ એવી વધારાની રૂ.૯,૫૦૦ પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકશાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર રૂ.૧૮,૦૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ.૧૨,૬૦૦ પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.૪૦૦૦ કરતાં ઓછી હશે, તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી રૂ.૪૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે.
કઈ રીતે કરશો અરજી?
આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.
Share your comments